ચાર અદ્રુત ગઝલો.. – યાકૂબ પરમાર 11


૧. શરણમ્ ગચ્છામી

વાંકા રસ્તે કામ ન થાતાં, ધર્મમ્ શરણમ્ ગચ્છામી,
એકાન્તે મુંઝાવું શાને? સંઘમ્ શરણમ્ ગચ્છામી.

સીધી સીધી વાતો કરતાં બહેરા કાને અથડાતી
શબ્દોનાં આ તીર સજીને વ્યંગમ્ શરણમ્ ગચ્છામી.

આત્માને ઢંઢોળી જોયો પણ ના આવ્યો નજરોમાં,
હારી થાકી છોડી સઘળું અંગમ્ શરણમ્ ગચ્છામી.

મેઘધનુષી સપનાં આગળ નકકર જગ છે નકકામું,
એવું જયારે ભાન થયું તો રંગમ્ શરણમ્ ગચ્છામી.

સંતોનાં ચરણો  સેવીને પામ્યા  લુખ્ખાં  આશ્વાસન,
એથી  છેવટ હારી થાકી નંગમ્ શરણમ્ ગચ્છામી.

૨. કયાં છે?

કારણ? કારણ બારણ કયાં છે?
મારણ? મારણ બારણ કયાં છે?

ધર્મો જયાં ત્યાં લપસી પડતા,
ધારણ? ધારણ બારણ કયાં છે ?

હેમાળો ગાળીશું હેતે,
તારણ? તારણ બારણ કયાં છે?

છૂટેલા શર જેવા દિવસ,
વારણ? વારણ બારણ કયાં છે?

શબ્દોમાં શું ભરતા યાકૂબ?
ભારણ? ભારણ બારણ કયાં છે?

૩. બની બેઠા છે

કંઇ બોલ્યાની ભેર પડી ત્યાં ચુપ બની બેઠા છે,
વહેવાની મોસમ આવી ત્યાં કૂપ બની બેઠા છે.

જયાં ત્યાં પહોંચી સ્થિર થયેલાં જળને ડહોળે એવા,
બુધ્ધત્વ પામીને લોકો સ્તુપ બની બેઠા છે.

લોકોએ આપેલા મતને ગાદી નીચે દાબ્યા,
વટહુકમની ધારે ધારે ભૂપ બની બેઠા છે.

જેઓ કાલે છાંયા જેવાં વચનો લઇને દોડયા,
તેઓ આજે બાળે ઝાળે ધૂપ બની બેઠા છે.

તોપોનાં મોઢાં ખોલીને સંકોરે છે ગોળા,
દૂતોનાં વસ્ત્રો પ્હેરી, યમરૂપ બની બેઠા છે.

૪. બેઠો..

રસ્તો જયાં રસ્તામાં બેઠો,
હું મારા પગલામાં બેઠો.

મોજાં મારી ટોળે વળતાં,
હું મારા દરિયામાં બેઠો.

ઉંઘરેટી આ રાતને જોતો,
હું મારા સપનામાં બેઠો.

પડછાયા આવી તો જુએ,
હું મારા તડકામાં  બેઠો.

જેને તેને શહેર મુબારક,
હું મારા વગડામાં બેઠો.

– યાકૂબ પરમાર

આજે પ્રસ્તુત છે યાકૂબભાઈની ચાર સુંદર, અનેરી અને વિચારપ્રેરક ચાર ગઝલો. પ્રથમ ગઝલ ‘શરણમ્ ગચ્છામી’ વિષયવસ્તુ અને પ્રસ્તુતિ એમ બંને રીતે અદ્વિતિય છે, શબ્દચમત્કૃતિની રીતે બીજી ગઝલ અને બની બેઠેલાઓ વિશેની ત્રીજી ગઝલ આગવી કૃતિઓ છે તો પોતાના વિશ્વના અનેકવિધ વિભાગોને આવરતી સ્વત્વના સ્વીકાર સમી ચોથી ગઝલ સુંદર છે. ચારેય માણવાલાયક ગઝલો અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ યાકૂબભાઈનો આભાર તથા શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “ચાર અદ્રુત ગઝલો.. – યાકૂબ પરમાર