કાળાં પાર્વતી – સ્વામી સચ્ચિદાનંદ 4


સુંદરતા સૌને ગમે છે, પણ સ્ત્રીઓને તો તે સવિશેષ ગમે છે. શણગાર સ્ત્રીઓના હોય છે, પુરુષોના નહિ. શણગારનાં બધાં સાધનો તથા ઉપકરણો સ્ત્રીઓ માટે વેચાતાં – ખરીદતાં હોય છે, કારણકે સ્ત્રી સૌંદર્યપ્રધાન આનુવંશિકતા મહત્વનો ભાગ ભજવે છે, તો પણ કોઈ-કોઈને ન્યાલ કરી દેતી હોય છે. રૂપરૂપનો અંબાર અને ગુણગુણનો ભંડારનો આવો મેળ બહુ થોડી જગ્યાએ થતો હોય છે. આપણે સ્વીકારીએ કે નહિ, પણ સૌને ગૌરવર્ણ ગમે છે, કાળો વર્ણ નથી ગમતો. પણ જે પૂરી પ્રજા અનુવંશિક રીતે જે કાળી હોય છે તેમને કાળો રંગ કોઠે પડી ગયો હોય છે. બધાં જ કાળાં હોય તો કશો વાંધો ન આવે, પણ ઘણા ગોરાંમાં કોઈ કાળું હોય તો સ્વહીનતાનો સ્વીકાર થઈ જાય. “હું કાંઈ જ નથી” તેવી લઘુતાગ્રંથિ તેને કોરી ખાય. જેણે રૂપાળો વંશ ચલાવવો હોય તેણે પ્રયત્નપૂર્વક ગોરી-રૂપાળી સ્ત્રી સાથે લગ્ન કરવાં. ૧-૨ પેઢીઓમાં વંશનો રંગ બદલાવવા લાગશે. પણ રૂપ કદી નિર્ભય કે ચિંતા વિનાનું નથી હોતું. રૂપનું આકર્ષણ પ્રબળ હોય છે.એટલે સ્ત્રી ઘૂંઘટ તાણતી હશે. રૂપ હંમેશા રક્ષિત હોય તો જ સુરક્ષિત રહે. સુરક્ષા વિનાનું રૂપ ચૂંથાઈ પણ જાય. સમર્થ સત્તાધારીઓમાં કોઈ-કોઈ રૂપઘેલા હોય છે. જો ધર્મ સંસ્થા દ્રારા લગ્નસંસ્થાની વાડ ન બાંધી હોત તો એકેએક રૂપાળી સ્ત્રીને લંપટ પુરુષો ચૂંથી નાખત. તેથી ધર્મ અને રાજસત્તા દ્રારા સ્ત્રી રક્ષિત રહે તેમાં જ સૌનું હિત છે.

રંગની દ્રષ્ટિએ વિશ્વની પ્રજાને બે ભાગમાં વહેંચી શકાયઃ પહેલી ગૌર અને બીજી કાળી. ગૌરમાં પણ ત્રણ ભેદ છેઃ વિશુદ્ધ ગૌર, પીત ગૌર(ચીની વગેરે) અને આછી ગૌર (આરબ, ઈરાન, આર્યો વગેરે). કાળી પ્રજામાં ચઢતા-ઊતરતા ત્રણેક ભેદ કરી શકાય. તડકો લાગવાથી પ્રજા કાળી થાય છે તે વાત સાચી નથી. કાળી કે ગૌરી આનુવંશિકતાથી થતી હોય છે. એક માન્યતા એવી પણ છે કે વિશ્વની મહત્તા રંગને આઘીન છે. અર્થાત ગોરી પ્રજા જે ઐતિહાસિક વિજયો, ભૌગોલિક વિસ્તાર, આર્થિક સમૃદ્ધિ, બૌદ્ધિક ક્ષેત્રમાં જે જ્ઞાન વિજ્ઞાન વગેરે સંશોધનો કરી શકી છે તે કાળી કરી નથી શકી. જો વિશ્વની બધી પ્રજા કાળી હોત કે પછી બધી પ્રજા ગોરી હોત તો તુલનાત્મક ભેદ થાત નહિ, પણ આવું થયું છે એ હકીકત છે. અને થોડા અપવાદો સિવાય શક્તિ અને સામર્થ્યનો ભેદ પણ દેખાય જ છે. આજે પણ નવીનવી શોધો, નવાંનવાં નિર્માણો વગેરે ગોરી પ્રજા જ કરે છે. એટલે માન પ્રતિષ્ઠા મહત્વ જે ગોરાને મળે છે તે કાળી પ્રજાને નથી મળતાં, કોઈને “કાળીયો” કહો તો તેને ગમતું નથી. સૌને ગોરા થવું છે, એટલે ગોરા દેખાવાની સામગ્રીનો ઉપયોગ કાળી પ્રજા સર્વાધિક કરે છે. કાળા થવાની સામગ્રી વેચાતી નથી.

હવે મૂળ વાત ઉપર આવીએ. શિવ-પાર્વતીની જોડી છે. જ્યારે રાધા-કૃષ્ણ ન હતા ત્યારે નાયક- નાયિકાનાં પાત્રોમાં શિવ-પાર્વતી જ પ્રયુક્ત થતાં. બન્નેનું આદર્શ દામ્પત્ય છે. શિવજી કર્પૂરગૌર છે. પાર્વતી પણ ગોરાં છે. હિમાલયની બધી વસ્તી ગોરી છે. આજે પણ હિમાલયની પ્રજા બહુ રૂપાળી છે.

દામ્પત્ય કદી પણ એક ભાવથી વ્યતીત નથી થતું. કોઈ વાર પ્રેમ તો કોઈ વાર વિયોગ, કોઈ વાર હસી મજાક ગમ્મત તો કોઈ વાર રીસ, ઝઘડા. કોઈ વાર જ્ઞાનગોષ્ઠિ તો કોઈવાર તૂતૂ-મેંમેં પણ થાય. આમ જુદાજુદા ભાવોમાં દામ્પત્ય ચાલતું હોય છે. લડતાં- ઝઘડતાં પતિપત્ની વચ્ચે કોઈએ ઉપદેશક કે સલાહકાર ન થવું. હા મારામારી થતી હોય તો છોડાવવા. જુદા કરવા, બાકી સામાન્ય હળવાશભર્યા કલહોનું સમાધાન તો કુદરત પોતે જ કરાવી દેતી હોય છે.

એક વાર વાતવાતમાં શિવજીએ પાર્વતીને છણકો કરીને કહ્યું કે “ધત! કાલી-કલૂટી!” ઘણા પતિઓ આવા હલકા શબ્દો પત્ની માટે પ્રયોજતા હોય છે. કેટલીક સ્ત્રીઓ પણ તેવો જ પ્રતિભાવ આપતી હોય છે. પછાત ગણાતી જ્ઞાતિઓમાં તો કેટલાક ઝઘડા શુદ્ધ નૉનવેજ ભાષામાં જ થતા હોય છે. પણ આ બધું રોજનું થતું હોવાથી સહજ સામાન્ય થઈ જતું હોય છે. જીવન ઉપર લગ્ન જીવન તૂટી પડે તેવી અસર થતી નથી. થોડીવાર પછી બંને એકનાં એક થઈ જતાં હોય છે. પતિપત્ની વચ્ચે બે રીતના ઝઘડા થતા હોય છે. ૧.ભડકિયો અને ૨. નીંભાડિયો. ભડકિયા ઝઘડામાં ગાળો બોલવી, મારામારી કરવી. કાઢી મૂકવું વગેરે બધું થતું હોય છે. પણ ભડકો ઓલવાઈ જાય એટલે પાછાં જેવા હતાં તેવાં ને તેવાં. નીંભાડિયા ઝઘડામાં ગાળાગાળી કે મારામારી નથી થતી, કારણ એ ભદ્ર સમાજ હોય છે. પણ નીંભાડાની માફક અંદર ને અંદર દિવસો – મહિનાઓ સુધી સળગ્યા જ કરતું હોય છે. ધુમાડો ગોટાયા કરતો હોય છે. આ સભ્યતા – ભદ્રતાભર્યો ઝઘડો બહુ ખતરનાક હોય છે, કારણ કે તેનું જલદી સમાધાન કરાવી શકાતું નથી.

શિવે પાર્વતીને “ધત ! કાલી- કલૂટી !” કહી દીધું. પાર્વતીતો ગોરા હતાં પણ શિવજીના કહેવાથી કાળાં-મેશ થઈ ગયાં, એટલે કાલીમાતા થઈ ગયાં. પાર્વતી અને કાલી એક જ છે. પાર્વતીના કાળા થયા પછી શિવજીનું વલણ બદલાઈ ગયું. સંબંધોમાં વલણ બદલાવવું દુઃખદ તત્વ થઈ જતું હોય છે. એક માણસને તમે રોજ જયશ્રીકૃષ્ણ કહેતા હો, પછી એકાએક એવું કહેવાનું બંધ કરી દો તો તમારા બદલાયેલા વલણથી પેલાને દુઃખ થાય છે. તે વિચારમાં પડી જાય છે કે શું થયું હશે? આ બદલાયેલું વલણ જો વધુ દિવસો સુધી ચાલુ રહે તો ચિંતા-પીડામાં બદલાઈ જાય છે. બને ત્યાં સુધી બહુ જ મહત્વનાં કારણો વિના સંબંધોમાં વલણ બદલવું નહિ. તેમાં પણ પતિ-પત્નીના વ્યવહારમાં વલણ બદલાય તો વધુ પીડા થાય. કાં તો એકધારું વલણ રાખવું. કાં પછી વલણ બદલાવાનું કારણ સ્પષ્ટ કરવું. સ્પષ્ટતાથી ઘણા ઉકેલ નીકળતા હોય છે.

શિવજીની જે આંખો ગોરી પાર્વતીને જોઈને ચમકી ઊઠતી તે હવે ઘૃણા કે ઉપેક્ષાથી ભરાઈ જાય છે. પત્નીની મૂડી પતિનો પ્રેમ છે. જો તે જ ન રહે તો પત્નીને માટે જીવવું કઠિન થઈ જાય. કદાચ આટલા માટે સ્ત્રિઓ પોતાના રૂપને સાચવવા બહુ કાળજી લેતી હોય છે. પ્રસાધનની બધી જાહેરાતો મોટાભાગે સ્ત્રીલક્ષી હોય છે.

સાચો પ્રેમ રૂપ-આધારિત નહિ પણ વ્યક્તિ- આધારિત હોય છે. વ્યક્તિ કદરૂપી હોય પણ જો પ્રેમ સાચો હોય, તો કદરૂપાપણામાં તેને સૌંદર્ય દેખાય. પણ આ તો આદર્શ પ્રેમની વાત થઈ, જે જવલ્લે જ જોવા મળતો હોય છે. સામાન્ય જીવનમાં તો રૂપ-ગુણ, આરોગ્ય, બીમારી વગેરે વસ્તુઓનો પ્રભાવ પડતો જ હોય છે.

પાર્વતીજી કાળાં થઈ જવાથી અને શિવજીનો તોછડાઈભર્યો શબ્દ ‘કાલી’ સંભળવાથી નારાજ થઈને રિસાઈ ગયાં. પ્રેમ હોય ત્યાં જ રીસ ચાલે. જ્યાં મનાવવાની સંભાવના હોય ત્યાં જ રીસ ચાલે. શિવે પાર્વતીને મનાવવા બહુ પ્રયત્નો કર્યો, તેમને ફરીથી ગોરા કરી આપવાની વાત કહી, પણ પાર્વતીની રીસ ન ઊતરી. તેમણે કહ્યું કે “મારે તમારું આપેલું ગોરાપણું નથી જોઈતું, હું મારી મેળે ગોર થઈશ.” આટલું કહી પાર્વતી ચાલતાં થયાં.

દેવો, ઋષિઓ વગેરે પતિ-પત્ની રિસાય્ ઝઘડે, પણ ત્યાગ ન કરે. નિર્દોષ પત્નીનો ત્યાગ મહાપાપ, આ મુખ્ય ધારણા રહેતી. રીસમાં જ્યારે ઈગો ભળે ત્યારે હઠ ઉત્પન્ન થાય. હઠીલી સ્ત્રી સમર્થ પતિને પણ ઝુકાવીને જ જંપતી હોય છે, કાં પછી પતિને ખોઈ બેસતી હોય છે.

પાર્વતીજી તપ કરવા માટે હિમાલય ચાલ્યાં ગયાં. શિવ અને પાર્વતી બન્ને એકબીજાના વિયોગથી તડપી રહ્યાં છે. પણ ઈગો નામના રાક્ષસે હઠ માનની રાક્ષસી પેદા કરી દીધી છે, એટલે બન્ને તરફની ઈચ્છા હોવા છતાં એકબીજાને મળી શકતાં નથી. મોટો પ્રશ્ન હવે એ થયો છે કે પહેલાં નમતું કોણ જોખે? ખરેખર તો “જે મનાવે તે મહાન કહેવાય.”

હિમાલયમાં પાર્વતીજીએ ઘોર તપસ્યા કરી. તેમણે બધા શણગાર મોજ-શોખ બધું જ ત્યાગી દીધું અને પર્વત-શિલા ઉપર બેસીને તપસ્યામાં લાગી ગયાં. વર્ષો વીતી ગયાં. હવે બન્ને થાક્યાં હતાં. વિયોગનો અગ્નિ ઈગોને શેકીને પકવી નાખતો હોય છે. શેકીને પાકી ગયેલો ઈગો પ્રેમમાં બદલાઈ જતો હોય છે. અને પ્રેમ તડપ વિનાનો નથી હોતો. તડપે બન્નેને મજબૂર કર્યાઃ નજીક જાઓ, નજીક જાઓ, નજીક જાઓ. બન્ને નજીક આવી ગયાં. પછી શું થયું તે કહેવાની જરૂર નથી. બન્ને એટલા જોરથી એકબીજામાં સમાઈ ગયાં કે શિવ અર્ધનારીશ્વર થઈ ગયા. દ્રૈતનું અદ્રૈત થઈ ગયું અને આ શું? પાર્વતી તો હતાં તેના કરતાં પણ વધુ ગોરાં થઈ ગયાં. રોકી રાખેલા પ્રેમે તેમને ઊજળાં કરી દીધાં.

– શિવપુરાણઃ અ. ૨૬

(આદરણીય સ્વામીશ્રી સચ્ચિદાનંદજી દ્વારા લખાયેલ પુસ્તક પૌરાણિક કથાઓ માંથી સાભાર, પુસ્તક પ્રકાશક – ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગુર્જર સાહિત્ય ભવન, રતનપોળ નાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ. કુલ પૃષ્ઠ – ૨૩૯, કિંમત ૧૧૦ રૂ.)


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “કાળાં પાર્વતી – સ્વામી સચ્ચિદાનંદ

 • સયુક્તા

  સ્વામી સચ્ચિદાનંદના લેખ સરળ ભાષામાં અને નવી દિશા ચિંધે એવા હોય છે. તેમના દક્ષિણ આફ્રિકા અને ઇઝરાયલના પ્રવાસ વર્ણન વાચવામાં મજા પડી હતી. યુવા વર્ગને સ્વામીજીના વિચારો આકર્ષે છે.

 • સયુક્તા

  સ્વામીજી ના લેખો તમને નવી દિશા આપે છે, વાસ્તવિકતા સ્વરૂપ તેમની લેખન સામગ્રી બિરદાવવા જેવી છે. મને તેમના ઇઝરાયલ અને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ વર્ણનના લેખ ખૂબ જ ગમ્યા છે.

 • virendar boghani

  જેને પેત નથિ તેને અન્ન્કુત જમાદે ચ્હે અહિ માનસ ને મારિ ને લોકો ઇશ્વર ને જિવદે ચ્હે
  અમ્રુત ઘાયલ્

 • Chirag

  એક વાર્તા તરીકે આ બરાબર છે.

  બાકી, જેમને ઈશ્વર તરીકે ભજીએ એમાં પણ આવા રાગ્-દ્વેષ હોય તો તેમના ભક્ત એવા આપણને એ બધાંથી મુક્ત કેવી રીતે કરી શકે?