૧૭. નિર્ણય – ગિરિમા ઘારેખાન
નિર્ણય મનીએ જ લેવાનો હતો. ભાઈ બહેનોમાં સહુથી મોટો હોવાથી એ કામ એના પર છોડાયું હતું. મૂંઝાયેલો મનીષ માને કંઈ પૂછે તો માં રડવા માંડતી. એનાથી પતિની આવી હાલત જોવાતી નહોતી કે દીકરાના આવા પ્રથ્નથી રડતી હતી એ મનીષને સમજાતું નહોતું. પત્ની મોં ચડાવીને ફરતી હતી, ભાઈઓ આડકતરી રીતે હોસ્પિટલના ખર્ચની વાત કરતા, સાસરેથી આવેલી બહેન પર કંટાળેલ બનેવીના ફોન વારંવાર આવતા – કેટલી રાહ જોવાની છે? ફૅમિલી ડૉક્ટર પણ ‘કંઈ કહેવું છે?’ પૂછીને જતા. બધાની જ મરજી વગરબોલે સ્પષ્ટ ખબર પડતી પણ જિંદગીભર ગુનેગાર થઈને મનીષે જ ફરવાનું?
માની ગેરહાજરીમાં મનીષ કોઈ વાર પિતાજીના કાનમાં પૂછતો, ‘તમે હેરાન થાઓ છો, રાહ જોઈએ કે પછી..? પ્લીઝ મને કંઈક સૂઝાડો.’ પણ જાણે આખી જિંદગીનો થાક ઉતારતા હોય એમ મહિનાઓથી ઉંઘતા પિતાજી પાંપણ પણ ન ફરકાવતા.
એ દિવસે દર રવિવાર સાંજની જેમ આખો પરિવાર હોસ્પિટલમાં હતો. અચાનક મનીષે બધાનું ધ્યાન દોર્યું – મોનિટરની વાંકીચૂકી રેખા સીધી ચાલવા માંડી હતી. બધાની આંખો આંસુથી ભરાઈ ગઈ, કોઈએ જોયું નહીં કે પિતાજીની વેન્ટિલેટરની નળી નીકળી ગઈ હતી. કોણ જાણે ક્યારે અને કેવી રીતે? મનીષને એવું કેમ લાગ્યું કે પિતાજીના ચહેરા પર આટલા મહિનાઓ પછી પહેલીવાર સ્મિત હતું – માર્મિક.
૧૮.
ક્રિકેટના અન્ડર ૧૮ના મેનેજરે નગરપાલિકાના કારકૂનને ૧૦૦૦ રૂપિયા આપીને કહ્યું, ‘મારા દિકરાનો ૮૯ ને બદલે ૯૦ની સાલનો જન્મનો દાખલો જોઈએ છે.’ કારકૂન રાઘવે પોતાના મિત્ર રમેશને ફોન કરીને પૂછ્યું, ‘આપણો તીર્થ આજે અન્ડર ૧૮માં સિલેક્ટ થઈ ગયો?’
રમેશે ઉદાસ ભાવે કહ્યું ‘તે સરસ રમ્યો, અને આ તેનું અન્ડર ૧૮માં રમવાનું છેલ્લું વર્ષ છે એ જાણવા છતાં મેનેજરે તેને સિલેક્ટ ન કર્યો.
– સૂર્યાબેન શાહ
૧૯. પ્રતિબિંબ – નયના મહેતા
સવારના અગિયાર થતાં તો સહુ પોતપોતાને કામે નીકળી ગયા’તા. રૂચિ સ્કૂલે, સર્વાંગ ઑફિસે અને દાદા કથામાં. શ્રુતિ ઘરમાં એકલી હતી. રસોડાનું કામ પત્યું એટલે તે હાથ સાફ કરી આગળના રૂમના સોફા પર હાશ કરીને બેઠી. ડાઈનીંગ ટેબલ પાસેના બેઝિનના અરીસાની શેલ્ફ પર એક ચકલી બેઠેલી. પોતાના પ્રતિબિંબને એ ચકલી એકધારી ચાંચ મારતી હતી. ‘ટક – ટક્ અવાજ આખા ઘરમાં પડઘાતો હતો. શ્રુતિ ચકલીની ચેષ્ટા ધ્યાનથી જોતી હતી.
ટીપોય પરનું છાપું લેવા જતાં ત્યાં પડેલી પ્લેટ દેખાઈ. શ્રેયાએ ગઈ સાંજે એમાં સેન્ડવિચ ઢોકળા મોકલ્યા’તા. શ્રુતિ શ્રેયાના ખ્યાલમાં ખોવાઈ ગઈ. શ્રેયા ખૂબ સુંદર છે, સર્વાંગની હાજરીમાં તો બહુ ખીલે છે, ઘણીવાર સર્વાંગ પાસે એ મને નીચી ચિતરવાનો પ્રયત્ન કરે છે. સર્વાંગને સેન્ડવિચ ઢોકળા બહુ ભાવે પણ મારા શ્રેયા જેવા સરસ ઢોકળા નથી બનતા. તો શું એટલે જ શ્રેયા વારંવાર આ ઢોકળા મોકલતી હશે? પોતાના વિચારથી શ્રુતિ પોતે જ શરમાઈ ગઈ, આવું વિચારાય જ કેમ? ધીસ ઈઝ નોટ માય સ્ટાઈલ યાર… પાછું શ્રુતિને ટક ટક, ટક ટક સંભળાવા લાગ્યું, પ્રતિબિંબ વાળી ચકલીને હરીફ સમજીને ઝનૂનપૂર્વક ચાંચ મારતી ચકલી પ્રેમથી ચાંચથી ચાંચ ટકરાવતી તો જરાય નહોતી લાગતી. નિર્દોષ નાનકડું પંખી ચકલી પણ…!
૨૦. આખી જિંદગીનો સવાલ.. – તેજ ઝબકાર
“મારી જિંદગી છે પપ્પા, હું માત્ર મારી પસંદના છોકરા જોડે જ લગ્ન કરીશ, નથી જોવો મારે કોઈ છોકરો-બોકરો. ઇટ્સ માય લાઈફ, મારી આખી જિંદગીનો સવાલ છે..”
“એ જ કહું છું બેટા, આખી જિંદગીનો સવાલ છે, હું ને તારા પપ્પા..”
“મમ્મી પ્લીઝ, મને તારું લેક્ચર નથી સાંભળવું.” કહીને ઉદ્ધતાઈથી પર્સ હાથમાં લઈ ખુશી ઘરની બહાર જતી રહી.
પરિમલ ગાર્ડનના બાંકડા પર રાહ જોતા સાહિલને જઈને એણે કહ્યું, “આઈ એમ સોરી સાહિલ, હમ ઐસે ભાગકર શાદી નહીં કરેંગે, ક્યા તુમ મેરે પેરન્ટ્સ કો ઘર આકર એક બાર મિલ નહીં સક્તે?”
પાંચ દિવસ સુધી પ્રસ્તુત થઈ રહી છે માઈક્રોફિક્શન સ્પર્ધાની વિજેતાઓ સિવાયના સ્પર્ધકોની પણ નિર્ણાયકોનું ધ્યાન ખેંચનારી કેટલીક ઉલ્લેખનીય માઈક્રોફિક્શન વાર્તાઓ. આ વીસ વાર્તાઓ વિજેતા મિત્રોની બધી વાર્તાઓની સાથે સાથે અન્ય સ્પર્ધક મિત્રોની નિર્ણાયકોએ વધાવેલી અને નોંધ લીધેલી વાર્તાઓ છે. આ વીસ માઈક્રોફિક્શન પછી આપણે વિજેતા મિત્રોની વાર્તાઓ માણીશું. પ્રથમ ચાર વાર્તાઓ, બીજી ચાર વાર્તાઓ, ચાર વાર્તાઓનો ત્રીજો ભાગ અને ચાર વાર્તાઓનો ચોથો ભાગ આપણે આ પહેલા માણ્યા, આજે પ્રસ્તુત છે એ વીસ પૈકીની ચાર વાર્તાઓનો પાંચમો અને અંતિમ ભાગ.
બધી વાર્તાઓ સુંદર છે.
આભાર હેમલભાઈ.
આ સ્પર્ધા ના બહાને એક નવુ ફોરમેટ ટ્રાય કરવા મળ્યુ એનો આનંદ છે.
તમામ લેખક / લેખિકા ને અભિનંદન…
વાર્તાઓ સારેી ચ્હ્હે. નયના મહેતા નિ પ્રતિબિમ્બ નેી સમ્વેદના વધુ ગમેી.
વાહ.તમામ લેખક/લેખિકાને અભિનંદન …”આખી જિંદગીનો સવાલ” મારે મન, શ્રેષ્ઠ છે.