ચાલવું એટલે શું? શું ચાલવાની કોઈ વ્યાખ્યાં હોય? કદાચ એનો જવાબ ના જ હશે. કારણ કે જીવ જ્યારથી આ જીવનમાં આવ્યો છે ત્યારથી તે સતત ચાલતો જ રહ્યો છે. તેથી ચાલવાની કોઈ વ્યાખ્યા દેવી હોય તો બહુ મુશ્કેલ થઈ જાય છે. પણ અહીં ચાલવાની વાત કેવળ ગતિની નથી. ગતિની ચાલ ક્યારેક ઝડપી કે ધીરી થઈ જાય છે. પણ મન, વચન ને કર્મની સ્થિરતાએ ચાલવું એ એક યાત્રા ચોક્કસ થઈ જાય. અઢારમી સદીનાં ઉત્તરાર્ધમાં ગંગાસતી નામની સંત સાધ્વી થઈ ગયા. તેમણે તેમની પુત્રવધૂ પાનબાઈને ઉદ્દેશીને કેટલાક ભજન લખ્યાં, તેમાં તેમણે જીવે પોતાની આધ્યાત્મિક ચાલ કેવી રાખવી જોઈએ અને કેવી રીતે ચાલવું જોઈએ તે વિષે સમજાવ્યું છે. આપણું ગુજરાતી સાહિત્ય કહે છે કે આ સાસુ-વહુનો સંબંધ ગુરુ શિષ્ય જેવો ન હતો, બલ્કે જીવ અને શિવ જેવો હતો. તેથી ગંગાસતી પાનબાઈને જે ઉપદેશ આપે છે તે કેવળ કોરો ઉપદેશ નથી બલ્કે હૃદયની આત્માની ભાવનાથી છલકાયેલો ભીનો ઉપદેશ છે.
પ્રથમ ઉપદેશમાં ગંગાસતી કહે છે “સ્થિરતામાં રહેજો”. પણ સ્થિરતામાં ક્યારે રહી શકાય? તો કહે છે કે પરિસ્થિતી અનુકૂળ હોય ત્યારે સ્થિરતામાં રહેવું બહુ સરળ પડે છે પણ પ્રતિકૂળ પરિસ્થિતી આવે ત્યારે કોઈ દોડા દોડી કરવાની નથી કે રઘવાટ બતાવવાનો નથી. ભીતરથી પલાઠીવાળી શાંતિથી બેસી જવાનું છે અને જીવનની બહાર પસાર થઈ રહેલાં તોફાનને શાંતિથી નિહાળવાનું છે. હવાની આછી આછી લહેરો વચ્ચે ઊડવું ખૂબ સરળ છે, પણ જ્યારે વાવાઝોડા રૂપી તોફાની પવન ફૂંકાય ત્યારે જે અડગ ઊભું રહી શકે તે જ વ્યક્તિની સ્થિરતાને લોકો સ્વીકારે છે.
બીજા ઉપદેશમાં ગંગાસતી કહે છે “વચનમાં ચાલજો કે રહેજો.” જીવનમાં ચાલવું કે રહેવું બંને અતિ મહત્વનું છે. સંસારની ગતિ સાથે આપણે કોઈપણ સમાધાન કે તડજોડ કર્યા વિના ચાલવાનું છે. અહીં ગંગાસતી બાહ્ય સંસારની વાત નથી કરી રહ્યાં, પણ પોતાની જાત સાથે ચાલવાનું અને પોતાનાં ઉપર વિશ્વાસ રાખવાનું કહી રહ્યાં છે. આપણું બોલેલું મિથ્યા ન જાય તેમ ચાલવાનું છે. વિચારનું આચારમાં રૂપાંતર કરવાનું છે. બે મોઢાવાળા માનવી બનવાનું છે. જગતને જવાબ નથી આપવાનો, જાતને જવાબ આપવાનો છે. “ખુદવફાઈ એજ ખુદાવફાઈ”
ત્રીજા ઉપદેશમાં કહે છે “રાખજો રૂડી રીત રે” એટલે કે એક માણસનો માણસ સાથેનો, એક માણસનો એક અદના જીવ સાથેનો કેટલો સૌજન્યશીલ વર્તાવ છે તે ઉપરથી તે માણસનાં સંસ્કાર કેવા છે, તેનો જન્મ કેવા કુળમાં છે તે જણાઈ આવે છે. આથી ગંગાસતી કહે છે કે ભીતરનાં નીતિશાસ્ત્રને ધ્યાનમાં રાખીને તમારા વર્તનને આંતરિક અને બાહ્ય આચાર વિચારમાં વિભાજિત ન કરતાં પ્રત્યેક જીવો માટે રૂડો પ્રેમભાવ રાખજો અને તે જ રીતે વર્તન કરજો કારણ કે માણસ કોઈપણ પ્રકારનાં દંભ વગર વિવેકી થઈ શકે છે. કોઈ તમને સ્મિત આપે ને તમે મોઢું ફેરવી લો તો વરવી રીત છે. કોઈ તમારી સાથે વાત કરતું હોય ને તમે સાંભળો નહીં ને સાંભળવાનો દંભ કરો છો, તે બૌધ્ધિક અપ્રમાણિકતા છે, તમે ખરેખર કોઈને ચાહતા ન હો અને છતાંય ચાહતા હોવાનો દેખાવ કરો છો અને સાચા માણસનાં મનમાં ભ્રમણાની સૃષ્ટિ ઊભી કરો છો તે એક પ્રકારની સુક્ષ્મ હિંસા છે. આ પ્રકારની હિંસા, અપ્રમાણિકતા તમે ભલે બીજા સાથે કરતાં હોય પણ તમારો આત્મા તે જાણતો હોય છે કે તે અપ્રમાણિકતા તે તમારી જાત સાથે છે; માટે સહજ પણે માણસ તરીકે જન્મ્યા છો તો તે પ્રમાણે વર્તન કરો તેનું નામ જ માણસાઈ છે.
ચોથા ઉપદેશમાં ગંગાસતી કહે છે કે મનની ઊંચી અવસ્થા ધરાવતાં આનંદમાં સાગરથીય વધુ ઊંડાઈ હોય છે; માટે જો માણસ પાસે દૃષ્ટિ હોય તો એને નાની – મોટી કોઈપણ વાત – વસ્તુઓમાં આનંદ દેખાય છે. કારણ કે તેમાં ભરતી-ઓટ આવતાં નથી જેને કારણે તે મનુષ્ય પ્રત્યેક પળે આનંદને ભરપૂર માણી જીવનને જીવી જાણે છે.
પાંચમાં ઉપદેશમાં ગંગાસતી સ્મૃતિ વિષે વાત કહેતાં કહે છે કે માણસોને પોતાનું ગામ યાદ આવે છે, ગામની આસપાસ ઈશ્વરનાં પહોળા ખભા જેવા પર્વતો, ચાંદીનાં કંદોરા સમાન ઝણકતી વહેતી જતી નદી, આસપાસનાં મિત્રો સાથે ઉભેલા વૃક્ષો, કાળીયા ઠાકર મા’રાજની હવેલીએ થતાં ઝાલર ડંકાનો અવાજ ને આરતીની કેસરી લહુવી (ઝાળ), વગડાઉ ફૂલની સુગંધ ને ગાયોની ખરીએથી ઊડીને રગદોળતી જતી ધૂળ, ગામની વહુવારુઓનાં ભીના કંઠેથી નીકળતાં પ્રભુજી મા’રાજનાં લોકગીત, ને વાંકી ચૂકી ગલીઓમાંથી દોડતાં નાનેરાઓનાં નાના પગ ને મોટેરાઓનાં ડગુમગુ થતાં લાકડીએ હાલતાં પગ… આ બધુંય જોયેલું ને જાણીતું દૃશ્ય હૃદયને આકુળ વ્યાકુળ કરે છે કારણ કે આંખોની પાસેથી પસાર થયેલ આ બધાંય દૃશ્યો સ્મૃતિમાં હોય છે. પણ સ્મૃતિમાં જે રહેલું છે તે બધું જ સમયમાંથી પસાર થઈ ગયું છે. તેથી જે ગુમાવ્યું છે તે સમય ફરી ક્યારેય હાથમાં આવતો નથી, કે ફરી મેળવી શકાતો નથી. માણસને જ્યારે જ્યારે કોઈ એક કાળ મેળવવાની ઈચ્છા થાય છે ત્યારે તેણે એક કાળને ભૂલવો પડે છે. કેવળ અતીતમાં જીવતો માણસ જેમ મૂરખ છે તેમ કેવળ ભવિષ્યને જ ધ્યાનમાં રાખનારો મનુષ્ય પણ મૂરખ છે. આથી એમ કહી શકાય કે હાલનું જીવન એ ભૂતકાળનો પડછાયો છે તો હાલનાં સમયની ઇમારત ઉપર ને ભવિષ્યકાળની ઇમારત છે. કોઈપણ માણસને બધું જ એક સાથે એક જ કાળમાં મળતું નથી. તેથી કશુંક પામવું હોય તો કશુંક ગુમાવવું પડે છે.
– જાગૃતિ શાહ (લંડન)
લંડનથી લેખિકા શ્રી જાગૃતિબેન શાહનો અક્ષરનાદ પર આ પ્રથમ લેખ છે. ગંગાસતિએ પાનબાઈને આપેલી ગુરુવાણીને તેઓ અહીં અર્થવિસ્તાર આપવાનો પ્રયત્ન કરે છે. સુંદર અને વિષયકેન્દ્રિત લેખન દ્વારા તેમનો આ લેખ સુંદર અને મનનયોગ્ય થયો છે. અક્ષરનાદ પર તેમની આ પ્રથમ કૃતિ છે, રચના પાઠવવા બદલ તેમનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.
આપ્ નો આ આધ્યત્મિક લેખ ખુબજ સરસ ચ્હે. મ અમદાવાદ ગુજરાત્ ભારત રહિને ચ્હેલલ્લા ૧૦ વર્શથિ અમેરૈકા મા ચ્હુ. ઉમ્મર ૭૫ વર્શ. મને આધ્યત્મિક લેખો ખુબજ ગમે ચ્હે. અક્શર્નાદ નો રોજ વાન્ચુ ચ્હુ. અભર સાથે.
ઘણી સુંદર રજૂઆત સાવ સરળતાપૂર્વક ટૂંકમાં…આભાર – હિમાંત્ભાઈ પારેખ, અમદાવાદ
Nice extract. Keep it up. Gangasati is otherwise difficult to understand but for authors like you.
Saras Gramya bhasha valo lekh. Jagruti, bhale aa tamaro pahelo lekh hoy; pan Asha karu chhu ke aap vadhu lekhsho.
Very illuminating philosophy written in simple language, representing a total picture.
Jagruti ben thanks for sharing your insights and learning of Ganga sati’s bhajans. Her bhajans are like diamonds with millions cuts and requires Jeweller’s eyes to interpret new manifestations.
Kub Abhar !!!
જાગૃતિબેનની છણાવટ મુદ્દાસરની છે. ભજન વાંચવાથી આવી સમજ પડતી નથી. આભાર જાગૃતિ બેન.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
લેખ એકદમ મનનીય છે. ગંગાસતીના ત્રણ ઉપદેશો (૧) સ્થિરતામાં રહેજો, (૨) વચનમાં રહેજો, (૩) રાખજો રૂડી રીત રે લખ્યા પણ ચોથો અને પાંચમો ઉપદેશ ગંગાસતીના શબ્દોમાં શું હતા તે ન જાણવા મળ્યું. ઉપદેશોના વિવરણથી જ ઉપદેશો સમજાય છે.
Bahu sundar lekh chhe.aa lekh ma khas Kari ne smruti vishe no bhag khub gamyo ……Gramin chitr manmohak rahtu.
બહુ સરસ છણાવટ કરી છે. નરસિંહ-મીરાંથી કરીને ગંગાસતી, ધીરો, પ્રેમાનંદ, અખો અને આવા અનેક સંત સાહિત્યકારોનું સાહિત્ય આજે લોકો વાંચતા નથી, અને ઉપર ઉપરથી વાંચે છે તેઓ સમજતા નથી. એક્વાર એમાં રસ પડ્યો તો એમાં આનંદનો દરિયો ભરેલો છે. સહેજ બોલચાલની અલંકારો વગરની ભાષામાં ભારોભાર તત્વગ્નાન ભરેલું છે.