Holocaust નો અર્થ અગ્નિમાં આહુતિ એવો થાય છે. આ મોહિમમાં ટુંકા સમયમાં એક કરોડ દસ લાખ માણસોને વગર વાંકે મારી નાખવામાં આવ્યા હતા.
૧૯૧૪ થી ૧૯૧૮ વચ્ચે થયેલા પ્રથમ વિશ્વયુધ્ધમાં પરાજય પામેલા જર્મનીમાં એક નવી વિચાર ધારાનો જન્મ થયો. આ વિચારધારા અનુસાર યહુદીઓ, જીપ્સીઓ, સર્બિયનો, પોલેન્ડના વિચારકો, નાઝી વિચારધારાનો વિરોધ કરતા લોકો, સમલૈંગિક સંબંધમાં માનનારાઓ, ગુનેહગારો, અસામાજીક તત્વો, ભિખારીઓ અને ફેરિયાઓ એ હલકા પ્રકારના મનુષ્યો હતા, અને માનવજાતી ઉપર બોજારૂપ હતા. આ વિચારધારાએ ૧૯૩૩ માં જર્મનીમાં હીટલરના સત્તા ઉપર આવ્યા બાદ ગતી ધારણ કરી, પણ એનો મોટેપાયે અમલ બીજા વિશ્વયુધ્ધ દરમ્યાન થયો.
૧૯૩૩ થી સત્તારૂઢ નાઝી પાર્ટીએ કાયદામાં ફેરફાર કરી, યહુદીઓને વકીલ કે જજ બનાવવાની મનાઈ કરી, યહુદી ડોકટરો પાસે જાય એવા લોકોને ઈનસ્યુરંસના પૈસા આપવાના બંધ કર્યા, યહુદી બાળકોને અન્ય જર્મન બાળકોવાળી શાળાઓમાં જતા રોક્યા અને યહુદીઓની દુકાનોનો બહિસ્કાર કર્યો.
હીટલરના રક્ષણ માટે રચાયલી SS નામની ફોજમાં થોડા સમયમાં જ લાખો જર્મન જોડાયા. આ લોકો યુનીફોર્મ પહેરતા અને સ્વસ્તિકનું ચિન્હ ધારણ કરતા. આ સિવાય Gestapo નામધારી જર્મનીમાં Secret Service વાળું અત્યાચારી પોલીસદળ હતું. SS અને Gestapo ની મદદથી નાઝીઓએ યહુદીઓ ઉપર અત્યાચાર ગુજારવાનું શરૂ કર્યું.
૧૯૩૯ માં બીજું વિશ્વયુધ્ધ શરૂ થયું. યુધ્ધ દરમ્યાન war economy ની જરૂરીઆતને પહોંચી વળવા વીસ હજાર જેટલી લેબરકેંપ્સમાં, લગભગ કેદી હાલતમાં રહેતા યહુદીઓ પાસેથી જાનવરોની જેમ કામ લેવામાં આવતું. જે કામ કરવાની આનાકાની કરે અથવા જે કામ કરવા અસમર્થ હોય એને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા. યુધ્ધ દરમ્યાન પણ એમની માનવજાતીને શુધ્ધ કરવાની યોજના વણથંભી ચાલુ રહી. જુન ૧૯૪૧ માં એમણે નિર્ણય લીધો કે આ ધ્યેય હાંસિલ કરવાનો એક જ ઉપાય છે, અને તે ઉપાય એટલે બધા યહુદીઓને મારી નાખવા. આને એમણે અંતીમ ઉપાય (Final Solution) નામ આપ્યું. આ નિર્ણયનો યોજનાબધ્ધ રીતે અમલ કરવા એમણે છ જગ્યાએ આવા લોકોને એકઠા કરવાની શરૂઆત કરી અને આ જગ્યાઓને Concentration Camps એવું નામ આપ્યું. આ જગ્યાઓ એટલે અજ્યુવિજ, બેલજેક, કેલ્મનો, મજદાનેક, સોબીબોર અને ટ્રેબ્લીંકા. આ બધા કેમ્પ પોલેન્ડમાં હતા. આમ તો પ્રથમ આવી કેમ્પ ૧૯૩૩ માં ડાચુમાં ખોલવામાં આવેલી, પણ ત્યાં લોકોને મારી નાખવાની પ્રક્રીયા શરૂ થઈ ન હતી. આ અને આવી કેમ્પસમાં કેદીઓને સખત મજૂરી કરાવવામાં આવતી, કલ્પનાતિત શારીરિક અને માનસિક યાતનાઓ આપવામાં આવતી અને એમની ઉપર ક્લીનીકલ પ્રયોગો કરવામાં આવતા.
કેટલાક મેડિકલ પ્રયોગોમાં એમને અતિશય ઠંડા પાણીમાં કલાકો સુધી નિર્વસ્ત્ર રાખવામાં આવતા અને એ કેટલા કલાક જીવી શકે છે એની નોંધ કરવામાં આવતી. આનાથી ઊંધું અતી ગરમ પાણીમાં રાખી, કેટલા કલાક જીવે છે એની નોંધ લેવામાં આવતી. સ્ટરીલાઇઝેશન માટે નવા નવા કેમીકલ્સના અને X-Ray ના પ્રયોગો કરવામાં આવતા, અને સ્ત્રીઓને ગર્ભવતી કરવા એમના ગર્ભાશયમાં અલગ અલગ પ્રકારના શુક્રાણુ દાખલ કરવામાં આવતા. આવા પ્રયોગો દરમ્યાન ભાગ્યેજ કોઈ જીવતું રહેતું.
અંતીમ ઉપાય (Final Solution) નો અમલ કરવા એમણે અનેક રીતો અજમાવી, એમાં મોટે ભાગે ગેસચેંબર્સનો ઉપયોગ કરવામાં આવ્યો. એકસાથે સેંકડો લોકોને એક ગોડાઉન જેવી જગ્યામાં પૂરી, એમાં ગેસ દાખલ કરી એમને ગુંગળાવીને મારી નાખવામાં આવતા. ગેસ ચેંબરમાં મોકલતા પહેલા એમના બધા વસ્ત્રો અને પગરખાં કઢાવી નાખવામાં આવતા, જે અન્ય જર્મનોને વહેંચી દેવામાં આવતા. તેમના મૃતદેહોને એક સામટા, ખાસ પ્રકારની ભઠ્ઠીમાં બાળી નાખવામાં આવતા. બચી ગયેલા હાડકા અને ખોપડીઓને પીસી એનો ખેતરોમાં ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવતો. બીજા પ્રકારમાં કેદીઓ પાસેથી મોટા ખાડા ખોદાવી, એ ખાડાને કિનારે ઊભા રાખી ગોળી મારવામાં આવતી એટલે એ મરીને ખાડામાં પડે, પછી બીજા કેદીઓ પાસેથી આ ખાડા પુરાવી દેવામાં આવતા. નાઝીઓ યહુદીઓને ઓછા ખર્ચે કેમ મારી શકાય એની શોધખોળમાં રહેતા.
૧૯૪૫ માં જર્મનીની બીજા વિશ્વયુધ્ધમાં હાર થઈ ત્યારે જ આ નરસંહારનો અંત આવ્યો, પણ ત્યાંસુધીમાં ૬૦ લાખ યહુદીઓ અને ૫૦ લાખ અન્ય લોકો પોતાની જાન ગુમાવી ચૂકેલા. માનવ ઇતિહાસમાં આનાથી વધારે લોકો યુધ્ધમાં મર્યા હશે, પણ એની આટલી વિગતવાર નોંધ મળતી નથી. વળી આ હોલોકાસ્ટમાં મરનારા સૈનિકો ન હતા, તેઓ નિર્દોષ નાગરિકો હતા, અને માત્ર આર્યન જાતના માણસો માટે જ આ પૃથ્વી છે એવી વિચિત્ર માન્યતાનો ભોગ બન્યા હતા.
– પી. કે. દાવડા
આટલી યાતના ઓ ભોગવવી ને પણ યહુદી ઓ એ તેમનુ અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. માટે જ તે લોકો આગળ છે
વિન્સન્ટ ચર્ચીલે તેની ડાયરીમાં હિટલરની સાથેની મુલાકાત અંગે લખ્યું છે.
“બર્લીનની એક ભવ્ય ઈમારતમાં જ્યાં હિટલર વિદેશી મુલાકતીઓને ચર્ચાવિચારણા માટે બોલાવતો, ત્યાં મને સાંજના ભોજન માટે આમંત્રણ મળેલ. સાંજે લગભગ સાત વાગ્યે હું ત્યાં પહોંચી ગયેલ. મારા સ્વાગત બાદ મને ઈમારતના આઠમા માળે લઈ જવાયો. આઠમા માળે મોટો એક વિશાળ હોલ અને તેને અડીને બીજા રુમો હતા. ભોજનનુ આયોજન બહાર પડતી ખુલ્લી અગાશીમાં રાખવામાં આવેલ્ હોલમાં બેસી હિટલર સાથે લગભગ દોઢ કલ્લાક વાર્તાલાપ કર્યા બાદ મને ભોજન માટે બહારની અગાશીમાં દોરી જવાયો. ૨૦માણસ સાથે જમવા બેસી શકે તેવું ટેબલ અને બેઠક વ્યવસ્થા હતી. હું હિટલરની બાજુમાં મારા બીજા બે સલાહકારો સાથે બેઠો અને હિટલરના છ ઓફિસરો પણ ભોજનમાં જોડાયા. હિટલરની આસપાસ તેના પાંચ બોડીગાર્ડ ભરી બંદુકે એટેન્શનમાં ઉભા હતા. થોડીવારમાં ભોજન પિરસાયું. વાત વાતમાં હિટલરે કહ્યું, મારા જર્મન જવાનો હરપળ રક્ષણ કરવા અને મરી મિટવા તૈયાર હોય છે. મારો હુકમ થાય એટલી જ વાર.” મેં હિટલર સામે જોયું. ત્યાં તો હિટલરે તેના એક બોડી ગાર્ડને હુકમ કર્યો,” દોડતો જા અને છત પરથી નીચે કુદી જા.” પેલો સૈનિક તુરંત ભાગ્યો અને આઠમા માળેથી નીચે કુદી ગયો.” હું કાંઈ સમજું એ પહેલાં તો હિટલરે બીજાને હુકમ કર્યો અને બીજો બોડીગાર્ડ પણ દોડીને છત પરથી નીચે કુદી ગયો.” હું તો જોતો જ રહી ગયો. જમવાનુ ઠીક જમી પણ ન શક્યો. જેમ તેમ ભોજન પતાવી અમે ઉતારા પર ગયા. મારા સલાહકારે કહ્યું” હિટલર તમને ઈમ્પ્રેશ કરવા આવા હુકમ કરતો હતો, જેથી તેની તાકાત જોઈ તમે ટ્રીટી પર જલ્દી સાઈન કરી દો.” મારા સલાહકારની વાત સાંભળ્યા પછી પણ મને ભરોસો ન આવ્યો કે આમ કોઈ કારણ વગર જાન કેમ આપી શકે. હું આખી રાત ઊંઘી ન શક્યો.
બીજા દિવસે સવારે હિટલરનો એક બોડીગાર્ડ મને હોટલ પર આવ્યો. અમે લિફ્ટમાં હતાં ત્યારે મેં તેને પૂછ્યું,” તમે આમ કારણ વગર, માત્ર એક હુકમથી મોતને કેમ ભેટી શકો છો?” પેલા બોડી ગાર્ડે કહ્યું,” હિટલરની એડી તળે જીવવું તેના કરતાં મૃત્યુ વધારે સુખદ હોય છે.” મને જવાબ મળી ગયો હતો.”
Sharad Shah,
As far as I know, hitler n Churchill never met in their life.
This story is not believable. And all these stories are fabricated by someone. Let us not give it more authenticity by re-writing.
-Chetan Shah
Rational comment
ચેતનભાઈ;
ઈન્ટરનેટ પરથી મળેલ માહિતીને આધારે આપની વાત સાચી છે. ચર્ચિલ અને હિટલર ક્યારેય મળ્યા નથી તેવા નિષ્કર્ષ પર આવ્યો છું. ચર્ચિલની હિટલર સાથેની મુલાકાતના કેટલાંક ફોટાઓ પણ ઈન્ટરનેટ પર જોવા મળ્યા. પરંતુ એ ઊપજાવી કાઢેલ જ હશે. બીજા વિશ્વ યુધ્ધમાં હીટલરની હાર થતાં તેને વધુને વધુ કૃર ચિતરવા આવી સ્ટોરીઓ પણ વહેતી થઈ હશે તેવું શક્ય છે. મેં પણ આ સ્ટોરી ક્યાંક સાંભળેલી જ હતી. મોટાભાગે આવી સ્ટોરીની ખરાઈ આપણે ભાગ્યેજ કરતાં હોઈએ છીએ. આપે આ અંગે ધ્યાન દોરવા બદલ આભાર.
શરદ.
આમાં ઈશ્વરની કાર્યશૈલી પર વિચાર આવે છે. બહુ લાંબુ ચાલવા દીધા પછી જાગ્યા.
કલ્પનાતીત ……… દુઃખદ ,
વિચારું છું કે , કુદરત ને મજુર હશે તોજ આ શક્ય બન્યું હશે ને? કેમકે એના ઉપર કોઈ નથી ? આનો જવાબ કોણ આપશે?
-પ્રકાશ
Aa manav sahar karata vadhare hatyao rashiya ma staline kariche. Stalin bahu ktur hato am itihas kahe Che
લેખ સરસ બન્યો છે. પણ આમાં કોઈ નવી વાત કે નવો વિચાર નથી. હા, નવ યુવાનો કે જેમને બીજા વિશ્વયુધ્ધનો પરિચય નથી. તેમને ગમે.ટૂંકમાં ઘણું સમાવ્યું છે. અભિનંદન.
આ લેખ વાંચીને પારાવાર દુઃખ થઈ ગયુ.આવી ઐતિહાસિક વિગતો જણાવતા રહેશો તો આભાર.
ફુલવતી શાહ
કોઈ ને કોઈ પ્રકારે અને નાની મોટી માત્રામાં આવી બર્બરતા હજુ મોજૂદ છે જ. અને સૂક્ષ્મ અત્યાચારો તો ઘણી મોટી માત્રામાં.
જ્યાં સુધી માનવ સમાજના સામાજિક માનસમાં આમૂલ પરિવર્તન ન આવે, ત્યાં સુધી તેનો અંત કોઈ લાવી ન શકે.