માને એમ કે મારો દીકરો કાગળ લખશે,
રવિવાર છે આજે, નહીં તો કાલે મળશે.
માને એમ કે મેં વાવ્યું છે બીજ ખેતરમાં,
ભલે વતનમાં નહીં એ પરદેશે ફળશે.
માને એમ કે ઉપર સૂકી ધરા છે કિન્તુ,
ભીતરમાં પાણી છે એવું જાતે કળશે.
માને એમ કે પાણી છો ને બરફ બન્યું છે,
હુંફાળા હેતે એ કાલે ફરી પીગળશે.
માને એમ કે મબલખ સીમ ભલે ચરે એ,
ઘરનું પ્રાણી ગોરજટાણે તો પાછું વળશે.
માને એમ કે વિમાન કેટલું ઉંચું જાશે,
હીંચકો ને હાલરડાં દીકરાને સાંભરશે!
માને એમ કે ભૂલ્યા ત્યાંથી ફરી ગણીને,
દાદાના દેશે દીકરો પાછો પણ વળશે.
– વિનોદ ગાંધી
આપણી મા વિષે લખવાનુ આવે અને લખી ન શકાય તો પોતાના હ્રદયનાં ધબકારા સાંભળી લેવા, મા ત્યાં ધબકતી હશે. એને તમે શબ્દોમાં તો કેટલાય પ્રયત્નો છતાં ઉતારી નહીં શકો. માતા અને સંતાનો વચ્ચેનાં સબંધો પણ શબ્દોમાં મૂકી નથી શકાતા. માતા પોતાનુ સર્વસ્વ રેડીને સંતાનોને મોટા કરે છે, ભણાવે – ગણાવે છે અને સંસ્કારોનું સિંચન કરે છે. બાળકો મોટા થઇ જાય પછી માતા અને મોટા થયેલા સંતાનો વચ્ચેનો સંબંધ મૂળ અને ફૂલ વચ્ચેનાં સંબંધ જેવો હોય છે. ફૂલ પૂર્ણ રીતે ખીલે છે, ઉપર ઉગે છે ત્યારે તે લગભગ મૂળથી ઘણું દૂર, ઉચે પહોંચી ગયુ હોય છે. કારકિર્દી બનાવવામાં, ખૂબ મોટા થવાનાં સપનાં જોતી વખતે… મૂળ પોતાના દ્રારા સતત પોષણ કરતું હોય છે પણ તેનું અસ્તિત્વ ધ્યાન બહાર નીકળી જતું હોય છે. જો કે ભૂલાઈ નથી જતુ… એટલે માતા વિષે લખવાનુ આવે તો મૂળ વિશે વાત લખવી પડે.
એક મા, સંતાનને ભણાવી-ગણાવી આગળ ભણવા પરદેશ મોકલે છે. પુત્રને પરદેશ ગયાને થોડો વઘુ વખત થઈ જાય ત્યારે માતા તેના પાછા આવવાની આશા સાથે અલગ શક્યતાઓ વિચારે છે. રાહ જોતી માતા અને તેના મનમાં ચાલતા વિચારોનુ નિરુપણ આ કાવ્યમાં થયું છે. પુત્રનાં પાછાં આવવા – ન આવવાની શક્યતાઓ અને પોતાના મનને મનાવવા શોધી કઢાયેલા કારણોનું વર્ણન કવિ શ્રી વિનોદ ગાંઘીએ સરસ રીતે ઉપરનાં કાવ્યમા કરેલ છે. માતા વિચારે છે કે પુત્ર ભલે ગયો છે પણ તે પાછો આવશે. અને તે કેવી રીતે, ક્યારે પાછો આવશે તે મા અલગ અલગ રીતે વિચાર કરે છે અને મનને સમજાવે છે. મા વિચારે છે કે દીકરો પરદેશ ગયો છે તે કાગળ લખશે, તેણે તો લખ્યો જ હશે પણ આજે રવિવાર છે તેથી કાલે પત્ર આવશે.
મા ને થાય છે કે મેં બીજ ખેતરમાં વાવ્યું છે તે ફળશે તો ચોક્કસ, ભલે અહીં નહિં તો પરદેશમાં ફળશે, ફળવાનો સંતોષ છે. મા ને થાય છે કે પુત્ર પરદેશ ગયો છે, કદાચ ભૂલી ગયો છે. ઉપરથી ધરતી સૂકાઈ ગઈ છે પણ અંદર તો પાણી છે જ, એ પણ એને જાતે ખબર પડશે જ. લાગણીઓ થીજી ગઈ છે, બરફ થઈ ગઈ છે, એ હુંફાળા હેતથી જરૂર પીગળશે. પક્ષીઓ ગમે ત્યાં ઉડતાં હોય પણ ગોરજ ટાણે પોતાનાં ઘર તરફ પાછા ફરે છે તેમ દીકરો ભલે દેશ-પરદેશ ફરે પણ ગોરજટાણે સંધ્યાકાળે જરૂર પાછો ફરશે. વિમાનમાં ઉંચે ઉડી ઉડીને કેટલું પણ જાય છેલ્લે તો હીંચકો અને હાલરડાની યાદ દીકરાને આવશે, અને તે જરુર પાછો આવશે. દીકરો ભલે ઘણા વરસો સુધી પરદેશ રહ્યો છે પણ આ બધી યાદ, લાગણી, આ ધરતી સાથેનો, મૂળ સાથેનો સંબંધ જરુર સ્વદેશે પાછો લાવશે એવી મા ને આશા છે.
માતા પરદેશ ગયેલા પુત્ર માટે અલગ પ્રયત્નો-ઘટનાઓ વડે પુત્રનાં પાછા આવવાની આશા રાખે છે, રાહ જુએ છે માનું હ્રદય છે ને તેથી આજે નહીં તો કાલે, આ કારણે નહિ તો બીજા કારણે પણ એ ચોક્કસ પાછો આવશે. નહીં આવે તેવો તો વિચાર પણ નથી કરી શકતી. કવિશ્રીએ આ કવિતામાં આશાભરી, રાહ જોતી માતાનું મન સરસ રીતે તાદ્શ્ય કર્યુ છે.
– ઉર્વશી પારેખ (‘કાવ્યાનુભૂતિ’ માંથી સાભાર)
Feelings of every mother beautifully expressed in this heart moving poem. This definitely makes eyes wet. Shri Vinod Gandhi deserves standing ovation for this. Many many THANKS to Shri Jigneshbhai and Smt Urvashiben Parekh for bringing this to the vast reader group of AKSHARNAD.
Khub j saras
માના હૃદયની વ્યથાને કવિએ , શબ્દોમાં અદભૂત રીતે વણી લીધી છે.
રમેશ પટેલ(આકાશદીપ)
માનિ તુલ્ના જ ન થઆય્.બહુ જ સરસ કવિતા.
wah…
જગત જનની ને શત શત વંદન.
For mother it is very much really true and touching to heart.
દીકરો મોટો થઈને માં ને સંભારતો નથી પણ માં તો તે ગમે એટલો મોટો થાય તેને નાના બાળક તરીકે જ સંભારે છે. સરસ રચના વાંચીને જગતની પ્રત્યેક માં ને ભાવ પુર્વક વંદન અને વિનોદભાઈ ને સહર્ષ ધન્યવાદ.
મા વિશે લખવહુ સરલ ચ્હેહ પરન્તુ અઘરુ ચ્હે.mother is first Guru. . all beings are attached.
excellent
aavu banatu hoy to ketlu saru?
આજ નેી કવિતા ઘનેી દર્દ આપે તેવેી ગમેી
સૈફેી સુરકા
Khub j saras.