ગઝલ ૧.
સંબંધોનો સરવાળો શું ?
વત્તા ઓછાનો તાળો શું ?
આંખ બની ગઈ આકાશ પછી,
ઝૂંપડી મહેલ કે માળો શું ?
અજવાળી લાવો મનખાને,
એને જાવું હેમાળો શું
પડછાયાને કંઈ પૂછોમાં
રંગ હશે ધોળો કાળો શું?
સંત બતાવે ગાળો બોલી,
સમજણનો ગરમાળો શું ?
ગઝલ ૨. હતો…
આમ હું પ્રત્યેક કિસ્સામાં હતો,
યા સમયના કોઈ ખિસ્સામાં હતો.
શું ખબર કયા કારણે થંભ્યા ચરણ
હું હજી તો સાવ રસ્તામાં હતો.
આભ સામે જોઈ બોલ્યા દોસ્ત સૌ,
તું જ બારી બહાર પડદામાં હતો.
વાત મુદ્દાની ગણો તો એટલી
શબ્દ રૂપે શૂન્ય કે અથવામાં હતો.
આંખથી પૂછી શકો છો આંખને
કયો નશો ચિક્કાર જલસામાં હતો.
આ ગઝલમાં ક્યાં હતો ‘જશવંત’ તું
જો હતો તો માત્ર મક્તામાં હતો.
૩.
આપણી ઈચ્છા બધી છે જડભરત,
એટલે રમવી પડે છે આ રમત.
બંધ મૂઠી ખોલવાની છેવટે,
જિંદગીમાં કેળવી ના આવડત.
સાદ દે તું માત્ર મારા નામનો,
તે પછી આવીશ તવ પાસે તરત.
થાય છે મનમાં ઘણી વેળા મને,
લાગણીના ફૂલની શું છે મમત.
શ્વાસના પર્યાય જેવી હર ક્ષણે,
હોય છે મારી નજરમાં તું સતત.
કેમ સમજાવું પ્રિયે હું વાતથી,
પ્રેમમાંતો હોય ના કંઈ પણ શરત.
– જશવંત મહેતા
શ્રી જશવંતભાઈ સાથે સંપર્ક કરાવી આપવાનું સંપૂર્ણ શ્રેય શ્રી સૉલિડ મહેતાને જાય છે. જેટલી સબળ અને સુઘડ ગઝલ તેમણે પ્રસ્તુત કરી છે એટલું જ અર્થગાંભીર્ય તેમના શે’રમાં ઝળકે છે. અક્ષરપર્વમાં કવિ સંમેલનને શોભાવવા ઉપસ્થિત રહીને સૌને તેમના ગઝલરસમાં તરબોળ કરી મૂકવા બદલ શ્રી જશવંત મહેતાનો ખૂબ ખૂબ આભાર. આવો, આજે વાંચીએ અને સાંભળીએ તેમની એ ત્રણ ગઝલો તેમના જ સ્વરમાં
wah adbhut rachna khub j maja avi. thoda ma ghanu kahyu khub maja avi.
સુન્દ્દર્ ગઝ્લો.