ગીરયાત્રા – પ્યાલો મેં પીધેલ છે ભરપૂર… (ભાગ ૩) – જીજ્ઞેશ અધ્યારૂ 8


(આ ગીરયાત્રાનો ભાગ ૧ અહીં ક્લિક કરીને તથા ભાગ ૨ અહીં ક્લિક કરીને વાંચી શકાય છે.)

ર્જો કે મારો સામાન્ય અનુભવ કહે છે કે પહુડા ભૂંકતા હોય ત્યાં સુધી જંગલમાં આસપાસ ભયજનક પ્રાણી ન હોય, પણ વાંદરા હુપાહૂપ કરી મૂકે અને હરણાંના ભયસૂચક અવાજો શરૂ થઈ જાય, એટલે કોઈ વનરાજ શિકારે ચડ્યા હોય કે ચડવાના મૂડમાં હોય એમ ખરું. અને અમે જ્યારથી આ પ્રવાસે નીકળ્યા ત્યારથી પહુડાના જરાય અવાજ સંભળાયા નથી, એટલે આસપાસ સિંહ છે કે નહીં એ જાણવું અઘરું થઈ પડે, એવામાં નેસની હદની બહાર નીકળવું યોગ્ય ન જ ગણાય, એટલે અમે બહાર જવાને બદલે ખાટલા પર જ પડ્યા પડ્યા વાતો કરતા રહ્યાં અને એમાં ક્યારે સૂઈ ગયા એ ખબરેય ન પડી. હળવી હળવી ઠંડક હતી, મચ્છરનું તો નામોનિશાન નહીં એટલે બધા ગોદડા ઓઢીને આરામની નિંદ્રા માણવા પોઢી ગયા.

સવારે રાજીબહેનના હાથે દોહાતી જમુનાના દૂધની બોઘરણામાં પડતી સેરોના મંજીરા જેવા સ્વરે મારી નિંદ્રા ઉડી, જો કે હજુ સવાર નહોતી, આ તો યોગીને જાગવાનો સમય હતો, સાડાચાર વાગ્યા હતાં. આતાભાઈ ઝોકમાંથી વાડામાં ને ત્યાંથી ઝોકમાં એમ એક પછી એક ભેંસોને દોહવા લઈ આવતા, દૂધને કેનમાં ઠાલવતા જેવા કામોમાં લાગી ગયેલાં. હું વિચારતો હતો કે આ લોકોને કોણ કહેવા આવે છે કે સવારે વહેલા ઉઠવાના ફાયદા શા છે? તેઓ તો કદી મોર્નિંગ વોક પર જતા નથી કે મોંઘેરા બ્રાન્ડેડ ચ્યવનપ્રાશ ખાતા નથી, નથી તેઓ કોઈ અખાડા કે જિમમાં જતાં, તેઓ તો તેમનું કામ જ કર્યા કરે છે, પશુપાલન એ એમની મુખ્ય અને એકમાત્ર પ્રવૃત્તિ, પણ એમાં બધુંય આવી જાય.

એમની દિનચર્યા જુઓ, સવારે ચારેક વાગ્યે ઉઠીને વારાફરથી બધી ભેંસોને – ગાયોને દોહીને તેમનું દૂધ ભેગુ કરે, ખાસ્સી પચાસથી વધુ ભેંસો હશે, અને એક ભેંસ નવથી દસ લિટર દૂધ આપે, ક્યારેક તો એથીય વધુ, ગીરની ભેંસો તો એ માટે પ્રખ્યાત છે. ગઈકાલે રાત્રે ડાયરામાં બેઠાં હતાં ત્યારે એક ભાઈએ કહેલું, એક વખત અડધી રાત્રે એક સિંહણ વાડાનું ઢાળીયુ તોડીને ઝોકમાં આવી ગયેલી, ભેંસોએ શીંગડે ચડાવીને એને ઝોકની બહાર, નેસની બહાર ફગાવી દીધેલી. આમેય ભેંસોનો શિકાર કરવા સિંહ તેને પાછળથી જ થપાટ મારે છે. અને તેનો પહેલો પ્રયત્ન ભેંસનું ગળું ઝાલવાનો હોય છે. આજે જે વિડીયો અહીં મૂક્યો છે એ જુઓ, બે સિંહણો એક ભેંસનો શિકાર કરી રહી છે, એક ગળે દાંત પરોવીને બેઠી છે, તો બીજી ભેંસની લાત ન વાગી જાય એનું ધ્યાન રાખીને તેના આંતરડા સુધી કાપતી, દાંત પરોવતી બેઠી છે, અને તોય ભેંસ કેટલી બધી કલાકો સુધી તેને સજ્જડ લડત આપે છે. જો કે, બોરડી નેસમાં એક વખત ભેંસોમાં અંદર અંદર શિંગડાબાજી થઈ હતી, અને કોઈ એને કાબુમાં કરે એ પહેલા તો એક પાડી તેનો ભોગ થઈ ગયેલી. જો કે આવા કિસ્સાઓ જવલ્લે જ બને છે એમ પણ તેમણે કહ્યું.

આવી વાતો દરમ્યાન એ ભેંસોના વંશવૃદ્ધિક્રમ વિશે પણ જાણવા મળ્યું. આતાભાઈ કહે, દરેક ભેંસોના ઝુંડમાં એક પાડો હોય છે, બધી ભેંસોને તેનાથી જ ગર્ભવતી કરાય છે. ભેંસને પાડી આવે તો તેને ઉછેરીને સંભાળપૂર્વક રાખવામાં આવે છે. પાડો આવે તો તેને આસપાસના બીજા ઝુંડમાં જ્યાં પાડો ન હોય ત્યાં આપી આવવો પડે છે. એક જ ભેંસના પાડા અને પાડી, અરે એક ઝુંડના પાડા અને પાડીઓને સાથે રાખી શકાતા નથી, તેઓ જ આવી વંશવૃદ્ધિ માટે તૈયાર નથી થતાં. એટલે બાળ પાડાઓને બીજા ઝુંડમાં આપી દેવાય છે, અને ત્યાંના બાળ પાડાને લઈ અવાય છે. વર્ષોથી આ ક્રમ જળવાઈ રહ્યો છે. જો કે અહીં કદી ક્રોસબ્રિડીંગ કે સંકરણ કરાયું નથી અને એ વાતનો નેસવાસીઓને ગર્વ છે, તેમના મતે સંકર ભેંસો આટલું ઉચ્ચ ફેટ વાળું અને ગુણવત્તાસભર તથા આટલી મોટી માત્રામાં દૂધ આપી શક્તી નથી. આમ ગીર ગાયની આગવી ઓળખ જળવાઈ રહી છે.

તો આપણે નેસવાસીઓની દિનચર્યાની વાત કરતાં હતાં, સવારે બધી ભેંસો દોહાઈ જાય એટલે દૂધના કેન નેસના માર્ગ પાસે મૂકી દેવાય છે. ડેરીનું વાહન આવીને તે લઈ જાય છે. દોહવાનું કામ પૂરું થાય એટલે સવારની વિધિઓ, નદીએ જઈને નહાવાનું, દાતણ અને શૌચ વગેરે થઈ જાય એટલે ઘરની સ્ત્રી રોટલા ઘડવા બેસી જાય. રોટલા ઘડાઈ રહે એટલે ચા બને, અને એ ચા પીને, રોટલાને ન્યાય આપીને, પુરુષ પશુઓને લઈને ગીરમાં ચરાવવા લઈ જાય. સવારે આઠ વાગતા સુધીમાં નેસમાંથી ધણ નીકળતા અચૂક દેખાય. અને એ વનમાં, પાણી વાળી જગ્યાઓની આસપાસ ચર્યા કરે, અથવા આરામ કરે. બે કે ત્રણ ધણના ગોવાળો ભેગા થઈને, નજીકથી લાકડા વીણીને ચૂલો કરે. એમની પાસે રહેલી થેલીમાં બધોય સામાન હોય. ચા – ખાંડ, દૂધની બોટલ, તપેલી, વાટકીઓ, ચપ્પુ, બટાટા, ડુંગળી, મસાલા, તેલ જેવી અનેક વસ્તુઓ એ થેલામાંથી નીકળે. નક્કી જગ્યાએ ચૂલો કરીને ત્યાં શાક બનાવે, અને ઘરેથી આણેલા રોટલા અને દૂધ સાથે બપોરના બારેક વાગ્યે એ ગોવાળો બે ત્રણની જુદી જુદી ટોળીઓમાં વનભોજન કરે. એ પછી સાંજના પાંચેક વાગ્યા સુધી પશુઓ ચરે, અને પછી શરૂ થાય ઘર ભણીની સફર.

આ આહિર મિત્રોને એક વિશેષ પ્રકારનો અવાજ કરવામાં નિપુણતા છે, આસપાસ ક્યાંય આંટાફેરા કરતા સિંહ કે સિંહણ દેખાય એટલે એમના એ વિશેષ અવાજે, એ અવાજ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી સંદેશ પહોંચે કે આ વિસ્તારમાં જનાવર છે, અને એ સંદેશ રીલે થતો રહે. સિંહો તો તાકમાં જ હોય કે કોઈ ભેંસ કે બચ્ચું એકલું પડે, અથવા કોઈ ઘાયલ ભેંસ ટોળાથી પાછળ રહી જાય. આવા અનેક અવાજો આ મિત્રોની ખાસીયત છે, અને એમાં તેમના સંદેશાવ્યવહાર ચાલે છે. અમેય એવા અવાજ કરવાના અણઘડ પ્રયત્ન કરેલા ને નિષ્ફળ થયેલા.

પાંચેક વાગ્યે ઉઠીને અમે દાતણ કર્યું, પછી ટુવાલ અને કપડા લઈને નદી તરફ ચાલ્યા, ટાઢા હીમ જેવા પાણીમાં અમે, હું અને વિનયભાઈ નદીમાં અંદર ઉતરીને નહાયા તો વિપુલભાઈ અને માયાભાઈ કિનારે નહાયા. ત્યાં જ નહાઈને અમે કપડા સૂકવતા હતાં કે પાસેના નેસના અગ્રણી સજ્જન અમારી થોડેક આગળ નહાઈ રહ્યાં હતાં. નહાઈ રહ્યાં એટલે તેઓ અમારી પાસે આવ્યા અને અમને એ નેસમાં આવવા આમંત્રણ આપ્યું, અમે તે સહર્ષ સ્વીકાર્યું અને કપડા બદલીને, ભીના કપડા કોથળીઓમાં ઠાલવીને નેસ તરફ ચાલ્યા.

સવારના સાત વાગી ગયેલા. રાજીબહેને અમારા માટે રોટલી બનાવી દીધેલી તેની સાથે અથાણું હતું તો ચા પણ તૈયાર હતી, સવારે દોહેલુ હુંફાળુ દૂધ પણ હતું. અમે એ બધાંને ન્યાય આપ્યો, રાજીબહેન અને આતાભાઈની સાથે ફોટા પડાવ્યા. ગાડીના ટાયરને એક અન્ય વાહનમાં બહાર મોકલવાની વ્યવસ્થા થઈ ગયેલી, પણ ટાયરને પાછા આવવામાં બે-એક કલાક લાગી જવાના હતાં. અમે પાસેના નેસ તરફ ચાલ્યા, ત્યાંથી પણ ગોવાળો અને પશુઓ રવાના થઈ ગયેલા, જો કે સદભાગ્યે અમારી સાથે કામ કરતા એક મિત્ર ત્યાં અમને મળી ગયા, એ પીપાવાવમાં ડ્રાઈવરનું કામ કરતાં.

મને જોઈને તે ખુશ થઈ ગયા, કહે, “અરે, તમે અહીં ક્યાંથી?”

મેં કહ્યું, “અમારું કોઈ ઠેકાણું નહીં, ગમે ત્યાંથી નીકળીએ, પણ તમે અહીં ક્યાંથી?”

“અરે સાહેબ, આ અમારું જ ખોયડું, મારા બાપા ને મોટાભાયું આંય રે’ય, હવે હુંય આવી ગ્યો સંવ.” અમે વાતોએ વળગ્યા ત્યાં ચા તૈયાર થઈને આવી ગઈ. પેલા મિત્ર અચાનક કંઈક યાદ આવી ગયું તે લેવા ગયા અને પાછા ફર્યા ત્યારે હરણના એક નવજાત બચ્ચાને તેડીને લેતા આવ્યાં. એ બચ્ચાની માંને સિંહણોએ ભેગા થઈને મારી નાંખેલી, બચ્ચું આ લોકોના હાથમાં આવી ગયું, એટલે તેને લઈ આવ્યા. માંડ થોડા દિવસનું હશે. મેં અને વિનયભાઈએ તેને લેવાનો પ્રયત્ન કર્યો, પણ એ ખૂબ ડરપોક હતું, આમેય હરણાં તો ડરના માર્યા છળી ઉઠતા અમે કેટલીય વાર જોયા છે. થોડોક સમય અમે એ નેસમાં ગાળ્યો અને ગાડીનું પૈડું આવી ગયું હોય તો જોવા પાછા બોરડી આવ્યા. પણ હજુ પૈડાને આવતા બે કલાકથી વધુ લાગે તેમ હતું.

મારા પેલા મિત્ર મને એક તરફ લઈ જઈને કહે, “સાહેબ, હગડ તો સે કે કાલની પોર હ્યણોયે એક પાડીનું મારણ કર્યું તું’. તમારે જોવું હોય તો જાઈ, પણ ઈવડુ ઈ આઘું સે, હાલીને જાવું પડશે, ને ઘાસ કમર જેટલું ઉંચુ છે, ફાવશે?”

મેં કહ્યું, “ફાવે જ ને, ચાલો.”

એ કહે, “પણ પેલા બેન આપણી ભેગા છે, ઈ હાલી હક્શે?”

[youtube=http://www.youtube.com/watch?v=Z0k5zdMA9DQ]

વિપુલભાઈની સાથે આ અંગે મસલત થઈ અને અમે આ નવા અણધાર્યા કાર્યક્રમમાં ચાલી નીકળ્યા. ચાલવાનું શરૂ કર્યું ત્યારે કેડી હતી, પણ પછી બાવળના ને બોરડીના ઝુંડ શરૂ થયાં, માથા પર મચ્છરોનો રાફડો થઈ ગયો, ને પગમાં એક તીક્ષ્ણ ઘાસ સતત વાગવા માંડ્યું. મેં પાસેના થડમાંથી તોડીને એક નાનકડો દંડૂકો બનાવી લીધો, આગળ ચાલતા હોવાને લીધે બોરડી અને બાવળની આડશો બને તેટલી દૂર કરી શકાય એ હેતુથી. અલક મલકની વાતો કરતા અમે ચાલતા જ રહ્યાં, ખૂબ ચાલ્યા, રસ્તામાં આવેલા એક ધૂનામાં વિશાળકાય મગર કિનારે બેઠેલો હતો, પણ અમારા “ક્યાં, ક્યાં” ના ખખડાટે એ પાણીમાં ઉતરી ગયો. અમારી સફર ચાલતી રહી, બે કલાકની સતત દાંડીયાત્રા પછી અમે એ શિકારના સ્થળે પહોંચ્યા તો વનરાજો ભોજન કરીને જતા રહેલા. ભેંસનું બચેલુ હાડપિંજર જોવા મળ્યું, અને આગળ વધતાં એવા અનેક મારણોના નિશાનો જ દેખાયા કર્યાં. અમે ખૂબ ગાઢ વનમાં આવી પહોંચેલા. વચમાં ચઢાણો અને ઉંચા ઘાસમાંથી ચાલતા થાકી ગયેલા એટલે બધાં એક સપાટ જગ્યા શોધીને બેઠાં. ત્યાં એક અવાજ આવ્યો, પાસે રહેલા કોઈક ગોવાળીયાએ કર્યો હતો, એટલે એક જણ ત્યાં કોણ છે એ જોવા ગયું, નજીકમાંજ બે ગોવાળો ધણ ચરાવતા બેઠાં હતાં. અમેય તેમની પાસે જઈને બેઠા. પાણીમાં આરામ ફરમાવી રહેલી ભેંસોને અમને જોઈને કદાચ અણગમો થયો હોય કે ગમે તેમ, ઘડીક એ બધી સાવધાનની મુદ્રામાં આવી ગઈ, પણ ગોવાળે કાંઈક કહ્યું, એટલે બધી પાછી વિશ્રામમાં રત થઈ ગઈ. તેમની પીઠ પરથી જીવાતો શોધતા બગલા ને ભેંસ, વાહ, શું દ્રશ્ય હતું! અમારા માટે તેમણે ત્યાં ચા બનાવી, મૂળૂભાઈ પાસે બે સિંહણોને જોઈ આવેલા, પણ એ આટલા બધા લોકોને ભેગા જોઈને ભાગી જશે એમ લાગતા અમે એ તરફ વધુ ચાલવાનું માંડી વાળ્યું, કારણકે બધાને શ્વાસ ચઢી ગયેલા, બપોરના સૂરજે પણ અમને ખાસ્સા થકવેલાં, પરસેવે રેબઝેબ એવા અમે ગાડી તરફ ચાલવાનું શરૂ કર્યું, પણ સાવ ચેતનવિહિન. દસ કિલોમીટર ચાલવાના વિચારે હાંજા ગગડી ગયેલા, તો પણ ધીમે ધીમે ચાલતા, આરામ કરતા અમે દોઢેક કલાકે નેસમાં ફરી આવ્યાં. રસ્તામાં અમને આતાભાઈ પણ મળ્યા, તેઓ શાક બનાવી રહ્યાં હતાં. તેમને સીતારામ કહીને અમે આગળ વધ્યા.

નેસ પર અમને પાછા આવેલા જોઈને રાજીબહેન કહે, “તમે મને કહ્યું હોત કે રોકાવાના છો તો રોટલા ઘડી નાખત ને? હવે ઘડીક ખમો તો શાક રોટલા બનાવી દંવ.” પણ અમે તેમને ના પાડી, તેઓ તપેલી ભરીને દહીં લેતા આવ્યા, સાથે વાટકીમાં મીઠું તો ખરું જ. બધાએ રકાબીઓમાં દહીં લઈને મન ભરીને આરોગ્યું અને થાક જોતજોતામાં ગાયબ. ટાયર આવી ગયું ને બદલાઈ ગયું એટલે અમે બધાં ગાડીમાં ગોઠવાયા અને સતાધાર તરફની સફર શરૂ કરી. જતા પહેલા બધાંય ભાવભરી રીતે રાજીબહેનનો આભાર માનવા ગયા. જાણે અમારા જ મોટા બહેન હોય એમ ઉદાસ હૈયે અમે તેમની વિદાય લીધી.

હવે સતાધાર તરફનો રસ્તો ઝડપથી કાપવો પડે તેમ હતું, કારણકે એમ ન કરીએ તો કનકાઈની ચેકપોસ્ટથી અંદર જવા ન મળે. ત્યાં પાંચ વાગ્યા સુધી દર્શન કરીને પાછું આવી જવું પડે તેમ હતું. અમે ગાડી દોડાવવા કહ્યું અને સાડા ત્રણે ગેટથી અંદર પ્રવેશ્યા. ભરપૂર લીલોતરી અને ગાઢ જંગલ, પણ ક્યાંય એકેય હરણ કે સાબર નહીં, બધાંની આંખો બારીની બહાર થતી નાનામાં નાની હલનચલન ઝડપવા તત્પર, પણ કાંઈ દેખાયું નહીં, લગભગ આઠેક કિલોમિટર પછી હરણાંના ઝુંડ દેખાયા, થોડેક દૂર બે શિયાળ જોયા, સાબર અને નીલગાય પણ દેખાયા, જાણે વન સજીવન થયું. એ બધું જોતા જોતા અમે અંતે કનકાઈ માતાજીના દર્શન માટે મંદિર પહોંચ્યા.

મંદિરે પહોંચી, હાથ પગ ધોઈને અમે ગોળપાપડી (સુખડી) ની થાળીઓ લઈ માતાજીના દર્શન માટે ગયાં, સુખડી ત્યાં ધરાવીને મન ભરીને માતાજીના દર્શન કર્યાં, પછી એ ખાતા ખાતા બહાર આવ્યા, એક ભાઈ આવીને બધાંયને ચા પીવડાવી ગયાં. ત્યાં થોડીક વાર રોકાઈને અમે પાછા વળતો પ્રવાસ શરૂ કર્યો.

હવે યાત્રા પૂરી થવાના અંદેશે બધા ચૂપ થઈ ગયેલા, સતાધારથી નીકળ્યા પછી મારે અમારા ડ્રાઈવર સાથે રસ્તાને લઈને થોડીક ચણભણ થઈ, વચ્ચે એક જગ્યાએ બધાંએ ફરીથી સોડા પીધી, અને પ્રવાસ ચાલતો રહ્યો, હિંડોરણા ચોકડી પર આવીને હું, માયાભાઈ અને મૂળૂભાઈ ગાડીમાંથી ઉતરી ગયાં. ત્રણેય મહેમાન મિત્રોના ચહેરા પર આવી જાતરા કર્યાનો અનેરો સંતોષ ઝળકતો હતો. અમે બધાંએ માયાભાઈ અને મૂળૂભાઈનો આભાર માન્યો અને તેઓ ભાવનગરથી મુંબઈ જવા આગળ વધ્યા.

(સમાપ્ત)


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “ગીરયાત્રા – પ્યાલો મેં પીધેલ છે ભરપૂર… (ભાગ ૩) – જીજ્ઞેશ અધ્યારૂ

 • Mehul Sutariya

  ખૂબ સરસ આલેખન કર્યું છે જીજ્ઞેશભાઈ આપે . વાંચકની પકડ જળવાઈ રહે તેવું આપનું લખાણ છે. ગીર તો ગીર છે, તેનો કોઈ વિકલ્પ ન હોઈ શકે . ગીર જવાનો પ્લાન છેલ્લા બે એક વર્ષથી કરું છું પરંતુ ગોઠવાતું નથી.સુંદર માહિતી આપવા બદલ આભાર.

 • રૂપેન પટેલ

  જીજ્ઞેશભાઈ આપના અનુભવો પરથી મને મારી ગીર અને કોર્બેટ ના જંગલોની મુલાકાત ફીકી લાગે છે .હવે પછીની ગીરની મુલાકાત આપના અનુભવો જાણી વધુ સારી બનાવા મદદરૂપ બનશે તેવું લાગે છે .

 • અશોકકુમાર - 'દાદીમાની પોટલી'

  આપને તેમજ આપના પરિવારને દિપાવલી અને નૂતન વર્ષના હાર્દિક અભિનંદન … નૂતન વર્ષ સૌને ફળદાયી- આરોગ્યદાયી- જ્ઞાનદાયી બની રહે તેવી પ્રભુ પ્રાર્થના…

  અશોકકુમાર-‘દાસ’
  http://das.desais.net

 • દિ

  ગીરયાત્રા આનંદપ્રદ રહી. એ દરેક યાત્રા ઇશ્વર સમીપ પહોંચવાનું સોપાન બની રહે એવી છે. .
  અંતરનાદ અંતરનો નાદ બની જાય છે. અભિનંદન