ત્રણ પદ્યરચનાઓ.. – દેવિકા ધૃવ 16


૧. તડકો

તડકો વીંટીને અંગ બેઠા’તા સંગસંગ,
હૂંફાળા હાથ લઇ હાથમાં,

આભના તે વાદળને આવી ગઇ ઇર્ષા,
સૂરજને ઢાંક્યો લઇ બાથમાં.

આદરી રમત કેવી પકડાપકડીની,
જાણે ઇશારે સમજીને સાનમાં,

સરતો ને તરતો એ દર્શન દઇ દે,
દૂર કેમે ના જાય પેલાં વાદળા.

વ્હારે આવ્યો વા અડકીને આંગણે,
વેગે ફૂંકાયો પાનપાનમાં,

ચાલ્યું ના બળ તેથી બની મજબૂર,
વિખરાયા ધીરે વરસાદમા.

ઝરમરતી ઝીલની મસ્તીને માણતા,
ગૂંથાયા સ્નેહભરી સાંજમાં,

ભીનીભીની ક્ષણોને વીણીવીણીને પછી,
વાગોળી જૂની વાતવાતમાં.

તડકો વીંટીને અંગ બેઠા’તા ઉંબરે,
ભીંજાયા કુદરતના રાગમાં.

૨. એકાંતમા..

ઘનઘોર આ અંધારના એકાંતમાં,
તાકી રહું છું સાંજના એકાંતમાં.

એ આવશે, એ આવશે,એ આશમાં,
દીવા કરું, મનમિતના એકાંતમાં.

છોને અબોલા આજ લીધા સાજના,
સાર્યા હશે આંસુ સૂના એકાંતમાં.

મગરુર છું, યાચું નહિ, ચાહે અગર,
તો આવજે, પળ પ્રેમના એકાંતમાં.

બાકી હવે આ જીંદગી નિસાર છે.
પામી જજે અંતરભીના એકાંતમાં.

લાગે મને કે,તું નથી તો હું નથી !
આવે સજન તું યાદના એકાંતમાં.

૩. ક્યાં ક્યાં

ક્યાં ક્યાં નથી શોધ્યો તને, આંખો થકી જોવા તને,
શબ્દો મહીં ભાવો ભરી, હૈયે જડી ચૂમવા તને.

સંગીતના સૂરો મહીં, સાગર તણાં મોજા અને,
ક્યાં ક્યાં નથી શોધ્યો તને, કર્ણો થકી સૂણવા તને.

ચિત્રો અને શિલ્પો મહીં, રેતી અને ઝાકળ પરે,
ક્યાં ક્યાં નથી શોધ્યો તને, હાથો વડે અડવા તને.

સ્વદેશમાં, પરદેશમાં, આકાશમાં, પાતાળમાં,
મંદિર ને મસ્જિદમાં, પાયે પડી પૂજવા તને.

સુધ-બુધ ભૂલી મીરાં અને પાગલ બની શબરી અહીં,
ક્યાં ક્યાં નથી શોધ્યો તને,તનમન થકી મળવા તને.

આવી અહીં બસ એક પળ, શોધે મને તો જાણી લઉં,
ભક્તિ કદી ખોટી નથી, ઇન્સાનની ઝુકવા તને !

– દેવિકા ધૃવ

શ્રી દેવિકાબેન ધૃવની ત્રણ પદ્યરચના આજે પ્રસ્તુત છે, પ્રથમ કૃતિમાં તડકાને વિષયવસ્તુ બનાવીને તેની સાથે કરાયેલ સુંદર પદ્યરચના હોય, બીજી કૃતિમાં એકાંતને એ જ રીતે રચનાનો મુખ્ય વિષય બનાવીને કરાયેલું સર્જન હોય કે ઈશ્વરને પામવાનો પ્રયાસ કરવામાં તેને ક્યાં ક્યાં શોધવાનો પ્રયત્ન કવિએ કર્યો છે એનું મનોહર વર્ણન હોય, દેવિકાબેનની ત્રણેય રચનાઓ પોતાનું વૈશિષ્ટ્ય લઈને આવે છે. અક્ષરનાદને આ કૃતિઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ દેવિકાબેનનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

16 thoughts on “ત્રણ પદ્યરચનાઓ.. – દેવિકા ધૃવ