ચાર વાર્તાઓ (માઈક્રોફિક્શન સ્પર્ધા) ભાગ ૩ – વિવિધ પ્રતિયોગી મિત્રો 13


પાંચ દિવસ સુધી પ્રસ્તુત થઈ રહી છે માઈક્રોફિક્શન સ્પર્ધાની વિજેતાઓ સિવાયના સ્પર્ધકોની પણ નિર્ણાયકોનું ધ્યાન ખેંચનારી કેટલીક ઉલ્લેખનીય માઈક્રોફિક્શન વાર્તાઓ. આ વીસ વાર્તાઓ વિજેતા મિત્રોની બધી વાર્તાઓની સાથે સાથે અન્ય સ્પર્ધક મિત્રોની નિર્ણાયકોએ વધાવેલી અને નોંધ લીધેલી વાર્તાઓ છે. આ વીસ માઈક્રોફિક્શન પછી આપણે વિજેતા મિત્રોની વાર્તાઓ માણીશું. પ્રથમ ચાર વાર્તાઓ અને બીજી ચાર વાર્તાઓ આપણે આ પહેલા માણી હતી, આજે પ્રસ્તુત છે એ વીસ પૈકીની ચાર વાર્તાઓનો ત્રીજો ભાગ.

૯.

પવિત્ર યાત્રા સ્થળે દાન કરવા રૂપિયા ગજવામાં ઘાલી પુણ્ય કમાઈ લેવા શેઠ આજે યાત્રામાં જઈ રહ્યા હતા અને જતા જતા તેના ગુમાસ્તાને કહેતા હતા કે “પેલો શામજી ત્રણ દિવસથી બીમારીના બહાને પૈસા માંગે છે પણ આપતા નહિ તે ખોટો છે ”

“શેઠ તે આજે જ સવારમાં ગુજરી ગયો ”

“અરે ભગવાન…. આ મુનીમને બુદ્ધિ આપ, યાત્રામાં જતા મને અપશુકન કરાવ્યા” શેઠે ઠપકો આપ્યો

– મિતુલ ઠાકર

૧૦. લગ્ઝ્યુઅરિઅસ ફ્લેટ

રોહને નવાં ખરીદેલ ફ્લેટમાં તેના મિત્રને પરિવાર સહ બોલાવ્યો, તેનો મિત્ર ફ્લેટ જોઈ બોલ્યો, યાર વાહ ! શું લગ્ઝ્યુઅરિઅસ ફ્લેટ છે !

રોહન ખુશ થઈ બાલ્કનીમાં લઈ ગયો અને ફ્લેટ બહાર બનાવેલ એરીયાનું વર્ણન કરવા લાગ્યો : તેમા બાળકો માટે ગાર્ડન, મોટા માટે સ્વીમિંગ પૂલ, દરેક માટે હેલ્થ ક્લબ, યુવાનો માટે સ્પોર્ટ ક્લબ ને વૃધ્ધો માટે પણ સિનિયર સિટિઝન એરીયા અલગ. આટલું કહેતાની સાથે જ મિત્ર બોલ્યો : “યાર તારા ઘરમાંથી સિનિયર સિટિઝન એરીયાનો ઉપયોગ કરશે કોણ?”

– આરતી ભાડેશીયા

૧૧. દુ:ખ

સુપર મોલના ઉદઘાટનમાં વ્યસ્ત નેતા શહીદ થયેલા સૈનિકના પરિવારને સાંત્વના ન આપી શક્યા તેનું તેણે દુ:ખ વ્યક્ત કર્યુઁ.

હરેશ પાડલિયા

૧૨. દીકરોઃ

“મોટા બેનબા! મારે તમને જોવા’તા…ખબર પડી કે તમે દવાખાને આવ્યાસો તો જોવા આવી’તી…ધન્ય સે બેન તમને મા-બાપને આવી દીકરી માટે! ” ભીની આંખે હાથ ફેરવતાં ડોશીમા આગળ બોલ્યાં..”આ નાનકા શિવાય બે – બે દીકરા સે પણ પયણીને પારકા થઈ બેઠા સે. દાક્તર બેને મફતમાં હાજો કરિયો મારા નાનકાને! તમારું ઋણ…”

“અરે! કાશીમા તમે??? ઓળખ્યાંનહીં? મારા ઘરે કામ કરવા આવતા તમે? ઘણાં શોધ્યા તમને…ને જુઓ આજે અહિં જ મળ્યા?!ઋણ તો તમારું છે અમારા પર…અને આ ડોક્ટર સાહેબાને ના ઓળ્ખ્યાંતમે?”

થોડીવારે ભોઠપભર્યા મનમાં કંઈક બબડતાં કાશીમા છુટાં પડયાં.. “તારી લીલા અપાર સે પરભુ…જેને દહેજનો બોજ હમજી નાનપણમાં જ વાંજણી માલકણને આપી દીધી’તી એણે તો આ વિધવાના આખરી સહારાનેય બચાવ્યો!”

– સમીરા આસિફ પત્રાવાલા


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “ચાર વાર્તાઓ (માઈક્રોફિક્શન સ્પર્ધા) ભાગ ૩ – વિવિધ પ્રતિયોગી મિત્રો