ચાર વાર્તાઓ (માઈક્રોફિક્શન સ્પર્ધા) ભાગ ૪ – વિવિધ પ્રતિયોગી મિત્રો 13


પાંચ દિવસ સુધી પ્રસ્તુત થઈ રહી છે માઈક્રોફિક્શન સ્પર્ધાની વિજેતાઓ સિવાયના સ્પર્ધકોની પણ નિર્ણાયકોનું ધ્યાન ખેંચનારી કેટલીક ઉલ્લેખનીય માઈક્રોફિક્શન વાર્તાઓ. આ વીસ વાર્તાઓ વિજેતા મિત્રોની બધી વાર્તાઓની સાથે સાથે અન્ય સ્પર્ધક મિત્રોની નિર્ણાયકોએ વધાવેલી અને નોંધ લીધેલી વાર્તાઓ છે. આ વીસ માઈક્રોફિક્શન પછી આપણે વિજેતા મિત્રોની વાર્તાઓ માણીશું. પ્રથમ ચાર વાર્તાઓ, બીજી ચાર વાર્તાઓ અને ચાર વાર્તાઓનો ત્રીજો ભાગ આપણે આ પહેલા માણી, આજે પ્રસ્તુત છે એ વીસ પૈકીની ચાર વાર્તાઓનો ચોથો ભાગ.

૧૩. ડૉક્ટર – ભાવિન મીરાણી

“ડૉક્ટરસાહેબ, મારું કાંઈક કરો, અઠવાડીયાથી હેરાન થાઉં છું.”

“શું થાય છે? બોલો.” ડૉક્ટરે પૂછ્યું.

“સાહેબ, બહુ તાવ આવે છે, માથું તો ફાટી પડે એટલું દુઃખે છે, બે દિવસથી કમર પણ દુઃખે છે, એટલે રાત્રે નિંદર પણ નથી આવી અને કાલથી આ શરદી-ઉધરસ પણ થઈ ગયા છે.” દર્દીએ કહ્યું.

“આટલી બધી બીમારી એક સાથે? કામ શું કરો છો તમે?” ડૉક્ટરે પુછ્યું.

“ફૂટપાથ પર ‘દેશી-દવા’ વેચું છું, સાહેબ.”

૧૪. પરિણામ – દેવન વસાવડા

પરીક્ષામાં મહેનત કર્યા પછી પણ પરિણામ નકારાત્મક આવવાના ડરથી ડેમમાં ડૂબી જવા માટે કિનારે ઉભેલા દીપને મોબાઈલથી સમાચાર મળ્યા અને…

તે મીઠાઈ સાથે ઘરે પહોંચ્યો.

૧૫. નાના લોકો – ગાર્ગી મોદી

‘અરે જીવી, ખોલી લેવા હાટુ ૧૦ હજાર ઓસા સે. પણ એ કાંય તારા બાપુ પાંહે નો મંગાય. મારી જવાબદારી ઈમના માથે નાખું તો લાજી મરું. ઈમને હું લાગે ? કરસન તે જમાઈ સે કે જમ? તું સીનતા નો કર. હું રાત માટે સોકીદાર ની નોકરી ખોળી કાઢે.’

‘સાંભળ, આજે રાતે તૈયાર રહેજે, નવી હોટેલમાં તો આજે જવું જ છે. સ્ટેટસ સિમ્બલ મનાય છે આપણા જેવા લોકો માટે. અને પરીને એ નોકર કરસનની દીકરી સાથે રમવા ના મોકલ. એ નાના લોકો પાસેથી શું જાણે શું શીખશે? અને ડાર્લિંગ, તેં તારા પપ્પા ને કહ્યું છે ને કે મારે ૨૦ લાખ ની જરૂર છે?’

૧૬. ઇન્વેસ્ટમેન્ટ – મિત્સુ મહેતા

“આ શું જે.ડી.? મેં તમને કહ્યું’તું કે રિઅલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરજો અને તમે એક પ્યૂનને દસ લાખ રૂપિયા આપી દીધા? એ પણ પાછા આપવાની શરત વિના? મેં કેટલી સરસ જગ્યા દેખાડી’તી? સસ્તામાં પડતી હતી અને પ્રોફિટ પણ ગેરેંટેડ હતો.” ફાઈનાન્સિયલ એડવાઈઝર મિ. દલાલે કેબિનમાં દાખલ થતાં જ ગુસ્સા સાથે કહ્યું.

“અરે મિ દલાલ, આવો, બેસો અને પાણી પી શાંત થાઓ.” શેઠ જમનાદાસે હસતા હસતા કહ્યું.

“મેં રાકેશભાઈને એના દીકરાના આગળ અભ્યાસ માટે પૈસા આપ્યા છે. છોકરો ખરેખર હીરો છે. અને હીરાની પરખ ઝવેરીને જ હોય ને? મેં એમને એમનેમ પૈસા નથી આપ્યા, છોકરાની મેરિટ લાયકાત જોઈને જ મેં તેની મહેનત, લગન, આત્મવિશ્વાસ અને ઇમાનદારીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે.” ‘આમ જ આજથી ત્રીસ વર્ષ પહેલા મારા પર કોઈએ વિશ્વાસ રાખીને ઇન્વેસ્ટમેન્ટ કર્યું’તું.’ શેઠ જમનાદાસ મનમાં બોલ્યા.


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “ચાર વાર્તાઓ (માઈક્રોફિક્શન સ્પર્ધા) ભાગ ૪ – વિવિધ પ્રતિયોગી મિત્રો