ઉકરડાનું કાવ્ય (હાસ્યનિબંધ) – ન. પ્ર. બુચ 7


ઉકરડો એ આપણી એક સનાતન લોકસંસ્થા છે. લોકગીતની પેઠે એની ઉત્પત્તિ અને વિકાસ પણ અનેક અજ્ઞાત માણસોને હાથે થાય છે. શેરીની બાજુમાં કે ગામને છેડે આવેલી એકાદ ખુલ્લી જગ્યા પર કોઈક આવી રાખની ઢગલી કરી જાય. કલાક બે કલાકે બીજું કોઈ જણ આવી દૂધીનાં છોતરાં કે ડુંગળીનાં ફોતરાં ત્યાં ફેંકી જાય. વળી થોડી વારે ત્રીજું કોઈ આવી તૂટેલી તાવડી કે ફાટેલો જોડો નાખી જાય. આમ ઉકરડાનો પાયો નંખાય, પછી તો વાર્તામાંની રાજકુમારીની પેઠે તે દિવસે ન વધે એટલો રાતે વધે અને રાતે ન વધે એટલો દિવસે વધે અને એમ કરીને જોતજોતામાં ભારે ઝડપી વિકાસ સાધે. આજે નાની સરખી ઉકરડી હોય તે આવતી કાલે વધીને મોટા મહાકાવ્ય જેવો ઉકરડો બની જાય. તે ક્યારે વધે તે આપણને ખબર પણ ન પડે તેથી જ આપણે તારુણ્યમાં પ્રવેશતી કન્યાની વૃદ્ધિને ઉકરડાના વિકાસ સાથે સરખાવીએ છીએ.

વેદાંતમાં અવિદ્યા વિશે એમ કહેવાયું છે કે, અનાદિ છે પણ અનંત નથી – સાંત છે. ઉકરડો એથી વિપરીત લક્ષણોવાળો છે. એને આદિ છે પણ અંત નથી, એક વાર શરૂ થયેલો ઉકરડો પછી ચાલ્યા જ કરે છે. એ કદાચ સ્થાનાંતર કરે, કદાચ પોતાથી બીજા મોટા ઉકરડામાં ભળી જાય, પણ નાશ તો ન જ પામે.

બ્રહ્મની માફક ઉકરડો પૃથક્કરણથી પર છે, જો એ વાત ન માની શક્તા હો તો એક વાર ઉકરડાનું પૃથક્કરણ કરવાનો પ્રયત્ન કરી જુઓ. જોડાનું તળિયું, ભાંગેલી સગડી, ફાટેલી ટોપી, ફૂટેલ પ્યાલો, ફાડેલા કાગળ, એઠાં પતરાળાં, હાંડલીનો કાંઠો વગેરે એક પછી એક વસ્તુઓ બાજુએ મૂકતા જાઓ. બે ત્રણ કલાકે તમે થાકશો જ અને થાકશો ત્યારે જોશો કે મૂળ ઉકરડો જરા નાનો થયેલો પણ હજુ તેવો ને તેવો જ છે અને વધારામાં, તમે બાજુએ મૂકેલી ચીજોનો એક નવો ઉકરડો બની ગયેલો છે ! મતલબ ઉકરડામાંથી ઉકરડો લઈ લઈએ તો પાછળ ઉકરડો જ વધે, શૂન્ય ન વધે; ‘पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ।’ આ પ્રમાણે બ્રહ્મની પેઠે ઉકરડો અપૃથક્કરણીય, અવિભાજ્ય, અનિર્વચનીય છે એનું પૃથક્કરણ કરી એનું રહસ્ય જાણવા ઈચ્છનારને હું ગાંધીજીએ લંડનમાં પોતાના આધ્યાત્મિક સંદેશમાં કહેલા શબ્દો યાદ આપું છું, ‘All I advise is not to attempt the impossible.’

ઉકરડાને મર્યાદાના બંધનો નથી; છતાં અમુક ચોક્કસ મર્યાદા એ મૂકતો નથી એટલું સારું છે. ઉદધિ કે ઉકરડો જો માઝા મેલે તો જગતનું આવી જ બને. પણ છતાં પોતાને અમુક ચોક્કસ ઘનફૂટમાં મર્યાદિત કરવાના પ્રયત્નોને તો એ સાંખતો નથી જ. આજ કાલ શહેરોમાં સુધરાઈવાળાઓ અમુક ઘનફૂટ કચરો સમાય તેવા લોઢાના કે બીજી કોઈ વસ્તુના ગોળ કે ચોરસ મોટા ડબ્બાઓ ચૌટે ચૌટે મૂકી ઉકરડાને તેનાથી આગળ ન વધવા દેવાનો પ્રયત્ન કરે છે; પણ બને છે એવું કે બીજે જ દિવસે એ ખાનું છલકાઈ જઈ આજુબાજુ ઉકરડો ફેલાઈ જાય છે. ઘણી વાર તો સમુદ્રમાં નૌકા ડૂબી જાય તેમ તેમનો એ ડબ્બો ઉકરડામાં દટાઈ જાય છે અને ઉકરડાનું એક અંગ બની જાય છે. સાગરને ગાગરમાં સમાવવાનો પ્રયત્ન નિષ્ફળ નીવડે એમાં શી નવાઈ ?

ઉકરડાને અસ્વચ્છતાનું ધામ કહી આપણે ઉતારી પાડીએ છીએ. અસ્વચ્છતા હોય તો જ એ અને ત્યાં સુધી જ સ્વચ્છતાની કાંઈ પણ કિંમત છે એ આપણે કેમ ભૂલી જતા હોઈશું? અસ્વચ્છતા ન હોત તો સ્વચ્છતાનો જન્મ જ કદાચ ન થયો હોત ! અસ્વચ્છ પંક્તિ વિના સ્વચ્છ, સુંદર પંકજનું અસ્તિત્વ શી રીતે હોત ! પણ આપણી ઉમદામાં ઉમદા સેવા કરનારને હડધૂત કરવો એ આપણો પ્રજાગત દુગ્રુણ છે પણ ઉકરડાની ઉદારતાનો જોટો જડવો મુશ્કેલ છે. સમાજમાં સારી, સ્વચ્છ, સુંદર વસ્તુઓ લેવા તો સૌ કોઈ તૈયાર હોય છે; ખરાબ, ગંદી વસ્તુ જ કોઈને ખપતી નથી. સમુદ્રમાંથી ચૌદ રત્નો નીકળ્યાં, તેમાંના સારા લેવા ઘણાં આગળ આવ્યા; પણ હળાહળ ઝેર સ્વીકારનાર તો માત્ર શિવ જ નીકળ્યા. સુખની શોધમાં માણસમાત્ર ભમે છે; પણ દુઃખીની પાસે જઈને ‘On me by thy misery and pain’ એમ કહેનાર તો કોઈ વિરલ સંત જ હોય છે. તેમ આખા ગામની ગંદકીને વિનાસંકોચે સંઘરનાર માત્ર ઉકરડો જ છે અને ગંદકીનાં ધામ સમાં બીજાં સ્થાનો હોવા અતાં એ બધાં પવિત્ર ગણાય છે – નિંદાય છે માત્ર ઉકરડો જ. મહાસાગર એ શું છે ? અનેક શહેરોની, અનેક નદીઓ દ્વારા આવતી ગંદકીને સંઘરનાર સમુદ્ર પણ એક પ્રવાહી ઉકરડો જ છે, છતાં એનું આપણે પૂજન કરીએ છીએ. અનેકનાં પાપ અને શારીરિક મેલ સંઘરનાર ગંગાને આપણે પતિપાવની કહીશું; પણ ઉકરડો આવે તો આપણે તરીને ચાલશું; ગમે તેટલો અવગણીએ પણ ઉકરડા વિના ચાલે જ નહીં. અનેક નિરુપયોગી અને અનાવશ્યક વસ્તુઓનો બનેલો હોવા છતાં ઉકરડો પોતે સમાજને અત્યંત ઉપયોગી અને આવશ્યક છે.

ઉકરડો એ ગુજરાતની જ વિશિષ્ટતા છે એમ કહેવામાં આવ્યું છે. હું આશા રાખું છું કે આ વાત સાચી ન હોય. હિંદના બીજા પ્રાંતો વિશે હું કહી શકું નહીં; પણ મેવાડ અને મહારાષ્ટ્રમાં ઉકરડા જોયાનું મને સ્મરણ છે. મારું મન કહે છે કે હિંદનું એક પણ ગામ ઉકરડા વગર નથી, ને હોય તો ગામમાં એટલી ઊણપ લાગે. કાળું કલંક પણ ચંદ્રની શોભા વધારે છે તેમ ઉકરડો એ તો ગામની શોભા છે.

આ જમાનો સનાતન વસ્તુમાત્રની અવગણના છે. સનાતન ધર્મ, સનાતન રૂઢિઓ, સનાતન સંસ્થા – જે કાંઈ સનાતન હોય તેના ઉતારી પાડવાની એક હવા ચાલી છે. ઉકરડાની બાબતમાં પણ તેવું જ કરવાના પ્રયત્નો ચાલે છે. ઘણાં શહેરોમાંથી ઉકરડાને નાબૂદ કરવાની યોજનાઓ થાય છે અને દુર્ભાગ્યે તે સફળ થતી જોવામાં આવે છે. મોટા શહેરોમાં બહાર જાહેર રસ્તા પર ક્યાંય કચરો એકઠો થવા દેવામાં આવતો નથી. મને પોતાને આ બહુ સારાં ચિહ્નો લાગતાં નથી. આવી રીતે અસ્વચ્છતાને બહાર દેખાતી અટકાવવાથી અસ્વચ્છતા મરી જવાની નથી, રોગનાં બ્રાહ્ય લક્ષણોને દાબવાથી રોગ જતો નથી તેમ. એવા શહેરો બહારથી સ્વચ્છ ભલે લાગે; પણ એ તો નાહ્યાધોયા વગર નવાં કપડાં પહેરી ફરનાર માણસ જેવી સ્વચ્છતા થઈ. સ્વચ્છતાનો આવો ખ્યાલ આપણે ત્યાં પશ્ચિમમાંથી આવ્યો છે. એવા પાશ્ચાત્ય ખ્યાલથી દોરવાઈ આપણે જગજૂની સંસ્કૃતિના એક અંગ સમા ઉકરડાને ઉવેખીએ તે ઠીક નથી. ઉકરડો એ તો આપણી સ્વચ્છતાનો માપક છે. એ માપકનો આપણો ખ્યાલ પણ પશ્ચિમથી તદ્દન જુદો જ છે. પાશ્ચાત્ય દેશોમાં ઉકરડાઓ અને સ્વચ્છતાનો સંબંધ વ્યસ્તપ્રમાણમાં ગણવામાં આવે છે; એટલે કે જમ ઉકરડા ઓછા તેમ સ્વચ્છતા વધારે જ્યારે આપણા દેશમાં ઉકરડા અને સ્વચ્છતાનો સંબંધ આપણે સમપ્રમાણમાં ગણીએ છીએ – જેમ જેમ ઉકરડા વધે છે તેમ તેમ સ્વચ્છતા વધે. આમ આપણા અને પશ્ચિમના દ્રષ્ટિબિંદુમાં પણ ફેર છે – બંને એકબીજાથી ઊલટાં છે. તેવી સ્થિતિમાં આપણે આંખ મીંચીને પશ્ચિમનું અનુકરણ નહીં કરવું જોઈએ. ક્રિપ્લિંગ સાહેબે ઠીક કહ્યું છે : ‘East is East and West is West.’

આમ ઉકરડો એ આપણું એક સનાતન સંસ્કૃતિકેન્દ્ર છે. બીજી સનાતન વસ્તુઓ સાથે એ પણ અવગણાવા લાગ્યો છે. હજુ તો આ અવગણના શહેરોમાં જ થાય છે, પણ એનો ચેપ ગામડાંઓમાં પ્રસરતાં વાર નહીં લાગે. ઉકરડાની અવહેલનાથી આપણે કશો લાભ નહીં કાઢીએ. રેંટિયો ભૂલી આપણે સ્વાતંત્ર્ય ખોયું, ધર્મને ધકેલી આપણે પાપભીરુ મટ્યા, ગામડાંના ઉદ્યોગોને વિસારે પાડી આપણે આર્થિક રીતે આપત્તિ વહોરી લીધી; તેમ ઉકરડાને ઉપેક્ષી આપણે આંતરિક અસ્વચ્છતા વધારતા જઈશું, પરિણામે બધી સનાતન વસ્તુઓના હ્રાસની સાથે આપણી સંસ્કૃતિ નાશ પામશે અને પ્રજા તરીકે આપણે નામશેષ બની જઈશું. આપણે જાગીએ, આપણે ચેતીએ. સદભાગ્યે નિરાશાના અંધકાર વચ્ચે આશા – ઉષાના કિરણ ફૂટવાની તૈયારી દેખાય છે. કેટલીક જૂની નષ્ટપ્રાય વસ્તુઓ પુનર્જીવન પામી છે; રેંટિયો મેડા પરથી નીચે ઊતરી, ધૂળ ખંખેરી, ફરી ગુંજારવ કરવા લાગ્યો છે; છેલ્લા શ્વાસ લેતાં કેટલાય ગ્રામ ઉદ્યોગો ફરી સજીવન થયા છે એ હકીકતથી પ્રેરણા પામીને હું પણ ઉકરડાના ઉદ્ધારનું સૂચન કરી રહ્યો છે. રાષ્ટ્રીય નિયોજન સમિતિએ પોતાનું કામ શરૂ કરી દીધું છે. પોતાના કાર્યક્ષેત્રમાં ઉકરડાનો ઉમેરો કરી તેના ઉદ્ધાર અને વિકાસની યોજના વિચારવાનું કામ તે એક પેટાસમિતિને સોંપી દે તો બહુ યોગ્ય થાય.

એ કાર્ય કરવાની રીતો અનેક હોઈ શકે. આપણે સૌ ઉકરડા તરફ સહાનુભૂતિથી જોવા લાગીએ. આપણા કવિઓ ઉકરડાની ઉપયોગિતા સમજાવવા માટે તેને વિશે પ્રચારલક્ષી કાવ્યો લખે, આપણા નગરવિધાયકો નગરવિધાનની યોજનામાં બીજા Civil Centresની પેઠે ઉકરડાઓ માટે પણ ઠેર ઠેર ખાસ ઈલાયદી જગ્યા રાખે. આપણા લક્ષ્મીનંદનો જેમ પોતાની ખાસ સંગીતમંડળી, નૃત્યમંડળી, ખાસ શાળા રાખે છે તેમ પોતાના ખાસ ઉકરડાઓ રાખે. આપણે જૂના ઉકરડાઓ સાચવીએ અને નવા ઉકરડાઓ સ્થાપીએ. ઉકરડાને પ્રતિષ્ઠા આપવા માટે નવી સંસ્થા અથવા નવાં મકાનની પેઠે નવા ઉકરડાઓનો ઉદઘાટન-વિધિ કોઈ મોટા માણસને હાથે કરાવીએ. દરેક શહેરમાં એક મુખ્ય સ્થાનિક ઉકરડો, દરેક પ્રાંતમાં એક પ્રાંતિક ઉકરડો (પ્રાંતિક ધારાસભાની પેઠે) અને આખા હિંદનો એક મધ્યવર્તી ઉકરડો સ્થાપવામાં આવે અને છેલ્લે ઉકરડોદ્ધારની પ્રવૃત્તિનો ઉમેરો કરી દેશ સમક્ષ રજૂ થયેલા રચનાત્મક કાર્યક્રમને અઢારવિધને બદલે ઓગણીસવિધ બનાવવામાં આવે. અત્યારે તો હું હિંદનો વિચાર કરીને જ આ સૂચનાઓ કરી રહ્યો છું, પણ ભવિષ્યમાં જો કદાચ આખી દુનિયા હિંદની સંસ્કૃતિને અપનાવે તો તે દિવસે બીજી બધી વસ્તુઓ સાથે સંયુક્ત રાષ્ટ્રસંઘની માફક, દેશદેશના કચરાને પોતાનામાં સમાવતો એક આંતરરાષ્ટ્રીય ઉકરડો આપણે સ્થાપીશું. આમ મેં તો થોડીક સૂચનાઓ કરી. બાકી તો ઉપર સૂચવ્યા પ્રમાણે જો રાષ્ટ્રીય નિયોજન સમિતિ ઉકરડાના પ્રશ્નને હાથમાં લઈ તેને માટે એક પેટાસમિતિ નીમી દે તો એ દિશામાં ઘણું કામ થાય. હું આશા રાખું છું કે ઉકરદા વિશેના મારા અ વિચારોને અને સૂચનાઓને કેવળ મનોરાજ્યવિજૃંભણ ગણી ઉકરડે નાખી દેવામાં નહીં આવે નહીંતર મારે વેદવ્યાસની જમ એમ કહેવા વખત આવશે કે –

‘ગળું તાણી બરાડું હું – ન કો’ સાંભળતું મને !’

– ન. પ્ર. બુચ
(‘બનાવટી ફૂલો’)


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “ઉકરડાનું કાવ્ય (હાસ્યનિબંધ) – ન. પ્ર. બુચ

 • R.M.Amodwal

  Good artical , now a days it is used as Raw material to Bio Gas Plant & paper factory. In Industrial area Organised Unit is collecting this generated garbage. From weast to best Exhibition organised.
  After all Respected Natubhai can add more humrous points .
  All the best………

 • PUSHPA

  ઉકર્ડાનિ શરુઆત આપણે ચ્હિએ અને અન્ત પન આપણાથિજ હોય ચ્હે. એને કેમ રોકાય એતો મોટઇ સમજદારિનુ કામ ચ્હે. દરરોજ સાફ રાખિએ તોજ રહે. શા માટે નકામિ વસ્તુઓ ભેગિ કરવિઇ જેટલુ સાદુ જિવન એટાલિ વયાધિ ઓચિ.તુ જ તારો માલિક ચ્હે.

 • Rajesh Vyas

  નાગરોની રમુજ વ્રુતી બેજોડ હોય છે કારણકે મારું બાળપણ નાગરોની વચ્ચે પસાર થયુ છે અને આજે તે યાદની સાથે ત્યારે ઊકરડામાં રમતાં તે પણ યાદ આવી ગયુ.

  રાજેશ વ્યાસ “જામ”

 • ashvin desai

  ઉકરદા જેવો વિશય લૈને ભઐ બુચે ઉન્ચિ કક્ષાનો વ્યન્ગ લેખ
  આપ્યો . જ્યોતિન્દ્ર દવે સાહેબ્નિ યાદ અપાવિ ગયા . આપનિ
  પાસે આ કક્ષાના બહુ જુજ સર્જકો ચ્હે . ભઐ બુચ એમા અગ્ર
  સ્થાને ચ્હે . ધન્યવાદ .-અશ્વિન દેસાઈ , ઓસ્ત્રેલિયા