બે લઘુકથાઓ – સંકલિત 3


૧. ઢોલી

લખીની દસ વર્ષની ઉંમર થયા પછી જીવીએ દીકરાને જન્મ આપ્યો. એના આનંદની અભિવ્યક્તિ મોનિયો ને જીવી જ કરી શકે. નામ પાડ્યું સોમો, સોમવારે જન્મ થયો હતો એટલે. સોમલાનો લાડકોડથી ઉછેર થવા લાગ્યો. લખીને સાસરે વળાવી ત્યારે સોમલો નાનકડો, ઢોલ વગાડતા શીખી ગયો હતો.

આજે તો ગામમાં ઘેર ઘેર આનંદ છે. કારણ કે ગામના આગેવાન પશાભાઈની એકનીએક દીકરીના લગ્ન છે. પશાભાઈ વતી ગામજનો તો મોનિયાને હાલતા-ચાલતા કહેતા, ‘મોનિયા, ઢોલ તૂટી જાય તો બીજો થાશે પણ વગાડવામાં મોળું ન કહેરાવતો.’ મોનિયાને પણ આશા હતી સારી આવકની. સવારે ગામને પાદર જાન આવી ગઈ છે. નાનકડા ગામમાં મેળો ભરાયો હોય એમ માણસો ફરતાં હતાં.

સોમલાને જીવી જગાડતી હતી. કોઈ દિ’ નહિ ને આજે સોમલો કેમ મોડે સુધી સૂતો છે તેની પણ નવાઈ હતી. જીવી સોમલા પરથી ગોદડું ખેંચી જગાડે છે પણ સોમલાની આંખો ખુલ્લી હતી. જીવીએ રાડ પાડી, ‘દોડો દોડો આ સોમલાને શું થયું ?’ મોનિયો આવી જુએ છે તો આંખો લીલી કચ હતી. મોનિયો સમજી ગયો. જીવી રડવા લાગી, ત્યાં મોનિયો બોલયો, ‘ખબરદાર આંસુ પાડ્યા છે તો. ગામને પાદરે જાન આવી છે. છેલ્લે ટાણે પશાભાઈ ઢોલીને ગોતવા ક્યાં જાય? અવસર ઉકલી જાય ત્યાં સુધી માન કે સોમલો હજી સૂતો છે.’

મોનિયાએ માથે ફાળિયું બાંધ્યું. ઢોલ ખભે ચડાવ્યો. ઉપડ્યો દાંડી વડે વગાડતો વગાડતો પશાભાઈના ઘર તરફ. મન રડતું હતું. હોઠ હસતા હતા. જીવ સોમલા પાસે હતો, ઢોલ પશાભાઈની ડેલીએ હતો.

જાન પરણીને ગઈ. જાનન કે વરરાજાના કોઇ વખાણ કરતું ન હતું. પણ વખાણ કરતાં હતા મોનિયાના. મોનિયાની હેડીના માણસો કહેતા હતાં કે આજે મોનિયાએ ઢોલ વગાડી હાથ ધોઈ નાખ્યા. આવો ઢોલ આજ સુધીમાં ક્યારેય વગાડ્યો ન હ્તો.

– ઉમેશ જોષી (પુસ્તકાલય’ સપ્ટેમ્બર ૨૦૧૦ માંથી સાભાર.)

* * * * * * * * * *

શ્રી અલકેશભાઈ પટેલ દિવ્યભાસ્કરમાં સિનિયર સબ એડીટરના હોદ્દા પર કાર્યરત છે. 1985ના અરસામાં અમદાવાદમાં કોમી તોફાનો દરમિયાન દરરોજ સ્ટેબિંગ થતા અને અનેક લોકો મૃત્યુ પામતા… એ ઘટનાએ તેમના મન ઉપર અસર કરી અને ત્યારે આ લઘુવાર્તા લખી હતી. અક્ષરનાદને આ લઘુકથા મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.

૨. સ્ટેબિંગ

રમેશભાઈ બપોરે જ હાંફળાફાંફળા ઘરે આવી પહોંચ્યા. ફરી બે-ત્રણ સ્ટેબિંગ થયાના સમાચારને પગલે શહેરમાં ફરી કરફ્યુ પડી ગયો હતો. તેમનાં પત્ની પાણીનો ગ્લાસ લઈને રમેશભાઈની પાસે આવ્યાં અને તેઓ પાણી પીવે તે પહેલાં પત્નીએ સવાલો વરસાવ્યા, કેમ શું થયું? કેમ વહેલા આવી ગયા? કેમ ગભરાયેલા લાગો છો?

તેઓ જે દ્રશ્ય જોઈને આવ્યા હતા તે હજુ તેમની આંખ સામે તાજું હતું. તેઓ ધીમે ધીમે આખી વાત કહેવા લાગ્યા. “અમે ઑફિસમાં હતા ત્યારે અચાનક મારો-કાપોની બૂમો સંભળાઈ. કોઈ કંઈ સમજે તે પહેલાં બધા પોતપોતાના ઘર તરફ ભાગવા લાગ્યા. હું પણ નીકળ્યો. ઓફિસની સામેનો રસ્તો વટાવી વીજળીઘર પાસે આવ્યો ત્યાં મારી આંખા સામે જ કેટલાક કસાઈ જેવા માણસોએ પચ્ચીસેક વર્ષના યુવાનને જાહેરમાં રહેંસી નાખ્યો…”

રમેશભાઈની વાત હજુ ચાલુ હતી ત્યાં પાછળ વરંડામાં છોકરાઓની ચીચિયારીઓ સંભળાઈ. પતિ-પત્ની ગભરાઈને દોડ્યાં અને પૂછ્યું શું થયું?

રમેશભાઈના ટપુડાએ કહ્યું, “કંઈ નહિ પપ્પા, અમે તો સ્ટેબિંગ-સ્ટેબિંગ રમીએ છીએ….”

અને રમેશભાઈના હાથમાંથી પાણીનો ગ્લાસ નીચે પડતાં પડતાં….

– અલકેશ પટેલ


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “બે લઘુકથાઓ – સંકલિત