સદગત કોઠાડાહ્યો – સિરાજ પટેલ ‘પગુથનવી’ 2
કોઠાડાહ્યો એટલે સામાન્ય બુદ્ધિ ધરાવતો સામાન્ય માણસ, સાવ સાધારણ અર્થમાં ‘કોમન મેન’, ભારતના, વિશ્વના કોઈપણ અર્થતંત્રનો પ્રબુદ્ધ નાગરીક. જો કે પ્રબુદ્ધની વ્યાખ્યા થોડીક અલગ છે. સમાજ આજે આવી તદ્દન સામાન્ય બુદ્ધિને દફનાવી ચૂક્યો છે, આજની વાતો સાંભળીએ તો ક્યારેક સમાજની સ્થિતિ પર અફસોસ વ્યક્ત કરવા સીવાય કાંઈ થઈ શકે તેમ નથી. પ્રામાણિક, નિષ્પક્ષ, તાટસ્થપૂર્ણ વ્યવહાર, સંયમ, કોઠાસૂઝ પ્રેરિત અભિગમ આદી અંગ્રેજી પ્રજાનાં વ્યાવર્તક લક્ષણો ગણાય છે. અંગ્રેજ સમસ્યા સંદર્ભે સહજ કોઠાસૂઝથી ઉકેલ શોધે છે. પણ હવે પરિસ્થિતિ બદલાઈ છે. સમસ્યાના હલ માટે કોઠાડાહ્યા લોકોએ ચીંધેલી પ્રણાલિઓને વિસારે પાડી અમેરિકાદત્ત પ્રવિધિઓ પ્રયોજાય છે. સમાજે કોઠાડાહ્યાને દફનાવી દીધો, તેનો વિષાદ પ્રગટ કરતાં “લંડન ટાઈમ્સે” એક મૃત્યુનોંધ છાપી છે, જેનો ભાવાનુવાદ પ્રસ્તુત છે.