બ્રહ્માંડમાં બ્રહ્માંડકર્મી સરજનહારી કો હોય… – ન્હાનાલાલ દ. કવિ 4


બ્રહ્માંડમાં બ્રહ્માંડકર્મી સરજનહારી કો હોય,
તો તે છે જનની કે જગજ્જનની.

શરીર સમર્પી શરીર ઘડે,
આત્મા સમર્પી આત્મા સરજે,
હૈયાના અમૃત ઠાલવી ઠાલવી,
અમરોને ઉછંગમાં ઉછેરે,
એ મહાનુભાવ માતાની મોટપ.

દેહનાં કે દેહીનાં સૌન્દર્ય સામર્થ્ય.
નથી કેવળ નિજના ઉપભોગાર્થે,
માનવવેલના ફૂલન ને શોભન કાજે છે;
કો’ ઉદારચરિત માતૃજીવનનો સદબોધ.

વર્તમાનને તીરે ઉભી ભવિષ્ય રચતી,
મન્વન્તરોને સાંકળતી, માતાઓ
છે સૃષ્ટિવિકાસની સહાયક મહાદેવીઓ.
પૂજ્ય છે પવિત્ર છે, પાવનકારિણી છે.
સ્રષ્ટા સરિખડી વન્દનીય છે.
માનવગંગાની અખસ્ત્રાવી તે ગંગોત્રીઓ.

– ન્હાનાલાલ દ. કવિ

જગતભરના કવિઓ, દ્રષ્ટાઓ, મનીષીઓએ માતાના મહિમાનું ગાન કર્યું છે. મા એટલે ફક્ત જન્મ આપનારી નહીં, મા એટલે માતૃભૂમી, માતૃભાષા એ સઘળું. આપણા મહાકવિ શ્રી ન્હાનાલાલે ‘ઇન્દુકુમાર’ ગ્રંથ (ભાગ-૧)માં માતાના મહિમાનું અદભુત સ્તોત્ર લખ્યું છે. કવિએ માતાને ગંગોત્રી અને સ્રષ્ટા સરિખડી કહી બિરદાવી છે. આજે પ્રસ્તુત છે માતૃવંદનાની આ અનોખી સ્તુતિ.

બિલિપત્ર

મુખ મરકતું માનું જેના સ્વરે ઘર ગુંજતું,
નિતનિત વલોણાનાં એનાં અમી ધરતી હતી,
સુરભિ હતી જ્યાં સૌની વાંછા સદા ફળતી હતી,
અવ અહીં ઝૂલે ખાલી સીકું, વિના દધિ ઝૂરતું.

– રાજેન્દ્ર શાહ


Leave a Reply to vijay joshiCancel reply

4 thoughts on “બ્રહ્માંડમાં બ્રહ્માંડકર્મી સરજનહારી કો હોય… – ન્હાનાલાલ દ. કવિ