અજંપો – દોલતભાઈ દેસાઈ 5


આવતીકાલે જોરશોરથી જે રોગ મનુષ્યમનમાં ઘર કરી જશે, ને જેનાથી ચેતવા જેવું છે – અત્યારથી, તે છે અજંપો!

‘માણસને થયું છે શું?’ શૈલુએ લટ ગૂંથતા પ્રશ્ન કર્યો.

‘કયા માણસની વાત કરે છે?’ મેં પૂછ્યું.

‘આજના માણસની વાત. પિતાજી દરરોજ કહે છે – જલદી જમવાનું પીરસો, બહાર જવાનું છે. એટલું તો ધાડ ધાડમાં જમે છે કે કદીક મને તેમની તબિયતની ચિંતા થાય છે. ને ભાઈ પણ એવો જ ધમધમાટ કરતો આવે છે. પરમ દિવસે કાકાને ત્યાં ગઈ’તી. ત્યાં પણ બધાં જમે પણ જાણે દોટ જ મૂકતાં હોય તેમ લાગે છે. આખી દુનિયા દોડે છે, પણ શાની પાછળ તે સમજાતું નથી. જમવામાંય જીવ નહીં? શરીર કેમ ટકશે?’

‘સમજાવું, તારે એ જાણવું છે ને કે માણસને થયું છે શું?’

‘હાસ્તો વળી!’

‘થયો છે અજંપો… અજંપો ત્રણ કારણે થાય, પહેલું કારણ તે એષણા વિસ્ફોટ – મનુષ્યને થાય કે ઉંચે ચડું, પૈસા એકઠાં કરી લઉ. બસ… આટલું કરી લઉં પછી સુખ જ સુખ છે. આ જાતની લાગણીને એષણા વિસ્ફોટ કહેવાય.’

‘એ સાચી સ્થિતિ છે? બધી ઈચ્છા સંતોષાય પછી સુખ મળે છે ખરું?’

‘નથી મળતું. બધી એષણા સંતોષવામાં બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હાર્ટએટેક, એસીડીટી… આમાંથી કશુંક તો વળગી પડ્યું હોય. એટલે જ્યારે નિરાંતે જમવા બધું એકઠું કરે ત્યારે ડાયાબિતીસ ને કાર્ટએટેકને કારણે જમવા જેવું તમે જમી જ ન શકો!’

‘વાત સાચી લાગે છે મને, મારા મામા એમ કહે છે. બીજી વાર હાર્ટએટેક આવ્યો ત્યારે બોલ્યા – મને કોઈએ પહેલેથી ચેતવ્યો હોત તો આ સ્થિતિ ન આવત. આજે બધું છે – ફ્લેટ છે, પૈસા છે, કાર છે – પણ જાણે કશું જ કામનું નથી.’

‘એષણાને મર્યાદા જોઈએ, દરેક માણસ જો પોતાની મર્યાદા નક્કી કરે તો આ સ્થિતિ ન આવે. અજંપો થવાનું બીજુ કારણ છે દેખાદેખીરોગ અથવા અદેખાઈનો રોગ.’

‘એટલે શું?’

‘એટલે મારી પાસે જે છે તે સારું છે એમ માણસ નથી વિચારતો. બીજા પાસે છે તે મારી પાસે કેમ નથી? એથી એ અભાવની ભાવના અનુભવે છે. મારી પાસે આ નથી, પેલું નથી, પડોશી પાસે ફલાણું છે એમ એને થાય છે. એથી બળતામાં ઘી હોમાય તેમ એષણામાં વધારો થતો જાય. પડોશી જેવી સાડી લાવું, ગાડી લાવું, પંખો લાવું, ડ્રેસ લાવું એમ થયા જ કરે…’

‘પણ એ સ્વાભાવિક નથી?’

‘ના, મારે શું જોઈએ એ હું જાણું ને? તારે શું જોઈએ એ તું નક્કી કરે ને? બીજાને જોઈને એ કેવી રીતે નક્કી થાય?’

‘ત્રીજું શું કારણ છે અજંપાનું?’

‘એક છે એષણા, બીજું છે દેખાદેખી અને ત્રીજું છે ભ્રમ.’

‘ભ્રમ?’

‘હા, સત્ય અને ભ્રમ વચ્ચે તફાવત ન સમજવાની વ્યથા ભ્રમ.’

‘દાખલા તરીકે.. થાળીમાં પાપડ હોય તો જ રસોઈ ભાવે એ છે ભ્રમ’

‘હા… તે દિ’ મોટાભાઈએ કેવું ખાવાનું બગાડ્યું? એને પાપડ જોઈએ જ! કેટલી મહેનતે બિરંજ, બટાટાવડાં બનાવેલાં, પણ પાપડ ખલાસ થયા’તા એટલે મોટાભાઈએ ઘાંટા પાડ્યા. હાથ ધોઈ ઉઠી ગયા ને બધાનો મૂડ ખલાસ થયો.’

‘હં! એનું નામ છે ભ્રમ. જોઈતી વસ્તુ મળ્યા કરે એટલે એની કિંમત સમજાતી નથી, પણ એ જ ભાઈને કશે લઈ જઈ, ચાર ઉપવાસ કરાવ્યા હોય તો પાપડ વિના જમવા તૈયાર થઈ જશે.’

‘પણ એનું મૂળ નામ શું? – મૂળ છે ઈચ્છા અને જરૂરત વચ્ચેનો સંબંધ નથી સમજાતો એ. શુદ્ધ ખોરાક જરૂરત થઈ પણ પાપડ વડે જમવું એ થઈ ઈચ્છા.’

‘તો… આનો ઉપાય?’

‘છે ને – ઉપાય છે માણસ પોતાના એષણા, દેખાદેખી અને ભ્રમને ઉકેલે, ઉકેલી શકે તો આ જગતના રોગ – અજંપામાંથી બચી શકે.’

– દોલતભાઈ દેસાઈ (‘પ્રાર્થના’માંથી સાભાર)

[આજના યુગની આત્યંતિક સમસ્યા અને અન્ય બધી સમસ્યાઓનું મૂળ એટલે અજંપો. આ અજંપાના કારણો અને તેના ઉપાયો વિશે એક સરસ લેખ ધ્યાનમાં આવ્યો સંત પુનિત સેવા ટ્રસ્ટ, જનકલ્યાણ દ્વારા પ્રકાશિત પુસ્તક ‘પ્રાર્થના’ માંથી. શ્રી દોલતભાઈ દેસાઈનો આ લેખ આજના સમયની સમાજવ્યવસ્થાની મુખ્ય તકલીફને સરસ અને સરળ રીતે સ્પર્શે છે.]

બિલિપત્ર

પ્રેમ વ્યવહારમાં પ્રગટ થવો જોઈએ. દીવો કરીએ અને અજવાળું ન થાય એમ થાય ખરું? અને જો થાય તો દીવો છે એમ કહેવાય ખરું? પ્રેમનું પણ એવું જ છે.

– સોપાન


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “અજંપો – દોલતભાઈ દેસાઈ

  • DINESH PRAJAPATI -MEHSANA

    માણસ છે ભાઈ..સતત દોડતો, કસ્તુરીમ્રુગની જેમ.
    જીવનના અન્ત સમયે હાંફતો પડે ત્યારે સમજાય,
    જેની એષણાંમા દોડ્યા એતો પોતાની પાસે જ હતુ.
    …ખુબ સરસ લેખ.

  • Harish Rathod

    તદ્દન સાચી વાત છે. એષણાનો અન્ત નથી. આથી ઇચ્છા માત્રમ અવિદ્યાને અનુસરીએ અને તેના મુળ કારણોને દુર કરવા સતત પ્રયત્નશીલ રહીએ તો એષણાઓથી દુર રહી શકીએ.

  • Harshad Dave

    આજે માનવી પોતાનાં સુખે સુખી નથી બીજાના સુખે દુખી છે અને બીજાના દુખે સુખી થવા પ્રયત્નશીલ છે તેથી તે ક્યારેય સુખી થઇ શકે નહિ. ભાષા અને મન છે ત્યાં સુધી વિચાર રહેવાનો અને વિચાર ખોટી દિશામાં દોડે ત્યારે ઈચ્છાની અવળચંડાઈ શરુ થઇ જાય. આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે, આપણા પ્રત્યે કોઈનો પ્રેમ ક્યારેય ઓછો નથી હોતો. માનસિક અને ભૌતિક જરૂરિયાતો મિક્સ-અપ થઇ જાય અને થમ્સ-અપ વગર ભોજન ન ભાવે ઘણાને એવું ય બને છે. …હર્ષદ દવે.

  • SANJAY C SONDAGAR

    સાવ સાચી વાત , માણસ પોતના એષના , દેખા-દેખી અને જરૂરીયાત ને સમજે તો એને દુખી થવનો વારો ના આવે…જેટલી જરૂરિયાત ઓછી એટલો માનવી સુખી.