સદગત કોઠાડાહ્યો – સિરાજ પટેલ ‘પગુથનવી’ 2


કોઠાડાહ્યો એટલે સામાન્ય બુદ્ધિ ધરાવતો સામાન્ય માણસ, સાવ સાધારણ અર્થમાં ‘કોમન મેન’, ભારતના, વિશ્વના કોઈપણ અર્થતંત્રનો પ્રબુદ્ધ નાગરીક. જો કે પ્રબુદ્ધની વ્યાખ્યા થોડીક અલગ છે. સમાજ આજે આવી તદ્દન સામાન્ય બુદ્ધિને દફનાવી ચૂક્યો છે, આજની વાતો સાંભળીએ તો ક્યારેક સમાજની સ્થિતિ પર અફસોસ વ્યક્ત કરવા સીવાય કાંઈ થઈ શકે તેમ નથી.

વાજબી, પ્રામાણિક, નિષ્પક્ષ, ન્યાચ્ય, તાટસ્થપૂર્ણ, વહેવારવંચા વગરનો વ્યવહાર (Fair play), સંયમ (Re-strain), કોઠાસૂઝ પ્રેરિત અભિગમ (Commonsense approach) આદી અંગ્રેજી પ્રજાનાં વ્યાવર્તક લક્ષણો ગણાય છે. અંગ્રેજ સમસ્યા સંદર્ભે સહજ સ્ફૂરણાથી પ્રતિભાવ આપે છે, અને કોઠાસૂઝથી ઉકેલ શોધે છે. પણ હવે પરિસ્થિતિ બદલાઈ છે. સમસ્યાના હલ માટે કોઠાડાહ્યા લોકોએ ચીંધેલી પ્રણાલિઓને વિસારે પાડી અમેરિકાદત્ત પ્રવિધિઓ (techniques) પ્રયોજાય છે. આને કારણે ક્યારેક સમસ્યાઓ વધુ જટિલ બને છે.

સમાજે કોઠાડાહ્યાને દફનાવી દીધો, તેનો વિષાદ પ્રગટ કરતાં “લંડન ટાઈમ્સે” એક મૃત્યુનોંધ (Obituary) છાપી છે, જેનો ભાવાનુવાદ પ્રસ્તુત છે.

આજે અમે અમારા પુરાણા મિત્ર કોઠાડાહ્યાના મૃત્યુટાણે પ્રગટ કરીએ છીએ. તેની ચોક્કસ ઉંમરની તો ખબર નથી કેમકે તેના જન્મનો દાખલો તુમારશાહીમાં ગેરવલ્લે થયેલો. તેણે શીખવેલા પાઠ પદાર્થો યાદ આવશે. જેમકે

– વરસાદમાંથી ક્યારે અંદર આવી જવું.
– સવારે વહેલા ઊઠનાર પંખીને કીડો કેમ મળે છે;
– જિંદગી હંમેશા ફૂલોની શય્યા નથી;
– કદાચ એ મારી ભૂલ હતી;

કોઠાડાહ્યાની આર્થિક ગણતરી સીધીસાદી અને પાકી હતી (કમાણીથી વધુ ખર્ચ ન કરો). તેની રીત ભરોસાપાત્ર હતી. (ચલણ છોકરાઓનું નહીં, વડિલોનું છે.)

શુભ આશયવાળા પણ ઘમંડી નિયમો અમલમાં આવ્યાં ત્યારથી એનું સ્વાસ્થ્ય લથડેલું. આવા અહેવાલ આવ્યા છે કે, છ વરસના છોકરાએ તેની સાથે ભણતી છોકરીને ચૂમી, તે બદલ તેની સામે જાતીય પજવણીની કાર્યવાહી થઈ, મધ્યાહન ભોજન પછી મોંદ્રાવણ (Mouth wash) વાપરનાર કિશોરને શાળામોકૂફીની સજા થઈ, ધાંધલિયા વિદ્યાર્થીને ઠપકો આપનાર શિક્ષકને પાણીચું અપાયું. આવું બધું જાણ્યા પછી તો તેની હાલત વધુ બગડી.

ગેરશિસ્ત આચરનાર વિદ્યાર્થીને ટકોર કરવાની ફરજ શિક્ષકે બજાવી ત્યારે પોતાના અળવીતરા સંતાનને સીધો ન રાખી શકનાર બાપે શિક્ષક પર જ હુમલો કર્યો, એ બનાવ પછી કોઠાડાહ્યો હતપ્રત થઈ ગયેલો.

એમાં વળી એઓ કાયદો આવ્યો કે, શિક્ષકે બાળકને તાપ -રક્ષણ મલમ (Sun lotion) લગાડવું હોય કે પીડાશમનની ગોળી (Pain killer) આપવી હોય તો માબાપની મંજૂરી લેવી, વિદ્યાર્થીનીને ગર્ભ રહે અને તેણે ગર્ભપાત કરાવવો હોય તો તે અંગે તેનાં માબાપને જાણ કરવી નહીં. બસ, ત્યારથી ઢીલોઢસ થયેલો.

દેવળ દુકાન બની ગયું અને ગુનાહિત કૃત્યોનો ભોગ બનનારા ગભરુ કરતાં દાંડ ગુનેગાર સાથે વધુ સારો વર્તાવ થવા લાગ્યો, ત્યારથી તેની જિજીવિષા ખતમ થઈ ગયેલી.

તમે તમારા ખુદના ઘરમાં પેઠેલા ચોરનો સામનો કરી પોતાનું રક્ષણ ન કરી શકો અને ઊલટાનો ચોર તમે તેના પર હુમલો કર્યો એવો ખટલો તમારા પર માંડે, એવું જોઈને કોઠાડાહ્યો મરવા પડેલો.

છેવટે, એવું થયું કે કોઈ એક બાઈને કોફીમાં વરાળ નીકળે છે એવી સમજ ન પડી, થોડી છલકાઈને એના ખોળામાં ઢોળાઈ અને તેને નુકશાન બદલ વળતરરૂપે મસમોટી રકમ ચૂકવાઈ. બસ ત્યારથી કોઠાડાહ્યાએ જીવવાની એષણા છોડી દીધી.

કોઠાડાહ્યાના મૃત્યુ અગાઉ તેની માતા સચ્ચાઈ, તેના પિતા વિશ્વાસ, તેની ધર્મપત્ની વિવેકબુદ્ધિ, તેની દીકરી જવાબદારી અને તેનો પુત્ર તર્ક મરી પરવારેલાં.

તે પોતાની પાછળ ચાર સાવકા ભાઈઓ મૂકી ગયો છેઃ
૧. મારા હકની મને ખબર છે.
૨. મારે મારો હક અબીહાલ જોઈએ.
૩. વાંક બીજા કોઈનો છે.
૪. હું તો બાપડો ભોગ બન્યો છું.

એની અંતિમયાત્રામાં જૂજ માણસો હતા; કેમકે, ઘણાને તો એ ગૂજરી ગયો છે એવી સમજ જ ન પડી. જો તમને યાદ હોય તો આ નોંધ બીજાને પહોંચાડજો. નહીંતર બહુમતી સાથે રહી કશુંય ન કરજો.

– સિરાજ પટેલ ‘પગુથનવી’ (‘પુસ્તકાલય’ – સપ્ટેમ્બર ૨૦૧૦ માંથી સાભાર)


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “સદગત કોઠાડાહ્યો – સિરાજ પટેલ ‘પગુથનવી’

  • indushah

    સરસ વાત અને સાવ સાચી વાત
    બધાને હક્ક જોઇએ છે કોઇને જવાબદારી લેવી નથી
    કોઠા ડાહ્યા આત્મા હત્યા કરશે તો, દુનિયા સ્વાર્થી સફેદ ઢ્ગોથી
    ઉભરાઇ જશે!!