આપણા અબોલાથી ઝૂર્યા કરે… – મેઘબિંદુ 14


જનમો જનમની આપણી સગાઈ
હવે શોધે છે સમજણની કેડી,
આપણા અબોલાથી ઝૂર્યા કરે છે,
હવે આપણે સજાવેલી મેડી.

બોલાયેલ શબ્દોના સરવાળા બાદબાકી
કરતું રહ્યું છે આ મન,
પ્રત્યેક વાતમાં સોગંદ લેવા પડે
કેવું છે આપણું જીવન !
મંઝિલ દેખાય ને હું તો ચાલવા લાગું
ત્યાં વિસ્તરતી જાય છે આ કેડી,
આપણા અબોલાથી ઝૂર્યા કરે છે,
હવે આપણે સજાવેલી મેડી.

રંગીન ફૂલોને મેં ગોઠવી દીધાં છે
તેથી ખીલેલા લાગે છે આ બાગ
ટહુકાને માંડ માંડ ગોઠવી શક્યો પણ
ખરી પડ્યો એનો ય રાગ
ઉડતાં પતંગિયાંઓ પૂછે છે ફૂલને
તારી સુગંધને ક્યાં વેરી ?
આપણા અબોલાથી ઝૂર્યા કરે છે,
હવે આપણે સજાવેલી મેડી.

– મેઘબિંદુ

બિલિપત્ર

સખી અત્તરની શીશીમાં મોહ્યા,
દૂરની સુગંધો પર માંડીને મીટ
અમે આંગણાના મોગરા ખોયા..
– સંદીપ ભાટીયા


આપનો પ્રતિભાવ આપો....

14 thoughts on “આપણા અબોલાથી ઝૂર્યા કરે… – મેઘબિંદુ