ત્રણ વરસાદી ગીત.. – ધૃવ ભટ્ટ 14


૧. કેવો વરસાદ કેમ બોલું?

બધી ભાષા ભુલાઈ જાય એવો વરસાદ, હવે કેવો વરસાદ કેમ બોલું,
પડતું આકાશ છેક હાથમાં ઝીલાય એની સામે શું કાગળિયાં ખોલું.

ધોધમાર, ગાંડો કે સાંબેલાધાર, બધો અક્ષરનો ઠાલો અસબાબ છે,
સૌને વરસાદ એનાં ખાનગી ઉખાણાંનો સાગમટે જડતો જવાબ છે.
વરસ્યાની વાત નહીં આ તો વરસાદ છે તે કેવો વરસાદ કેમ બોલું?
પડતું આકાશ છેક હાથમાં ઝીલાય એની સામે શું કાગળિયાં ખોલું.

ઘરની શી વાત અહીં ફળીયું નહીં રસ્તો નહીં પાદર કે ગામ હવે ક્યાં છે?
મારું પણ એકવાર ઘોડિયું હીંચોળીને પાડેલું નામ હતું ક્યાં છે?
હોવું પણ નીતરતાં ડુંગરની જેમ ઊભું એવો વરસાદ કેમ બોલું?
પડતું આકાશ છેક હાથમાં ઝીલાય એની સામે શું કાગળિયાં ખોલું.

૨. ઝીલો..

આ ઝરમર ઝરમર ઝરી રહ્યાં તે જળને ઝીલો
આ ધરતીથી આકાશ બની સાંકળને ઝીલો

આ એક જ ટીપું આખે આખાં સરવર દેશે
ધરો હથેળી અચરજના અવસરને ઝીલો

આ કણ કણ લીલી લીલા છે નાચી ચોગરદમ
જીવતર જેણે પ્રગટાવ્યાં તે બળને ઝીલો.

આ નથી ફક્ત આકાશી ઘટના ઝીલી શકો તો
ઘટ-ઘટ ઉમટી ઘેરાયાં વાદળને ઝીલો.

આ ઉમ્મર પદવી નામ ઘૂંટ્યા તે ભૂંસી દઈને
અંદર અનરાધાર વસ્યા બાળકને ઝીલો

આ મહેર કરી છે મહારાજે મોટું મન રાખી
ખોલી દો ઘૂંઘટપટ વરસ્યા વરને ઝીલો.

૩. એકવાર ચોમાસું બેઠું તે..

એકવાર ચોમાસું બેઠું તે મોરલાએ ટહુકો દીધો ને અમે સાંભળ્યો
ત્યાર પછી પૂર ક્યાંય ઊતર્યા નથી કે નથી ઉનાળો સપનામાં સાંભર્યો.

તે દી’થી વહેતા થ્યા પૂરમાં આ રોજરોજ ઘટનાઓ ઠેલાતી જાય છે
વહેતાંની વાતમાં શા વહેવારો હોય એવું વહેવારે કહેવાતું જાય છે
અક્ષર ને શબ્દો ને અરથો પલળાઈ ગયા બોલો હું બોલ્યો કે ભાંભર્યો
એકવાર ચોમાસું બેઠું તે મોરલાએ ટહુકો દીધો ને અમે સાંભળ્યો

પડતો વરસાદ એમાં મરવાના કોલ અને ધસમસતી નદીઓનું ઘેલું
ઝાઝા જુહાર કહી પડતું મેલાય એમાં વાંચવા વિચારવાનું કેવું
વાદળાંને કંકુને ચોખાનાં મૂરત શું વાદળાંનાં મૂરત તો ગાભરો
એકવાર ચોમાસું બેઠું તે મોરલાએ ટહુકો દીધો ને અમે સાંભળ્યો.

– ધૃવ ભટ્ટ

તમે ગાયાં આકાશ ભરી પ્રીતે
તે ગીત કહો મારાં કહેવાય કઈ રીતે

કહીને પોતાના ગીતોને સર્વના આનંદ માટે ખુલ્લા મૂકી દેનાર સર્જક એટલે ધૃવભાઈ ભટ્ટ. હું અને મૃગેશભાઈ તેમને મળવા ગયેલાં ત્યારે તેમણે ભેટ કરેલી ગીતોની આ પુસ્તિકા, ‘ગાય તેનાં ગીત’ માંથી ઉપરોક્ત ત્રણ વરસાદી ગીતો આજે પ્રસ્તુત કર્યા છે. મૌસમ પણ છે, મિજાજ પણ છે અને કાચા સોનાને ઝીલવાની તાલાવેલી પણ ખરી ! પ્રસ્તુત ગીતો અક્ષરનાદ પર મૂકવાની પરવાનગી બદલ શ્રી ધૃવભાઈનો આભાર.

બિલિપત્ર

Clouds come floating into my life, no longer to carry rain or usher storm, but to add color to my sunset sky.
– Rabindranath Tagore


આપનો પ્રતિભાવ આપો....

14 thoughts on “ત્રણ વરસાદી ગીત.. – ધૃવ ભટ્ટ

 • Rajesh Vyas "JAM"

  બહુ સરસ અનુભુતિ કરાવે એવા ગીતોની ભેંટ પીરસવા બદલ ધ્રુવભાઈ અને જીજ્ઞેશભાઈ નો ઝરમરતો આભાર.

 • Muni J Bhatt

  ધ્રુવ ભાય તો ધોઘમાર વરસિ ગયા!મજા આવિ ગૈ.
  આમ જ વરસતા રહો તેવિ આશા સાથે….પ્રનામ

 • Maheshchandra Naik Canada

  અહીં કેનેડામા વરસાદને સુરતના વરસાદ સાથે માણવાની તક આપવા બદલ અક્ષરનાદ અને કવિશ્રી ધ્રુવ ભટનો ખુબ આભાર…………
  ખરેખર બીજુ કાવ્ય કોઈ કોઈ ઝિલજીની યાદ સાથે પ્રવીણ જોશીના સંતુ રંગીલી નાટકની યાદ આપી જાય છે. કવિશ્રીના જે કાવ્યસંગ્રહની વાત થઈ છે અનુ પ્રાપ્તીસ્થાન જાણવા માળ્શે તો વિશેશ આનદ અને આભાર…………….

 • જયેન્દ્ર પંડ્યા

  વર્ષા ઋતુ માં આવા સરસ ગીતો પીરસવા બદલ આભાર…
  આ તો જાણે વરસાદ પડતો હોય અને ગરમા ગરમ ભજીયા + ગોળપાપડી પીરસ્યા હોય તેવી મજા આવી ગઈ.
  ધ્રુવ ભાઈએ પાદર, ફળિયું અને ઘોડિયું જેવા શબ્દોને ગીતોમાં આવરી લઇ ખરેખર ગામની યાદ કરાવી આંખો ભીંજવી દીધી……

 • Harshad Dave

  ધ્રુવ ભટ્ટ સારી કવિતાઓ લખે છે અને સુંદર લવલી નવલકથાઓ પણ લખે છે. ભીતરથી ભીંજાઈ ગયેલા જીવ છે. વરસાદી ભાષામાં ઘટ ઘટની ઘટનાને અચરજનો અવસર બનાવી શકે તેવી બળકટ તેમની પ્રવાહિતા છે જેમાં અર્થો પલળાઇ જાય અને બારમાસી ચોમાસું બેસી જાય પછી તો ઝાઝા જુહાર કરવા ઝંપલાવવું જ પડે કારણ કે અંદર અનરાધાર બાળક વસે છે, વરસે છે જેનો આ કોલ છે!

  હર્ષદ દવે.

 • urvashi parekh

  ખુબ સરસ અને સુન્દર વરસાદી ગીતો. ભિન્જાવાની મજ્હા આવી.