ઉનાળા વિશે… (ખલિલ જીબ્રાનના ‘ધ પ્રૉફેટ’ ના ગદ્ય સ્વરૂપમાં) 11


અને પછી દુપટ્ટાથી ઢંકાયેલ ચહેરો અને ચહેરા પર સનસ્ક્રીન લોશનનું લીંપણ કરી આવેલ કૉલેજ કન્યાએ પૂછ્યું, ‘અમને ‘સમર’ વિશે કાંઈક કહો..’

ત્યારે તે બોલ્યા, ‘શીતકારક વાતાવરણમાં રહેવા ટેવાયેલા એવા તમે સૌ જો આ ગીષ્મ ઋતુના સાચા મર્મને સમજશો તો ખરેખર બ્રહ્મજ્ઞાનની અવસ્થાને પામી શકો છો, એમ નહીં કરીને તમે આત્મઘાત કરી રહ્યા છો. પ્રાતઃપૂજનીય, સાયં સ્મરણીય, બહુધા રમણીય, સદાય તામ્રવર્ણીય અને સર્વે જીવો માટે આદરણીય એવા શ્રી આદિત્યનારાયણના પ્રતાપે આ પૃથ્વી પર જીવન સંભવ છે, તામસી જીવો પર કૃપા કરવાને થઈને તેઓ ગ્રીષ્મમાં આપણી સૌથી નજીક આવે છે અને એમ કરીને તેમના સદાય વાંચ્છિત એવા સત્સંગનું સૌભાગ્ય આપણને મળે છે, એવી અવસ્થામાં જો તમે વાતાનુકૂલિત વાતાવરણમાં આદિત્યકિરણોથી પોતાની જાતને બચાવવા અન્ય માનવીય ચેષ્ટાઓથી વ્યર્થ પ્રયત્નોમાં રત થઈ પડદાઓ અને અન્ય ઉપકરણો દ્વારા આચ્છાદિત થઈને રહેશો તો ગુમાવવાનું તમારે જ છે.’

પેલી કૉલેજ કન્યાની સાથે આવેલા પાતળા સોટા જેવા, સફેદ ટી-શર્ટ અને બરમૂડા પહેરેલા યુવાને કહ્યું, ‘બટ ઇટ્સ સો હાટ યુ નો…’

ત્યારે તે બોલ્યા, ‘વત્સ, ઉનાળો એ આત્મસાક્ષાત્કારની ઋતુ છે, સ્વ સાથે સંવાદની ઋતુ છે. ઉનાળો એ આંતરીક તરલતાને નાણવાની અને માણવાની ઋતુ છે, અગ્નિતત્વના પ્રભાવને લઈને શરીરના અનાવશ્યક તત્વોને દૂર કરીને જલતત્વ સાથે એકાત્મ સાધવાનો તે અવસર આપે છે. વાયુતત્વની આવશ્યકતાને તે સમજાવે છે અને નભોમંડળ તથા પૃથ્વી વચ્ચેની ચરમ નિકટતાનો એ અદ્રુત સમય છે. એવા સમયે કાનમાં ભૂંગળા મૂકીને માઈકલ જૅક્સનના ગીતો ગાઈ અનિર્ણિત દશામાં અચોક્કસ મુદ્રાઓમાં હલતાં હલતાં જો તમને સુખનો અનુભવ થતો હોય તો એ પવનની બલીહારી છે, એમ.જે.ની નહીં. કાલીદાસના કઝિન આદીદાસના ટીશર્ટ પહેરીને તને થતો આરામદાયક અનુભવ પેઢીઓથી આપણા લોકો સદરા પહેરીને મેળવે જ છે, જીન્સના કોથળાને બદલે આપણા ધોતીયાની આવશ્યક્તા આવે સમયે જ મહત્તમ છે જે વિશ્વનો સૌથી વધુ વાતાનુકૂલિત પોશાક છે, આપણને અન્યોના ‘સનબાથ’ દેખાય છે પરંતુ આપણને એની કોઈ જરૂર નથી એવું સમજાતું નથી એ ખેદની વાત છે.’

તેમને અટકાવતા એ જ ટોળકીના એક અન્ય યુવાને કહ્યું, ‘લેટ ઈટ બી, યુ સી, આઈ કાન્ટ મેનેજ વિધાઊટ કોલ્ડ્રિંક્સ, કૉક ઈઝ માય લાઈફ. ઈઝ ધેર એનીથિંગ એઝ રિફ્રેશીંગ એઝ ઈટ?’

ત્યારે તે ફરી બોલ્યા, ‘પીણાંઓ તો મનનો વહેમ છે, સાચી ઠંડક જે તૃપ્તિથી મળે છે એ તો આત્માનો અનુભવ છે, તું મને કહે વત્સ, એક વખત એ જંતુનાશક પીણાંનો ઘૂંટ માર્યા પછી કેટલી ક્ષણ તું બીજા ઘૂંટ વગર રહી શકે છે?’

‘વ્હૉટ?’ પેલા યુવાને પૂછ્યું, ‘આર યૂ ક્રેઝી? વ્હૉટ આર યૂ ટૉકીંગ મેન?’

‘આઈ કેન ઓલ્સો સ્પીક ઈંગ્લિશ લાઈક યૂ ગાય્ઝ, બટ માય હાર્ટ સ્પીક્સ અવર મધરટંગ, ગોટ ઈટ?’ એ સાવ અનભિજ્ઞ થઈને બોલ્યા.

પછી સ્મિત કરતા તેમણે આગળ ચલાવ્યું, ‘આપણા લીંબુપાણી અને જલજીરા વિશ્વના કોઈ પણ પીણાંને ટક્કર મારે છે, અખાદ્ય વસ્તુઓની આદતને લઈને તમારી પાચનક્ષમતા એ હદે કથળી ગઈ છે કે તમને આવા અલ્પાહાર સિવાય બીજુ કાંઈ ફાવે તેમ નથી, આવા પદાર્થોનો ત્યાગ કરી હે વત્સ, કુંભારે ઘડેલા માટીના ગોળમટોળ માટલામાંથી માંએ સ્નેહ રેડીને રેડેલું પાણી પી જો.. છતાંય હાશ ન થાય તો છાસ તો છે જ.’

ત્યાં એક નિવૃત્ત વડીલ બોલી ઉઠ્યા, ‘પણ ભાઈ, વી.આર.એસ લીધા પછી આવડા લાંબા દિવસો પસાર કેમ કરવા?’

મનમોહક સ્મિત સાથે તે બોલ્યા, ‘આ ઋતુમાં દિવસ લાંબો થઈ જાય છે પરંતુ સમય તો એટલો જ રહે છે. ઉજાસ વધુ મળે છે, જે બતાવે છે કે કર્મપ્રધાન સમાજ માટે વધુ કર્મશીલ રહેવુ જરૂરી છે, અને એના માટેની બધી જ વ્યવસ્થા કુદરત કરી આપે છે. નિવૃત્ત થવું એ તમારી પસંદગી છે, પરંતુ નિવૃત્તિ પછીના પેન્શન વિશે પચીસ વર્ષથી વિચારનાર તમે નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ વિશે ક્ષણિક પણ વિચાર્યું નહીં? તમારે તો સમાજને દોરવણી આપવાની છે, નિવૃત્તિ પહેલાના અનુભવો લોકોમાં વહેંચવાના છે, તમે કરેલી ભૂલો કરતા લોકોને રોકવાના છે, હતાશ મનમાં ઉત્સાહનો સંચાર કરવાની જવાબદારી તમારા જેવા વયસ્કોની જ છે. ઘટાદાર થયા પછી જો વૃક્ષ નિવૃત્તિ જાહેર કરે તો છાંયડા માટે વટેમાર્ગુઓ કોની તરફ જોશે? દિવસો ફક્ત પસાર કરવાને બદલે જીવવાનો પ્રયત્ન કરશો તો વધેલા દિવસો સાચા અર્થમાં જીવી શક્શો. છેલ્લે કાંઈ ન ફાવે તો બ્લોગીંગ કરો, અનુભવનું અમૃત વહેંચવાનો એ અક્સીર માર્ગ છે.’

પછી પેલા વડીલના ચહેરા પર આવેલા સ્મિતના મર્મને પારખી એ બોલ્યા, ‘ગ્રીષ્મ ઋતુ એ પ્રાણની ઋતુ છે, પોતાનો પ્રાણ સતત ચોતરફ રેલાવતા સૂર્યના અનભિજ્ઞ અનિમેષ પ્રેમને પામવાની ઋતુ છે. સૂર્યોદય પહેલા સવારે વહેલા ઉઠીને અને રાત્રે ‘પવિત્ર રિશ્તા’, ‘બડે અચ્છે લગતે હૈ’, ‘સી.આઈ.ડી’, ‘ક્રાઈમ પેટ્રોલ’, ‘બાલિકા વધુ’, અનેકવિધ રિયાલીટી શો અથવા આઈ.પી.એલ જોવાને બદલે પત્ની અને બાળકો સાથે કુદરતની ઠંડકમાં થોડોક સમય ગાળી વહેલા સૂઈ જવાનો શ્રેષ્ઠ કાળ એટલે ઉનાળો. પોતાના શયનકક્ષના વાયુશીતક યંત્રોને આધારે પડદાઓના અંધકારમાં ઘેરાયેલા અજ્ઞાની જીવો તેમાં પણ રોજીંદા, નિરસ અને સહજસુખભર્યા જીવનનો આસ્વાદ માણવાની લાલચમાં વહેલા ઉઠી શક્તા નથી કે વહેલા સૂઈ શક્તા નથી. એવા જીવોને ઈશ્વર સદબુદ્ધિ આપે એ જ અભ્યર્થના.’

– જીજ્ઞેશ અધ્યારૂ

પહેલેથી આપવામાં આવેલા – નિશ્ચિત કોઈક વિષયવિશેષને અનુલક્ષીને લખી હોય એ પ્રકારની આ મારી પ્રથમ કૃતિ છે. ખલિલ જિબ્રાનના ‘ધ પ્રૉફેટ’ ના ગદ્ય સ્વરૂપે લખાયેલ ઉપરોક્ત ‘ગ્રીષ્મ’ વિશેષ કૃતિ થોડાક કટાક્ષ અને થોડાક ચિંતન સાથેની સંમિશ્રિત કૃતિ છે. ઉનાળો એ આપણી ત્રણ ઋતુઓમાંની એક એવી આગવી ઋતુ છે જેમાં ઋતુલક્ષી અનેક ફાયદા – ગેરફાયદાઓ નિહિત છે. આ જ વાતને ધ્યાનમાં લઈને આજના વગ્રની તે સમયના ‘પ્રૉફેટ’ સાથેની વાત અહીં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. ક્યાંક ભાષા ભદ્રંભદ્રીય પણ થઈ જતી લાગે એ શક્ય છે. આશા છે આપને ગમશે.


Leave a Reply to R.M.Amodwal Cancel reply

11 thoughts on “ઉનાળા વિશે… (ખલિલ જીબ્રાનના ‘ધ પ્રૉફેટ’ ના ગદ્ય સ્વરૂપમાં)

 • Hemang Patel

  nice to read on….

  અને હા..મેં પણ ઉનાળા વિશે લખવાનું સાહસ કર્યું છે અને લાગે છે કે આપને પણ ગમસે જ….. તો આપ સૌને મારા બ્લોગ https://bestgujaratiblog.wordpress.com/. પર લટાર મારવા આમંત્રણ છે તથા લેખ કેવો છે તે પણ જણાવવા અનુરોધ…..

  આભાર સહ ….

 • Jayendra

  જીજ્ઞેશ ભાઈ
  ખરેખર સરસ પ્રયત્ન કર્યો છે. તમે એકજ પનામાં ગ્રીષ્મ ઋતુ ઉપરના લેખમાં કટાક્ષ, ફિલસુફી, આજના નવયુવકનું ગાંડપણ, વી. આર. એસ. લીધેલા વડીલોને પણ સુંદર સંદેશ આપ્યો છે….
  અને ઋતુ ની વિશેષતાઓ સભર લેખ ખુબજ ગમ્યો.
  ખુબ ખુબ આભાર….આવુંજ લખતા રહેજો ……
  જયેન્દ્ર

 • Harshad Dave

  ગુલમોરી ઋતુમાં ગરમાળાની શોભા…આપણી ધરતીની મીઠાશ માણવા મળે છે શબ્દે શબ્દે…કોણ કહે છે કે ‘માય હાર્ટ કાંટ ડાન્સ…’ સિમ્પલી બ્યૂટીફૂલ -હદ

 • ASHOK M VAISHNAV

  આવડો બળબળતો ઊનાળો સહન થ ઇ જાય, તો થોડા ‘હળવા’ કટાક્ષતો સહન થઇ જ જાય ને!
  પરસેવાનું ટીપું પણ જમૉન પર પ્દે તો પણ જમીનને તો ગરમઈમાંથી તત્પુરતી રાહ્ત તો મળશે જ, તેમ જ આ કટાક્ષનું પણ ગણવું.

 • ashvin desaiashvin

  ઉનાલાનિ પન કેત્લિક શિતલ લાક્ષનિકતાઓને તમે ખુબિથિ
  ઉજાગર કરિ બતાવિ તેથિ લેખ સમયોચિત – મનનિય થયો
  ગિતાનો સન્દેશ પન મને તો એમા દેખાયો , જ્યારે ભગવાન
  પાર્થ્ને મોનોતોનિ વિશે શિખામન આપે ચ્હે કે
  ‘ કુદરત્નિ બધિ ક્રુતિઓ સુર્ય ચન્દ્ર વગેરે થાક્યા વગર , એક પલ્ના ય વિલમ્બ વગર સતત કાર્યરત રહે ચ્હે , તેથિ આ સમગ્ર વિશ્વનુ સન્ચાલન થાય ચ્હે . અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા

 • jjugalkishor

  તમારી આ કૃતિમાં રહેલો કટાક્ષ સહેજ પણ વાગે તેવો નથી…..શૈલીને તમે સરસ સાચવી છે. ઉનાળાની કેટલીક વિશેષતાઓને અહીં વિશેષતાથી મુકાઈ છે…..પૂર્વ–પશ્ચિમ કે જૂના–નવાના ભેદોને સરસ રીતે સાંકળી શકાયા છે….પ્રૉફેટ જોકે મને ‘તે સમયન ’ કરતાં બન્ને સમયના હોય તેવા લાગ્યા છે, એને પણ વિશેષતા જ ગણું.