ઈશ્વરને ચરિતાર્થ કરતી બે દ્રષ્ટાંત કથાઓ – સંકલિત 4


ધર્મનો, ઈશ્વરનો કે અલ્લાહનો સ્થૂળ અર્થ જે આપણે કર્યો છે, અને ઈશ્વર સુધી પહોંચવા માટેના વિવિધ રસ્તાઓના વાડાઓ જે આપણે સર્જ્યા છે તેની વ્યર્થતા એક નાનકડા દ્રષ્ટાંત દ્વારા કેટલી સચોટ રીતે કહી શકાય છે તે અહીં સ્પષ્ટ થાય છે. પ્રસ્તુત બે દ્રષ્ટાંત કથાઓ સાંભળેલી છે, સ્મરણશક્તિને આધારે લખી છે, તેના લેખકનું નામ ધ્યાનમાં નથી, છતાં એ બંનેના લેખકો એક વાત તો સ્પષ્ટ રીતે બતાવી ગયાં છે, કે વાડાઓમાંથી બહાર નીકળીએ તો જ વિશ્વના દર્શન કરી શકાય, કૂવામાંથી બહાર આવી દરિયો અનુભવનાર જ નાનકડી બંધિયાર સ્થિતિની નિરર્થકતા સમજી શકે.

૧. અલ્લાહની પાછળ…

એક સાધુ અને ફકીર વચ્ચે દોસ્તી થઈ. બંને એ વિચાર કર્યો કે સ્વર્ગમાં જઈ ભગવાનના દર્શન કરીએ. ગયા સ્વર્ગમાં, રાજમાર્ગ પર ઉભા રહ્યાં, સાંજ પડી એટલે દૂરથી એમણે એક આકૃતિ આવતી જોઈ, માથે મુંડન, હાથમાં દંડ, ભગવાં લૂગડાં, તેની પાછળ પાછળ હજારો સન્યાસીઓનું ટોળું ચાલ્યું આવતું હતું. મુરશીદે પૂછ્યું, ‘આ કોણ આવે છે?’

‘આ અમારા શંકરાચાર્ય છે.’

એ સવારી પસાર થયા પછી થોડી વારે ત્રિપુંડધારી રામાનુજ આચાર્યની સવારી, તેમની પાછળ ભજન કરતા કરતાં લાખો ભક્તો નિકળ્યા.

તે પછી બુદ્ધ, મહાવીર અને વલ્લભાચાર્યની સવારીઓ પસાર થઈ, તેમની પાછળ પણ લાખો અનુયાયીઓ ચાલતા હતાં. દરેકની પાછળ તેમના લાખો ભક્તો તેમનો જયજયકાર બોલાવતા હતાં.

તે પછી થોડી વારે ઘોડા પર બેસીને એક આરબ નીકળ્યો, તેની પાછળ પણ લાખો અનુયાયીઓ ચાલતા હતાં. હવે સાધુએ મુરશીદને પૂછ્યું, ‘આ કોણ છે?’

‘આ મહંમદ પયગંબર સાહેબ છે.’

આ પછી ઈશુ ભગવાન અને અશો જરથ્રુસ્તની સવારી પણ આવી જ રીતે નીકળી. અને સૌથી છેલ્લે એક ઘરડો આદમી નીકળ્યો. તેની પાછળ માંડ પાંચ પચીસ જણ ધીમે ધીમે ચાલતા હતાં.

સાધુએ પૂછ્યું, ‘આ કોણ આવે છે?’

‘આ અલ્લા પોતે છે.’

‘તો આમની પાછળ આટલા જ માણસો કેમ?’

‘અલ્લાની પાછળ ચાલનારા આટલા જ હોય છે.’

૨. સાચી ભક્તિ

પાંચસો પ્રવાસીઓ સાથેનું એક જહાજ મધદરીયે સફર કરી રહ્યું હતું. અચાનક દૂર એક ટાપુ જોઈને કપ્તાને જહાજમાં સફર કરી રહેલા શહેરના મુખ્ય પાદરીને બોલાવ્યા અને કહ્યું, ‘સામે પેલા ટાપુ પર ત્રણ ગાંડાઓ રહે છે, તેમને વસ્ત્રો પહેરવાની પણ કોઈ ભાન નથી, કે નથી કોઈ પ્રાર્થના કરવાની રીત આવડતી, તેઓમાં કોઈ સંસ્કાર પણ નથી અને સર્વશક્તિમાન પ્રભુને તેઓ જાણતા નથી, વિશ્વથી સાવ અલગ તેઓ નકામું જીવન જીવે છે. જો આપ કૃપા કરો તો તેમને ભક્તિની, પ્રાર્થનાની રીત શીખવો જેથી તેમના જીવનનો ઉદ્ધાર થાય.’

પાદરીએ જહાજમાંથી એક મછવો ઉતરાવ્યો અને એ ટાપુ તરફ સફર આદરી. ટાપુ પર પહોંચી તેણે પેલા ગાંડાઓની શોધ આદરી, અંતે એક નાળીયેરી પર બેઠેલા એ ત્રણેયને તેણે જોયા. તેમને નીચે ઉતરવાનો ઈશારો કર્યો.

એ ત્રણેય ત્યાંથી ઉતરીને પાદરી પાસે આવ્યા, પાદરીએ તેમને કપડાં અંગે, ખાવા પીવા અને સૂવાના નિયમો વગેરે વિશે ઉપદેશ આપ્યો, અને અંતે તેમને પૂછ્યું, ‘તમે રોજ પ્રાર્થના કઈ રીતે કરો છો?’

એમાંથી એક કહે, ‘અમે રોજ સવારે આકાશ તરફ જોઈને કહીએ છીએ, તેં જે આપ્યું એ બરાબર જ હોય, તું જે કરે છે બરાબર જ છે, ને તું જે કરીશ તે પણ સારા માટે જ હશે.’

પાદરીએ નકારમાં માથું હલાવતાં કહ્યું, ‘આ તો કંઈ પ્રાર્થના છે… સાચી પ્રાર્થના હું તમને શીખવું છું, અને તે કરવાની વિધિ પણ’ એમ કહી તેણે એ ત્રણેયને પ્રાર્થના વખતે બેસવાની, સ્વચ્છતા રાખવાની, એ દરમ્યાન શું શું બોલવું તે સમજાવ્યું. પછી તેમને પ્રાર્થના કરી બતાવવા કહ્યું. પેલા ત્રણેય એક પણ લીટી સાચી ન બોલી શક્યા. આખા દિવસની ભારે મહેનતને અંતે પાદરીએ તેમને એ પ્રાર્થના મોઢે કરાવી. એ પછી તે મછવો લઈ જ્યાં જહાજ લાંગર્યું હતું ત્યાં જવા નીકળ્યો અને પછી તે પહોંચ્યો એટલે જહાજ પોતાના માર્ગે જવા રવાના થયું. ધીમે ધીમે પેલો ટાપુ અદ્રશ્ય થઈ ગયો.

અડધી રાત થઈ હશે કે તેમને ટાપુની દિશામાં પ્રકાશ દેખાયો, અને એ તેમની નજીક જ આવતો રહ્યો. થોડીક વાર પછી તેમને પાણી પર દોડીને આવતા પેલા ત્રણ સાધુઓ દેખાયા અને કોઈક અનોખો તેજસ્વી પ્રકાશ તેમના માર્ગને સતત પ્રકાશિત કરતો હતો, તેઓ હાથ ઉંચા કરીને જહાજને ઉભું રાખવા કહેતા હતાં.

નજીક આવ્યા એટલે તેમને જહાજ પર પાદરી પાસે તેમને લઈ જવાયા, તેઓ પાદરીને આવીને પૂછવા લાગ્યા, ‘તમે જે પ્રાર્થના કરવાની રીત બતાવી તેની પહેલી લીટી અમે ત્રણેય ભૂલી ગયાં છીએ, કૃપા કરી અમને તે સમજાવો.’

પાદરી તો આભો જ થઈ ગયો, તે કહે, ‘તમે જે પ્રાર્થના કરો છો એ જ યોગ્ય છે, તમારી પ્રાર્થના અને તે કરવાની રીત તમે અમને શીખવો.’

બિલિપત્ર

ફકીરોની કેવી સવારી ચડી છે,
બિચારી જુએ બાદશાહોની દુનિયા !
– મકરન્દ દવે


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “ઈશ્વરને ચરિતાર્થ કરતી બે દ્રષ્ટાંત કથાઓ – સંકલિત