જ્ઞાન શબ્દ માનવજાતના વિકાસ સાથે સમૃદ્ધ થતો રહ્યો છે. અનુભવ અને અભ્યાસને આધારે માણસનું જ્ઞાન વધારે સમૃદ્ધ થતું રહ્યું છે. વેદકાળથી જ્ઞાનસમૃદ્ધિ વિકસતી રહી છે. વેદ શબ્દનો સામાન્ય અર્થ તો જ્ઞાન જ થાય છે. જ્ઞાનની આ યાત્રામાં કેટલાક પડાવ ખાસ ધ્યાન ખેંચે છે. જેમાં સૌપ્રથમ ઉલ્લેખ ઉપનિષદોના સાર સમાન શ્રીમદ ભગવદગીતાનો ઉદભવ કહી શકાય. આ જ્ઞાનયાત્રાના બીજા પડાવોનું નિમિત્ત પણ શ્રીમદ ભગવદગીતા જ છે.
આદિ શંકરાચાર્યજીએ પ્રસ્થાનત્રયી પર ટીકાઓ રચી. (પ્રસ્થાનત્રયી એટલે શ્રીમદ ભગવદગીતા, ઉપનિષદો અને બ્રહ્મસૂત્રો.) શંકરાચાર્યજીના સમયે દેશ અનેક નાનાં નાનાં રાજ્યોમાં વિભાજિત હતો. આ રાજ્યો આંતરિક કલહ અને વિદ્વેષમાંથી ઊંચા નહોતાં આવતાં. રાજકીય શાણપણને બદલે મિથ્યાભિમાન અને દુરંદેશિતાનો અભાવ. પરિણામે જનજીવન અસ્તવ્યસ્ત હતું. સમાજજીવન, ધર્મ પણ અનેક વાડાબંધીઓમાં સીમિત થઈ ગયો હતો. ભારતવર્ષ બ્રાહ્ય આક્રમણોથી ત્રસ્ત હતો. પંડિતો અને કર્મકાંડીઓ ધર્મગ્રંથોના મનઘડંત અર્થઘટનોમાં રાચીને જનસામાન્યને પોતાના સ્વાર્થ માટે મૂંઝવી રહ્યા હતા. ત્યારે આદિ શંકરાચાર્યજીએ લોકો અને પંડિતોને પણ પ્રકાશપુંજથી રાહ બતાવ્યો અને એમણે આ અવતારકાર્ય માત્ર ૩૨ વર્અનાં આયુમાં પૂરું કર્યું.
ત્રીજી ઘટના તે મરાઠીમાં જ્ઞાનેશ્વરીની રચના. એ સમયની પશ્ચાદભૂમિકાનો ઉપરછલ્લો પરિચય મેળવીએ –
જ્યારે ધર્મને નામે અનિષ્ટોએ માઝા મૂકી હતી, બ્રાહ્યાચારોએ હદ વટાવી હતી, ધર્મગ્રંથો અભરાઈએ ચડી ગયા હતા, પૌરાણિક કથાવાર્તાઓ પણ શૃંગારરસમાં તરબોળ કરીને રાજાઓ અને શ્રેષ્ઠીઓને પ્રસન્ન કરવાના સાધન તરીકે વપરાતી, એ રીતે વિલાસી જીવન પર ધર્મમાન્યતાની મહોર મારીને રાજમાન્યતા પણ મેળવી લેવાતી. પ્રભુએ જે આપ્યું તે સ્વીકારવું, નસીબમાં હશે તે મળશે, પુરુષાર્થ કરવાથી કશું વળશે નહીં. સુખ, સાધન, સંપત્તિ બધું પૂર્વજન્મનાં – પૂર્વકર્મનાં પુણ્ય અને દુઃખ, ગરીબી વગેરે પૂર્વકર્મના પાપના કારણે છે, તે ભોગવ્યે જ છૂટકો. ચારવર્ણોની વ્યવસ્થાને બ્રાહ્મણોએ ખાંડાની ધાર જેવી સખત બનાવી દીધેલી. સંસ્કૃત ન જાણનારાઓ માટે તો બ્રાહ્મણોનું વચન એ જ વેદવાક્ય જેવી સ્થિતિ હતી. પાખંડે માઝા મૂકી હતી. એમાં એ સમયે થયેલા વિદેશી આક્રમણોએ લોકોમાં ભયપેદા કર્યો હતો. અગિયારમી સદીમાં ગઝનીના મોહમ્મદે વારંવાર આક્રમણો કરીને અપાર ધનસંપત્તિની લૂંટ કરી. મંદિરો લૂંટ્યા, દેવમૂર્તિઓ તોડી અને એ સાથે લોકોની શ્રદ્ધાને પણ તોડી. બારમી સદીમાં મહંમદ ઘોરી આવ્યો. તેણે તો લૂંટ ચલાવ્યા પછી જવાનું નામ ન લેતાં દિલ્હી, પંજાબ, ગુજરાત અને માળવા સુધી સત્તા જમાવવાની કોશિશ ચાલુ કરી. તેરમી સદીના અંતભાગમાં અલ્લાઉદ્દીન ખીલજીએ ગુજરાત અને મહારાષ્ટ્રમાં પગપેસારો કર્યો. ઈ.સ. ૧૨૯૪માં એણે દેવગિરિના રામદેવરાય યાદવનો પરાજય કર્યો અને મહારાષ્ટ્રમાં મુસલમાની અમલની શરૂઆત થઈ. આવી પરિસ્થિતિમાં સમાજને માર્ગદર્શન આપે અને નવેસરથી ધર્મ, સંસ્કાર અને શ્રદ્ધાયુક્ત જીવન જીવવાની પ્રેરણા આપી શકે તેવા કોઈ મહાન આત્માની તાતી જરૂરીયાત હતી. શ્રીમદ ભગવદગીતાને અનુસરીને આવું ભગીરથકાર્ય માત્ર ૨૧ વર્ષની આયુમાં કરનાર મહાન સંત અને જ્ઞાનીકવિ જ્ઞાનેશ્વરનું જીવન અને કાર્ય ભારતીય સંસ્કૃતિની વિરલ ઘટના છે.
જ્ઞાનેશ્વરના પિતા વિઠ્ઠલ પંત બાલ્યાવસ્થાથી જ વિરક્ત સ્વભાવના હતા. એમણે લગ્ન પછી કાશી જઈને સંન્યાસ લઈ લીધો. ગુરુ રામાનંદ સ્વામી પાસે પોતે એકલા જ છે એમ અસત્ય કથન કરીને એમણે સંન્યાસ લીધેલો. પાછળથી યાત્રાએ આવેલા ગુરુ વિઠ્ઠલ પંતને ગામ આવ્યા અને તેમણે વિઠ્ઠલ પંત પરિણીત હોવાની ખબર પડી. તેમણે વિઠ્ઠલપંતને ઘેર પાછા જઈને સંસાર માંડવાનો આદેશ આપ્યો. સંસારી બનેલા વિઠ્ઠલ પંતને ચાર સંતાન થયાં. ઈ.સ. ૧૨૭૩માં નિવૃત્તિનાથ, ઈ.સ. ૧૨૭૫માં જ્ઞાનદેવ, ઈ.સ. ૧૨૭૭માં સોપાનદેવ અને ઈ.સ. ૧૨૭૯માં પુત્રી મુક્તાબાઈનો જન્મ થયો. આ પ્રમાણે સંસારમાં રહીને સાધના ચાલુ રાખીને વિઠ્ઠલ પંતે ગુરુના આદેશનું પાલન કર્યું. પણ સન્યસ્ત છોડીને સંસાર માંડ્યો હોવાથી જ્ઞાતિ અને સમાજે ત્યાગ કરેલો.
વિઠ્ઠલ પંત પોતે બ્રહ્મજ્ઞાની હતા. તેમના પિતાના ગુરુ નાથપંથના ગેહિનીનાથ હતા. બાળકો પણ તેમની સાથે જતાં. બાળકો પિતા પાસે ધર્મશાસ્ત્રનું અધ્યયન પણ કરતાં. રૂપગુણસંપન્ન, તેજસ્વી, બુદ્ધિશાળી અને સંવેદનશીલ ચારે સંતાનોને જનોઈ આપી પાઠશાળામાં મૂકવાનો સમય થયો, પણ સમાજનો રોષ ઓછો થયો ન હતો. પિતાનું શ્રાદ્ધ સરાવીને, માથુ મુંડાવીને શિખા વધાર્યા પછી સંસારી બનેલાને બ્રાહ્મણ તો ઠીક, ચાંડાળ પણ ન ગણી શકાય. એ તો પ્રેત જ ગણાય એવી ટીકા અને ત્રાસ તથા અપમાન વિઠ્ઠલ પંત તથા તેમના પત્ની રુક્મિણીદેવીએ સહન કર્યા. બાળકો પણ આ રોષની આગમાં શેકાતાં હતાં.
ત્રસ્ત દંપત્તિ દક્ષિણનું કાશી ગણાતા પૈઠણમાં ગયા. વેદાંતી પંડિતોને કરગરીને, પગે લાગીને માર્ગ કાઢવા કહ્યું, બાળકોને જનોઈ આપીને સ્વીકારવા વિનંતિ કરી. નિષ્ઠુર અને રૂઢીચુસ્ત બ્રાહ્મણોએ એમની વાત વિચારવાની પણ ના પાડી. એમની દ્રષ્ટિએ ન ભૂતો ન ભવિષ્યતિ જેવી આ ભૂલને માટે દેહાંત વિના કોઈ પ્રાયશ્ચિત નથી એમ કહેવામાં આવ્યું. કાશીના રામાનંદ સ્વામીએ પ્રાયોપવેશન કરાવીને પ્રાયશ્ચિત્ત કરાવેલું, પણ કોઈએ વાત ધ્યાને ન લીધી.
નિર્દયતાથી ટેવાયેલા આ દંપત્તિએ વિચાર્યું કે આપણને જોઈને બધાં ભડકે છે, આપણે નહીં હોઈએ તો બધું શાંત થઈ જશે. લોકો ભૂલી જશે અને બાળકોને બધાં અપનાવી લેશે. એટલે એમણે બાળકોને મળવાનો મોહ પણ જતો કરીને આળંદી જવાને બદલે પૈઠણથી સીધાં પ્રયાગ જઈને દેહત્યાગ કર્યો. માતા-પિતા આવશે અને જનોઈ આપીને પાઠશાળામાં ભણવા મૂકશે એવી રાહ જોતાં બાળકોને થોડા દિવસ પછી એમના માતા-પિતા નથી રહ્યાં, એવી ખબર પડી ત્યારે સૌથી મોટા નિવૃત્તિનાથની વય હતી માત્ર ૮ વર્ષ, જ્ઞાનેશ્વર ૫ વર્ષના, સોપાનદેવ ૩ વર્ષના અને મુક્તાબાઈ ૧ વર્ષની. આટલા નાનકડાં ભાઈબહેનને સંભાળવાની જવાબદારી નિવૃત્તિનાથે કેમ સંભાળી હશે એ આશ્ચર્યનો વિષય છે.
ગામથી તરછોડાયેલા બાળકો પૈઠણ જવા નીકળ્યા. મા-બાપ, દાદા-દાદી, કાકા, મામા કોઈ હતાં નહીં. ભિક્ષા પણ ન મળતી, મળતો હતો સર્વત્ર તિરસ્કાર.
એવા સંજોગોમાં પણ કુલગુરુ ગેહિનીનાથ પાસે નિવૃત્તિનાથ અને જ્ઞાનેશ્વર જતા. એમની પાસે સંસ્કાર અને જ્ઞાનનું ભાથું હતું. પૈઠણની વિદ્યાપીઠના પંડિતો પહેલાં તો આ બાળકોની તેજસ્વિતા અને જ્ઞાનથી પ્રભાવિત થયાં, પણ પછી પિતાનું નામ સાંભળતાં જ ભડક્યા અને કહ્યું કે આ બાળકોને જ્ઞાન તો ઠીક પણ જન્મ લેવાનોય ધિકાર નથી. જ્ઞાનદેવે સહજ ભાવે દલીલ કરી કે, ‘આ સંસારમાં જન્મેલ દરેકને જ્ઞાન મેળવવાની શક્તિ પરમાત્માએ જ આપી છે. વેદનો અર્થ પણ ‘જ્ઞાન’ થાય છે અને બ્રહ્મત્વ શું જગતમાં સર્વત્ર સ્ફુરતું નથી? તો અમને જ્ઞાનનો અધિકાર કેમ નહીં?’ તે સમયે તોફાને ચડેલો એક અલમસ્ત પાડો ત્યાં આવ્યો. એ દેવનો પાડો ગણાતો તેથી તેને કોઈ રોકતું નહીં કે મારતું નહીં. એક પંડિતે જ્ઞાનદેવને કહ્યું, ‘બધામાં બ્રહ્મ હોય તો આ પાડામાં પણ હોય, તું તેને વેદમંત્રનો ઉચ્ચાર કરાવ.’ તોફાને ચડેલ પાડા પાસે જઈને નાનકડા જ્ઞાનદેવે એના માથા પર હાથ પસાર્યો. પાડો શાંત થયો અને એણે ઓમ્ નો ઉચ્ચાર કર્યો. પંડિતો ભોંઠા પડ્યા, એમણે થોથાં ઉથલાવ્યા પણ આવી ઘટના અગાઉ બનેલી એમને જોવા ન મળી તેથી તેમણે જનોઈ દેવાની ના પાડી, પણ શુદ્ધિપત્ર આપ્યું, જેથી તેઓ બહિષ્કૃત ન ગણાય પણ સાથે તેઓ કોઈ જ્ઞાતિના પણ ન ગણાય અને તેમણે લગ્ન કરીને સંસાર ન વસાવવો એવો આદેશ આપ્યો. આ કઠોર આદેશ આ ભૂલકાંઓએ માથે ચડાવ્યો.
પૈઠણ આવ્યા ત્યારે આ બાળકો તિરસ્કૃત અને ઉપેક્ષિત હતાં, પણ પાછાં વળ્યા ત્યારે એમના અંગે અનેક દંતકથાઓ ફેલાઈ ગઈ હતી. ગામડામાં લોકો એમને જોવા, મળવા અને સાંભળવા ઊમટવા લાગ્યાં. જ્ઞાતિ અને ભેદભાવથી પર આ બાલજ્ઞાનીઓએ સમાજના પંડિતો જ્યારે વાદવિવાદ અને અજ્ઞાનમાં ઘેરાયેલા હતા, ત્યારે લોકોને સાચું માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું. જ્ઞાનદેવ તો જાણે જન્મથી જ બ્રહ્મજ્ઞાની હતા.
લોકોના અજ્ઞાનને જાણીને મોટાભાઈ અને ગુરુ નિવૃત્તિનાથે જ્ઞાનદેવને ગીતાનું જ્ઞાન સરળ ભાષામાં આપવાની આજ્ઞા કરી અને જ્ઞાનેશ્વરી સર્જાઈ.
ખુદ ભગવાનના શ્રીમુખે કહેવાયેલી આદિ શંકરાચાર્ય મહારાજે સંસ્કૃતમાં ભાષ્ય રચીને સ્પષ્ટ કરેલી ગીતાને લોકભાષામાં કહેવી અતિ આવશ્યક બન્યું હતું.
અહમદનગર પાસે, હાલમાં નેવાસ નામે જાણીતા ગામમાં (પ્રાચીન નામ નિધિગ્રામ) પ્રાચીન શિવમંદિરમાં આ આદેશ અપાયો. એ સ્થળ અને જે સ્તંભને અઢેલીને જ્ઞાનદેવ બેઠા હતાં એ મોજુદ છે અને આબાલવૃદ્ધ લોકો ગીતાશ્રવણ માટે આવવા લાગ્યા અને સર્જાયો મરાઠીનો શ્રેષ્ઠ ગ્રંથ. કાવ્યમાં ઉત્તમ અને તત્વદર્શનમાં અજોડ ગણાતી ‘ભાવાર્થદીપિકા’ જ્ઞાનેશ્વરી આપણને મળી.
મૂળભૂત રીતે જ્ઞાનેશ્વરી એ ગ્રંથરચના નથી. પ્રવચનરૂપ થયેલું નિરુપણ છે. જીજ્ઞાસુઓને કથન પ્રવચનરૂપે કહેવાયેલા છે. (મૂળ ગીતા પણ ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને કહેલું કથન જ છે.) આપણને જે ગ્રંથ ઉપલબ્ધ થયો તે શ્રોતા સચ્ચિદાનંદ બાબાએ જ્ઞાનેશ્વરે જે કહ્યું તેનું શ્રુતલેખન છે. તેથી એ નિરુપણની શૈલી ગ્રંથકારની નહીં પણ પ્રવચનકારી છે. તેથી ક્યારેક મૂળ મુદ્દો બાજુએ રહી જાય છે અને અવાન્તર વિષયોનો બહુ વિસ્તાર થાય છે. ક્યારેક નિવૃત્તિનાથ અધિકારવાણીથી વારતા દેખાય છે, તો ક્યારેક શ્રોતાઓની તન્મયતાને, રસિકતાને અને શ્રદ્ધાને જ્ઞાનેશ્વર વારંવાર બિરદાવતા જોવા મળે છે. આ જ્ઞાનેશ્વરી જે ભાષામાં રચાઈ છે, તે મરાઠી ભાષાની સમૃદ્ધિ અમૃતથી પણ ચડી જશે તેવું જ્ઞાનેશ્વરનું કથન પણ સાચું પડ્યું છે.
પંડિતોની પ્રેરણા અને ધાકને કારણે સમાજ વડે આજીવન અવગણના અને અવમાનના સહેવા છતાં એમણે એમની રચનાઓમાં ક્યાંય સમાજ કે પંડિતો માટે એક પણ કડવો શબ્દ કે આક્રોશ દર્શાવ્યો નથી.
જ્ઞાનેશ્વરી ગીતાને સમજાવવા માટેનું સવિસ્તર નિરુપણ છે. પણ એ ગીતાનો અનુવાદ નથી. ગીતામાં તો ૭૦૦ શ્લોક છે પણ જ્ઞાનેશ્વરીની ઓવી છે ૯૦૦૦. આ વિસ્તૃત નિરુપણમાં આ મૂળ ગીતાના અર્થનું સ્પષ્ટીકરણ અને વિસ્તાર ઉપરાંત ગણેશ તથા શારદાસ્તવન, ભારત-મહાત્મ્ય, ગીતા મહાત્મ્ય, ગુરુવંદના અને ગુરુપ્રશસ્તિ વચ્ચે આવતા ગુરુ શિષ્ય સંવાદ, શ્રોતાઓને વંદન અને એમની પ્રશસ્તિ, આશીર્વાદ યાચના, વક્તા શ્રોતા સંવાદ, ઈશ્વર અને ભક્તના સંબંધનું વર્ણન, વેદ અને ગીતા વચ્ચેનો સંબંધ, વચ્ચે વચ્ચે સંજય અને ધૃતરાષ્ટ્રના વિસ્તૃત સંવાદો ઉમેરાયા છે. આ બધું ઉમેરણ મૂળ ગીતામાં નથી પણ શ્રી જ્ઞાનેશ્વરનું મૌલિક નિરુપણ છે. કેટલીક જગ્યાએ આમાંના કોઈ વિષયનો ઉલ્લેખ શ્લોકાર્ધમાં કે એકાદ શ્લોકમાં આવતો હોય છે તેનો આધાર લઈને સ્વતંત્ર પદ્યપ્રબંધ જેવો એમણે જ્ઞાનેશ્વરીમાં કર્યો છે. તો મોટા ભાગના વિષયો એવા છે જેનો ઉલ્લેખ પણ ગીતામાં નથી.
સમગ્ર ગ્રંથ એમના સંસ્કૃત અને વેદોના અભ્યાસની સતત પ્રતીતિ કરાવે છે. જ્ઞાનેશ્વરીના પ્રત્યેક અધ્યાયની શરૂઆતમાં જે પ્રશસ્તિઓ કે સ્તવનો છે તેમાં જે સમાસબહુલતા છે તે તો કોઈ સંસ્કૃતજ્ઞ જ પ્રયોજી શકે.
ઉદાહરણો જોઈએ – વિશદબોધવિદગ્ધા, ચતુરચિત્તચકોરચંદ્રા, નિગમાગમદ્રુમફલ, અતિકૃતકંદર્પસર્પદર્પ વગેરે. પણ માત્ર પ્રાસાનુપ્રાસ કરવા માટે, ભાષાના પ્રદર્શન પૂરતું એમનું સંસ્કૃત જ્ઞાન નથી. એનો ખ્યાલ તો જ્ઞાનેશ્વરી વાંચતા સતત રહે છે. એમને જે અદ્વૈત સિદ્ધાંતનું પ્રતિપાદન કરવું છે તે શાસ્ત્રોના અને સંસ્કૃતના ગહન અભ્યાસ વિના થઈ શકે એમ નથી. જ્ઞાનેશ્વરીમાં એમણે એવી કબૂલાત પણ આપી છે કે, ‘ભાષ્યકારાતે વાટ પુસત’ એટલે કે ભાષ્યકાર એટલે શંકરાચાર્યજીને પૂછીપૂછીને અને સાચે જ જ્ઞાનેશ્વરી પર ગૌડપાદીય શાંકરીય તત્વજ્ઞાનનો સારો એવો પ્રભાવ છે અને મહાભારત, વેદ, ઉપનિષદ, નાથ સંપ્રદાયના તત્વજ્ઞાન તેમ જ ભાગવત અને યોગવસિષ્ઠના અભ્યાસનો અર્ક પણ સમાવિષ્ટ છે, પણ ચિંતન અને અનુભૂતિ પરત્વે તો તેઓ પૂર્ણ સ્વતંત્ર અને સ્વયંપ્રજ્ઞ છે.
આમ છતાં જ્ઞાનેશ્વરી એ ગીતાને સ્પષ્ટ કરવા માટે રચાયેલી કૃતિ છે એમ કહેવું તર્કબદ્ધ હોવા છતાં પર્યાપ્ત નથી. એનાથી જ્ઞાનેશ્વરીને અન્યાય થાય છે. કારણ કે જ્ઞાનેશ્વરી એ શુષ્ક વિવેચન નથી, એ પ્રાસાદિક કાવ્યની કક્ષાએ પહોંચે છે, જે મોટી ઉપલબ્ધિ છે.
જ્ઞાનેશ્વરની અપૂર્વ પ્રતિભા, સ્વતંત્ર બુદ્ધિ, સર્ગશક્તિ અને એમના સમયાં કોઈને કલ્પના પણ ન હોય તેવી અનોખી શૈલી અને સામાન્ય રીતે કાવ્યોમાં ભાગ્યે જ જોવા મળે તેવો લય જ્ઞાનેશ્વરીને અપૂર્વ કૃતિ બનાવે છે.
મરાઠી ભાષાની આ કૃતિ એટલે ખળખળ વહેતો મહાનદ. એમની સામર્થ્યવાન વાણીનો પરિચય આપણને જ્ઞાનેશ્વરીમાં મળે છે.
જ્ઞાનદેવ મહારાજની વાણીને આ સામર્થ્ય કેવી રીતે પ્રાપ્ત થયું? ૧૫ વર્ષની નાની વયે તેમણે સંતજનો સમક્ષ જ્ઞાનેશ્વરી કહી અને ૨૧ વર્ષની ઉંમરે તો તેમણે જીવતાં સમાધિ લઈને ઈચ્છામૃત્યુનું વરણ કર્યું.
આટલી નાની વયમાં તપસ્યાની પૂંજી પણ કેટલી એકઠી થઈ હોય? તેઓ પોતે જ કહે છે, ‘માઝિયા સત્ય વદાંચે તપ, વાચા કેલે બહુત કલ્પ.’ મારી વાણીએ અનેક કલ્પો સુધી સત્યની આરાધના કરી છે. આમ અનેક કલ્પ સુધી સત્યની આરાધનાની ફલશ્રુતિ – આ જ્ઞાનેશ્વરી છે.
શંકરાચાર્યે પૂછેલો પ્રશ્ન યાદ આવે છે, ‘કેષાં અમોઘવચનમ્’ કોની વાણી અમોઘ બને છે. તેમણે જ જવાબ આપ્યો છે, ‘યે ચ પુનઃ સત્ય મૌન શમ શીલા’ સત્ય, મૌન અને શાંતિ જેનું શીલ બની જાય છે, એમની વાણી અમોઘ (ક્યારેય નિષ્ફળ ન જનારી) બને છે. જેનું જીવન સત્યમય તેની વાણી અમોઘ બને છે.
જ્ઞાનેશ્વરે જ કહ્યું છે કે, ‘વાચા સત્યવેં સોવલી.’ વાણી સત્યથી શુદ્ધ બને છે. જ્ઞાનેશ્વર મહારાજનો હેતુ કોઈ શાસ્ત્રરચના કરવાનો તો હતો જ નહીં, એમણે જ કહ્યું છે કે ‘સાચચી બોલાંચે નવ્હે શાસ્ત્ર.’ ખરું કહું તો આ શાસ્ત્ર નથી, પણ તો પછી શું છે આ જ્ઞાનેશ્વરી? એમનો જ જવાબ છે, ‘પૈ સંસારુ જીણતે હૈ શસ્ત્ર.’ આ તો સંસારને જીતવાનું શસ્ત્ર છે. તેઓ તો સંસારને પરાસ્ત કરે તેવું શસ્ત્ર લોકોને આપવા માગતા હતા.
મરાઠી ભાષાની આ કૃતિ જ્ઞાનેશ્વરી એટલે ખળખળ વહેતો મહાનદ. જ્ઞાનેશ્વરી મરાઠી ભાષાની અનુપમ સંપદા છે. તેમાં જ્ઞાનેશ્વર મહારાજના જ્ઞાન અને ઐશ્વર્ય સોળે કળાએ ખીલ્યાં છે. આ એક રીતે એમનો અક્ષરદેહ જ છે. તેમની બુદ્ધિસંપદા, હ્રદયસંપદા, યોગશક્તિ, શબ્દમાઘુર્ય અને કવિત્વશક્તિએ અક્ષરદેહ ધારણ કર્યો છે.
વિનોબાજી કહે છે, ‘જ્ઞાનેશ્વરી એટલે યોગશક્તિ. સાહિત્યશક્તિ, શબ્દશક્તિ, ભક્તિ અને અપરોક્ષાનુભૂતિથી ઓતપ્રોત માધુર્યસાગર’ એને અન્ય ભાષામાં ઉતારવાના અને ઝીલવાના અનેક પ્રયત્નો થયાં છે પણ એને કચ્છીમાં ઉતારવાનો વિચાર જ પરસેવો વાળે તેવો છે.
શ્રી પ્રભાશંકર ફડકેએ આ જ્ઞાનેશ્વરીનો સમશ્લોકી અનુવાદ કરીને કચ્છી ભાષાને અદકેરું ગૌરવ બક્ષ્યું છે. મૂળ મરાઠીમાં રચાયેલી જ્ઞાનેશ્વરીના અનુવાદ તો અંગ્રેજી ઉપરાંત દક્ષિણની ભાષાઓ અને ગુજરાતી, હિન્દી જેવી અન્ય ભારતીય ભાષાઓમાં થયા છે. ગુજરાતીમાં તો એકથી વધારે અનુવાદ થયા છે પણ જ્ઞાનેશ્વરી કચ્છી જેવી ઓછી જાણીતી પણ ઓછામાં ઓછા દસથી બાર લાખ ભાષકો ધરાવતી ભાષામાં પણ અનુદિત થઈને પહોંચી છે. શ્રી પ્રભાશંકર ફડકે એ અન્ય ભાષાઓના પ્રમાણમાં ઓછો શબ્દવૈભવ ધરાવતી કચ્છીમાં અનુવાદ કર્યો છે અને તે પણ તળપદી કચ્છીમાં – વળી આ અનુવાદ પણ સમશ્લોકી.
જ્ઞાનેશ્વરીના હિન્દી, ગુજરાતી અને કચ્છી અનુવાદના એક જ ઉદાહરણથી ફડકેજીના અનુવાદની વિશેષતાઓનો ખ્યાલ આવી જાય છે.
પૈ ચન્દ્રચંદાશુડોબા
દાવિતાસી કોપપ્રસાદલીલા
એકાં પ્રાણિતોસિ કૃપાદ્રષ્ટી
તુમ સૂર્યચંદ્રનયગનોમેં
કોપપ્રસાદલીલા દિખાતે
કહી તમદ્રષ્ટિ સે કૂદ્ધ હોતે
કહી કૃપાદ્રષ્ટિ સે પાલતે.
– હિન્દી (ડૉ. ઉર્મિલા શર્મા)
હિની સિજ ચધર નેણેં જ પિરતાપે
રેઠુત્રુઠેજી લીલા વતાઈયેં
કપાસેં, હિરસેં બ્યેનૂં.
– કચ્છી (પ્રભાશંકર ફડકે)
મૂળ સંસ્કૃત શબ્દોથી પ્રચૂર મરાઠીમાં રચાયેલી જ્ઞાનેશ્વરીનો હિન્દી અનુવાદ પણ મૂળ સંસ્કૃત શબ્દોનો આધાર લઈને આગળ વધ્યો છે. જ્યારે ફડકેજીનો અનુવાદ કચ્છી તળપદા શબ્દોની તાકાત પર નિર્ભર છે. આ અનુવાદે કચ્છી ભાષાની ક્ષમતા પણ સિદ્ધ કરી આપી છે. જ્ઞાનેશ્વરીની અર્થગંભીરતા સાથે એનું કાવ્યમાધુર્ય પણ જળવાયું છે. આમ, એક સમયે અંધકારયુગમાં અટવાયેલા લોકોને અનેક વાડાબંધીમાંથી મુક્ત કરવા અને માર્ગદર્શન આપવા રચાયેલી જ્ઞાનેશ્વરી ભારતના છેવાડાના વિસ્તાર કચ્છપ્રદેશની ભાષા કચ્છીમાં પણ કચ્છી સાહિત્ય અકાદમીના માધ્યમથી પહોંચી છે.
– ડૉ. કાન્તિ ગોર ‘કારણ’
(‘અખંડ દીવાનાં અજવાળાં’ માંથી સાભાર, આવૃત્તિ જાન્યુઆરી ૨૦૧૪, પુસ્તક પ્રાપ્તિ માટે વિગતો – કુલ પાન ૨૦૦. કિંમત રૂ.૧૮૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩)
જ્ઞાનેશ્વરી વિષે વિગતે જણાવતો લેખ ગમ્યો. આપણી સનાતન સંસ્કૃતિ અને તેના ધર્મગ્રંથો આટલા બધા ” અઘરા ” કેમ બનાવેલ હશે ? જનસાધારણને આસાનીથી સમજી શકાય તેવું વાઙમય કેમ નહિ ? … કદાચ એને કારણે જ આપણ ધર્મનો શતમુખ વિનિપાત નહિ થયો હોય … ?
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
જ્ઞાનેશ્વરી તો જનસાધારણ માટે જ રચાયેલો ગ્રંથ છે. યદ્યપિ મૂળ શ્રિમદ્ ભગવદ્ ગીતાની ભાષા પણ સુગમ્યા જ છે. વડીલ, આપણા ધર્મ અંગે ‘શતમુખ વિનીપાન’ થયાના આપના મત સાથે હું સહમત નથી. આમ પણ ‘ધર્મ’ તો ધર્મ છે. તેની ઊન્નતિ કે અવગતિ ન હોય. આપણી હોઈ શકે. ધર્મ તો સનાતન છે. વળી અઘરું કે સહેલું એ પણ સાપેક્ષ બાબત છે.