સૂઈ
અભી અભી લૌટી હું અપની જગહ પર
પરિવાર કે એક પાંવ મેં ચુભા હુઆ કાંટા
નિકાલ કર
ફિર ખોંસ દી ગઈ હૂં
ધાગે કી રીલ મેં
જહાં પડી રહતી હૂં ચુપચાપ,
પરિવાર કી હલચલોં મેં અસ્તિત્વહીન-સી અદ્રશ્ય.
એકાએક યાદ આયેગી નવ ગૃહિણીકો મેરી
જબ ઑફિસ જાતા ઉસ કા પતિ ઝલ્લાએગા –
“અરે ! કમીજ કા બટન ટુટા હુઆ હૈ”
ગૃહિણી હંસતી હુઈ આયેગી રસોઈઘર સે
ઔર મુઝે લે કર બટન ટાંકને લગેગી
પતિ સિસકારી ભર ઊઠેગા
“ક્યોં ક્યા હુઆ ચુભ ગઈ નિગોડી ?”
ગૃહિણી પૂછેગી.
“હાં ચુભ ગઈ લેકિન સૂઈ નહીં.”
દોનોં કી મુસ્કાનોં કે સાથ ઓઠ ભી પાસ
આને લગેંગે
ઔર મેં મુસ્કુરાઊંગી અપને સેતુ બન જાને પર.
મૈં ખુદ નંગી પડી હોતી હૂં
લેકિન મુઝે લિતની તૃપ્તિ મિલતી હૈ
કિ મૈં દુનિયા કા નંગાપન ઢાંપતી રહતી હૂં.
શિશુઓં કે લિયે ઝબલા બન જાતી હૂં.
ઔર બચ્ચોં, બડોં કે લિયે
કુર્તા, કમીજ, ટોપી ઔર ન જાને ક્યા ક્યા
કપડોં કે છોટે બડે ટુકડોં કો જોડતી હૂં
ઔર રચના કરતી રહતી હૂં આકારોં કી
આકારોં સે છવિયોં કી
છવિયોં સે ઉત્સવો કી
કિતના સુખ મિલતા હૈ
જબ ફટી હુઈ ગરીબ સાડિયોં ઔર ધોતિયોં કો
બાર બાર સીતી હૂં
ઔર ભરચક નંગા હોને સે બચાતી હૂં
દેહ કી લાજ કો
જબ ફટન સીને કે લાયક નહિં રહ જાતી
તો ચુપચાપ રોતી હૂં અપની અસમર્થતા પર
મૈં જાડોં મેં બિછ જાતી હૂં
કાંપતે શરીરોં કે ઉપર નીચે ગુદડી બન કર
ઔર ઉન કી ઉષ્મા મેં અપની ઉષ્મા
મિલાતી રહતી હૂં.
– રામદરશ મિશ્ર
સોય ! સાધારણ ઘરની ગુણિયલ ગૃહિણીની એ માનીતી સખી ! સોય ટેભા ભરે, બખિયા ભરે, તૂણે, સીવે, ભરત ભરે ને ચીંથરાંમાંથી ચંદરવો સર્જે. કામઢી ગૃહિણી સહેજ નવરી પડે કે તરત કબાટમાં સંઘરેલાં ફાટ્યાં-તૂટ્યાં ને ખાંપો આવેલ વસ્ત્રને કસબી આંગળીઓથી સાંધવા બેસી જાય છે. આવી સ્ત્રીઓની સોયનું અનુસંધાન તેના સલૂણા સંસાર સાથે હોય છે.
આવી ગૃહિણીની સોયમાં શરણાઈ વગાડે છે ગુણિયલ, કામઢી, ખંતીલી, ઉત્સાહી ગૃહિણીના વ્હાલસોયા હાથ.
આપણે ત્યાં સોયની સર્જનાત્મકતાનાં બિરદ ગાતી એક ઉક્તિ છે –
એક જ લોઢે અવતર્યા, આંટ્યે અળગાં દોય,
કાતર કાપા પાડતી, સાંધે સગપણ સોય.
એક જ ધાતુમાંથી બનેલાં છે સોય અને કાતર પણ બેઊની પ્રકૃતિ ને પ્રવૃત્તિમાં આભજમીનનો ફેર. કાતરનું કૃત્ય આડું અવળું કાતરવાનું, સોયનો ધર્મ વિભક્તોને સાંધવાનો, એક વિસર્જન કરે તો એક સર્જન કરે. આખરે બેઉ ચીજ છે તો માણસજાતની સરજત. અને એનો ઉપયોગ પણ કરે છે માનવીઓ જ. કાતર ડૉક્ટર જેવા કરુણામય હાથોમાં જીવનદાત્રી પણ બની જાય. હત્યારાના હાથોમાં સોય શૂળ બની જાય ને વકરે તો વેરનું ઝેર ઝરતી લોહીતરસી છૂરી બની જાય.
અહીં રામદરશ મિશ્રજીના સર્જનાત્મક હાથોએ સોયને સજીવન કરી છે. તેમણે મૂક રહેતી સોયને પોતાની આત્મકથા કહેવા મનાવી લીધી. કવિ સિવાય જડ પદાર્થને વાચા કોણ આપે ? વાચા પ્રાપ્ત થતાં સોય કહેવા માંડે છે –
અભી અભી લૌટી હું અપની જગહ પર
પરિવાર કે એક પાંવ મેં ચુભા હુઆ કાંટા નિકાલ કર
અણસમજ ને અસહિષ્ણુતા કુટુંબમાં કાળમુખો કજિયો ઉભો કરી દે છે. આવે ટાણે ગુણિયલ વહુ મીઠાં વચનોથી ઘરના માણસોના મનમાં ઊભી થયેલી તાણ હળવી કરી નાંખી, સ્વજનને લાગેલ દુઃખનો કાંટો કાઢીને સાંત્વના આપે તેમ જેનું ઘરમાં મહત્વ નહિવત પણ કોઈના પગમાં કાંટો વાગતાં જ સૌને સૌ પ્રથમ સાંભરે છે સોય.
સોય પોતાના શિરે આવેલું કામ નિષ્ઠા અને સલૂકાઈથી પાર પાડે તે પછી પાછી તેના દોરાની રીલમાં ખોસી દેવામાં આવે. સોયનું સાચું સગપણ દોરા સાથેનું. જેમ પ્રેમાળ વહુની ઘર આખામાં એક સાચી જગા પતિનું હ્રદય છે.
સંયુક્ત કુટુંબપ્રથામાં ઘરનો જે વડો હોય તેની આસપાસ ઘરનાં અન્ય સભ્યોના સંબંધો ફુદરડી લેતા હોય છે. એમાં નવાગંતુક નવોઢાના અસ્તિત્વની નોંધ ભાગ્યે જ લેવાતી હોય છે.
એણે તો કુટુંબની રોજિંદી ધમાલમાં થઈ જતું પોતાની જાતનું બાષ્પીભવન સ્વીકારી લેવું પડે છે. પરંતુ ક્યારેક ક્યારેક ઘરના કોલાહલની વચ્ચે, ઘરના એક ખૂણે એવી રસિક ઘટના પણ બને છે, જેને કારણે બાષ્પીભૂત થયેલી નવી વહુને વરાળમાંથી અષાઢની પુલકિત વાદળી બની જવાની ધન્યતાની ક્ષણ પ્રાપ્ત થાય છે. કવિએ સોયની જેવા જ સીધા પણ સોંસરા અડી જતા ઋજુ શબ્દોમાં એ રસિક ઘટના આમ વર્ણવી છે. –
એકાએક યાદ આયેગી નવ ગૃહિણીકો મેરી
જબ ઑફિસ જાતા ઉસ કા પતિ ઝલ્લાએગા –
“અરે ! કમીજ કા બટન ટુટા હુઆ હૈ”
ગૃહિણી હંસતી હુઈ આયેગી રસોઈઘર સે
ઔર મુઝે લે કર બટન ટાંકને લગેગી
પતિ સિસકારી ભર ઊઠેગા
“ક્યોં ક્યા હુઆ ચુભ ગઈ નિગોડી ?”
ગૃહિણી પૂછેગી.
“હાં ચુભ ગઈ લેકિન સૂઈ નહીં.”
સોય પોતાની સખી એવી નવવિવાહિતાની મીઠી ગાળ ખાઈને ભીતરથી મધુરીમધુરી બની કૃત્રિમ રોષથી છણકો કરી કહે છે – ઑફિસે જતો ઉતાવળો પતિ ધૂંધવાઈ બોલી ઊઠશે – ‘અરે, શર્ટનું બટન તૂટી ગયું છે !’ પતિનો ક્રોધ જાણે નવવિવાહિતાને મન અમૃતનો મીઠો ધોધ ! ગૃહિણી વિખૂટા પડતા પતિનું સામીપ્ય પામવાના મોકે મને સંભારે છે એમ કહેતી સોય ગૃહિણીને પણ કહેતી હશે – ‘નિગોડી !’ ગૃહિણી મલપતી ને મલકતી રસોડામાંથી દોડતીક મને લઈ પતિ સમીપ જાય છે ને પતિએ પહેરી લીધેલ શર્ટને ફટાફટ બટન ટાંકવા લાગે છે.
પતિ સિસકારો કરી ઊઠશે. પ્રેમાળ વહુ પતિને અધ્ધર જીવે પૂછશે – ‘અરે ! નઘરોળ સોય વાગી ગઈ તમને ?’ રસિક પતિ સમીપ ઊભેલી પત્નીને વધુ પાસે ખેંચીને કહે છે, ‘બુદ્ધુ, વાગી, પરંતુ સોય નહીં (તું !) અને પછી દંપતિ આ શ્લેષ પર હસી આશ્લેષમાં બંધાશે. ચુંબનપર્વનું નિમિત્ત બની જતી સોય આનંદતૃપ્તિથી કહે છે –
મેં મુસ્કુરાઊંગી અપને સેતુ બન જાને પર
હઝરત મોહમ્મદ પયગંબર સાહેબે કહ્યું છે – ‘પ્રેમથી થતું ચુંબન આકાશને ચૂમતા મસ્જિદના મિનારા કરતાંયે બુલંદ અને પાક હોય છે.’ આવા મહિમાવંત ચુંબનનું નિમિત્ત અને સાક્ષી બનતી સોય પોતાને ધન્ય કેમ ન માને ?
સોયની સર્જનશીલતા હ્રદય સાથે હ્રદયને સાંધે જ છે, પણ એની સર્જનલીલા તેથીયે આગળ વધે છે. તે વ્યક્તિને વ્યક્તિ સાથે ને ઉભયને સમષ્ટિ સાથેય સાંધે છે. કપડાં સીવતી સોય કરુણામય બની દુનિયાની લાજ પણ ઢાંકતી ફરે છે. કાતરનો જીવનમંત્ર હોય દૂરતા, વિભક્તતા અને વિનાશ તો સોયનો જીવનસંકલ્પ છે – સામીપ્ય, ઐક્ય અને નવસર્જન. સોય પોતાની સર્ગશક્તિનો મંત્રોચ્ચાર કરે છે એ સાંભળીશું ?
મૈં ખુદ નંગી પડી હોતી હૂં
લેકિન મુઝે લિતની તૃપ્તિ મિલતી હૈ
કિ મૈં દુનિયા કા નંગાપન ઢાંપતી રહતી હૂં.
શિશુઓં કે લિયે ઝબલા બન જાતી હૂં.
ઔર બચ્ચોં, બડોં કે લિયે
કુર્તા, કમીજ, ટોપી ઔર ન જાને ક્યા ક્યા
કપડોં કે છોટે બડે ટુકડોં કો જોડતી હૂં
ઔર રચના કરતી રહતી હૂં આકારોં કી
આકારોં સે છવિયોં કી
છવિયોં સે ઉત્સવો કી
એનો ઉદગાર જુઓ, ‘શિશુઓ માટે હું ઝભલું બની જાઉં છું.’ ઝભલું માત્ર વસ્ત્ર જ નથી, શિશુનું રક્ષાકવચ છે – ઠંડી, ગરમી ને મોસમના બદલાવની વિપરીત અસરથી બચાવવાનું, જીવનને તેની સર્વ નિરામયતાપૂર્વક જાળવવાનું કવચ ! સ્થૂળ રીતે દોરાની દડીમાં પાછી ખોસાઈ જાય તે પહેલાં સૂક્ષ્મ રીતે તે મનુયની વેરવિખેર ઓળખને જોડી દેવાની અણમોલ સર્જનશીલતામાં પોતાને રૂપાંતરિત કરી દે છે. આવા લક્ષણાર્થ પછી આગળ વધતું કાવ્ય પછી વ્યંજનાર્થના શિખર ભણી અભિમુખ થતું અનુભવાય છે.
પોતાનું જીવન ભાતીગળ અને ઉલ્લાસમય હોય તેવી પ્રત્યેક મનુષ્યને ઝંખના છે અને તે તેનાં વસ્ત્રો અને ઉપયોગી વસ્તુઓના રંગો અને આકારોમાં પ્રતિબિંબિત થાય છે. સોયની નાનકડી સ્ફૂર્તિ આવિષ્કૃત કરે છે.
જીવનની ઉજળી બાજુ સમા ઉત્સવોનો ઉલ્લાસ, સોય પોતે તો નિર્વિકારપણે નિજ સ્વરૂપમાં સ્થિર રહે છે. જેમ ઈશ્વર વિશ્વના કારણરૂપ હોવા છતાં અદ્રશ્ય રહી જીવન સંચલનોમાં પ્રકટ થાય છે. સોયને માટે અન્ય શબ્દ છે સૂચક. સોયને સૂચિ પણ કહે છે. તેના અન્ય અર્થો છે કડી તેમજ યાદી. સોય કેવો કેવો ધ્વનિવિસ્તાર સાધે છે ?
મહાભારતમાં પાંડવો દુર્યોધન પાસે રાજ્યનો હિસ્સો માંગે છે. તેનો દુર્યોધન ઈનકાર કરે છે. પાંડવોની માંગણી નાની ને નાની થતી જાય છે, સૂચિનું કદ ઘટતું જાય છે, તેમ તેમ દુર્યોધનનો નનૈયો મોટો ને મોટો થતાં છેવટે એ તબક્કે પહોંચે છે કે તે કહે છે – પાંડવોને સોયની અણી જેટલી જમીન પણ નહીં આપું. અહીં સોયની અણી પાંડવોની નિસ્પૃહતાને ચીંધે છે તો એ જ અણી પર ચડેલો હુંકાર – અહંકાર પણ ચીંધે છે.
પછી સૌ ભાવકો જાણે છે તેમ સોય શબ્દના છેલ્લા ઉદગારમાત્રમાંથી સર્જાયું સત-અસતનું, ન્યાય અન્યાયનું, સગપણ અને શત્રુતા વચ્ચેનું ભીષણ મહાભારત યુદ્ધ. દુર્યોધન શ્રીકૃષ્ણની સમજાવટ છતાં સૂચ્યાર્થ ન સમજ્યો સોયનો ! સામા માણસને સમજવાની વૃત્તિઓ અભાવ જ સર્જે છે. મહાભારત જેવી ભીષણ લડાઈઓ એ જ ‘સોય’ નો સૂચ્યાર્થ.
સોયની લીલાને મનગમતું અર્થઘટન કરવાના ઉત્સાહને વિરામ આપી સોયની આત્મકથા આગળ વાંચીએ –
કિતના સુખ મિલતા હૈ
જબ ફટી હુઈ ગરીબ સાડિયોં ઔર ધોતિયોં કો
બાર બાર સીતી હૂં
ઔર ભરચક નંગા હોને સે બચાતી હૂં
દેહ કી લાજ કો !
વસ્ત્રના ફાટી જવાથી માંડી માણસની ભૂંડાઈની ‘ફાટ્ય’ વધી જાય ત્યારે એકને સાંધવા અને એકના ફુગ્ગાની હવા કાઢી નાંખવા સોય જ જરૂરી બને. ડૉક્ટરોને પણ ફાટેલા માનવદેહો સાંધવા સોયનો જ ખપ પડે. સોયનું કર્તવ્યક્ષેત્ર ફાટેલ વસ્ત્રો સુધી જ કે ફાટેલા માનવદેહ પૂરતું જ નહીં, પણ માણસના (સ્વભાવની) ‘ફાટ્ય’ સુધીનું હોય છે, તેમ સોય પોતે સ્વીકારે છે, પણ ક્યારેક તે લાચાર બની રહે છે. શ્રીકૃષ્ણ પણ મહાભારત યુદ્ધ કે જાદવાસ્થળી અટકાવી ન શક્યા તો સોયનું શું ગજું ? એટલે તે વસવસો કરે છે –
જબ ફટન સીને કે લાયક નહિં
રહ જાતી
તો ચુપચાપ રોતી હૂં
અપની અસમર્થતા પર…
બહુધા કાવ્યો પોતાની વ્યંજના પોતે જ પ્રગટ કરતાં હોય છે. તે આસ્વાદકની કલમનાં મોહતાજ નથી હોતાં. પ્રસ્તુત કાવ્યમાં ઉપસંહાર જેવી ત્રણેક કાવ્યપંક્તિઓ મૂકી છે તે વિષે અગાઊ એક યા બીજી રીતે ઉલ્લેખ થયો હોઈ તેનું પુનરાવર્તન ઈષ્ટ લાગતું નથી. પણ ભાવકો મારી પેઠે કાવ્યનું ફરી ફરી વાચન / પુનર્ભાવન કરશે તો અહીં આસ્વાદલ્ખમાં અસ્ફુટ રહી ગયેલા ધ્વનિસંકેતો પણ તેઓ ઉકેલી શક્શે.
– રમેશ પારેખ
ઉત્તમ કવિ તરીકે પ્રતિષ્ઠા પામેલા રમેશ પારેખ કવિતાના પ્રેમી અને મરમી પણ છે એની પ્રતીતિ એમની કાવ્યનો આસ્વાદ કરાવવાની પ્રવૃત્તિમાંથી થતી રહે છે. કવિ શ્રી રમેશ પારેખ કાવ્યસર્જનની સમાંતરે વર્તમાનપત્રોમાં કાવ્યાસ્વાદના સ્તંભના પણ નિયમિતપણે અન્ય કવિઓની રચનાઓના સંપર્કમાં રહ્યા છે. એ પ્રતીતિ કરાવવા તેમના પુસ્તકો ‘શબ્દની જાતરા સત્ય સુધી…’ અને ‘કવિતા એટલે આ…’ આપણને મળ્યા છે. એક સહ્રદય સર્જકની હેસિયતથી કરાવાયેલા તેમના આ આસ્વાદ કાવ્યને લઈને તેને સમજવા મથતા – પૂર્ણપણે તેના સત્વ સુધી પહોંચવા માંગતા ભાવકના મનોવિસ્તારમાંના અસ્પષ્ટ સ્થાનોને પણ ઉજાળે છે. કાવ્યના સંગોપિત રહસ્યોનું ઉદઘાટન પણ કરે છે. પ્રસ્તુત કાવ્યનો આસ્વાદ મને ખૂબ ગમ્યો છે, અને એથી ભાવકો સાથે અહીં વહેંચવાની લાલચ રોકી શક્તો નથી. પ્રસ્તુત આસ્વાદ ‘કવિતા એટલે આ…’ પુસ્તકમાંથી સાભાર અહીં લીધો છે. પુસ્તક સંપાદન શ્રી નિતિન વડગામાનું છે અને તે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત કરાયું છે.
બિલિપત્ર
કુછ તબિયત હી મિલી થી ઐસી,
ચૈનસે જીને કી સૂરત ન હુઈ.
જિસ કો ચાહા ઉસે અપના ન સકે,
જો મિલા ઉસસે મુહબ્બત ન હુઈ.
– નિદા ફાઝલી
Wonderful poem and equally wonderful interjections.