લાગણીઓનું લાક્ષાગૃહ (વાર્તા) – નિમિષા દલાલ 11


આજે થોડી બેચેની જેવું લાગતું હતું. ઓફિસમાં અડધા દિવસની રજા મુકી એ ઘરે જવા નીકળી. બસસ્ટેંડ પર આવી બસની રાહ જોવા લાગી. એણે વાદળી રંગ પર ઓરેંજ રંગની પ્રિંટ વાળું ટૉપ, ઓરેંજ રંગનું ચુડીદાર અને એ જ રંગનો દુપટ્ટો પહેર્યો હતો. હાથમાં કાળા રંગનું પર્સ એક હાથમાં ગોલ્ડન કાંડા ઘડિયાળ.. એ આકર્ષક લાગતી હતી.. બસ, એનો ચહેરો જોઈ શકાતો નહોતો કારણકે એણે છાતી સુધીનો લાંબો ઘૂંઘટ કાઢી દુપટ્ટો ઓઢ્યો હતો, કદાચ બપોરની ગરમી ને કારણે ! એના ચહેરાની ચામડીને નુકશાન ના થાય એટલે ! બસસ્ટેંડ પર ખાસ ગીર્દી નહોતી. બસ આવી.. એ બસમાં ચડી… જુદી જુદી સીટ પર એકલા બેઠેલાં કોલેજીયન છોકરાઓને થયું કે એ મારી પાસે આવીને બેસે તો સારુ… પણ એણે દરવાજા પાસેની એક ખાલી સીટમાં બેસવાનું પસંદ કર્યુ. ટીકીટ લઈને એ બારીની બહાર જોવા લાગી..

એ સૌમ્યા હતી. અહીં ઘરથી દૂરની ઓફિસમાં નોકરી કરતી હતી. ચાર વર્ષ પહેલાં માતા અને હજુ ગયા વર્ષે જ એણે પિતા ગુમાવ્યા હતા. ભાઈ-બહેન તો કોઇ હતું નહીં. આમ તો પિતા એને એકલી ને આખી જીન્દગી કામ કર્યા વિના ખાઈ શકે એટલો પૈસો મૂકીને ગયા હતાં પણ ખાલી ઘર એને ખાવા દોડતું. આવવા જવામાં પણ થોડો સમય પસાર થાય અને ઘરની એકલતામાં વધુ સમય રહેવું ના પડે એટલે એણે ઘરથી દૂર નોકરી લીધી. એકાંત એને કોરી ખાતું. એને માણસોની વચ્ચે રહેવું ગમતું પણ એવા સંજોગો જ ન આવતા..

રસ્તામાં આવતાં દરેક સ્ટેન્ડ પર ઉભી રહેતી, પેસેન્જરો લેતી – ઉતારતી બસ આગળ વધી રહી હતી. ડ્રાયવરની સીટની પાછળની સીટ ખાલી થતાં પેલાં કોલેજીયનો એની પર ગોઠવાયાં, કદાચ એ યુવતીનો ચહેરો જોવા મળે. એટલામાં એક સ્ટેન્ડ પરથી એક સ્ત્રી નાના બાળકને લઇને ચડી, થાકેલી લાગતી હતી એટલે દરવાજાની નજીક જ બેઠેલી સૌમ્યાની બાજુમાં બેસી ગઈ. બાળકને ખોળામાં બેસાડી પાલવથી મોં પરનો પરસેવો લૂછ્યો. “બહુ ગરમી છે નહીં ?” એણે સૌમ્યાને કહ્યું.

સૌમ્યાએ હકારમાં જવાબ આપ્યો અને સ્ત્રીના ખોળામાં બેઠેલા બાળક સામે જોયું. આઠ-નવ મહિનાનું લાગતું એ બાળક માના ખોળામાં રમી રહ્યું હતું. ખૂબ જ સોહામણું હતું. સૌમ્યાએ બાળકની સહેજ નજીક જઈ ચપટી વગાડીને એને રમાડ્યું, બાળક હસ્યું, સૌમ્યાને ગમ્યું. એણે વધુ નજીક જઈ એને રમાડ્યું હવે બાળક એના મોં પરનાં દુપટ્ટા સાથે રમવા લાગ્યું. સૌમ્યા ખુશ થઈ. એ બાળકને રમાડતી રહી ને એને ખ્યાલ ના રહ્યો કે ક્યારે પેલા બાળકે એના મોં પરનો દુપટ્ટો ખેંચી નાખ્યો ને સૌમ્યાનો ચહેરો ખુલ્લો થઈ ગયો..

એ ચહેરો જોતાં જ બાળક ગભરાઈ ગયું ને જોર-જોરથી રડવા લાગ્યું.. બાળકની માની નજર સૌમ્યા પર પડી અને એ પણ ચમકી ગઈ. એ તરત જ બાળકને લઈ ઉભી થઈ ગઈ. સામે સૌમ્યાનો ચહેરો જોવા બેઠેલા કોલેજીયનોએ પણ ચહેરો જોતાં જ સૌમ્યા પરથી નજર હટાવી લીધી.. એનો ચહેરો સીસમ જેવો કાળો ને વળી આખા ચહેરા પર શેતૂરમાં દાણા હોય છે એવા નાનામોટાં ફોલ્લાઓ હતાં. સૌમ્યાને એ ખ્યાલ આવતાં જ તરત એણે દુપટ્ટાથી પાછો પોતાનો ચહેરો છુપાવી લીધો. પણ બસમાં બધાની નજરમાં એનો ચહેરો આવી ગયો. સૌમ્યાની આંખમાં આંસુ આવી ગયાં ને એ બસમાંથી ઉતરી ગઈ. રીક્ષા કરી ઘરે પહોચી. ઘરે પહોંચતાં જ રોકી રાખેલું રૂદન છુટી ગયું ને એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

“હે ભગવાન તું મને આ મારા કયા ગુનાની સજા આપે છે..” સૌમ્યાએ ભગવાનને ફરિયાદ કરી.

“તે દિવસે પણ બાગમાં પેલા બાળકને એની મા ને સોંપવા ગયેલી ને લોકોએ મને…. શું મારા નસીબમાં બાળક સાથે રમવાનું છે જ નહીં ? બાળપણ માં પણ કોઇ મારી સાથે રમતું નહોતું.. તેં શા માટે મને આવા રુપ સાથે આ ધરતી પર મોકલી ?” સૌમ્યાનું રૂદન અટકતું જ નહોતું કે નહોતી અટકતી એની ભગવાન પ્રત્યેની ફરિયાદ.. ‘તારા પોતાના સંતાન … તું એની સાથે રમી શકશે અને એ તને પ્રેમ પણ કરશે…’ મનમાંથી એક અવાજ આવ્યો.. પણ કેવી રીતે ? એના જેવીને તો પરણે પણ કોણ ?

પરંતુ પરણ્યા વગર પણ તે મા બનવાના પંથે હતી. એક સ્પર્મબેંકમાંથી તેણે…

પૂરે મહિને એક સ્વસ્થ પુત્રને જન્મ આપેલ સૌમ્યાના મનમાં એક શંકા જાગી. એણે ડોક્ટરને પુછ્યું, “ડૉક્ટર, મારો પુત્ર કેવો દેખાય છે ? મારા જેવો તો…”

“અરે ના.. ના.. ખુબ જ સુન્દર દેખાય છે. રૂમમાં શીફ્ટ કર્યા પછી અમે તમને સોંપીશું.” અને સાચે જ સૌમ્યા ખુશ થઈ જ્યારે પોતાના દીકરાને જોયો. એને છાતીએ વળગાળ્યો. એ રડ્યો નહીં. સૌમ્યાના આનંદની કોઇ સીમા ન રહી. એણે તો હોસ્પિટલમાં જ એનું નામ પાડી દીધું ચાંદ જેવો હતો એટલે ચંદ્ર નામ પાડ્યું. દિવસો વીત્યા ચંદ્ર માના રુપ કરતાં માનો પ્રેમાળ સ્પર્શ ઓળખતો મોટો થયો પણ પછી…

“હું અંદર આવી શકું સાહેબ?” સૌમ્યાએ ચંદ્રની શાળાના પ્રિન્સિપલની ઓફિસમાં પ્રવેશતાં પૂછ્યું.

“આવો.” પ્રિંસીપાલે ઇશારાથી સામેની ખુરશી બતાવી કહ્યું, “બેસો.”

“ચંદ્રની ડાયરીમાં નોટ હતી કે તમે મને બોલાવી છે.”

“હા મીસીસ જાડેજા. તમારા પુત્રની થોડી ફરિયાદ કરવી હતી. ચંદ્રએ એના ક્લાસના એક છોકરાને બેરહેમીથી માર્યો. એ તો સારું થયુ કે વર્ગશિક્ષક તરત પહોંચી ગયા ને એ છોકરો બચી ગયો. અનેક વાર એને મારવાનું કારણ પૂછવા છતાં એ કંઈ બોલતો જ નથી.” અને પછી એમણે તો જૂની નવી ઘણી ફરિયાદોનો જાણે પટારો જ ખોલી દીધો સૌમ્યા સામે.. સૌમ્યા મૌન રહીને સાંભળી રહી.

“તમે એને સમજાવજો હવે આવું બીજી વખત બનવું ન જોઇએ.” પ્રિંસીપાલે વાત પૂરી કરતાં કહ્યું.

“જી સાહેબ, હું આજે જ એને સમજાવીશ.” સાંજે ચંદ્ર ને ખોળામાં બેસાડી જમાડતાં જમાડતાં સૌમ્યાએ પેલા છોકરાને મારવાનું કારણ પૂછ્યું ચંદ્ર રડી પડ્યો.
“મા એણે તને ભૂત જેવી, કદરૂપી, બીક લાગે એવી… અને આવું કેટલુંય કહ્યું. મેં પહેલાં તો એને રોક્યો પછી બીજા છોકરાઓ પણ સાથે બોલવા લાગ્યા તો મેં એને…” અને પછી ચંદ્ર સૌમ્યાને વળગી પડ્યો..

“મારી મા તો ખૂબ સુન્દર છે. પરી જેવી.” સૌમ્યા હકીકત જાણતી હતી કે પોતે કેટલી સુન્દર છે. પણ પોતાના દિકરાના મોં એ આમ સાંભળવું એને ગમ્યું અને એ ચંદ્રને ટોકવાનું ભૂલી ગઈ. ચંદ્ર શાળામાં બનેલી સાચી હકીકત છુપાવવામાં કામયાબ થયો.

***

મોડી રાત થઈ હતી. ચંદ્ર હજુ ઘરે આવ્યો ન હોતો. સૌમ્યાને અમંગળ વિચારો આવતા હતા. ત્યાં તો બંગલાની બહાર મોટરસાયકલની ઘરઘરાટી સંભળાઈ, થોડી વારે બંગલાનો દરવાજો ખૂલ્યો ને ચંદ્ર લથડતાં પગલે ઘરમાં દાખલ થયો.

પોતાના રૂમમાં લાઇટ બંધ કરીને બેઠેલી સૌમ્યાને ચંદ્રએ જોઇ નહી. સૌમ્યાએ એને જોયો પણ એ ઉભી થઈ બહાર આવી નહી. એની ઇચ્છા હતી કે ચંદ્ર એને મનાવે પણ ચંદ્રની હાલત જોયા પછી..

મમ્મીના રૂમ તરફ એક નજર નાખી ચંદ્ર પોતાના રૂમમાં જતો રહ્યો. સૌમ્યાને આજે સવારે જ ચંદ્ર સાથે થયેલી વાત યાદ આવી. બ્રેકફાસ્ટ કરતી વખતે ચંદ્રએ પચાસ હજાર રૂપિયા માગ્યા હતાં.

“કેમ બેટા આટલાં બધાં રૂપિયાનું શું કામ પડ્યું ? હજુ ગયે અઠવાડીયે તો…”

“મા, નેક્ષ્ટ વીકમાં મારી બર્થ ડે આવે છે એની પાર્ટીની તૈયારી કરવાની છે.” સૌમ્યાને યાદ આવ્યું ચંદ્રના જન્મને વીસ વર્ષ થઈ ગયા હતા. એણે મનોમન પાર્ટી કેવી રીતે આપવી એ નક્કી કરતાં કહ્યું, “આપણા ઘરમાં જ રાખવાની છે ને ! હું બધી વ્યવસ્થા કરી દઇશ.”

“ના તું મને રૂપિયા આપી દે.”

“પણ. .. દર વખતે તો…”

“મા, હું હવે નાનો નથી. હું મારા મિત્રો સાથે બહાર મારી રીતે મારો બર્થ ડે ઉજવવા માગુ છું. તું મારા મિત્રો સામે આવે એ મને નથી ગમતું.”

“પણ દિકરા આટલા બધા…”

“તારે રૂપિયા આપવા છે કે હું ..” તિજોરીની ચાવી ક્યાં હોય છે તે એ જાણતો હતો.

“જો બેટા તું…”

“મા…. મારા બાપના રૂપિયા માગું છું તારા બાપના નહી..” સૌમ્યા તો સડક જ થઈ ગઈ. કંઇ જ બોલી નહી શકી. માને આમ હતપ્રભ જોઇ ચંદ્રને હમણાં તો ઘરની બહાર નીકળી જવું યોગ્ય જ લાગ્યું. ચંદ્ર ક્યાં જાણતો હતો કે તેના તો કોઇ પિતા હતાં જ નહી. આ બધા જ રૂપિયા, જે એ પોતાના બાપનાં માનતો હતો એ હકીકતમાં તો સૌમ્યાના બાપનાં જ હતાં.

સવારનો ચંદ્ર ગુસ્સામાં ઘરની બહાર જતો રહેલો તે છેક અત્યારે ઘરમાં આવ્યો. બાળપણમાં એના મિત્રોને એમના પિતાની વાતો કરતાં સાંભળી ચંદ્રને પોતાના પિતા માટે ઓછું ના આવે એ માટે સૌમ્યાએ બોલેલું જુઠાણું આમ આ રીતે પોતાની સામે આવશે એ સૌમ્યાએ ધાર્યું નહોતું.

બીજે દિવસે સવારે ચંદ્ર મોડો ઉઠ્યો એણે જોયું કે સૌમ્યાએ ડાઈનીંગ ટેબલ પર નાસ્તો ને ફ્રેશ ફ્રૂટજ્યુસ તૈયાર કરી મૂકી દીધું હતું.

“સોરી.” રસોડામાં કામ કરતી મમ્મીને પાછળથી વળગી ચંદ્રએ માફી માગી.

“તારા પિતા આટલા રૂપિયા કમાય છે પણ એમણે કદી દારૂને હાથ નથી લગાડ્યો.” સૌમ્યાએ અત્યારે પણ એ જુઠાણું ચાલુ જ રાખ્યું અને એ ચંદ્રના હાથ ખસેડી ત્યાંથી પોતાના રૂમમાં જતી રહી. પલંગ પર બેસીને રડતી સૌમ્યાના પગ પાસે બેસીને ચંદ્રએ મમ્મીના ખોળામાં માથું નાખી દીધું.

“મા…. સો..રી.” અને લાડ કરતાં કહ્યું, “માફ નહીં કરે તારા આ લાડ કુંવરને ?” સૌમ્યા બાળપણમાં ઘણી વાર લાડથી ચંદ્રને લાડકુંવર કહેતી. મમ્મીનો ગુસ્સો ઉતારવા ને એને મનાવવા ચંદ્રએ એ જ શબ્દનો ઉપયોગ કર્યો ને સૌમ્યા પીગળી ગઈ. એણે પોતાના આંસુ લૂછી વહાલ ભર્યા સ્મિત સાથે ચંદ્રના માથાં પર હાથ ફેરવ્યો.

“મા ખબર નહી કાલે શું થઈ ગયું હતું. હવે થી આવી ભૂલ નહી કરું બસ.” નાનપણથી જ ચંદ્ર ભૂલો કરતો ને ભૂલ પકડાઇ જતાં સૌમ્યાને વળગીને આમ જ માફી માગતો અને બધાથી તરછોડાયેલી સૌમ્યાની મમતા ચંદ્રના વહાલ આગળ હારી જતી. રૂપિયા મેળવવા વહાલનો ડોળ કરવામાં ચંદ્ર સફળ રહ્યો. સૌમ્યાએ એને રૂપિયા આપી દીધા.

***

ડીંગ ડોંગ.. ડોરબેલ વાગ્યો અને સૌમ્યાએ બારણું ખોલવા દોડી. ચંદ્ર જ હશે. ચાર દિવસ પહેલાં મસ્કા મારીને રૂપિયા લઈ બર્થ ડે ઉજવવા ગયો હતો. હજુ આવ્યો નથી. આજે તો એ આવે એટલે એની ખેર નથી. એવો… પણ બારણું ખોલતાં જ સામે ઈન્સ્પેક્ટરને જોઇ સૌમ્યા ધ્રુજી ગઈ.

“શું વાત છે ઈંન્સ્પેક્ટર સાહેબ ?” સૌમ્યાએ પુછ્યું.

“ચંદ્ર જાડેજા અહિ રહે છે ?” ઇન્સ્પેક્ટરે કરડાકી ભરેલાં અવાજમાં પૂછ્યું.

“હા.” સૌમ્યાને થોડી નવાઈ લાગી.

“તમે કોણ ?”

“હું એની મા છું. શું થયું ? એને તો કંઈ…?” સૌમ્યાને કંઇક અઘટિત બન્યું હોવાનું લાગ્યું.

“ના એને કંઇ નથી થયું. એ ક્યાં છે ?”

“એ તો ચાર દિવસથી ઘરે નથી આવ્યો.” ઈન્સ્પેક્ટરે શંકા ભરી નજરે સૌમ્યા સામે જોયું ને બે હવાલદારોને ઇશારો કરી ઘરમાં મોકલ્યા ને એ પણ આમતેમ નજર ફેરવતાં ઘરમાં આવ્યા.

“વાત શું છે ? સાહેબ કંઈક તો કહો.” બોલતી સૌમ્યા પણ એ લોકોની પાછળ પાછળ ઘરમાં આવી.

“સાહેબ, આખા ઘરમાં જોઇ લીધું કોઇ નથી.” હવાલદારો એ કહ્યું. ઈન્સ્પેક્ટરે સૌમ્યા સામે જોઇ કહ્યું, “એણે અને એના મિત્રોએ મળીને પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર કર્યો છે.” આ સાંભળી સૌમ્યાને આંખે અંધારા આવી ગયાં ને એ સોફા પર ફસડાઈ પડી. થોડી વારે બોલી ,

“તમારી ભૂલ થતી હશે સાહેબ. મારો દિકરો એવો નથી.”

“કોઇ પણ માને પોતાનો દિકરો ગુનેગાર લાગતો જ નથી.”

“મારું મન માનતું નથી સાહેબ. એ ચંદ્ર જ હતો એની તમારી પાસે કોઇ સાબિ……..” સૌમ્યાએ પૂછ્યુ, “સાબિતી ? એક સાબિતી, પેલી બાળકી અત્યારે હોસ્પિટલમાં છે અને બીજી સાબિતી છે ઘટના સ્થળેથી મળેલું આ ડ્રાઈવીંગ લાયસન્સ.” પોતાના હાથમાંજ રાખી સૌમ્યા સામે ધરતાં તેમણે કહ્યું. “ચંદ્રનું જ છે ને ?” પછી જવાબની રાહ જોયા વિના લાયસંસ ગજવામાં મૂકી “ચંદ્ર આવે એટલે એને પોલીસ સ્ટેશને હાજર કરી દેજો. એ નહી આવે તો અમે તો શોધી જ લઈશું એ બધાંને.” કહી ઈંસ્પેક્ટરે હવાલદારો સાથે વિદાય લીધી.

* * * * *

સૌમ્યાના હાથમાં પિસ્તોલ હતી. એમાંથી હમણાંજ ગોળી છૂટ્યાનો ધુમાડો નીકળતો હતો અને ગન પાવડરની વાસ આખા ઓરડામાં ફેલાઈ ગઈ હતી.. સામે જ એક યુવાનનો લોહીથી ખરડાયેલો દેહ પડ્યો હતો.

“હલો ઈંસ્પેક્ટર સાહેબ, પેલી પાંચ વર્ષની બાળકીના બળાત્કારના આરોપીઓ માંનો એક અહિ મારી સામે મૃત હાલત માં પડ્યો છે. આપ તરત અહિ આવી જાઓ..”

“…….”

“હું… હું સૌમ્યા. ચંદ્ર જાડેજાની માં” બોલી સૌમ્યાએ ફોન કટ કરી નાખ્યો અને આંખમાં આંસુ સાથે ચંદ્રના મૃત શરીરને પંપાળી રહી.

– નિમિષા દલાલ

નિમિષાબેન દલાલની પ્રસ્તુત વાર્તા એક માતાની લાગણીઓને ખૂબ સુંદર રીતે અને ચોક્કસ ઘટનાક્રમની એરણે વાચા આપે છે. નિમિષાબેનની વાર્તાઓ અક્ષરનાદને સતત મળતી રહે છે એ સદભાગ્ય છે, તેમની કૃતિઓ વાચકને ભાવવિશ્વની અનોખી સફરે લઈ જાય છે અને વાર્તાતત્વમાં એકરસ થઈને વાચક એ ઘટનાપ્રવાહમાં સાંગોપાંગ ડૂબી રહે છે એ જ તેમના સર્જનની ખૂબીઓ છે. પ્રસ્તુત વાર્તા અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ નિમિષાબેનનો ખૂબ ખૂબ આભાર.


Leave a Reply to Raju Kotak Cancel reply

11 thoughts on “લાગણીઓનું લાક્ષાગૃહ (વાર્તા) – નિમિષા દલાલ

  • M.D.Gandhi, U.S.A.

    બહુ કરૂણ વાર્તા……જોકે આપણે કહીએ પણ, વારસો તો માબાપની માંદગીનો ઉતરી આવે, માબાપના લોહીનો કે ગુણનો ઓછો, આમાં માબાપનો વાંક નથી, માબાપે તો સારા સંસ્કાર આપ્યા હોય તો , પણ નાનપણથી આજુબાજુના સંજોગો અને વંઠેલા મિત્રોનો સંગ લાગી જાય તો ગમે તેવા સંસ્કારી સંતાનો પણ બગડી જાય છે, પછી સુધરતા નથી. પણ સૌમ્યાએ કેટલા દુઃખ સાથે દિલ પર પત્થર મુકીને આવું બહાદુરીપુર્વકનું(!) પગલું ભર્યું હશે, જો પોતાનું સંતાન ન સુધરે તો પોતાના સંતાનને ખાતર સમાજને બગડવા ન દેવાય……

  • Rajesh Vyas "JAM"

    આ વાર્તા નો એક જ બોધપાઠ છે કે ભગવાને જેનું સર્જન તમારા માટે ન કર્યું હોય તેને પામવાનો પ્રયત્ન કરશો તો અંતમા તમારે જ તેનો નાશ કરવો પડશે પછી ભલે તમને ગમે કે ન ગમે. માટે હરિ ઈચ્છા બળવાન માની ને જીવન જીવવું.

  • ashvin desai

    નિમિશા દલાલ એક તેજસ્વિ લેખિકા તરિકે સારુ એવુ સામર્થ્ય ધરાવે ચ્હે . એમનુ અવલોકન બારિક ચ્હે , તેથિ વિશયવૈવિદઘ્ય ઉપર એમનિ સુન્દર હથોતિ ચ્હે . ઉપરાન્ત એઓ એક સમર્પિત લેખિકા ચ્હે – જેઓ પોતાના પત્રકાર્ના વ્યસ્ત વ્યવસાય્નિ સાથે પોતાનિ સર્જનપ્રવ્રુત્તિને સરસ ન્યાય આપિ રહ્યા ચ્હે . એમનિ રચનાઓ જિવાતા જિવન્માથિ આવતિ હોવાથિ આસ્વાદ્ય બનિ રહે ચ્હે . ધન્યવાદ – અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા