વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૧૩} 1


ગતાંકથી આગળ…

A Novel By Pinki Dalal

A Novel By Pinki Dalal

મુંબઈ આવી રહેલી ફ્લાઈટના વ્હીલ્સ એક જબરદસ્ત આંચકા સાથે રનવેને સ્પર્શ્યા અને ઉતારુઓ ચમક્યા, જેમાં માધવી પણ શામેલ હતી.

પાલમપુરથી ચંદીગઢ, ત્યાંથી દિલ્હી ને દિલ્હીથી મુંબઈ… લાંબા સફરમાં આરતી માસીની ખામોશી માધવીને મૂંઝવી રહી હતી. એણે કેટકેટલીવાર એક કે બીજી વાતમાં માસીને પરોવવાનો પ્રયત્ન કર્યો પણ તમામનો સરવાળો શૂન્યમાં જ આવતો હતો.

સફર દરમિયાન આરતી માત્ર મોઢા પર નહીં, આંખો પર પણ તાળું મારી રાખવા માંગતી હોય તેમ તેણે આંખો પણ બંધ જ રાખી હતી. પણ દિલમાં થઇ રહેલો ચચરાટ પાંપણનો બંધ તોડીને વહી જવા માંગતો હોય તે વાત આંખોને ખૂણે બાઝી જતી ભીનાશ સ્પષ્ટપણે કહી જતી હતી.
આ પરિસ્થિતિમાં કોઈ કરે તો પણ શું ? માધવી સમજી શકતી હતી માસીની વ્યથાને. જેને સર્વસ્વ માની તન મન આત્મા સમર્પિત કરી દીધાં હોય તે બંધન એક ઝટકામાં આમ તૂટી જાય તે મુક્તિ હોય તો પણ પીડાદાઈ તો લાગવાનું જ ને ! જે આશ્રમને સમગ્ર જીવન અર્પણ કરી દીધું તે એક જ ઘડીમાં આ રીતે પરાયો થઇ ગયો હતો.

ઘરમાં પ્રવેશતાવેંત જ માસી તો પોતાના રૂમમાં જતા રહ્યા. માધવી પાછળ પાછળ દોરવાઈ, હળવી ચિંતા હવે મનને ઘેરી રહી હતી. કોઈપણ પરિસ્થતિમાં શિલાની જેમ અડીખમ ઉભા રહેનારા આરતીમાસીનું આ નવું સ્વરૂપ હતું.

‘માધવી, મને એકાંત ખપે છે. થોડીવાર…’ માધવી શું જવાબ આપે છે તે જોતા આરતી ક્ષણ માટે થોભી, પણ માધવી પોતાની વાત સમજી રહી છે એ જાણીને એમને થોડી ધરપત થઇ હોય તેમ લાગ્યું : ‘બીજું તો કંઈ નહીં પણ માત્ર એટલું ધ્યાન રાખીશ કે મને કોઈ વિક્ષેપ ન કરે? થોડાં કલાક એકાંત જોઈએ છે.’

માસીની આજ્ઞા માથે ચઢાવતી હોય તેમ માધવીએ માથું હલાવીને હા તો પાડી જ પણ સાથે સાથે તમામ સમાન આવી ગયો છે તે ચેક કરીને પોતે જ માસીના રૂમનું બારણું બંધ કરતી ગઈ. માધવીના જવાની રાહ જોઈ રહી હોય તેમ આરતીએ બાથરૂમમાં જઈ ગીઝર ઓન કર્યું ને બીજી તરફ પોતાના સામાનમાં રહેલી એક એલ્યુમિનીયમની નાની પેટી બહાર કાઢી. જીવની જેમ જાળવતી આ પેટી પર લગાવેલું તાળું એને ખોલ્યું. લાગ્યું હતું કે કદાચ હવે ક્યારેય એની જરૂર ન રહે પણ ના, વર્ષોથી ન થયેલી સાધના આદરવાનો યોગ ફરી મંડાઈ રહ્યો હતો.

* * * * *

પૂરાં ચોવીસ કલાક પછી જયારે આરતીએ પોતાના રૂમનું બારણું ખોલ્યું ત્યારે દિવસ માથે ચઢી ગયો હતો. ‘અરે મધુ, હજી જમી નથી? મારી વાટ જોઇને બેસી રહી? ના પાડી હતી ને મારી વાટ ન જોઇશ…’ માસીએ ટેબલ પર સેટ થયેલી પ્લેટસ જોઇને પૂછ્યું.

‘તમારી રાહ માત્ર જમવા માટે જ નહીં, નવા એક ઉપાસણ માટે જોઈ રહી હતી. તમે તો અનુરોધ કરેલો કે સાધનામાં વિક્ષેપ ન પડે એટલે બાકી તો ક્યારનું તમારું બારણે ટકોરાં માર્યા હોત!’ માધવીના ચહેરાના હાવભાવ પરથી વાત બયાન થઇ રહી હતી, વાત નક્કી સિરિયસ હોવાની.

‘કેમ? એવું તો શું થઇ ગયું?’ માસીના ચહેરા પર આશ્ચર્યના ભાવ આવી ગયા.

‘બીજું હોય શું માસી?’ માધવીએ નિશ્વાસ મૂક્યો : ‘આ ત્રાસવાદી છોકરીના પરાક્રમ સિવાય બીજું?’

‘એટલે રિયાની કોઈ વાત…?’ આરતીની ધારણા ખોટી નહોતી.

‘તો વળી બીજું શું? મને જેને ડર હતો તે જ વાત આવીને ઉભી રહી ને?’ માધવીના અવાજમાં થોડી ચીડ અને ગુસ્સો હતા.

‘એમ આકળી શું થાય છે? કાલે પહેલા પ્રિન્સિપાલ મેડમ સાથે વાત તો કર, એમ બધું ધારી લેવાથી શું કોઈ સમાધાન મળી જવાનું છે? માસીએ અકળાઈ રહેલી માધવીને જરા શાંત પાડવાનો પ્રયત્ન તો કર્યો.

‘શું શાંતિ રાખું માસી? આપણે અહીં નહોતા ત્યારે પ્રિન્સિપાલ ઈરાનીનો બે વાર કોલ આવી ગયો છે. મને તાત્કાલિક પંચગની બોલાવી છે. તમારી સાધના પૂરી થવાની વાટ જોતી હતી. હવે નીકળીશ બીજું શું?’

રિયાએ કોઈ નવાજૂની કરી હશે એ વાત તો સમજાઈ જ ગઈ હતી. એટલે માધવીએ સહુથી પહેલું કામ પંચગીની જવાનું કરવું પડ્યું.

બીજે દિવસે સવારે માધવી પ્રિન્સિપાલની કેબિનમાં હતી. તેની આશંકા લગીરે ખોટી નહોતી એ તો પ્રિન્સિપાલ મેડમની આંખો જ કહી દેતી હતી.

‘જુઓ માધવીજી, તમારી ભાવના હું સમજી શકું છું પણ અમારે પણ કોઈ ડિસીપ્લીનરી કમિટી હોય ને, પેરેન્ટ્સ ટીચર્સ અસોસિએશન હોય. આ આખો બનાવ કદાચ અમારી સ્કુલના ઇતિહાસમાં થયેલો પહેલો અને છેલ્લો બનાવ હશે. આવી કોઈ ઘટના આ પૂર્વે બની હોય એવો ખ્યાલ નથી. એટલે તમામ વાલીઓ હવે એકમત છે કે ગમે તે ભોગે આ પ્રકારની ગેરશિસ્ત તો ન જ સાંખી શકાયને!’

પંચગનીની પાંચમાં પૂછાતી ન્યુ એરા બોર્ડીંગ સ્કુલમાં રિયા ને રોમાને એડમિશન તો મળી ગયું હતું, પણ હજી તો માંડ મહિનો પૂરો થયો ને આ પ્રકરણ થયું. ‘મેમ, હું મારી દીકરી વતી બે હાથ જોડીને તમારી માફી માંગું છું, પણ તમે આમ ડિસમિસ ન કરો, મારી બંને દીકરીઓની જિંદગીનો પ્રશ્ન છે…’ પ્રિન્સીપાલ મિસિસ ઈરાનીની સામે બેઠેલી માધવી પાસે બે હાથ જોડીને માફી માંગવા સિવાય કોઈ વિકલ્પ જ નહોતો બચ્યો.

‘જુઓ, હું તમારા મનની સ્થિતિ બિલકુલ સમજી શકું છું. હું પણ એક મા છું, પણ આ રિયા ખરેખર પ્રોબ્લેમ ચાઈલ્ડ છે. તમે નહીં માનો પણ એ વાત મેં તો પહેલી જ નજરમાં નોંધી લીધી હતી. અને રોમા, એ બચ્ચુ વિના કોઈ વાંકે દંડાઈ જશે પણ આઈ કાન્ટ હેલ્પ ઈટ…’ મિસિસ ઈરાની જેટલાં દેખાવે જાજરમાન અને પ્રભાવશાળી હતા સ્વભાવે એટલાં જ શાલીન અને વ્યવહારુ પણ લાગ્યા.

એ લેડી પાસે પણ શું કારણ હતું કે રિયાની આ ગેરવર્તણુંક ચાલવી ને સ્કૂલમાં રાખે?

‘મેડમ, હું રિયા સાથે એકવાર એકાંતમાં વાત કરી શકું?’ માધવીએ હથિયાર હેઠાં મુકવા પૂર્વે એક ચાન્સ લઇ જોવાનું નક્કી કર્યું હોય તેમ પૂછ્યું હતું.

‘પણ એથી કંઇ મેનેજમેન્ટનો નિર્ણય બદલાઈ નહીં જાય મિસ સેન…’ ઈરાનીએ તેમના રીડીંગ ગ્લાસ નાક પર ટેકવી રાખીને તેમાંથી વેધક દ્રષ્ટિએ માધવીને ઝાંકી રહ્યા હતા: ‘આખરે વાત બાળકોની સુરક્ષાની છે, તમે નહીં માનો પણ મોટાભાગના પેરેન્ટ્સ એટલા તો ગભરાઈ ગયા છે કે આજે આ શ્રુતિ સાથે થયું કાલે એની જગ્યાએ અમારી દીકરી હોય તો?, આટલી બધી આક્રમકતા આ નાની બાળકીમાં?’

થયું હતું એમ કે બોર્ડીંગ સ્કૂલમાં બે દિવસ પણ નહોતા થયા ને રિયાએ સહુને પરેશાન કરી નાખ્યા હતા. બંને બહેનોને સાથે રાખવાને બદલે અલગ અલગ રૂમ પાર્ટનર સાથે રહેવું પડ્યું ત્યારથી રિયાનું મગજ છટક્યું હતું. એને જીદ પકડી હતી રોમા સાથે એક રૂમમાં રહેવાની. સ્કુલના નિયમનોને આધીન રહીને રિયાની જીદ પોષવાને બદલે તેને બીજી વિદ્યાર્થીની સાથે રૂમ શેર કરવાની ફરજ પાડવામાં આવી હતી એટલે મામલો બગડ્યો હતો. પ્રિન્સિપાલ ઈરાનીના કહેવા પ્રમાણે રિયાએ પોતાની રૂમ પાર્ટનર શ્રુતિના માથા પર પાણી ભરેલી બોટલ ફટકારી દીધી હતી, બોટલ પ્લાસ્ટીકની હતી એટલે શ્રુતિ બચી ગઈ, લોહીલુહાણ ન થઇ પણ મૂઢ માર લાગવાથી બેહોશ જરૂર થઇ ગઈ હતી અને હોસ્પિટલમાં દાખલ કરવી પડી. ઈજા ભલે દેખીતી રીતે ગંભીર નહોતી લાગતી પણ હતી જીવલેણ, એમાં શ્રુતિની દ્રષ્ટિ જઈ શકે તેવી સંભાવના હતી કે પછી પેરેલિસિસની શક્યતા પણ નકારી શકાય એમ નહોતી.

વિઝીટર્સ રૂમમાં માધવી રિયાની રાહ જોઈ રહી હતી, જેવી એ આવતી દેખાય કે માધવીના આંખમાં એક કસર ઉઠી. બિલકુલ બાપ પર ગઈ છે. રિયાની બોલચાલ, મેનર્સ બધી રીતે રાજાની સતત યાદ કરાવતી રહેતી.

રિયા રૂમમાં પ્રવેશી એ સાથે જ માધવી એની પર તૂટી પડી. ‘કહ્યું હતું ને સીધી રહેજે? નહીં તો કાઢી મૂકશે?’

‘પણ મમ્મા, મને સાંભળો તો ખરા…’ રિયા પહેલીવાર થોડી નર્વસ લાગી.

‘ખબરદાર, એક શબ્દ પણ બોલી છે તો! જીભ જ ખેંચી કાઢીશ. નાલાયક છોકરી, તું તો નકામી છે જ પણ તારે લીધે બિચારી રોમાનું ભવિષ્ય બગડી જશે…’

‘મમ્મી, શરૂઆત એને કરી હતી.’ મમ્મી વાત નથી જ સાંભળવાની તેની ખાતરી હોવા છતાં રિયા બોલતી રહી.

રિયાની રૂમ પાર્ટનર હતી શ્રુતિ, જેની આદત હતી પોતાના કપડાં આખા રૂમમાં વિખરાયેલા મૂકી રાખવાની, એ આદત સામે ભારે વાંધો હતો રિયાને. રિયાએ આ વાતની ફરિયાદ ટીચરને કરી તો ખરી, પણ એ વિષે કોઈ વિશેષ ધ્યાન નહોતું અપાયું. એક દિવસ સ્કૂલ પછી ફરી એ જ બનાવનું પુનરાવર્તન થયું, શ્રુતિએ પોતાની આદત મુજબ આખાં રૂમમાં કપડાં વિખેરેલાં મૂક્યા હતા. રિયાને પરેશાન કરવા જ સ્તો, પણ રિયાએ પણ પરેશાન ન થવું હોય તેમ શ્રુતિના કપડાં ઉઠાવીને એક તરફ મૂકવા માંડ્યા.

‘મમ્મી, હું તો એના કપડાં એક તરફ કરી રહી હતી, ને એને મને થેંક યુ કહેવાને બદલે કહ્યું, કોને પૂછીને મારા કપડાંને હાથ લગાવ્યો?’

માધવી ક્ષણવાર માટે રિયાની વાત સાંભળી રહી. એ જૂઠું તો નહોતી બોલી રહી એ એની નિર્દોષ આંખોમાંથી સાફ દેખાઈ આવતું હતું. ‘હંમ, પછી? એટલે તેં એનું માથું ફોડી નાખ્યું?’

‘ના મમ્મા, સાચું કહું છું, મેં એવું ન કર્યું હોત પણ એને મારી પર છિપકલી ફેંકી, ને જોરજોરથી હસવા માંડી.’

રિયા પર બેહિસાબ રોષે ભરાયેલી માધવી આ વાત સાંભળ્યા પછી જરા ઠંડી પડી. એ વાત સાચી હતી કે રિયાને કોઈ વાતનો ડર નહોતો લાગતો પણ એ ડરતી હતી એક માત્ર ગરોળીથી. ડર કરતાં જો કોઈ વધુ તીવ્ર હોય તો તે સૂગ સાથેની ભીતિ, ગરોળીને જોઇને રિયાને થતું કે એ બેહોશ થઇ જશે. એકવાર શ્રુતિને આ નબળાઈ હાથમાં આવી એટલે એ રિયાને પરેશાન કરવા કોઈને કોઈ રીતે ડરાવતી રહેતી.

‘હું એટલી ડરી ગઈ, મેં એને કહ્યું કે પ્લીઝ, સ્ટોપ ઇટ, નહીંતર હું તને મારી બેસીસ પણ એ માની જ નહીં… એટલે?’ રિયા થોડીવાર ચૂપ રહી ને માધવી સામે ન્યાય માંગતી હોય તેમ યાચક નજરથી જોતી રહી. ‘છિપકલી રબરની હતી પણ, હું બહુ ગભરાઈ ગઈ હતી… મને એમ કે સાચી છે…’

‘એટલે તે એને આટલી ખરાબ રીતે મારી? એમ?’ માધવીના સ્વરમાં ગુસ્સો હતો પણ એની માત્રા ખાસ્સી ઠંડી પડી ગઈ હતી.

માધવીનો રોષ ભલે આ વાત સાંભળ્યા પછી ઓછો થયો હોય મિસિસ ઈરાની અને પેરેન્ટ્સ હજી રિયાને બક્ષવાના મૂડમાં નહોતા.

‘હું સમજી શકું છું માધવી, રિયાએ જે કર્યું તે આવેશમાં આવીને કર્યું પણ ઇટ્સ નોટ ડન… કોઈ સંજોગમાં માફ કરી શકાય એમ નથી. અમારી સ્કૂલની પ્રેસ્ટીજનો સવાલ છે. હા, હું એવું જરૂર કરી શકું કે આ બધા પરિબળોને ધ્યાનમાં રાખીને હું લિવિંગ સર્ટિફિકેટમાં આ બધી વાતો કે રિયાના ગુસ્સા વિષે કોઈ નોંધ ન કરું, પણ બાકી જો તમે એમ ઈચ્છો કે બધું ભૂલીને છોકરીઓ અહીં અભ્યાસ ચાલુ રાખી શકે તો… સોરી, એ તો નહીં બને…’

મિસિસ ઈરાનીએ પોતાનો વ્હીપ સુણાવી દીધો હતો હવે એને ચેલેન્જ કરીને કોઈ ફાયદો પણ નહોતો. ‘રિયાએ તો જે કર્યું તે માફ ન કરી શકો પણ એને માટે નિર્દોષ રોમાને પણ સજા મળે? આ તો કેવો ન્યાય?’ માધવીએ એક છેલ્લી દલીલ કરી જોઈ.

‘હા, એ વાત તમારી બરાબર…’ મેડમ ઈરાની શિસ્તને મામલે ભારે કડક હતા પણ લાગણીશીલ ને પ્રેક્ટીકલ પણ હતા. ‘એ વાત તો છે કે રોમાનો તો આખી વાતમાં કોઈ વાંક નથી. તમે ચાહો તો એ અહીં અભ્યાસ કરી શકે છે, પણ તમે જ તો કહેતા હતાને કે બે બહેનો એકમેક વિના નહીં રહે…’ ઈરાનીએ માધવીનો મત પૂછ્યો.

‘હા, અત્યાર સુધી તો નથી રહી પણ હવે રહેશે.. બીજું શું? હું નથી ઇચ્છતી કે રિયાને કારણે રોમાનું ભાવિ પણ બગડે…’

‘જો તમે આ નિર્ણય લઇ જ લીધો છે એટલે હવે કહેવામાં વાંધો નથી.’ મિસિસ ઈરાની માધવીને દુ:ખ ન લાગે એવી કાળજી લેતા હોય એમ લાગ્યું : ‘એક રીતે સારું જ થયું કે આ બંને છોકરીઓ અલગ રહેશે. ખરાબ ન લગાડશો માધવી પણ રિયાને ખરેખર કોઈ સાઈકીઆટ્રીસ્ટની, ટ્રીટમેન્ટની જરૂર છે. એ અતિશય આક્રમક છે અને ક્યારેક હિંસક થઇ શકે એટલી ઝનૂની, આજે થયું તે તો કદાચ ભૂલી જશે પણ જો એને યોગ્ય રીતે વાળવામાં ન આવી તો ભવિષ્યમાં…’ મિસિસ ઈરાનીએ વધુ કંઇ ન કહેવું હોય તેમ ચૂપ થઇ ગયા.

પ્રિન્સિપાલની કેબિનમાંથી બહાર નીકળ્યા પછી માધવીએ રિયાના રૂમમાં જઈ સમાન પેક કરવા માંડ્યો. સહેમીને જોઈ રહેલી રિયાની આંખોમાં શું ભાવ હતા એ તો રોમા ન સમજી પણ રિયા વિના હવે પોતે અહીં એકલા રહીને ભણવાનું છે એ વાત જ એને અસહનીય લાગી રહી હતી.

‘મમ, હું પણ તમારી સાથે ઘરે આવીશ. મને એકલા અહીં નથી રહેવું…’ રોમાના ધીમા અવાજમાં મક્કમતા નહોતી. એ તો એના સ્વભાવમાં નહોતી તો અવાજમાં ક્યાંથી આવવાની?

‘ના રોમા, તારે અહીં રહેવાનું છે, તું વેકેશનમાં ઘરે આવશે ત્યારે રિયાને મળી જ શકે ને! હવે એ વાત પર કોઈ ચર્ચા નહીં.. ‘ માધવીએ વટહુકમ બહાર પાડી દીધો ને બંને છોકરીઓ શિયાવિયાં થઈને એક તરફ બેસી માધવીને રિયાનો સામાન પેક કરતા જોઈ રહી.

પંચગનીથી મુંબઈ તરફ એકસોવીસ કિલોમીટરની ઝડપે દોડી રહેલી મર્સિડીઝમાં સામે રહેલાં પાણીના ગ્લાસમાં સ્પીડને કારણે ભલે કોઈ તરંગો ન ઉઠતાં હોય, માધવીના મનમાં તો મહાસાગર ઘૂઘવી રહ્યો હતો.

પ્રિન્સીપાલ ઈરાની ભલે આ ગરોળીની વાત માની લે, માધવીને લાગતું હતું કે રિયા સાવ નિર્દોષ હોય એ વાતમાં તથ્ય નહોતું. હોસ્પિટલમાં બેહોશ પડેલી શ્રુતિ તો જયારે સાચી વાત કહે ત્યારે પણ એ પહેલા જ માધવીને રિયાની વાત સદંતર ઉપજાવી કાઢેલી લાગી હતી.
રહી રહીને રિયાનું વર્તન રાજાની જ યાદ અપાવતું રહેતું હતું : આખરે એની દીકરી હતી. આક્રમક, બોલવામાં ચપળ, ને કદાચ બિલકુલ જૂઠ્ઠી. હેબિચ્યુઅલ લાયર, કમ્પલઝીવ લાયર કહેવાય તેવી. કોઈ પણ કારણ વિના એના બાપની જેમ જુઠ્ઠું બોલી શકે તેવી કુનેહ આ છોકરીને જાણે બાપ તરફથી જાણે લોહીમાં મળી હતી. માધવીએ એક નજર પોતાની જમણી બાજુએ બેઠેલી રિયા પર ફેંકી, આ બીનાની કોઈ અસર જ ન પડી હોય તેમ એ તો આરામથી ઊંઘી રહી હતી.

પાંચ કલાક પછી ઘરે પહોંચ્યા ત્યારે માસી રાહ જોતા જ બેઠા હતા. ‘કેમ શું ન માન્યા પ્રિન્સિપાલ મેડમ?’ માસીએ પહેલો પ્રશ્ન કર્યો.

‘તમારા આ મેડમ ને પૂછો એમના કારનામા, એમ કહો કે છોકરીના વાલીએ કોઈ પોલીસ કેસ ન કર્યો બાકી બોર્ડીંગ સ્કુલ કે ઘરે નહીં રિમાન્ડ હોમમાં રહેવું પડતે એને…’ માધવીએ એક દ્રષ્ટિ તુચ્છકારભરી રીતે રિયા પર નાખી.

‘માધવી…’ માસીએ એને વારવાનો નિષ્ફળ પ્રયત્ન કરી જોયો પણ માધવીએ પંચગનીમાં દાબી રાખેલો ગુસ્સો લાવાની જેમ ફાટ્યો.

‘એક નંબરની જુઠ્ઠી છોકરી, લબાડ, એના બાપ જેવી… થર્ડ ક્લાસ ક્રીચર, મારું લોહી પીવા જ આવી છે.’

‘મધુ, જબાન પર લગામ તો રાખ. જે મનમાં આવે બોલે જાય છે… બાળક છે હજી… શું એની પાછળ પડી જાય છે?’ માસીએ ઉભા થઈને રિયાનું માથું છાતીસરસું દબાવી દીધું ને કાન આડે પોતાના હાથ રાખી દીધા, બચારી છોકરી, નસીબ જ ખોટા રૂપિયા જેવું લઈને આવી હતી.

‘તમે એનો ખોટો બચાવ કરવો રહેવા જ દેજો માસી, મારું મગજ ઠેકાણે નથી… પછી મારાથી તમને કંઇક કહેવાઈ જશે…’ માધવીના ગુસ્સાનો કોઈ પાર જ નહોતો. માસીએ આ જોઇને પરિસ્થિતિ હાથમાં લીધા વિના છૂટકો પણ નહોતો.

‘રિયા, તું તારા રૂમમાં જા.’ માસીએ સહુ પ્રથમ માધવીના ગુસ્સાનું કારણ જ એની નજર સામેથી ખસેડી નાખ્યું પછી માધવી સાથે સમજાવટ આદરી, ‘માધવી, રિયાના આ વર્તનનું એક મહત્વનું કારણ તારો એની સાથે સતત થતો આ ઓરમાયો વર્તાવ છે એ પણ ન ભૂલીશ…’

માધવીને પણ પોતાની વર્તણુંક માટે રહી રહીને સંતાપ ઉઠી રહ્યો હતો. ‘માસી, રિયાને સારી સ્કૂલમાં અહીં એડમીશન મળી જાય… જે પણ સ્કુલમાં જઈશું એની આ વાત સામે આવશે તો? કોઈ સ્કૂલમાં એડમીશન નહીં મળે.’

‘મધુ, એ બધી ચિંતા કરવાને બદલે નક્કર વિચાર કરવો જરૂરી છે…’ માસી લાંબો વિચાર કરી રહ્યા હોય તેમ ચૂપ રહ્યા, ‘અરે, ભટ્ટાચાર્ય અંકલને કહે રિયાનું એડમીશન કરાવે… એમનો બોલ તો કોઈ સ્કુલનું મેનેજમેન્ટ નહીં ઉથાપે ને!’

‘હા, એ વાત તો સાચી…’ માસીના સુઝાવે માધવીને વિચાર કરતી કરી મૂકી, પણ સાથે એ વિચાર તો જરૂર અથડાયો : માસીના મનમાં ભટ્ટાચાર્ય અંકલનું નામ આમ બિલાડીના ટોપની જેમ ફૂટી કઈ રીતે આવ્યું?

આ ઘટના પછી પહેલીવાર ભાગ્યમાં શાંતિ અને ખુશીનો યોગ લખાયો હોય તેમ માધવીના દિવસો ફરી રહ્યા હતા.

રિયાનું એડમીશન ઘર પાસે જ સેવન ડેઝ પબ્લિક સ્કૂલમાં થઇ ગયું હતું. સ્કૂલ સારી હતી પણ મધ્યમવર્ગીય બાળકો છોકરીઓ ભણવા આવતી હતી. ભટ્ટાચાર્ય અંકલ તો કરાવી શકતે કોઈ ખ્યાતનામ સ્કૂલમાં એડમીશન, પણ ત્યાં કોઈ ફરી બબાલ થઇ તો? મધ્યમવર્ગીય સ્કુલમાં પોતાનો હાથ તો ઉપર રહેશે એવી કોઈક ગણતરી માધવીની હતી.

રિયાને એકમાત્ર શોખ હતો ડાન્સનો. માસીના અનુરોધથી એ ડાન્સ કલાસીસ પણ શરુ થઇ ગયા હતા. રોજના બે કલાક સતત પરસેવો પાડવાથી, મનગમતી પ્રવૃત્તિ મળવાથી ઉર્જાને વ્યક્ત થવાનું કોઈક માધ્યમ મળ્યું હોય તેમ રિયા પ્રમાણમાં શાંત પડી ગઈ હતી. ભાગ્યે જ બોલતી. કદાચ રોમા ઘરમાં ન હોવાથી કે પછી બોર્ડીંગ સ્કુલના બનાવે એની માનસિકતા પર ભારે અસર છોડી હતી. બાલ્યાવસ્થા પાછળ છૂટી રહી હતી અને કિશોરાવસ્થા શરુ થઇ ચૂકી હતી.

જયારે જયારે વેકેશનમાં રોમા ઘરે આવતી ત્યારે બે બહેનોના ઉત્તર દક્ષિણ અંતિમો સ્પષ્ટપણે દેખા દેતા.

સ્કૂલ ચાલુ હોય કે વેકેશન રિયાને છંદ લાગ્યો હતો ડાન્સનો, ફિલ્મોનો. તેનાથી તદ્દન વિપરીત હતી રોમા, એને ફિલ્મોમાં રસ ભાગ્યે જ પડતો. એની દુનિયા હતી રંગોથી ભરેલી.

‘આ રોમા મોટી થઈને ચિત્રકાર બનવાની છે…’ એકવાર વેકેશનમાં ઘરે આવેલી રોમા ને રિયા સાથે લઈને ફરવા નીકળેલાં માસીને કોઈ રાઝની વાત કરતી હોય તેમ રિયાએ કહ્યું હતું.

‘લે, તે તને કેવી રીતે ખબર?’ માસીએ રોમાની આંગળીઓ સહેલાવતાં પૂછ્યું : ‘જો કે તારી વાત તો સાચી રિયા, આ જો, એની આંગળી જ જો ને, લાંબી, સુંવાળી… જાણે હંસની ડોક.’

‘તે હેં નાની… આંગળી પર એવું લખ્યું હોય કે આપણે મોટાં થઈને શું બનીશું?’ રિયાના બાલીશ પ્રશ્ન પર માસીને ભારે રમૂજ થયેલી.

‘એ મારી ગાંડી, લખ્યું ન હોય એ દેખાઈ આવે, એને કહેવાય સામુદ્રિક શાસ્ત્ર. માણસના ચહેરામહોરાં વાંચી શકાય એ શાસ્ત્ર…’

‘એમ? પણ મેં તો રોમાની આંગળી જોઈ નહોતી ને તો પણ ખબર છે.’ રિયા ભોળપણથી બોલી : ‘મેં એનાં ખાનામાં પડેલાં બ્રશ ને પેઈન્ટનો ખડકલો જોયો છે ને, ને સાચવે તો એવી રીતે જાણે કોઈ ખજાનો હોય!’

‘તે તું નથી સાચવતી તારો ખજાનો? કહી દઉં નાનીને?’ રોમા હસી.

‘નાનીથી શું છુપાવવાનું? કહી દે…’ નાનીએ રિયાની સામે જોયું. એ જરા સહેમી ગઈ હોય તેમ લાગ્યું.

રિયાના ચહેરા પર આવેલા ભાવ આરતીથી છૂપાં ન રહ્યા: એવી તો શું વાત છે?

‘ચલ રોમા, તું કહી દે… શું છે એના ખજાનામાં?’

જવાબમાં રોમા મંદ મંદ હસતી રહી. : ‘નાની, એને તો બધા ફિલ્મ સ્ટાર્સના પિક્ચર્સ એકઠાં કર્યા છે, એક મોટો ડબ્બો ભરીને…’

‘ન હોય! સાચે જ?’ આરતીને રોમાની વાતથી ઝટકો તો લાગ્યો જ હતો. એમાં આશ્ચર્ય કરતા વધુ ફફડાટ હતો માધવી આ આખી વાતને કઈ રીતે લેશે.

‘રિયા, તને ફિલ્મનો આટલો બધો શોખ છે?’ આરતીને લાગ્યું કે વાત મોટે માપે લેવી પડશે.

રિયા કંઇક બોલે એ પહેલા તો રોમા બોલી ઉઠી : ‘નાની, રિયા સ્કૂલમાંથી ગૂટલી મારીને રિયા ફિલ્મો જોવા જાય છે, ગઈકાલે પેલી એની ફ્રેન્ડ માયા આવેલીને તે કહેતી હતી.’

‘રિયા, આ વાત સાચી છે?’ આરતીનો અવાજ જરા ગંભીર થયો.

વાત આગળ વધી રહી હતી અને પોતાને ખબર સુધ્ધાં ન પડી? એનો અર્થ એ પણ થયો કે માધવી સાચી તો ખરી. આટલી પ્રેમથી રાખ્યા પછી પણ રિયા આમ વાત છૂપાવે તેનો અર્થ કે એમ જ થયો કે એ કોઈનો વિશ્વાસ નહોતી કરતી, એમ જ ને?

‘ફિલ્મો જોવી કંઈ ખરાબ વાત નથી પણ આમ જૂઠું બોલીને, સ્કુલમાંથી ગૂટલી મારીને ફિલ્મો જોવી… એ તો બહુ ખરાબ કહેવાય ને બેટા…’

આરતીએ રિયાને પ્રેમથી સમજાવી શકાય તેવા ભાવથી કહ્યું તો ખરું પણ એને ખબર નહીં કે રિયાના નાનકડાં મગજમાં શું દુનિયા સર્જાઈ રહી છે. ‘એવું હોય તો મને કહેવું હતું , હું સારી ફિલ્મ જોવા તને લઇ જાત ને!’

‘નાની, તમે ફિલ્મો તો જોતા નથી. નથી મમ્મી જોતી, ને તમે કહો છે કોઈક ફિલ્મ જોવા લઇ જાત, પણ મારે તો બધી ફિલ્મો જોવી હોય તો પછી?’ રિયાનો મૂળભૂત સ્વભાવ ફરી ડોકાવો શરુ થઇ ગયો હતો.

‘નાની, તમને ખબર છે એને બધી ફિલ્મો શું કામ જોવી હોય છે?’ રોમા મશ્કરી કરતી હોય તેમ ટીખળ કરતા બોલી : ‘એને મોટી થઈને એક્ટ્રેસ બનવું છે. ફિલ્મની હિરોઈન… એવું માયા જ કહેતી હતી. રોમા ખી ખી કરીને હસતી રહી.’

વેકેશન પૂરું થયું એટલે રોમા તો ચાલી ગઈ પણ આરતીના માથે ચિંતાનો ભારો ખડકીને.

આરતીમાસી હવે હમેશ સાથે રહેવાના હોવાથી માધવીની ઉડાન તો આસમાને હતી. એની આર્ટ ગેલેરીનો સૂર્ય મધ્યાને તાપી રહ્યો હતો. રોજ નવા વિષય, રોજ નવા ગેસ્ટ, રોજ નવા કાર્યક્રમ. મુંબઈના આર્ટ સર્કલમાં માધવી સેન હવે વજનદાર નામ થઇ ક્યું હતું. એની પાસે રિયા માટે સમય જ ક્યાં હતો?’

‘માધવી, તે આ બંને માટે કંઇક વિચાર્યું છે ખરું? એ બંનેને શું લાઈન લેવી છે?’ માસીએ એક સાંજે વહેલી ઘરે આવી ગયેલી માધવી સાથે ચા પીતાં પીતાં વિષય છેડ્યો.

‘અરે… માસી, હજી ટેન્થ તો કમ્પ્લીટ કરવા દો, એ પછી બે વર્ષ હાયર સેકન્ડરીના…’

‘મધુ, કઈ દુનિયામાં જીવે છે તું?’ માધવીને લેશમાત્ર કલ્પના નહોતી કે માસી એની બેફિકરાઈ પર ખરેખરાં બગડ્યાં છે.: ‘દુનિયા ક્યાંથી ક્યાં નીકળી ચૂકી છે… અને તને તો એ ખબર નથી કે તારી દીકરીઓના રસના વિષય શું છે!’

માધવી ઘડીકવાર માટે સન્ન થઇ ગઈ. માસીની એ વાત તો સાચી હતી. કોઈકને ભૂલી જવાની ઈચ્છા સાથે મુકાયેલી દોટમાં એ બંને દીકરીઓના અસ્તિત્વને જ ભૂલી ગઈ હતી.

‘તમારી વાત ખોટી નહીં પણ માસી…’ માધવીના ચહેરા પર ભોંટપ છવાઈ રહી હતી.

‘મધુ, એમાં પોતાની જાતને આટલી બધી ગિલ્ટી ફિલ કરાવવાની જરૂર નથી. હજી સમય છે હાથ પર.’ માધવીના મનને વધુ વ્યગ્ર ન જોવું પડે એ રીતે આરતીએ વાત વાળી લીધી : ‘રોમા તો ભારે ફોકસ્ડ લાગે છે મને, એને તો આર્ટમાં જ કરિયર બનાવવી છે.’

‘એમ? એ તો બહુ સરસ. આમ પણ ઘરનું વાતાવરણ તો ઉતરવાનું જ ને!’ માધવીએ જરા મલકીને ચાની ચૂસકી ભરી. ‘પણ , જો રોમાનું મન જાણ્યું તો રિયાના મનમાં શું છે એ પણ તો જાણ્યું જ હશે ને તમે?’

‘હા, રિયાનું મન મારાથી ક્યાં સુધી ગોપિત રહેવાનું હતું?’ આરતીના સ્વરમાં થોડી હતાશા હતી. જાણે આવી રહેલા તોફાનની ભીતિ.

‘એમ? તો એને શું કરવું છે?’ માધવીના ચહેરા પર સ્મિત અકબંધ હતું : ‘એક દીકરી પેઈન્ટર હોય તો બીજી ડાન્સર… એને જે કરવું હોય તે, હું એની ઈચ્છાની આડી આવું તેવી હિટલરમોમ લાગું છું?’

‘ના, તું હિટલર તો નથી માધવી પણ, રિયાને શું કરવું છે એ જાણીને બની જાય તો નવાઈ નહીં…’

આરતીના શબ્દો માધવીને ચમકાવી ગયા : ‘એવી તો શું વાત છે?’

‘વાત માત્ર એટલી જ છે કે જેમ રોમાને પેઇન્ટર બનવું છે તેમ રિયા ને એક્ટ્રેસ બનવું છે…’ આરતીના શબ્દોએ માધવીને પથ્થર બનાવી દીધી હોય તેમ એ સુનમુન બેસી રહી.

રાજ.. પોતાની જિંદગી તબાહ કરી નાખનારના અંશ રિયામાં એને હમેશ દેખાતા રહેતા, પણ ત્યારે ખબર નહોતી કે બાકી હતું ફિલ્મનું ભૂત એની દીકરીને વળગશે, માધવીની આંખો સામે ક્ષણભર માટે ડેડીની તસ્વીર તાદશ થઇ આવી…. માધવીના દાંત ભીંસાઈ રહ્યા અને હોઠ પર લોહીની એક ટશર ફૂટી આવી : આ માણસનો ભેટો ન થયો હોત તો જિંદગી કેટલી સુંદર હોત!

(ક્રમશઃ)

આજે માણો વેર વિરાસત નવલકથાનો તેરમો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’ અંતિમ પ્રકરણ સુધીના બધાં જ હપ્તા જેમ પ્રસ્તુત થતા જશે તેમ આપ વિશેષ સંગ્રહ પાના પર અહીં ક્લિક કરીને વાંચી શક્શો. અક્ષરનાદને આ નવલકથા સાથે સંકળાવાનો અવસર આપવા બદલ પિન્કીબેનનો આભાર તથા શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

One thought on “વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૧૩}