દિશા વાકાણી, “તારક મહેતાકા ઉલટા ચશ્મા” ના દયાભાભી સાથે એક મુલાકાત… (ભાગ ૨) 5


દિશાબેન સાથેની મુલાકાતનો ભાગ ૧ અહીં ક્લિક કરીને સાંભળી શક્શો…

Cover of Play Ame Baraf Na Pankhi
Cover of Play Ame Baraf Na Pankhi

‘અમે બરફના પંખી’ માં જેમને ખ્યાલ છે કે તે મરી રહ્યા છે એવી યુવતિનો રોલ કરેલો અને ‘તારક મહેતા..’ માં તમારો જે રોલ છે તે હાસ્યસભર છે. આ પ્રકારના વૈવિધ્યપૂર્ણ રોલ કરવા માટે તમારી પ્રેરણા કોણ છે?

નાનપણથી કામ કરતી આવી છું, પપ્પા પણ નાટક સાથે સંકળાયેલ હતા. મારા ફોઈ, મારા કાકા, મારા પપ્પાના મોટાભાઈ એ ડાન્સર છે એટલે ઘરમાં કળાત્મક વાતાવરણ રહ્યું છે, ક્રિએટીવ કાંઈક અલગ વિચારો, કાંઈક સુંદર થાય, એક જ બીબાંઢાળ કામમાં ન લાગ્યા રહેવું. મારા પપ્પાએ જીવનભર નોકરી કરી, સાથે સાથે આ બધું કામ તો કર્યું જ, અને મારે મુંબઈ શિફ્ટ થવું હતું એટલે એમણે જલદી નિવૃત્તિ લઈ લીધી. તેમણે મને કહ્યું કે જીવનમાં નોકરી ન કરતી, એનો અર્થ કે આપણને જે ગમે તે કામ કરવાનું. દરેક માણસને ઈશ્વરે એક સુંદર મન આપ્યું છે. કોઈ પણ કામ કરતી વખતે, રાત્રે સૂતી વખતે એમ થવું જોઈએ કે કોઈકને મદદ કરી, એક સારૂ કામ કર્યું – તો આનંદ આવશે, કે આજે આપણે ઓફિસનું કામ ચીવટથી કર્યું, કે મને કોઈકે પુસ્તક આપ્યું હતું તેને વધારે સારી રીતે; બુક બાઈન્ડિંગ કરીને પાછું આપ્યું. આ ક્રિએટીવીટીનું કામ છે. એમ મને પણ એક રોલ મળે પછી એમ થાય કે હવે આવો રોલ કરું, મારી પાસે કંઈક આવે, સામાન્ય રોલ પણ આવે તો એમ થાય કે એમાં આવું બધું ઉમેરું, આવી એક્સન્ટ ઉમેરું. આ એક્સન્ટનું તો મને દિલિપ જોષી સાહેબે જ કહ્યું હતું કે તું આ રીતે અવાજ કર. હું પ્રયત્ન કરતી હોઉં હું કે હું ક્રિએટીવ રહું, નવ નવા રોલ કરું, વૈવિધ્યસભર રોલ કરું, બીબાઢાળ પદ્ધતિમા ન જાઉં. ‘કમાલ પટેલ…’ માં ગૃહિણીનો જ રોલ હતો. પણ ગૃહિણીમાં પણ ઘણી વિવિધતાઓ હોય છે. ઘણી ચતુર હોય છે, મણીબેન હોય છે. કોઈકની વિશેષ બોલી હોય એ બધાનો કલર પકડીને કામ કરવાનું છે.

તમારા અવાજમાં તમે આ પાત્ર માટે મોડ્યુલેશન કર્યું છે. વાચકોને કદાચ એ ખ્યાલ નહીં હોય કે તમે એ માટે વિશેષ પ્રયત્ન કર્યો છે.

મેં આવું એક પાત્ર જોયું હતું, એવું કહેવાય છે કે કલાકારે ઓબ્ઝર્વેશન ખૂબ રાખવું જોઈએ, આસપાસ શું થાય છે એની પર નજર રાખવી – આ મેં ગોવિંદાજીના એક ઈન્ટર્વ્યુમાં સાંભળ્યું હતું, અનાયાસ જ કોઈક પાત્ર આપણા મનમાં અંકિત થઈ જાય, એમાં એક બહેન મેં જોયા હતા (એ બહેન જેવો અવાજ પણ દિશાબેન સંભળાવે છે.) એ અલગ જ રીતે વાત કરતા તો મને થાય કોઈ આવું કેવી રીતે બોલી શકે, કોઈનો આવો અવાજ હોઈ શકે? પણ તેમનો એવો અવાજ હતો, એ મને બહુ યાદ રહી ગયો હતો અને હું કોઈક જગ્યાએ મિમિક્રી કરતી હતી એ દિલિપ સાહેબે જોઈ લીધું. પછી હું અહીં ઓડીશન માટે આવી અને સિલેક્ટ થઈ. ત્યાર પછી મને ખબર પડી કે દિલિપભાઈ અને ડિમ્પલબેને મારું નામ સજેસ્ટ કરેલું, દિલિપસાહેબે કહ્યું કે તું જે પેલો અવાજ કરતી હતી એ દયામાં લાવ. એટલે આમ ઓબ્ઝર્વેશન કરતા હોઈએ છીએ તો કાંઈક મળે અને સૂઝે.

સદનસીબે તારક મહેતામાં આવા જેટલા પ્રયત્ન થયા એ બહુ સફળ થયા. તમારા હે માં માતાજી પર તો રીંગટોન પણ બની છે કે તમે તમારા મમ્મીને ફોન કરતા હોવ એ પર પણ રીંગટોન બની છે, એ રીતે તમારો અવાજ ખૂબ પ્રચલિત થઈ ગયો છે.

હા એ મેં પણ સાંભળી છે.

દિશાબેન, તમારા નાટકોમાં તમને ગમતાં હોય એવા રોલ કયા?

મને તો બધાં જ રોલ ગમે છે અને મને એમ થાય છે કે હું બહુ નસીબવાળી છું કે હું એક્ટ્રેસ છું, કેમ કે લોકોને ડોક્ટર બનવું હોય તો કેટલી ડિગ્રી મેળવવી પડે, વકીલ બનવું હોય તો કેટલું ભણવું પડે, અમે તો બે દિવસમાં વકીલ કે ડોક્ટરનો રોલ કરી લઈએ. કેટલી બધી જિંદગી જીવીએ…

મારા તો બધા જ રોલ ફેવરીટ છે. આની પહેલા પણ એક ગુજરાતી સીરીયલ કરતી હતી, ‘હસો નહીં તો મારા સમ’, એમાં ભિખારણનો પણ રોલ કર્યો છે, રાણીનો પણ રોલ કર્યો છે, પાગલનો પણ રોલ કર્યો છે, સ્કૂલની છોકરીનો પણ રોલ કર્યો છે એ બધું જ ખૂબ જ ગમ્યું છે પણ સૌથી વધુ મારા પપ્પાનું પ્લે ‘લગ્ન કરવા લાઈનમાં આવો’, એમાં એક છોકરી પાગલ છે અને પછી ડાહી થઈ જાય છે અને તેના વરને પણ સાજો કરે છે એવી વાર્તા છે, એ સારું લખાયેલું. બીજુ સિતાંશુ યશશ્ચંદ્ર સાહેબનું ‘એક સપનું બડું શૈતાની’ માં એક છોકરી ગામડાથી પોતાના પપ્પાને મુંબઈમાં મળવા આવે છે. એ કહે છે કે મારે એક્ટ્રેસ બનવું છે. તેના મમ્મી પપ્પા અલગ થઈ ગયા છે, એ તેના પપ્પાને મળી લે છે મન ભરીને; પછી કહે છે કે હું એક્ટ્રેસ બનવા નહીં, તમને મળવા અને તમારી સાથે થોડો વખત રહેવા આવી હતી.. લગ્ન પછી ખબર નહીં હું કેવો સમય આપી શકીશ. અત્યારે બોલતી વખતે પણ એવું થાય છે કે.. (આંખોમાં બાઝેલા એ પાત્રના સ્પંદનો સાથે દિશાબેન ભાવુક થઈ જાય છે.)

લાલી-લીલા નાટક મારું હતું, એ પણ બહુ સરસ હતું, બે બહેનો છે, પીઠથી જોડાયેલ છે, એકને અમેરિકા જવું છે, એકને અહીં પેઈન્ટીંગ કરવા છે, એકને પરણવું છે, એકને નથી પરણવું. એ બધી દ્વિધા સાથેની ખૂબ સુંદર વાર્તા હતી, અને તમે કહ્યું ‘અમે બરફનાં પંખી’, એ પણ બહુ સરસ રોલ હતો.

ગુજરાતી ભાષા માટે એવું કહેવાય છે કે એ મરી રહી છે, એ જ વસ્તુ ગુજરાતી નાટકો માટે પણ હવે કહેવાઈ રહી છે. ગુજરાતી ફિલ્મજગતની પણ એ જ હાલત છે, ભાષા અને સાહિત્ય સાથે સંકળાયેલ બધા પ્રકારોને એવું સહન કરવાનું આવે એનું કારણ તમને શું લાગે છે?

મારે કહેવું છે કે થોડુંક અંગ્રેજીનું તો આકર્ષણ છે જ, સંતુ રંગીલી નાટકમાં પણ કહે છે કે કોણ ગુજરાતી એવો છે જે એક વાક્યમાં અંગ્રેજી શબ્દ ન નાંખે. બીજું કે સાહિત્યનું વાંચન થોડું ઓછું થઈ ગયું છે, હમણાંના સાહિત્ય વિશે મને ઓછો ખ્યાલ છે, પણ મધુ રાય સાહેબનું મમતા મેગેઝીન મારે ત્યાં આવે છે એ હું સમય મળે વાંચી લેતી હોઉં છું. મફત ઓઝા સાહેબની દીકરી પૂર્વી, ‘તાદર્થ્ય’ સામયિક મારે ત્યાં આવે છે એ પણ વાંચતી હોઉં છું. મને લાગે છે કે દરેકે આવું થોડુંક વાંચન રાખવું તો ઘણી ખબર પડે, જેટલું આપણે જીજ્ઞાસુ રહીશું, ભાષા માટે, એટલા સફળ રહીશું. મારા ભાઈની દીકરી સેંટ ઝેવિયર્સમાં ભણે છે, પણ મારા પપ્પા એને પોતે ક ખ ગ વાંચતા, ગુજરાતી શીખવે છે તો એવું હોવું જોઈએ. ગુજરાતી ન આવડે એ લોકો ગર્વથી કહેતા હોય છે, ‘એને ગુજરાતી નથી આવડતું, ફ્રેંચ ઈંગ્લિશ..’ એવું ન હોવું જોઈએ. મને લાગે છે કે આ આપણો શ્વાસ છે, આપણે આ ભાષામાં વિચારીએ છીએ, આપણે વિદેશી ભાષામાં વિચારી નહીં શકીએ, અંદરના, પોતાની જાત સાથેના વિચાર આવશે. આપણી જાત સાથે ગુજરાતીમાં જ વાત કરીએ છીએ, આપણે કંઈ ઈંગ્લિશમાં વાત નથી કરતા, એ વિદેશની છે. પોતાની ભાષાને થોડોક વધુ પ્રેમ આપવાની જરૂર છે, એમાં થોડુંક જીજ્ઞાસુ બનવાની જરૂર છે, થોડુંક સાહિત્ય વાંચન રાખે… કેટલી કૃતિઓ છે, મળેલા જીવ, ગુજરાતનો નાથ, આ બધૂં એટલું સુંદર છે… એ લોકોને વધુ ગમશે એમ મને લાગે છે.

ગુજરાતી કલાકારોથી મુંબઈ સમૃદ્ધ છે, ઘણાં ગુજરાતી કલાકારો છે. દરેક ગુજરાતીના મનમાં ક્યાંક એવી ઈચ્છા હોય કે આ બધા ગુજરાતી ફિલ્મમાં હોય, તમને અમે ગુજરાતી ફિલ્મમાં જોઈએ તો કેટલી મજા આવે? પણ એ શક્ય નથી થતું એનું કારણ શું લાગે છે? એમ હોઈ શકે કે કોમર્શીયલી ગુજરાતી ફિલ્મો સફળ નથી થતી પણ કોમર્શીયલી સફળ થાય એવી ફિલ્મો બનાવતા પણ કોણ રોકે છે?

હવે હકારાત્મક થવા માંડ્યું છે, ‘કેવી રીતે જઈશ’ એ સુંદર ફિલ્મ બની છે, ‘લવ ઈઝ બ્લાઈન્ડ’ વિપુલ શર્માજીએ બનાવી હતી, ‘બેટરહાફ’ આશીષભાઈ કક્કડે બનાવી હતી…. પ્રયાસો થવા માંડ્યા છે અને શરૂઆત થઈ ગઈ છે. હવે પ્રેક્ષકો તરફથી થોડ્ંક તેને પ્રોત્સાહન મળશે તો આપણે વધુ આગળ વધી શકીશું અને સુંદર ફિલ્મો જોવા મળશે, હવે થોડોક પ્રેક્ષકો તરફથી પણ ટેકો મળવો જોઈએ.

તમારે દિશાબેનને સવાલ પૂછવાનો હોય તો તમે કયો પ્રશ્ન પૂછો અને તેનો જવાબ?

‘દિશાબેન લગ્ન ક્યારે કરવાના છો?

આ સવાલ તો તમને રોજ પૂછાતો હશે?

હા, એટલે જ મેં તમને એ કહ્યું. એટલે એ જ કહેવાનું કે મારા મમ્મી પપ્પા પણ જુએ છે અને મારી ઉપર પણ છોડ્યું છે. જોઈએ… બધાના કેવા આશિર્વાદ મળે છે, હકારાત્મક રીતે આગળ વધીએ છીએ.

Jethalal and Dayabhabhi in TMKOC (Picture Courtesy SAB TV Facebook Page)
Jethalal and Dayabhabhi in TMKOC (Picture Courtesy SAB TV Facebook Page)

અંતમાં મારે એ જ પૂછવાનું કે પાંચ પાંચ વર્ષથી સતત સફળતાના શિખર સીરીયલ સર કરી રહી છે… દરેક એપિસોડની સાથે શીખવા જેવું કાંઈક તમે લોકો પીરસી રહ્યા છો..

પીરસી રહ્યા છો એટલે એવું થાય છે કે આપણે કોઈ સાધુ મહાત્માની જેમ ઉપદેશ આપવા બેસીએ, તો લોકો નહીં માણે… હસતા હસતા આપણે લાડુ ખવડાવીએ તો એને બહુ સારુ લાગશે નહીંતો એ કારેલાના રસ જેવું લાગશે, આ એક આર્ટ છે અને એ અમારા પ્રોડ્યુસર આસિતકુમાર મોદી સાહેબને સરસ આવડે છે. એ પોતે પણ સાહિત્ય પ્રત્યે ખૂબ જ પ્રેમ ધરાવે છે, એમની પાસે ઘણાં સારા પુસ્તકો છે. તારક મહેતા સાહેબની ‘દુનિયાને ઉંધા ચશ્મા’ને લગતાં કેટલાં બધાં પુસ્તકો એમની પાસે છે… સાળો સુંદરલાલ, જેઠાલાલની તકલીફો, તારકનો ટપુડો, એકે એક પાત્ર પર પુસ્તક લખેલી છે અને એ એમની પાસે છે.

આ પ્રોજેક્ટ માટે મેં સાંભળ્યું હતું કે એ ઘણાં વખતથી પ્રયત્ન કરતા હતાં, ઘણી ચેનલો પાસે ગયા પણ બધાંએ કહ્યું કે ‘ના, આ નહીં ચાલે.’ પણ સબ ટીવી વાળાએ આને અપનાવીને તેમના પર વિશ્વાસ રાખ્યો અને તેમણે સુંદર કામ કરીને બતાવ્યું. તો આની પાછળ ગુજરાતી સાહિત્ય જ છે. આ તમે જુઓ છો એ તારક સાહેબનું ચાલીસ વર્ષનું સાહિત્ય જ છે જે અત્યારે લોકોને ગમી રહ્યું છે, તમે આપણા સાહિત્ય તરફ નજર નાખશો તો ઘણું શીખવાય મળશે, જાણવાય મળશે. આ પરથી લોકો સમજે તો ખૂબ સારું.

પ્રેક્ષકોનો ખૂબ પ્રેમ તમને, સીરીયલને અને બધાં પાત્રોને મળી રહ્યો છે, એવા એકાદ બે પ્રસંગ કહેશો?

અમારા સગામાં એક બહેનને દીક્ષા લેવાની હતી, દીક્ષા એટલે એ સંસારનો ત્યાગ કરે – જૈન ધર્મ પ્રમાણે… તો છ કે સાત મહીનાનો સમયગાળો હોય જેમાં એ પોતાની ઈચ્છાઓ પૂરી કરે. તો એમની પાસે થોડો સમય હ્તો અને તેમની ઈચ્છા હતી કે તારક મહેતાના સેટ પર આવે, એ અમારા સેટ પર આવ્યા, બધા જોડે ફોટો પડાવ્યો, થોડી વાર શૂટીંગ જોયું, ખુશખુશાલ થઈ ગયા, અને મને કહે કે મારી બહુ ઈચ્છા હતી કે હું તમારે ત્યાં આવું અને હવે મને ખૂબ સારુ લાગે છે. હવે હું મારે રસ્તે શાંતિથી જઈશ, અને એ બહુ જ ખુશ હતા, પછી એક બીજા બહેન આવ્યા હતા, જેમના પતિએ કહ્યું કે આ મારા વાઈફ, અમે મળ્યા, થોડીક વાર રહીને એ અંકલ-આન્ટી જતા રહ્યાં પણ પછી ખબર પડી કે એ બહેનને કેન્સર કે એવું કાંઈક હતું, અને એ થોડાક જ દિવસના મહેમાન હતાં, પણ એમની ખૂબ જ ઈચ્છા હતી કે એ ‘તારક મહેતા…’ના સેટ પર આવે. એ અંકલે આન્ટીને નહોતું કહ્યું કે તેમને કેન્સર છે, પણ એમની જે જે ઈચ્છાઓ હતી એ પૂરી કરવા નીકળ્યા હતા એમાં એમની ઈચ્છા હતી કે એ ‘તારક મહેતા…’ ના સેટ પર આવે.

બીજુ એક કિસ્સો કે એક ભાઈ શેરબજારમાં બે કરોડ કે એવો મોટો લૉસ થયો હતો, એમણે બે વખત આપઘાતનો પ્રયત્ન કર્યો હતો, બીજી વખત તેમના ભાઈએ તેમને બચાવી લીધેલા અને તેમને કહ્યું કે તું શાંત થઈજા, બધું ભૂલી જા, બધું સારું થશે, તું અમારા ઘરે આવ અને રહે. એ માંડ માંડ માન્યા, ખાઈ પીને ઘરે આરામ કરતા રહેતા, એમાં છોકરાઓએ ટીવી કર્યું જેમાં તારક મહેતા…. આવતી હતી, એ જોતા થયાં અને ધીરે ધીરે ડિપ્રેશનમાંથી બહાર નીકળી ગયા. એમણે પોતે આવીને કહ્યું કે હું પોતે રીલેક્ષ થઈ ગયો છું, અમને તેમણે થેન્કયુ કહ્યું કે તમે અમને મનોરંજન આપો છો તો બહુ સારું રહે છે, આવા બધાં કિસ્સાઓ છે.

એક સીરીયલ માટે આ બહુ મોટી વાત કહેવાય કે લોકોના જીવન સાથે તમે લાગણીથી જોડાયા છો, એ બદલ અને ઘણાં બધાં ગુજરાતી કલાકારો આ સીરીયલમાં છે અને ભારતની એક શ્રેષ્ઠ સીરીયલ તરીકે એ ઓળખાય છે એ બધાં બદલ તમારો સૌનો ખૂબ ખૂબ આભાર. આપે શૂટીંગમાંથી અમારા માટે સમય કાઢ્યો એ બદલ પણ આભાર.

તમે આ ખૂબ જ સુંદર કામ કરી રહ્યા છો, એમાં અમારું થોડુંક પણ યોગદાન રહેશે તો અમે ધન્ય ગણીશું કે અમે અમારી ભાષા માટે થોડુંક કામ કર્યું, હું આશા રાખું છું કે ઘણાં બધાં લોકો આમાં આપણી સાથે જોડાય અને લોકો વધારે આપણી ભાષાની નજીક જાય અને તેને ઓળખે એવી શુભકામનાઓ તમને અને વાચકોને.

થેન્ક યુ વેરી મચ દિશાબેન… અક્ષરનાદની સાથે આ મુલાકાત બદલ…

– જીજ્ઞેશ અધ્યારૂ, સંપાદક


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “દિશા વાકાણી, “તારક મહેતાકા ઉલટા ચશ્મા” ના દયાભાભી સાથે એક મુલાકાત… (ભાગ ૨)