નવી આશાઓ સાથેનું મંગળ પ્રભાત….. – સંપાદકીય 2


સર્વે વાચકમિત્રોને અક્ષરનાદ તરફથી નવા વર્ષના સાલમુબારક. દિવાળીનું પર્વ આવ્યું અને સમયના વહેણમાં એ પણ ભૂતકાળમાં, વીતેલા સમયની યાદગીરી રૂપે સચવાઈ ગયું. અનેક ખુશીઓ સાથે આપણે સૌએ વિક્રમ સંવત ૨૦૬૭નું, નવા વર્ષનું સ્વાગત કર્યું. તહેવારો અને ઉજાણીનો એ માહોલ હવે લગભગ પૂર્ણ થવાના આરે છે. આજે લાભપાંચમથી બજારો ફરીથી ધમધમતા થઈ જશે, અને એમ એમ નવા વર્ષના શ્રીગણેશ થશે.

ગત વર્ષની વાતો કરવાનું આમ તો કોઈ પ્રયોજન નથી, પરંતુ બધાંય આયોજનો, બધા લક્ષ્યાંકો આપણી નજર સમક્ષ કરવા ભૂતકાળને પણ સંસ્મરણમાં રાખવો જોઈએ. સમયને માપવાના પ્રયત્ન રૂપે સેકન્ડ, મિનિટ, કલાક, દિવસ, મહીના અને વર્ષ વગેરે માપો આપણે નક્કી કર્યાં. અને એ અનુસાર આપણા જીવનના પ્રસંગો અને તહેવારો આપણે મૂક્યાં છે. પણ લાખો અને કરોડો વર્ષોના માપક્રમ સામે આપણું આ ગતવર્ષ કેટલી વિસાતમાં, કે આવતું વર્ષ કે આપણું જીવન? તમે કહેશો કે નવા વર્ષે આ કયા નકારાત્મક વિચારોથી શરૂઆત થઈ રહી છે? ના, આ નકારાત્મક વિચારો નથી, સકારાત્મક વલણ તરફનું પ્રથમ સાવચેતીભર્યું પગલું છે.

જો કે, અત્યારે વાત અક્ષરનાદ પૂરતી સીમીત રાખું તો એ કહેવું ઉચિત લેખાશે કે ગત વર્ષે અનેક નવા પરિમાણો અને સિદ્ધિઓ સાથે અનેક નકારાત્મક બાબતો વિશે પણ વેબસાઈટના માધ્યમ વડે પરિચિત થવાનું મળ્યું. અક્ષરનાદની સીમાચિહ્ન રૂપ ઈ-પુસ્તક પ્રવૃત્તિ ગત વર્ષે શરૂ થઈ, અને ખૂબ ઉમળકાથી વેબજગત દ્વારા તેને વધાવવામાં પણ આવી, તો પ્રસ્થાપિત વડીલ સાહિત્યકારોની પણ પ્રસંશા તેને મળી. અનેક નવા વિચારોનો વિસ્તાર લેખો સ્વરૂપે અહીં રજૂ થયો, ગઝલરચના વિશેના મેણાંને ભાંગવા ચાલો ગઝલ શીખીએ અંતર્ગતનો ઉપક્રમ પણ એક અંગત સિદ્ધિ સ્વરૂપે ગણું તો તેને મારી ગઝલ રચના વિશેની શાસ્ત્રીયતા શીખવાની ઈચ્છાને નવો આયામ પૂરો પાડ્યો છે. અને આશ્ચર્યકારક રીતે મને આ આખાય ઉપક્રમ પછી એમ લાગી રહ્યું છે કે હું ગીત વધુ સારી રીતે સર્જી શકીશ. જો કે સર્જનપ્રક્રિયા કયા આયામમાં ઢળશે તે નક્કી કરવું પણ અશક્ય જ છે ને?

તો વિવિધ વેબસાઈટ વિશે લખવાના ઉપક્રમને પણ સારો આવકાર મળેલો. પ્રિન્ટ મીડીયામાં અક્ષરનાદની નોંધ લેવાનું શરૂ થયું તે પણ ગત વર્ષના ખાતે ઉલ્લેખ માંગે છે. સૌથી સબળ અને પ્રેરણાદાયક પ્રવૃત્તિ રહી છે કેટલાક સમાજોપકારક અને નિસ્વાર્થ સેવાભાવી સજ્જનો વિશે અહીં લખી શકાયું તે. એ અત્યારે સીએનએન પર હીરો ૨૦૧૦ માટે વિશ્વભરમાંથી પસંદ થયેલા પ્રમુખ ૧૦ માંના એક એવા ક્રિષ્ણન હોય કે પાલીતાણાના ભીખાભાઈ, એ લાઈફલાઈન ફાઊન્ડેશનના ડૉ. સુબ્રતો રોય હોય કે સાવરકુંડલાના સોનલ ફાઊન્ડેશનના પ્રફુલ્લભાઈ હોય, આ બધાંજ લોકો વિશે, તેમની પ્રવૃત્તિઓ વિશે અક્ષરનાદના માધ્યમે માહિતિ પ્રસરાવવાનો પ્રયત્ન કર્યો છે. ક્રિષ્ણનને મળેલી (અલબત્ત અખંડ આનંદમાં લેખ પ્રસિદ્ધ થયા બાદની) ખૂબ મોટી આર્થિક સહાય, ભીખાભાઈ વિશે અને લાઈફલાઈન ફાઊન્ડેશન વિશેની પૂછપરછ અને આવા અનેક લોકો માટે હજુય લેખ માટે થઈ રહેલી પૂર્વતૈયારીઓ આગવો આનંદ આપી જાય છે. આ આખીય પ્રવૃત્તિમાં અનેક અજાણ્યા લોકોનો સુંદર ફાળો મળી રહ્યો છે.

મને તો આવા સેવાભાવી પરોપકારી મિત્રોને સંપર્ક કરતા દરેક વખતે એ વાતનું આશ્ચર્ય થાય છે કે તેમને ફક્ત તેમના કાર્ય વિશે પૂછવા અને શાબશીના બે શબ્દો કહેવાવાળા મિત્રો પણ શોધ્યા જડતા નથી, કારણકે આવા લોકોનો જ્યારે જ્યારે અમારા દ્વારા લેખ માટે માહિતિ મેળવવા સંપર્ક કરવામાં આવે ત્યારે તેમનો પ્રથમ પ્રતિભાવ તો એ જ હોય છે કે આવું અમને પૂછવાવાળા પણ જૂજ લોકો છે, મદદ કરવાવાળા તો એ પછીના ક્રમે આવે, કદાચ વિલુપ્ત થઈ રહેલી જાતિઓમાં. આવા લેખો અક્ષરનાદને ભવિષ્યમાં ગૌરવાન્વિત કરશે એ બાબતમાં શંકા નથી, અને તેથીય વધુ આ લેખોના માધ્યમથી આંગળીચીંધણનું પુણ્ય મળી રહ્યું છે એ પણ નાની વાત થોડી છે? ગત નવવર્ષના ઉપક્રમે લખેલ “નવું પ્રભાત, નવી આશાઓ….. – સંપાદકીય” અંતર્ગત કરેલા મહત્તમ મુકામો અહીં આંબી શકાયા છે એ અત્યંત આનંદની વાત છે, તો આવતા વર્ષે આ જ આશાઓને વધુ વિસ્તરતી ક્ષિતિજો સાથે વધુ તેજોમય બનાવી શકવાની જ પ્રાર્થના પ્રભુ પાસે કરવી રહી.

અક્ષરનાદ કહેવાતા ‘સાહિત્ય’ ના બધા સ્વરૂપોને સમાન રીતે જુએ છે, એ ટૂંકી વાર્તાઓ હોય, કવિતાઓ, ગઝલો, ચિંતનનિબંધ, પ્રવાસવર્ણન, ભજન અને સંતસાહિત્ય, બાળ સાહિત્ય કે પુસ્તક સમીક્ષા. અહીં કોઈ પણ એક પ્રકારનો અતિરેક ન થાય તે જોવાનો ઉપક્રમ સદાય રહ્યો છે, અને તે પણ કોઈ પણ ઉપદેશકની ભૂમિકામાં આવ્યા વગર. લોકોને ઉપદેશો કે સલાહ આપવાવાળાઓમાં એકનો વધારો કરવાનો કોઈ અર્થ નથી, એટલે એવી કોઈ પણ સ્વયં સ્વીકારી લીધેલી ઉચ્ચ ભૂમિકા વગર સતત આ જ પ્રવાહ આગળ વધતો રહી શકે તે જોવાની નેમ સાથે આ વર્ષમાં આપ સૌનો પ્રેમ સતત મળતો રહે, અક્ષરનાદ દ્વારા પીરસાતાં વાંચનની ગુણવત્તા હજુ વધારે સુધરે અને તે સર્વભોગ્ય બની રહે તેવી જ અપેક્ષાઓ સહ સાલમુબારક !

આવતીકાલથી કૃતિઓ રાબેતા મુજબ પ્રસ્તુત થશે.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “નવી આશાઓ સાથેનું મંગળ પ્રભાત….. – સંપાદકીય