સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ ૮)
મૂળ પુસ્તક – પુરાતન જ્યોત
આ પહેલા પ્રસ્તુત થયેલ ભાગ થી આગળ…
ત્રીજા દિવસની મધરાતના સુમારે અમરબાઈની આંખ મળી ગઈ હતી. તેમાંથી એ ઝબકીને જાગ્યાં. સામેની ગમાણમાં બાંધેલી ધેનુ ભાંભરડા દેતી હતી. આશ્રમની કૂતરી પરસાળમાં આંટા મારતી આકાશ સામે જોઈ રડતી હતી.
અંધારામાં બે માણસો દેખાયા. બેઉના ખભા ઉપર બે મોટી ડાંગોમાં લટકાવેલી લાંબી ઝોળી હતી. ઝોળીનું કપડું લોહી લોહી થયું હતું.
‘જય દત્તાત્રેય!’ કહીને તેઓએ ઝોળી પરસાળ પર ઉતારી.
‘માઈ!’ બેમાંથી એક પુરુષે અમરબાઈને કહ્યું: ‘દેવલોકો સમાલ લો!’ બોલનારનો અવાજ બત્રીસેય દાંતના અભાવની સાક્ષી દેતો હતો.
‘ઔર માઈ! અમરબાઈ!’ બીજા પુરુષે અવાજ દીધો, ‘તેરા દેવલાકો ઔર કુછ નહીં કરના! દત્તાત્રેય કે ધૂણેમેંસે ખાક લાકર દેવલાકા બદન પર માલિસ કરના ઔર પાની પિલાના.’
એ શબ્દધ્વનિ પણ એક બોખા જ મોંમાથી નીકળતા હતા. બંનેના સ્વરોમાં જાણે કે યુગાન્તર જેટલી જૂની પિછાનના પડઘા હતા. અમરબાઈ સમજી ગયા કે સત દેવીદાસને શરીરે ઈજા થઈ છે ને એ આજારી શરીરને કોઈ બે ઓળખીતા બુઢ્ઢાઓ આંહી ઊંચકી લાવેલા છે. એણે પુછ્યું: ‘તમે કોણ છો? ઊભા રહો. હું દિવો લાવું.’
‘અમર! બેટી!’ એક વૃદ્ધે પોતાની આંખો પર છાજલી કરીને યુવાન જોગણ સામે જોયું; ‘ઊભા હમ નહીં રહેંગે, પિછાન કી કોઈ જરૂરત હી નહીં હૈ.’
‘ઔર સબ સે બડી પિછાન તો યહ હૈ કિ તૂ ભી વોહી મહાપંથ પર ચલનેવાલી હૈ, જીસ પર ગુરુ દત્ત ચલે ગયે, ભક્ત નરસૈયા ગયે. અબ ઇસમેં જ્યાદા ક્યા પિછાન દે સકતે હમ, બીટિયા?’ એ સ્વર બીજા બુઢ્ઢાનો હતો. એમ કહીને બંને જણ પાછા વળ્યા. વળતાં વળતાં બેઉએ અમરબાઈને નીચા વળી માન દીધું. અમરબાઈને ફક્ત આટલું જ યાદ રહ્યું કે બેમાંના એક બુઝુર્ગે હાથ જોડી વંદન કર્યા હતાં; ને બીજાએ લલાટ પર જમણા હાથની સલામ કરી હતી. એકના દેહ પર કાળી કફની હતી ને બીજાના શરીર પરનો અંચળો અંધારે સફેદ દેખાતો હતો. બેઉની આંખો જંગલના વાઘસાવજની આંખોનાં રત્નો-શી ચળકતી હતી. બુઝુર્ગો ડગુમગુ ચાલે, લાકડીઓના ટેકા દેતા રવાના થયા અને તેઓના ઊંચા ડંડાઓના પછડાટ થોડી વાર પછી રાત્રીના હદયમાં સમાઈ ગયા.
અમરબાઈએ દેવીદાસને ઓરડામાં લીધા. હજુ એનું શરીર અવાચક અવસ્થામાં પડ્યું હતું. આખા શરીરે ડાંગોના માર પડ્યા હોય તેવી ફૂટ થઈ હતી. એક હાથનું કાંડું કોઈએ આગમાં શેક્યું લાગ્યું. એ બધી અવસ્થા જોઈ અમરબાઈના મુખેથી ફક્ત એક જ ઉદગાર નીકળતો હતો: ‘સત દેવીદાસ!’ ઉદગારે અમરબાઈને રોઈ પડતી બચાવી. ધૈર્યના ઝરા એ ઉદગારમાંથી ઝરતા થયા. અંધારી રાતે પોતે નજીકમાં જ દતાત્રેયનો ધૂણો હતો ત્યાં ભસ્મ લેવા ચાલી.
એ ચાલતી હતી તે વેળા કોઈ એક પક્ષીની કાળી મોટી પાંખો જેવો પડછાયો એની આગળ ને આજુબાજુ પડતો હતો. કોઈક અવાજ થતો હતો. અવાજમાં જાણે કે શબ્દનો આકાર રચાતો હતો: ‘અમર! અમર! અમર!’
કોણ સાદ કરતું હશે? જૂની કોઈ ઓળખાણ જાણે ગાજે છે. ધૂણાને કાંઠે અમરબાઈ ઘડીક થંભ્યાં. કાજળવરણી રાતમાં એનો આહીર-દેહ આભે માંડ્યા થંભ જેવો દીસ્યો.
કોને દીસ્યો?
‘અમર!’
કોણે પાછું નામ લીધું?
‘અરેરે જીવ ! આ તો બધાં પુરાતન થાનકો છે. કાળજૂનાં કંઈક માનવીઓ આંહી ગારદ થયાં હશે, અનેક વાસનાઓ અણતૃપ્ત રહી ગયેલી હશે. કંઈક જોગંદરોનાંય કલેજાં હજુ ઝૂરતાં ને તલસતાં હશે. કોણ મને ભૂતકાળની સોડ્યમાં સૂતું સૂતું સાદ કરતું હશે?’
એ પાછી ચાલી. ફરી પાછો ‘અમર! અમર!’ એવો નાદ ગુંજ્યો. ને એ સ્વરોમાંથી નવા શબ્દો આકાર ધારણ કરતા ગયા.
‘ચાલી આવ! પાછી ચાલી આવ! પાછી, પાછી, પાછી વળી આવ!’
આ અવાજ પુરાતન ન હોય. આ તો નજીકનો તાજો, લાગણી ભર્યો સાદ છે. અમરબાઈને એ શબ્દોમાં મીઠાશ લાધી, અને અંતરમાં પ્રશ્નાર્થ ચિન્હ ખેંચાયું: શા માટે આ બધું? શા માટે સંકટો? આ રોજે રોજ નવનવી ઊઠતી આફતો: આ ભોંમાંથી જાગતાં ભાલાં? હું સેવા કરવા બેઠી. કોઈનું કશું બગાડતી નથી. દુનિયાને કશોય ભાર, કશીય ભીડ નથી કરતી. જગતની એઠ જમીને પેટગુજારો કરી રહી છું. છતાં શા માટે આ પરિહાસ!
‘ચાલી આવ!’
મને કોણે બોલાવી! ક્યાં ચાલી આવું?
થોડાંક – થોડાંક જ વર્ષો જગતને માણ્યું હોત તો કદાચિત આજે લાગેલ છે તેટલો થાક ન લાગત. ‘આ મારી કાયા’ – એણે ચાંદરણાંના તેજમાં પોતાના હાથની કોણી ઉપરવટ ભુજાઓ પર્યંત ખુલ્લા કરીને નીહાળ્યા. ‘આ શરીર શેકાઈને શ્યામ પડી ગયું. કેવું ગોરું ગોરું હતું! આમ કેમ થઈ ગયું? પહેલા દિવસે આ લીમડાની ઘટામાં શીતળ શીતળ લહેરો આવતી હતી. તેથી તો નહોતી લોભાઈ હું?’
અમર પરસાળ પર ચડી ગઈ. પ્રશ્નમાળા ખંડિત બની. પોતે ઓરડે જઈને સંત દેવીદાસના શરીરે ભસ્મ ઘસવા લાગી.
પરોઢિયું હજુ નહોતું થયું. પરોઢ જ્યારે નજીક હોય છે ત્યારે અંધકાર ઘાટો ઘૂંટાય છે. એવી કાળી ઘાટમાં દેવીદાસે શુદ્ધિમાં આવી નેત્રો ખોલ્યાં. પહેલો જ પ્રશ્ન એણે એવો કર્યો, ‘સંત ન રોકાણા?’
‘કોણ સંતો?’
‘બે જણા મને મૂકવા આવેલા ને?’
‘હા, એમણે નામઠામ આપવાની ના કહી.’
‘તેં ન ઓળખ્યા, બેટા?’
‘હું કેમ, કરીને ઓળખું?’
દેવીદાસે મોં મલકાવ્યું: ‘અમરબાઈ, એક હતો ઈસ્લામી સાંઈ નૂરશાહ અને બીજા હતા હિંદુ જોગી જયરામશાહ, રામનામની જગ્યાવાળા.’
‘તમને એ ક્યાંથી ઉપાડી લાવ્યા?’
‘ઠેઠ ગિરનારમાંથી. કઈ જગ્યાએ હું પડ્યો હોઈશ તેની તો ખબર નથી, કેમ કે મને લઈ જનારાઓએ મારી આંખે પાટા બાંધ્યા હતા.’
‘તમને કોણ લઈ ગયેલા? શા માટે લઈ ગયેલા? ને આ આખે શરીરે કોણે કાળો કોપ કર્યો?’
‘દીકરી!’ દેવીદાસે અપાર વેદનાઓની વચ્ચે શાંત મલકાટ કરીને જવાબ દીધો, ‘દુ:ખ દેનારાઓના ચહેરાને ભૂલી જવાય છે. એનાં નામઠામ યાદ રહેતાં નથી. મારી યાદશક્તિ બુઠ્ઠી બની ગઈ છે. અને વળી, બેટા! મને મરેલ જેવાને ખોળી કાઢી આંહીં સુધી ઉપાડી લાવનારાં એવા બે મંગળમય નામોને યાદ કરું છું, એટલે તો સંતાપનારાઓને આશિષો દેવાનું મન થઈ જાય છે. સતસાંઈ નૂરશાહ! સત જયરામશાહ!’
‘પણ આપણો ગુનો શો છે તે લોકો સંતાપે છે?’
‘લોકો જે કરવા તલસે છે, પણ બીકના માર્યા કરી શકતા નથી, તેવું કાંઈ આપણે કરીયે તો એ આપણો ગુનો જ લેખાય ને, બાઈ! પારકાની વહુબેટીની અંતરિયાળ રોકી રાખવી એ કાંઈ જેવા તેવો અપવાદ છે, બે’ન! દેવતાની આંખમાંય ખૂન આવી જાય, સમજી બચ્ચા?’
‘થોડું થોડું સમજી, શાદુળ ખુમાણ પણ મને એવો જ માર્મિક બોલ કહી ગયેલા.’
થોડીવાર બેઉ ચૂપ રહ્યાં. અમરની વેદના વધતી હતી, કેમ કે પોતાની સામે એક પ્રચંડકાય સત્યપુરુષનાં છૂંદાયેલાં હાડમાંસનો માળખો પડ્યો હતો. એની આંખોમાં લાલપના દોરિયા ફૂટ્યા: એ બોલી ઊઠી, ‘ત્યારે તો તમને ઉપાડી જનારા જૂનાગઢના સિપાહી નહોતા, પણ મારા દેહના લોચાના ભૂખ્યા મારા સાસરિયાવાળા હતા, એમ?’
‘શાંતિ હારે એ જોદ્ધો નહીં બેટા!’ દેવીદાસે ટૂંકું જ વાક્ય કહ્યું. પાસું ફેરવતાં ફેરવતાં એનાં મોંમાંથી અરેરાટી છૂટી ગઈ.
એ અરેરાટી – શબ્દોએ અમરબાઈને ઉશ્કેરી, ‘હું – હું – હું જાઉં છું. જૂનાગઢને સિપાહી – થાણે ખબર કરું છું. એ પાપિયાઓના હાથમાં કડીઓ જડાશે.’
‘ફોગટ છે, બેટા! એ બધું.’
‘કેમ?’
‘હું પોતે જ નામુકર જાઈશ.’
‘મને ખોટી પાડશો? સંત દેવીદાસ ઊથીને જૂઠ વચન બોલશે?’
‘આવરદાભરમાં એકેય વાર જૂઠ નથી બોલ્યો, એટલે ઈ એક જૂઠની શું પ્રભુ મને ક્ષમા નહીં આપે?’
અમરબાઈના કાંપતા હોઠ ઉપર દડ દડ દડ આંસુઓ દડી ગયાં. ‘પાપીઓનો આટલો બધો ત્રાસ! ગુનેગાર હું હતી. મારા કટકા કરવા’તા ને? પણ મારા બાપને, અરે આટલા નિરાધારોના આધારને શા માટે સંતાપ્યા? એ દુષ્ટોની કોઈ ખબર લેનાર નથી શું?’
‘અમર! બેટા! કોઈની ખબર લેવાનો કોઈને કોઈ હક્ક નથી. ખબર લેવી હોત તો હું રબારણ માતાનું દૂધ ધાવ્યો છું ના!’ બોલતાં બોલાતાં સંતે પોતાના બાહુઓ લાંબા કર્યા.
ખુલ્લો દેહ પહાડ સમ પડ્યો હતો. બાહુઓ લોઢાની અડીઓ જેવા પ્રચંડ હતા. ટટ્ટાર બનેલી ભુજાઓ ઉપર માંસની પેશીઓ મઢેલી દેખાતી હતી. ઘડીભર આ દેહછટા દેખીને અમરબાઈને દિલમાં ઓરતો થયો, કે આવા વજ્રપંજામાં પકડીને સંતે શા માટે એ શત્રુઓની ગરદનો ચેપી ન નાખી?
દેવીદાસના હાથ ફરીથી પોચા પડીને ઢળ્યા.
‘અરે ઈશ્વર!’ એણે એક નિશ્વાસ નાખ્યો: ‘હજી કાયાનો મદ બાકી રહી ગયો છે ને શું! શી પામરતા! મેં મારા ભુજબળનો દેખાડો કર્યો. ગુરુદત્ત ! મને, મૂરખા રબારડાને ક્ષમા કરજો.’
(ક્રમશઃ)
– ઝવેરચંદ મેઘાણી
આ નવલકથાના બધા જ ભાગ સંગ્રહ કડી ‘સંત દેવીદાસ‘ પર ઉપલબ્ધ છે અને આવનાર ભાગ પણ જેમ જેમ ઉપલબ્ધ થતા જશે તેમ તેમ અહીંથી વાંચી શકાશે.
{આજની પ્રસ્તુત કથા દેવીદાસ બાપુ પરના હુમલા અને એને લીધે અમરમાંના વિચારવંટોળને પ્રસ્તુત કરે છે. ચમત્કારોથી નહીં પણ સતત સમર્પણ અને દરેક પ્રત્યેનો પ્રેમ અને સદભાવ જ સંત દેવીદાસને વિભૂતિ બનાવી શક્યો છે એ સમજણ અમરમાની એક અનોખી આભા ઉપસાવે છે, તેમના આધ્યાત્મિક ઉર્ધ્વિકરણની વાત અહીં વિગતે અને અસરકારક રીતે આલેખાઈ છે. સોરઠી સંત સાહિત્યમાં સેવા અને ભેખના દ્રઢ નિશ્ચય અને અડગ સેવાભાવનાનું આ ઉદાહરણ વિલક્ષણ અને આગવું છે.}
Request please RE-Start the posting of most interesting tale of saint.
Please saheb aaglna bhag mukvanu chalu rakho please
Please aagal na bhag aapva vinanti. Khub j ras pde aevi katha chhe… Aabhar!!
Sant devidas na 11 pachi na bhag kyate aavse..
This is my favorite novel ….
But no link so I can’t download it……
Plz solve it
ખુબ સરસ——.સંત નો સ્વભાવ -સમર્પણ અને દરેક પ્રત્યે નો પ્રેમ અને સદભાવ જ વિભૂતિ બનાવે છે.