વિકલાંગ શ્રદ્ધાનો સમય – હરિશંકર પરસાઈ, અનુ. જિજ્ઞેશ અધ્યારૂ 4


‘विकलांग श्रद्धा का दौर’ – એ નામનો એક હાસ્યલેખ હિન્દીના એક અદના હાસ્યકાર શ્રી હરિશંકર પરસાઈની કલમે લખાયેલો અને એ એટલો તો અચૂક રહ્યો કે આ કટાક્ષ લેખ માટે તેમને ઈ.સ. ૧૯૮૨નું સાહિત્ય અકાદમીનું પારિતોષિક પણ મળ્યું. હરિશંકર પરસાઈ તેમની સીધી અને ચોટદાર કટાક્ષભાષા માટે જાણીતા છે. તેમની આ જ રચનાનો અનુવાદ કરવાનો પ્રયત્ન અહીં કર્યો છે. જો કે હાસ્યલેખનો અનુવાદ કરવો ખૂબ અઘરો છે અને એવો પ્રયત્ન કર્યો હોવા છતાં પણ તેમાં જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમા કરશો.

વિકલાંગ શ્રદ્ધાનો સમય – હરિશંકર પરસાઈ અનુ. જિજ્ઞેશ અધ્યારૂ

હજુ હમણાં જ એક માણસ મારા ચરણસ્પર્શ કરીને ગયો છે. જેમ કોઈ ઉછાંછળી સ્ત્રી લગ્ન પછી તરત ખૂબ ચપળતાથી પતિવ્રતા થઈ જાય તેમ હું પણ ખૂબ ઝડપથી શ્રદ્ધેય થઈ રહ્યો છું. આ હરકત મારી સાથે પાછલા ઘણાં મહીનાઓથી થઈ રહી છે કે ગમે ત્યારે કોઈક મારા ચરણસ્પર્શ કરી લે છે. પહેલા આવું નહોતું થતું. હા, એક વાર થયેલું પણ એ વાત ત્યાં જ આટોપાઈ ગયેલી. ઘણાં વર્ષ પહેલા એક સાહિત્યિક સમારોહમાં મારી જ ઉંમરના એક સજ્જને સૌની સામે મારા પગ પકડી લીધાં. આમ તો ચરણસ્પર્શ એ કોઈક અશ્લીલ કાર્યની જેમ એકલામાં જ કરવામાં આવે છે, પણ આ સજ્જન સાર્વજનિક રૂપે કરી બેઠા, તો મેં આસપાસ ઉભેલા લોકોની સામે ગર્વથી જોયું – જુઓ, હું શ્રદ્ધેય થઈ ગયો, તમે કલમ ઘસ્યા કરો. પણ ત્યારે જ એ શ્રદ્ધાળુએ મારૂ પાણી ઉતારી દીધું, એણે કહ્યું, ‘આપણો તો નિયમ છે કે ગૌ, બ્રાહ્મણ અને કન્યાના ચરણસ્પર્શ અવશ્ય કરવા.’ આમ તેણે મને એક મોટો લેખક નહોતો માન્યો, બ્રાહ્મણ માન્યો હતો.

શ્રદ્ધેય થવાની મારી ઈચ્છા ત્યારે જ મરી ગયેલી. પછી મેં શ્રદ્ધેયોની દુર્ગતિ પણ જોઈ. મારો એક મિત્ર પી-એચ-ડી માટે રિસર્ચ કરી રહ્યો હતો. ડૉક્ટરેટ અભ્યાસ અને જ્ઞાનથી નહીં, આચાર્યકૃપાથી મળે છે. આચાર્યોની કૃપાથી એટલા ડૉક્ટર થઈ ગયા છે કે બાળકો રમતાં રમતાં પથ્થર ફેંકે તો કોઈ ડૉક્ટરને વાગે. એક વખત ચાર રસ્તે પથ્થરમારો થઈ ગયેલો. પાંચ ઘાયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા, અને પાંચેય હિન્દીના ડૉક્ટર હતા. નર્સ તેના હોસ્પિટલના ડૉક્ટરને બોલાવતી, ‘ડૉક્ટર સાહેબ’ તો આ હિન્દીના ડૉક્ટર જવાબ આપતા.

મેં સ્વયં પણ કેટલાકના ચરણસ્પર્શના બહાને તેમની ટાંગ ખેંચી છે. લંગોટી ધોવાના બહાને લંગોટી ચોરી છે. શ્રદ્ધેય બનવાની ભયાવહતા હું સમજી ગયો હતો, નહીંતો હું સમર્થ છું. પોતાની જાતને ક્યારનો શ્રદ્ધેય બનાવી લીધી હોત. મારા જ શહેરની કોલેજમાં એક અધ્યાપક હતા. એમણે પોતાની નેમ-પ્લેટ પર પોતે જ ‘આચાર્ય’ લખાવી લીધેલું. હું ત્યારે જ સમજી ગયો કે આ ભદ્દાપણામાં મહાનતાના લક્ષણ છે. આચાર્ય મુંબઈવાસી થયા અને ત્યાં તેમણે પોતાને ભગવાન રજનીશ બનાવી દીધા. આજકાલ તેઓ આવી શરૂઆત પછી માન્યતાપ્રાપ્ત ભગવાન છે. મેં પણ જો નેમ પ્લેટમાં નામની આગળ પંડિત લખાવી દીધું હોત તો ક્યારનો પંડિતજી કહેવડાવવા લાગ્યો હોત.

વિચારું છું, લોકો મારા ચરણ અચાનક કેમ સ્પર્શવા લાગ્યા છે? આ શ્રદ્ધા એકાએક કેમ પેદા થઈ ગઈ? પાછલા મહીનાઓમાં મેં એવું શું કરી લીધું? કંઈ ખાસ લખ્યું નથી, કોઈ મહાન સાધના નથી કરી, સમાજનું કોઈ કલ્યાણ પણ નથી કર્યું, દાઢી વધારી નથી, ભગવા પણ ધારણ નથી કર્યા. વૃદ્ધ પણ નથી થયો. લોકો કહે છે, એ વયોવૃદ્ધ છે અને ચરણસ્પર્શ કરી લે છે. તેઓ જો નાલાયક પણ હોય તો તેમની નાલાયકીની ઉંમર ૬૦-૭૦ વર્ષ થઈ. લોકો વયોવૃદ્ધ નાલાયકોના પણ ચરણસ્પર્શ કરી લે છે. મારી નાલાયકી હજી શ્રદ્ધાને લાયક નથી થઈ. આ એક વર્ષમાં મારી એક જ તપસ્યા છે – પગ તોડાવીને હોસ્પિટલમાં જ પડ્યો રહ્યો છું. હાડકા જોડાયા પછી પણ દર્દને લીધે પગને ચપળતાથી સમેટી શક્તો નથી. લોકો મારી આ મજબૂરીનો નાજાયઝ ફાયદો ઉઠાવીને મારા ચરણસ્પર્શ કરી લે છે. વળી આરામ માટે હું સ્ટેજ પર સૂતેલો જ વધારે મળું છું. સ્ટેજ એટલું પવિત્ર સ્થાન છે કે તેના પર સૂતેલા દુરાત્માના પણ ચરણસ્પર્શ કરવાની પ્રેરણા થઈ જાય.

શું માર્રા પગમાંથી દર્દની જેમ શ્રદ્ધા પેદા થઈ ગઈ છે? તો આ વિકલાંગ શ્રદ્ધા છે. જાણું છું, દેશમાં જે મૌસમ ચાલી રહ્યો છે, તેમાં શ્રદ્ધાના પગ તૂટેલા છે. એટલે જ તો મને પણ આ વિકલાંગ શ્રદ્ધા મળી રહી છે. લોકો વિચારતા હશે – આનો પગ તૂટેલો છે, આ અસમર્થ છે, દયનીય છે. આવો, આપણે આને શ્રદ્ધા આપીએ.

હા, બીમારીમાંથી ક્યારેક ક્યારેક શ્રદ્ધા નીકળે છે. સાહિત્ય અને સમાજના એક સેવકને મળવા હું એક મિત્ર સાથે ગયેલો. તેઓ જ્યારે ઉઠ્યા ત્યારે મિત્રએ તેમના ચરણ સ્પર્શી લીધા. બહાર આવીને મેં મિત્રને કહ્યું, ‘યાર, તમે તેમના ચરણ કેમ પકડી લીધેલા?’ મિત્રએ કહ્યું, ‘તમને ખબર નથી, તેમને ડાયાબિટીઝ થઈ ગયો છે.’  હવે ડાયાબિટીઝ શ્રદ્ધા પેદા કરે તો તૂટેલી ટાંગ કેમ નહીં? આમાં કાંઈ અઘરું નથી. લોકો બીમારીથી મળતા કયા ફાયદા નથી ઉઠાવતા? મારા એક મિત્ર બીમાર પડ્યા હતા. જેવી તેમને જોવા કોઈ સ્ત્રી આવે, તે માથું પકડીને ‘આહ… આહ’ કરતા. સ્ત્રી પૂછતી, ‘માથામાં દુઃખાવો છે કે શું?’ તે કહેતા, ‘હા, માથું ફાટી પડે છે.’ સ્ત્રી સહજ તેમનું માથું દબાવી આપતી. તેમની પત્નીએ આ વાતને પકડી પાડી, કહે ‘કેમ? જ્યારે કોઈ સ્ત્રી તમને જોવા આવે ત્યારે જ તમારુ માથું કેમ દુઃખવા લાગે છે?’ તેમણે જવાબ પણ એવો જ સરસ આપ્યો. કહ્યું, ‘તારા પ્રતિ મારી નિષ્ઠા એટલી અડગ છે કે પરસ્ત્રીને જોઈને મારુ માથું દુઃખવા લાગે છે.’ જાન પ્રીત રસ ઈતનેહુ માહી.

શ્રદ્ધા ગ્રહણ કરવાની પણ એક વિધિ હોય છે. મારાથી સહજ રીતે હજુ શ્રદ્ધા ગ્રહણ નથી થતી. ગૂંચવાઈ જાઉં છું. હમણાં પાર્ટટાઈમ શ્રદ્ધેય જ છું. કાલે બે માણસો આવેલા. એ વાત કરીને ઉઠ્યા ત્યારે એકે મારા ચરણસ્પર્શ કરવા હાથ લંબાવ્યો. અમે બંને શીખાઊ હતા. તેને ચરણસ્પર્શનો અભ્યાસ નહોતો અને મને ચરણસ્પર્શાવવાનો. જેમ તેમ કરીને તેણે મારા ચરણસ્પર્શ કર્યા. બીજો વિચારમાં – મહદંશે દુવિધામાં હતો, નક્કી નહોતો કરી શક્તો કે મારા ચરણસ્પર્શ કરવા કે નહીં. હું ભિખારીની જેમ જોઈ રહ્યો હતો. એ થોડો નમ્યો, મારી આશા ઉઠી, એ ફરી સીધો થઈ ગયો, હું નિરાશ થઈ ગયો, તેણે મન કઠણ કરીને ફરી પ્રયત્ન કર્યો, મારા પગમાં એક સંચાર થયો, એ ફરી અસફળ રહ્યો અને નમસ્તે કરીને ચાલ્યો ગયો. તેણે પોતાના સાથીને કહ્યું હશે, ‘તું પણ કેવા ટુચ્ચાઓના પગ પકડી લે છે?’ મારા શ્રદ્ધાળુએ જવાબ આપ્યો હશે, ‘કામ કઢાવવા લલ્લુઓની સાથે આમ જ કરાય છે.’  અહીં મને દિવસભર ખિન્નતા રહી. હું હીનતાથી પીડાતો રહ્યો. તેણે મને શ્રદ્ધાને લાયક ન સમજ્યો. ગ્લાની ત્યારે મટી જ્યારે એક કવિએ મારા ચરણ સ્પર્શ્યા. એ સમયે મારા એક મિત્ર બેઠા હતાં. ચરણસ્પર્શ પછી તેણે મિત્રને કહ્યું, ‘મેં સાહિત્યમાં જે પણ શીખ્યું છે તે પરસાઈજી પાસેથી.’ મને ખબર છે તે કવિસંમેલનોમાં તિરસ્કાર પામે છે. મારી શીખનું શું આ પરિણામ છે? મારે શરમના માર્યા પોતાને જોડું મારવું જોઈએ પણ હું ખુશ હતો, તેણે મારા ચરણ સ્પર્શી લીધા હતાં.

હજી કાચો છું. પાછળ પડવા વાળા તો પતિવ્રતાના ચારિત્ર્યને પણ પાડી દે છે. મારા આ શ્રદ્ધાળુ મને પાકો શ્રદ્ધેય બનાવવા પર અડગ છે. પાકા સિદ્ધ શ્રદ્ધેય મેં જોયા છે. સિદ્ધ મકરધ્વજ હોય છે, એમની બનાવટ જ અલગ હોય છે. ચહેરો, આંખો ખેંચવા વાળી, પગ એવા કે બસ માણસ નમી પડે. આખાય વ્યક્તિત્વ પર શ્રદ્ધેય લખ્યું હોય છે. મને એ બહુ હાસ્યાસ્પદ લાગે છે. પણ પાક્કા શ્રદ્ધેય હોય છે. એક આવા પાસે હું મારા મિત્ર સાથે ગયો હતો મિત્રએ તેમના ચરણ સ્પર્શ કર્યા જે તેમણે આવી વિકટ ઠંડીમાં પણ શ્રદ્ધાળુઓની સુવિધા માટે ચાદરની બહાર કાઢી રાખ્યા હતા. મેં તેમના ચરણને સ્પર્શ ન કર્યો. નમસ્તે કરીને બેસી ગયો. હવે એક ચમત્કાર થયો. હોવું તો એમ જોઈએ કે તેમને હીનતા નો અનુભવ થાય કે મેં તેમને શ્રદ્ધાને યોગ્ય ન ગણ્યા, પણ થયું ઉંધુ, તેમણે મને જોયો – અને હીનતાનો બોધ મને થવા લાગ્યો. હાય, હું એટલો અધમ કે સ્વયંને તેમના પવિત્ર ચરણોના સ્પર્શને લાયક નથી સમજતો. વિચારું છું આવો બાધ્ય કરનારો રૂવાબ મારા જેવા ઓછા શ્રદ્ધેયમાં ક્યારે આવશે.

શ્રદ્ધેય થઈ જવાની આ હલકી ઈચ્છાની સાથે જ મારો ડર પણ ચાલે છે. શ્રદ્ધેય થવાનો અર્થ છે ‘નોન પર્સન’ – અવ્યક્તિ થઈ જવું. શ્રદ્ધેય એ હોય છે જે ચીજોને થઈ જવા દે. કોઈ પણ વાતનો વિરોધ ન કરે. કારણકે માણસની – ચરિત્રની ઓળખ જ એ છે કે એ કઈ કઈ વસ્તુઓનો વિરોધ કરે છે. મને લાગે છે કે લોકો મને કહી રહ્યા છે, તમે હવે ખૂણામાં બેસો, તમે દયનીય છો. તમારા માટે બધું થયા કરશે. તમે કારણ નહીં બનો. માખી પણ અમે ઉડાડીશું.

અને પછી શ્રદ્ધાનો આ દેશમાં આ કોઈ સમય છે? જેવું વાતાવરણ અત્યારે છે, એ જોઈને કોઈને પણ શ્રદ્ધા રાખવામાં સંકોચ થશે. શ્રદ્ધા હવે જૂના અખબારની જેમ પસ્તીમાં વેચાઈ રહી છે. વિશ્વાસના પાકને બરફ ખાઈ ગયો છે. ઈતિહાસમાં કદાચ ક્યારેય કોઈ જાતિને આ રીતે શ્રદ્ધા અને વિશ્વાસથી હીન નહીં બનાવાયા હોય. જેના નેતૃત્વ પર શ્રદ્ધા હતી, તેણે નગ્નતા આચરી છે. જે નવું નેતૃત્વ આવે છે તે ઉતાવળમાં પોતાના કપડા સ્વયં ઉતારે છે. કેટલાક નેતાઓ તો અંતઃવસ્ત્રોમાં જ છે. કાયદા પરથી વિશ્વાસ ગયો, અદાલત પરથી વિશ્વાસ છીનવી લેવામાં આવ્યો. બુદ્ધિજીવીઓની તો આખી જમાત પર શંકા કરાઈ રહી છે. ડૉક્ટરોને બીમારી પેદા કરવા વાળા સિદ્ધ કરાઈ રહ્યા છે. ક્યાંય શ્રદ્ધા નથી, ક્યાંય વિશ્વાસ નથી.

મારા શ્રદ્ધાળુઓને કહેવા માંગું છું – ‘આ ચરણ સ્પર્શવાનો અવસર નથી, લાત મારવાની ઋતુ છે, મારો એક લાત અને ક્રાંતિકારી બની જાઓ.’

– હરિશંકર પરસાઈ, અનુ. જિજ્ઞેશ અધ્યારૂ

બિલિપત્ર

ચોટ ખા કર રાહ ચલતે
હોશ કે ભી હોશ છૂટે
હાથ જો પાથેય થે ઠગ
ઠાકુરોંને રાત લૂંટે
કંઠ રુકતા જા રહા હૈ
આ રહા હૈ કાલ દેખો
ગીત ગાને દો મુજે તો
વેદના કો રોકને કો.
– સૂર્યકાંત ત્રિપાઠી ‘નિરાલા’


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “વિકલાંગ શ્રદ્ધાનો સમય – હરિશંકર પરસાઈ, અનુ. જિજ્ઞેશ અધ્યારૂ

  • harshad dave

    ‘મારી નાલાયકી હજુ શ્રદ્ધાને લાયક નથી થઇ…!’ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા શબ્દો વચ્ચેનો ભેદ સમજવો સહેલો નથી, શ્રદ્ધાથી વાંચતા ગ્રંથોમાં સહીની જરૂર નથી હોતી એટલે જ્યાં સહી કરવી પડે તેને આસાનીથી અંધશ્રદ્ધાનું સ્વરૂપ આપી શકાય, બરોબર? ના જી, ચેકમાં સહી ન કરો તો નાગદનારાયણનાં દર્શન ન થાય. રજૂઆત સરસ છે, અનુવાદ પણ. શ્રદ્ધેય વ્યક્તિને શ્રદ્ધાળુ મળે તો જ તે શ્રદ્ધેયતા આદર પાત્ર બને. શ્રદ્ધા અને વિશ્વાસને નજીકનું સગપણ છે. અને આસ્થાનું ગોત્ર પણ એ જ છે. ભરોસો હોય તો ઠીક છે બાકી નાસ્તિકને માનવાવાળા અને તેનાં પર શ્રદ્ધા રાખવાવાળા પણ ઓછા નથી હોતા.-હર્ષદ દવે.