આદર, સ્વમાન અને અણગમતા લોકો માટે માન.. – અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 11


આદર – ફક્ત ત્રણ જ અક્ષરોનો આ શબ્દ, પણ તેમાં કેટકેટલું સમાયેલું છે. અન્યો પ્રત્યે માનની ભાવના એટલે આદર, પોતાના પ્રત્યેનો આદર એટલે સ્વમાન, અન્ય લોકોનો પ્રેમ મેળવવાનું બધાને ગમે છે, પરંતુ ખરેખર કોઈને આદર આપ્યા સિવાય તેમને પ્રેમ કરવો શક્ય છે?

આદર એટલે સાદા વસ્ત્રોમાં પ્રેમ – ફ્રેન્કી બ્રાયન

આદર એટલે –

 • આસક્તિ વગરનો પ્રેમ
 • અભિપ્રાય વગરનો સ્વીકાર
 • હતાશા વગરનું સમર્પણ
 • અતિરેક વગરની પ્રસંશા
 • અપેક્ષા વગરનો સ્વીકાર

અને આદર શરૂ થાય છે ‘સ્વ’ને આદરથી, સ્વમાનથી, આત્મસન્માનથી…

સ્વમાન

આદર એક અત્યંત રસપ્રદ વસ્તુ છે, કારણ કે તેને પોતાનું વર્તુળ છે – જો તમે સ્વમાનભેર જીવતા હશો તો જ અન્યોને આદર આપી શક્શો, જો તમે બીજાઓને આદર આપશો તો જ તેમનો આદર મેળવી શક્શો અને જો તમે બીજાઓ પાસેથી આદર મેળવતા હશો તો તમારું સ્વમાન જળવાઈ રહેશે.

જો આપણે પોતાની જાત પ્રત્યે જ આદર ન અનુભવતા હોઈએ, આપણામાં સ્વમાન જ ન હોય તો અન્યોને કઈ રીતે આદર આપી શકીશું? સ્વમાન એ એવી વસ્તુ છે જેની જરૂર આપણને પોતાની જાત પાસેથી જ છે. આ એક એવો નિઃશબ્દ સંદેશ છે જે આપણે વિશ્વને આપીએ છીએ, જે આપણી પોતાની જાતની સચ્ચાઈ, પોતાનામાં વિશ્વાસ દર્શાવે છે. અને એ વિશ્વને મક્કમતાપૂર્વક કહે છે કે આપણે આપણી જાતને અન્યની નજરોમાં કઈ રીતે જોવા ઈચ્છીએ છીએ. જો આપણને પોતાની જાત પ્રત્યે જ કોઈ માન ન હોય, પોતાની જાતને જ તુચ્છ ગણતા હોઈએ તો સ્વભાવિક રીતે અન્યોની નજરમાં આપણે આદર નહીં પામી શકીએ. આનો અર્થ એ જ થયો કે વિશ્વ પાસેથી જે આદરની આપણે અપેક્ષા રાખીએ છીએ એ આદર આપણે સૌપ્રથમ પોતાની જાતને આપવો જોઈશે.

જ્યારે આપણામાં સ્વમાન હોય ત્યારે આપણે –

 • આપણા અસ્તિત્વના અધિકારને દ્રઢપણે સ્વીકૃતિ આપીએ છીએ અને આપણે જે છીએ એ રીતે જ વિશ્વ સમક્ષ પ્રસ્તુત થઈએ છીએ, આપણો આ હક્ક કોઈ પણ છીનવી શક્તુ નથી.
 • આપણી ક્ષમતાઓ અને મર્યાદાઓને એક સમાન રીતે સ્વીકારીને આપણા પોતાના મૂલ્યને વધારીએ છીએ, આપણામાં રહેલ સામાન્ય અને અસામાન્ય…, આંતરીક અને બાહ્ય સુંદરતા અને અપૂર્ણતા… દરેકને સ્વીકારીએ છીએ.
 • આપણી જાતને પોતાના સત્યો સાથે જીવવાની પરવાનગી આપીએ છીએ, અન્યોની વિચારસરણી પ્રમાણે નહીં જીવવાની કે બીજાઓની અપેક્ષાઓમાં બંધબેસતા નહીં હોવાની ચિંતા વગર, આપણી પોતાની ખાતરી અને મૂલ્યો સાથે જીવીએ.
 • આપણી જાતને ગૌરવયુક્ત વર્તન કે રીતભાત સાથે જીવવાની પરવાનગી આપીએ છીએ, જે આપણી પોતાની મરજી વગર કોઈ પણ આપણી પાસેથી આંચકી શકે નહીં.

તમારા પ્રયત્નોને આદર આપો, તમારી જાતને આદર આપો, સ્વમાન સ્વયં શિસ્ત તરફ લઈ જાય છે, જો આ બંને તમે કેળવી શક્યા, તો એ જ સાચી શક્તિ છે. – ક્લિન્ટ ઈસ્ટવુડ

જ્યારે આપણે સ્વમાનભેર જીવીએ છીએ, આપણે શાંતિ, આત્મવિશ્વાસ અને સહજતાસભર હોઈએ છીએ, અને છતાંય આપણે નમ્ર અને દયાળુ રહીએ છીએ.

પણ જે કારણોથી આપણે પોતાની જાતને આદર આપીએ છીએ એ જ કારણોથી અન્યોને આદર આપી શક્તા નથી.

બીજાઓને આદર આપવો

આદર જે આપણે ઈચ્છીએ છીએ; પ્રેમ જે આપણે મેળવીએ છીએ. – ફિલિપ જેમ્સ બેઈલી

બીજાઓને આદર આપવો એટલે તેમને આપણા માટે એ જ હક્ક આપવા જે આપણે પોતાની જાતને આપીએ છીએ. એટલી અપેક્ષા તો તેઓ આપણી પાસે રાખી જ શકે કે આપણે…

 • કોઈ પણ અભિપ્રાય કે પૂર્વગ્રહ વગર તેમને તેઓ જેવા છે તેવા જ સ્વીકારી શકીએ, બીજાઓને તેમની રીતે તેઓ જેવા છે તેમ જ વ્યક્ત થવા દઈએ.
 • દરેકમાં મૂલ્યો અને સુંદરતા જોઈએ, અને તેમની ક્ષમતાઓ અને નબળી બાજુઓને સ્વીકારીએ. આપણી સાથે તેમની સમાનતાઓ અને ભિન્નતાઓને ઓળખીએ અને સ્વીકારીએ.
 • સામાજીક અને ઔપચારીક આચાર અથવા અંગત માન્યતાઓને વળગી રહે એવા વલણોને છોડીને દરેકના પોતાના સત્યો અને જીવન જીવવાની આગવી પદ્ધતિને સ્વીકારીએ.
 • બીજાઓની સાથે ગૌરવયુક્ત વર્તન રાખીએ, દરેકને એ રીતભાત પામવાનો હક્ક છે.

જે લોકો તેના માટે કોઈપણ રીતે ઉપયોગી થઈ શકે એવી શક્યતા નથી, તેમના પ્રત્યેઆદર એ એક સાચા સદગૃહસ્થની કસોટી છે. – વિલિયમ ફ્લેપ્સ

આપણે પ્રસ્તુત કરેલા વિકલ્પો કે નિયંત્રણો વગર, બીજા લોકો જે જીવન જીવવા માંગે છે તેમ કરવા દેવાની તેમની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખવો જોઈએ.

જીવન પ્રત્યે આદર

જો તમે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિનો આદર ન કરતા હોવ તો બુદ્ધિશાળી કે નામાંકિત હોવું એ ઉપલબ્ધિ નથી. – જ્હોન વુલ્ફગેગ વાન ગોધ

જીવન પ્રત્યે આદર એટલે દરેક સર્જન પ્રત્યે, અભિવ્યક્તિની રીત પ્રત્યે, એ જેવા હોય એવા સ્વરૂપમાં સ્વીકાર કરવો. જ્યારે આપણે જીવનનો આદર કરીએ છીએ ત્યારે આપણે

દરેક વસ્તુને તેના હાર્દમાં જોઈ શકીએ છીએ, સંતુલન અને અસંતુલિતતા, ડર અને આનંદ, પ્રેમ અને ઘૃણા, ક્રોધ અને શાંતિ એમ દરેકને જીવન માટેની ઉર્જારૂપ જોઈ શકીએ.

ઋતુઓ અથવા જીવનના પરીવર્તનશીલ મિજાજ પ્રત્યે સહજ બનીએ છીએ, જીવન, મૃત્યુ, સંઘર્ષ, અચોક્કસ મિજાજ, ક્ષણિક દુઆઓ કે થઈ રહેલ દુર્દૈવી ઘટના – એ બધાંય પ્રત્યે સહજ રહી શકીએ.

સમયનો પીછો કરવાનું છોડીએ, યુવાનીની ઉર્જા અને ઉત્સાહથી માંડીને વૃદ્ધાવસ્થાના શાણપણ અને આંતરિક નિર્બળતા સુધીનું બધુંય માણીએ.

જો આપણે કરી શકીએ તો આપણને કદાચ કાંઈક બદલવાની જરૂરત પડે. પણ તેને જીવનને નિશ્ચિત કરી શકે એવા સંજોગમાં કરીએ, ન કે ઉન્મત ક્ષણિક આવેગમાં આવીને એ બદલાવ કરીએ. જીવનની શક્તિને સ્વીકારીએ અને સાથે સાથે એવા સંજોગો કે વસ્તુઓને પણ કે જેને બદલી શકવા આપણે અક્ષમ છીએ.

એક પર્શિયન કહેવત છે, કે જેને ગુલાબની અપેક્ષા હોય તેણે કાંટાઓની પણ તૈયારી રાખવી જોઈએ.

 • જ્યારે આપણે જીવનનો આદર કરીશું ત્યારે આપણે તેનો નાશ નહીં કરીએ
 • જ્યારે આપણે જીવનનો આદર કરીશું ત્યારે આપણે તેનું શોષણ નહીં કરીએ
 • જ્યારે આપણે જીવનનો આદર કરીશું ત્યારે આપણે તેને હાનિ નહીં પહોંચાડીએ.
 • જ્યારે આપણે જીવનનો આદર કરીશું ત્યારે આપણે તેના વિશે નિર્ણયાત્મક બની કોઈ પૂર્વગ્રહ બાંધી નહીં લઈએ.
 • જ્યારે આપણે જીવનનો આદર કરીશું ત્યારે આપણે તેને પ્રેમ કર્યા વગર રહી નહીં શકીએ.

જ્યાં હું આદર ન આપી શકું ત્યાં હું કદી પ્રેમ નહીં કરી શકું – એલીઝાબેથ એઇસ

હું ઉશ્કેરણી ફેલાવતા, ઘાતકી, ગણતરીબાજ અથવા આક્રમક લોકોને માન કઈ રીતે આપી શકું?

આદર (પોતાના પ્રત્યે, અન્યો પ્રત્યે કે જીવન પ્રત્યે) એ એક આદર્શ છે જે હું બનવા ઈચ્છું છું, અમલમાં મૂકવા ઈચ્છું છું, અને મારે તેમાં હજુ ઘણું મેળવવાનું બાકી છે. પરંતુ આદર્શ ઘણી વખત બેધારી તલવાર બની જાય છે, એ સ્વવિકાસ અને સભાનતાનું સાધન છે, જે અનોખી રીતોથી કામ કરવાની પ્રેરણા આપે છે, પરંતુ જો તેને વિચારીને અમલમાં ન મૂકીએ તો તે ઘાતક હથિયાર પણ બની શકે છે.

હું અપ્રિય લોકોને આદર કઈ રીતે આપી શકું

આપણે બધા કસોટી કરતા લોકો અને પડકારરૂપ સંજોગોનો ઘણી વખત સામનો કરીએ છીએ – કદી કદર ન કરતા બૉસ, પીઠ પાછળ ઘા કરતો સહકર્મચારી, કઠોર માતાપિતા કે એવી કોઈ પણ ઉદ્ધત કે ઉચ્છૃંખલ ઘટના.

હું માણસના સ્વભાવ અને વર્તન વિશેના વિચારોથી શરૂઆત કરવા માંગુ છું, પ્રત્યક્ષ રીતે કદાચ કોઈકને આદર આપવા માટે આ બાબત મદદરૂપ ન થઈ શકે, પરંતુ ભિન્ન અભિગમ અપનાવવા માટે તે પ્રેરણા આપી શકે ખરી.

પોતાનો પડછાયો – બીજાઓને સમજવા માટે પોતાની અંદર જોવું

નીચેના બે પ્રશ્નો વિશે વિચારીએ –

 1. કોઈકની સાથે તમે ગુસ્સાથી કે અનાદરથી વાત કરો છો ત્યારે તમે તમારા પોતાના માટે કેવું અનુભવો છો?
 2. આદર આપવાને લાયક ન હોય એવી વ્યક્તિ પ્રત્યે તમારા વર્તન વિશે તમે શું અનુભવો છો?

તમે પ્રમાણિકતાથી પોતાની જાતને ઉત્તર આપશો તો બે શક્યતાઓ છે,

 1. તમારી ક્રિયાઓ-પ્રતિક્રિયાઓ વિશે નિષ્કર્ષ કાઢો
 2. લોકો અથવા પરિસ્થિતિઓ વિશે વિચારીને તમારા વર્તનને પ્રમાણિત કરો.

બંને વિકલ્પો મનમાં નકારાત્મક ભાવના જ પેદા કરે છે. તમે કાં તો પોતાની જાતને દોષિત માન્યા કરશો અથવા લોકો કે સંજોગો પર દોષારોપણ કર્યા કરશો. જો તમે મને એવું કહો કે તમે કદી અપમાનજનક વર્તન નથી કર્યું કે આદર આપવાને લાયક ન હોય એવી વ્યક્તિ સાથે નકારાત્મક વર્તન નથી કર્યું, હું કહીશ કે તમે કાં તો એ સંજોગોને ભૂલી ગયા છો, ભૂલવા માંગો છો અથવા – તમે સંત છો.

આંતરખોજ અથવા આંતરદર્શન એ શ્રેષ્ઠ રસ્તો છે જે સમજાવે છે કે અન્યોની ક્રિયા-પ્રતિક્રિયાઓ, દૃષ્ટિકોણ કે શબ્દો વિશે આપણું વર્તન કેવું છે! અન્ય લોકો પ્રત્યે આપણું વર્તન એ આપણી પોતાની જાત પ્રત્યે આપણી માન્યતાઓનો અરીસો છે.

માનવમનની જટિલતા

લોકો વિશે આપણે જે ધારી લઈએ છીએ એવા તે હોતા નથી, અર્થ – કોઈ પણ માણસ સાવ કમઅક્કલ કે મૂર્ખ હોતો નથી, તેમની એ બાજુ આપણને દેખાતી હોય તો પણ તે ફક્ત એક તરફી દ્રષ્ટિકોણ છે. આપણા મનનું અગાધ ઉંડાણ આપણી અપેક્ષાઓ, સ્વપ્નો અને મહત્વાકાંક્ષા, દુઃખ અને તકલીફ, આનંદ અને ડર અને અગોચર વિશ્વના રહસ્યોને સમાવે છે. આપણે આપણા વિશે બધુંજ સમજી શકીએ એ શક્ય નથી તો બીજાઓ વિશે તો શું કહેવું?

તેમનું જે વર્તન આપણે જોઈ રહ્યા છીએ એ જ તેમનું સંપૂર્ણ ચિત્ર નથી એટલું જો આપણે યાદ રાખીશું તો આપણી ક્ષણિક ઉન્મત પ્રતિક્રિયાઓને સરળ કરી શકીએ એવી શક્યતા છે.

અંગત દ્રષ્ટિકોણ

જેટલા લોકો એટલા જ તેમને કે વસ્તુને જોવાના જેટલા દ્રષ્ટિકોણ કે માર્ગ છે. કોઈ એક જ વસ્તુ કે અનુભવને જોવાના દ્રષ્ટિકોણ બે ભિન્ન માણસોને માટે ભિન્ન જ રહે છે. આપણને જે ઘૃણાસ્પદ કે અપમાનજનક લાગે તે જ બીજા માટે એટલું ખરાબ ન હોય એ પણ શક્ય છે. કપરા સંજોગોમાં એક ડગલું પાછળ ભરીને થોડાક નોખા દ્રષ્ટિકોણથી કોઈ પણ વસ્તુ વિશે વિચારીશું તો કદાચ સંજોગો હળવા થઈ શકે અથવા થોડીક મદદ મળી રહે.

અપેક્ષા અને નિયંત્રણ

ચાલો એક વાત સ્વીકારીએ, આપણે કોઈકને કંટાળાજનક કે ત્રાસદાયક સમજીએ છીએ એનું કારણ છે કે આપણે જે યોગ્ય સમજીએ એવી અપેક્ષા તેમની પાસેથી રાખીએ છીએ અને તેમનું વર્તન કંટાળા કે ત્રાસની આપણી વ્યાખ્યામાં આવે છે. સામાજીક નિયમો અને બંધનો બધાને લાગુ પડે છે, કોઈને પણ ખોટું સાંભળવું, અપમાનિત થવું કે છેતરાવું નથી ગમતું. પણ શું સામાજીક બંધનો અને નિયમો કે આપણી અપેક્ષાઓ કોઈને ઉપરોક્ત બધુંય કરતા રોકી શકે છે ખરાં? આપણે આપણી અપેક્ષાઓ પ્રમાણે બીજાઓને નિયંત્રણમાં રાખવા માંગીએ છીએ પણ હકીકત કાંઈક અલગ જ છે. લોકો જે ઈચ્છશે એ જ કરશે, નહીં કે આપણે તેમની પાસે જે કરાવવા ઈચ્છીએ છીએ તે. કોઈક વિશે આપણે અભિપ્રાય બાંધી રાખીએ કે આદર ન આપીએ પરંતુ તેનાથી શું બદલાશે? કદાચ એવું બને કે જે આપણે બીજાઓ પાસેથી આપણા માટે નથી ઈચ્છતા એવું જ વર્તન તેમની સાથે કરી બેસીએ. ગુનાહિત કૃત્યો અને સંજોગોનો સામનો તથા નિર્ણય કરવા માટે કાયદાકીય પ્રણાલીઓ છે, બીજાની બુરાઈ કરવાથી કે તેમનું અપમાન કરવા માત્રથી જ ન્યાય નહીં થાય.

અને ગુનાહિત કૃત્યો કરનાર જેને સજા નથી મળતી તેના માટે એટલું જ યાદ રાખીએ કે,

મૂર્ખ હોવાનો અભિનય કરવો એ મહેનતનું કામ છે જેમાં હ્રદય અને આત્મા લગભગ નિષ્ક્રિય થઈ જાય છે, ખરેખર આનંદિત અથવા સંતુષ્ટ નિર્દયી માણસ મેં હજુ સુધી જોયો નથી.

જતું કરવું એ સૌથી સરળ વિકલ્પ છે

તમે કદાચ અહીં મારી સાથે સંમત ન થાવ, તમે કહેશો કે હું કોઈકને મારું અપમાન કરવાની કે મને ગાળો આપવાની પરવાનગી કઈ રીતે આપી શકું, તેની સાથે હું સારું વર્તન કઈ રીતે કરી શકું? મારું અપમાન કરનારને માન આપવું એ ક્યાંનો ન્યાય? મારી લાગણીને મારે શું કામ જવા દેવી?

તો હું કહીશ કે, બીજાઓનું અપમાન કરવાથી શું આપણે વધુ સન્માનિત કે શક્તિશાળી બનીશું? ફક્ત બે સવાલોના ઉત્તર આપણે આપણી જાતને આપવાના છે,

 • બીજાઓનું અપમાન કરવાથી આપણને શું મળશે
 • આપણા અનાદરના સંજોગોને જતાં કરીશું તો આપણને શું મળશે?

આપણું માન જાળવી રાખવા બીજાઓનું અપમાન કરીને શું મળશે એ વિશે હું ચોક્કસ નથી, પણ હું કહી શકું કે બીજાઓના અપમાન પ્રત્યે સાવ અનભિજ્ઞ રહીને આપણે જે મેળવી શકીશું એ છે – સ્વતંત્રતા. આપણે આપણી જાતને અન્યોની અપેક્ષા, પ્રતિભાવો કે નિર્ણયોથી સ્વતંત્ર રાખી શકીશું.

જતું કરવાનો અર્થ એમ નથી કે આપણે સાવ તુચ્છ કે નકામા થઈ જઈએ છીએ, ઉલટું આપણે વધુ શાંતિથી અને મક્કમતાથી આપણો મત પ્રસ્તુત કરી શકીએ છીએ. પૂરેપૂરી સ્વસ્થતાથી તમે કોઈકના દ્રષ્ટિકોણ સાથે અસંમત થઈ શકો છો, કોઈક મુદ્દો ઉઠાવી શકો છો અથવા સાવ સરળ રીતે ઉભા થઈને ચાલી નીકળો.

આદર આપવાનો અર્થ એ નથી કે કોઈકના ખરાબ વર્તનને પણ ચલાવી લેવું, એનો અર્થ થાય છે કે તેમના વર્તનને આપણે એવી રીતે જોઈએ છીકે કે જેથી સંઘર્ષ કે તકલીફોને ટાળી શકાય. આપણે એકબીજાને માનવ તરીકે જોવાનું ક્યારનુંય છોડી દીધું છે, માનવ અધિકારવાદીઓની હવે જરૂરત પડવા માંડી છે જેઓ જોરશોરથી એક જ વાત કહે છે – જેવુ વર્તન બીજાઓ પાસેથી તમારા માટે ઈચ્છો છો એવું જ તેમની સાથે કરો.

ઉપરોક્ત મુદ્દાઓને ધ્યાનમાં રાખવાથી કદાચ મુશ્કેલ સંજોગોને સરળતાથી પાર કરવામાં થોડીક મદદ મળી રહે.

અણગમતી વ્યક્તિનો સામનો થાય ત્યારે આપણું વર્તન કેવું હોવું જોઈએ?

જો કે આવા સંજોગોમાં તમે પ્રતિભાવ આપો એ પહેલા વિચારવાનો સમય ભાગ્યે જ મળે, અથવા તમે પોતાની જાતને એવો સમય ભાગ્યે જ આપો, છતાંય નીચેના ઉપાયોમાંથી યોગ્ય લાગે તેનો અમલ કરી જુઓ,

૧. કોઈક તમને હેરાન કરે ત્યારે આવતી લાગણીઓની નોંધ લો, તેમને અભિવ્યક્ત કરો એ પહેલા એ લાગણીઓના પ્રવાહને તમારા શરીરમાં વહેવા દો.
૨. તમારી જાતને પૂછો, શું તમે આ જતુ કરી શકો તેમ છો, આ વર્તનનો પ્રતિકાર નહીં કરો તો ચાલશે? આ થયાના દસ મિનિટ પછી તેની અગત્ય કેટલી હશે?
૩. જરૂર મુજબ વર્તો, તમે પૂર્ણપણે શાંતિ અને સ્વસ્થતાથી તેમને કહી શકો કે તેમનું વર્તન તમને નથી ગમ્યું, તમે એ સ્થળ છોડીને જતા રહી શકો અથવા તેમને કહી શકો કે આ બાબતે તમે અત્યારના સંજોગોમાં વાત કરવા માંગતા નથી.
૪. યાદ રાખો કે આપણે બધાં માણસો છીએ અને ક્ષણિક આવેગો તથા પૂર્વગ્રહોનું અજબ મિશ્રણ આપણે જે કરીએ છીએ એ કરવા આપણને પ્રેરે છે. એટલે અત્યારે તે અથવા આપણે જે કરી રહ્યા છીએ એથી વધુ યોગ્ય કાંઈ કરી શકીશું એવી ખાત્રી નથી, અને આ કોઈ છટકબારી નથી પરંતુ નરી વાસ્તવિકતા છે.
૫. પરિસ્થિતિને જવા દો, અને જે ખરેખર અગત્યની છે એવી વાત તમારી જાતને યાદ કરાવો. આવું કરવાથી તમારી ઉર્જા, ક્ષમતા અને ધ્યાન અગત્યની બાબતો પર કેન્દ્રિત થશે અને કોઈકનું વર્તન તમારા સમય અને શક્તિને બરબાદ નહીં કરી શકે. અને એટલું જ નહીં, તમારી જાતને એ આઝાદીનો સ્વાદ પણ યાદ કરાવો.

અને કદાચ તમે નકારાત્મક વર્તન કરી બેસો, તો તમારી જાતને એ નકારાત્મક એરણે મૂલવશો નહીં, પોતાની જાતના અનાદરથી કશું મેળવી શક્શો નહીં.

દરેક પરિસ્થિતિ વસ્તુને અલગ રીતે કરવાનો અવસર આપે છે, આપણે એવું વિચારી શકીએ કે આપણે કાંઈ બદલી શકીશું નહીં અને લોકોની સાથે તેમની જેમ જ અનાદર અને ઉતાવળા નિર્ણયો દ્વારા વર્તન કરીએ, પણ આપણા બધાંની અંદર એક સહજ અને સરળ શાંત રસ્તો પસંદ કરવાનો વિકલ્પ પડેલો છે. આંતરીક સ્વસ્થતા અને શાંતિ માટે એ જ સાચો રસ્તો છે. આપણા અત્યારના સંજોગો અને વર્તન તથા આદર્શ વર્તનની પરિભાષા – એ બે ની વચ્ચે ક્યાંક આપણે ઉભા છીએ, અને આદર્શ વર્તન તરફનું દરેક નાનકડું ડગલું પણ એ આદર્શને આપણા માટે હકીકતમાં બદલવા તરફ લઈ જશે.

– મૂળ લેખક – માનલ ઘોંસેન (Blog Onewithnow), અનુ. જીજ્ઞેશ અધ્યારૂ

માનલ ઘોંસેનના બ્લોગ વનવિથનાવ નો હું નિયમિત વાચક છું, અને તેમના લેખના સ્તર તથા ઉપયોગિતાને જોતાં તેનો વધુ પ્રચાર અને ફેલાવો થાય એવી અપેક્ષા છે. ગુજરાતીમાં આ પહેલા પણ તેમના એક લેખનો અનુવાદ કરી ચૂક્યો છું, માનલ અક્ષરનાદ પરના આ અનુવાદો અંગે ઈ-મેલ દ્વારા કહે છે, “This is the best way to spread empowering thoughts and ideas to the world.”

આજે તેમના બે લેખના મૂળ સત્વને લઈને એક વિચારમંથનનો પ્રયત્ન કર્યો છે. પ્રથમ લેખ આદર વિશેનો છે અને બીજો લેખ છે સ્વકેન્દ્રી, નિર્દય, ખીજ કે ઉશ્કેરણી કરે તેવા લોકો માટે પણ અણગમો વ્યક્ત થવા ન દઈને આદર જાળવી રાખવા વિશે. બંને લેખોનું આ શબ્દશઃ ભાષાંતર નથી, પણ તેના વિચારોનો પડઘો પાડવાનો પ્રયત્ન છે. આશા છે વાચકમિત્રોને ગમશે.


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “આદર, સ્વમાન અને અણગમતા લોકો માટે માન.. – અનુ. જીજ્ઞેશ અધ્યારૂ

 • Mahesh Patel

  Tamara ganoid a abhor. Tamari nisthapurvak servanu
  koi mulya nathi.gujaratima lakhavano try karyo pan
  Barbara lakhatu nathi to maf karajo.
  Chicago thi Mahesh Na Vandan.

 • Nitin Vyas

  જેીગ્નેશભઇ, તમે શ્રેશ્ લેખ પસન્દ કર્યો અને તેનુ સરલ ભાશાન્તર કર્યુ. અભિનન્દન. આ ગુજરાતેી લેખનિ મથારવાનિ જરુર ચ્હે. કોપિ પેસ્ત પન થૈ શકે તો ગુગલ કે પ્રમુખ્ પે મા કમ્પોસ કરેી સન્દેશ મોકલ્વનુ સરલ બને. આભાર્- નેીતિન વ્યાસ્

 • Harshad Dave

  મનનીય અને સરળ છતાંવિચારવા પ્રેરે તેવો લેખ…આભાર. અભિનંદન.
  શ્રી જીજ્ઞેશભાઈ,

  તમે સુંદર અને સરળ અનુવાદ કર્યો છે. વિષય થોડું વધારે વિચાર મંથન માગી લે તેવો સરળ છે. આપણી ક્ષમતા અને શક્તિઓનો મહત્તમ ઉપયોગ કઈ રીતે કરી શકીએ અને જીવનમાં સુખ શાંતિનું અવતરણ કઈ રીતે કરી શકીએ એનો રમણીય રસ્તો આપણી સામે છે. બસ આપણે એક પછી એક કદમ ઉઠાવી આગળ વધવાનું છે. અને આપણો જીવનપંથ ઉજાળનાર આપણી સાથે જ છે તો પછી જ્યાં કોઈએ કેડી પણ કંડારેલી નથી એવાં અડાબીડ ખાબડખૂબડ રસ્તે જવાનું કોઈ શા માટે પસંદ કરે. ‘તારે આંગણીયે કોઈ આવે તો મીઠો આવકારો આપજે…’ આ આવકારમાં સ્મિત છે, મીઠાશ છે અને આદર છે…બીજી વાતમાં વીંછીનો સ્વભાવ ડંખ મારવાનો હોય અને તે પોતાના સ્વભાવને વળગી રહે છે તો તેથી આપણે આપણો મૂળ સ્વભાવ – સ્વસ્થતા જાળવી રાખવાનો, ઉગ્રતા ધારણ ન કરવાનો – શા માટે છોડીને ગુસ્સે થવું જોઈએ? મનોમંથન કરવું ગમે તેવા પ્રેરક વિચારો પ્રસ્તુત કરવા માટે સાધુવાદ. -હદ.

 • P.P.Shah

  મને ખુબ જ આન્ન્દ થયો. જિવન્ નુ અગ્ત્યનુ ભાથુ અતિ સુન્દર સબ્દોમા પિરસ્યુ. આભર્.

  All it is a golden advise if we can digest it.It is portrayed in lucid palatable language. Nice piece for cultivating humanity. Thanks a lot.

 • ashvin desai

  પ્રિય ભાઈ જિગ્નેશ ,
  નવા વરસમા આ અનુવાદ તમારિ વાચકોને મહામુલિ ભેત તરિકે કદર કર્તા
  અનેરો આનન્દ અનુભવુ ચ્હુ
  તમે અનોખો યગ્ન માન્દિને બેથા ચ્હો અને કોઇ દૈવિ શક્તિ તમારિ પાસે અપાર ક્રિએતિવ કામ કરાવે ચ્હે તે જોઇને ચકિત થવાય ચ્હે
  ઈશ્વર તમ્ને દિર્ઘાયુશ આપિને આ ઉપાર્જન અહર્નિશ કરાવ્યા કરે તેવિ અભ્યર્થના – અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા