(આ પહેલા આ શૃંખલામાં આપણે ગઝલની પૃષ્ઠભૂમી, લઘુ ગુરૂ અક્ષરો વિશે, ગઝલના શુદ્ધ તથા મિશ્ર અને વિકારી છંદો, છંદશાસ્ત્ર પ્રમાણેના ગઝલ સિવાયના પ્રકારો, એના અંગો રૂપ રદીફ, કાફીયા, મત્લા અને મક્તા, ફિલ્મી ગઝલો, ગઝલના છંદો પારખવા વગેરે વિશે જાણ્યું. આ વિષયો વિશે વિગતે ચર્ચા કર્યા પછી આજે ગઝલના આસ્વાદની વાત કરીએ. ગઝલનો પૂરેપૂરો આનંદ પામવા તેની સાચી સમજણ અને તેમાં વપરાયેલા વિવિધ પ્રતીકો અને કવિકર્મની સમજ મેળવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ.
ગઝલકાર તરીકે શ્રી ગૌરાંગભાઈનો પરિચય ભાવકોને આપવાની જરૂર ખરી? પ્રતિભાવંત ગઝલકારોની અનેક પેઢીઓ જોઈ ચૂકેલા સૂરત શહેરના હાલનાં અગ્રણી ગઝલકારોની પંગતમાં બેસે તેવું એક જાણીતું નામ એટલે શ્રી ગૌરાંગ ઠાકર. ગઝલના ચાહકોમાં તેમના બંને ગઝલસંગ્રહો, “મારા હિસ્સાનો સૂરજ ” અને “વહાલ વાવી જોઈએ” પ્રસંશા પામ્યા છે, અને એ બંનેનો (“મારા હિસ્સાનો સૂરજ “ અને “વહાલ વાવી જોઈએ”) આસ્વાદ આપણે આ પહેલા અક્ષરનાદ પર માણી ચૂક્યા છીએ. તેમની રચનાઓમાં પરંપરાનું અનુસરણ છે, તો પ્રયોગશીલતા તેમની ગઝલોની જીવંતતા છે. ભાવ ઉર્મિઓની અનેરી અભિવ્યક્તિ સાથે સાથે અધ્યાત્મિકતાનો રંગ પણ તેમની ગઝલોમાં જોવા મળે છે. અક્ષરનાદની ચાલો ગઝલ શીખીએ શ્રેણી માટે આજનો આ આસ્વાદ લેખ શ્રી ગૌરાંગ ઠાકરે ખૂબ જ સ્નેહપૂર્વક તૈયાર કરી આપ્યો તે માટે તેમનો આભાર માનીએ એટલો ઓછો પડે.)
મેળો – રમેશ પારેખ, ગઝલ આસ્વાદ – ગૌરાંગ ઠાકર
આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે,
કોઈ આવ્યા છે સપનું લઈને કોઈ રાત લઈને આવ્યા છે.
અહીં પયગંબરની જીભ જુઓ વેચાય છે બબ્બે પૈસામાં,
ને લોકો બબ્બે પૈસાની ઔકાત લઈને આવ્યા છે.
કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા,
કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે.
કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ કોઈ ઉભડક ઉભડક લાગણીઓ,
કોઈ ફાળ તો કોઈ તંબુની નિરાંત લઈને આવ્યા છે.
કોઈ લા.ઠા., ચિનુ, આદિલજી બુલેટીન જેવું બોલે છે,
અહીંયા સૌ માણસ હોવાનો આઘાત લઈને આવ્યા છે.
કોઈ ચશ્મા જેવી આંખોથી વાંચે છે છાપા વાચાનાં,
ને કોઈ અભણ હોઠો જેવી વિસાત લઈને આવ્યા છે.
કોઈ લાવ્યા ખિસ્સુ અજવાળુ કોઈ લાવ્યા મુઠી પતંગિયાં,
કોઈ લીલીસૂકી આંખોની મિરાત લઈને આવ્યા છે.
કોઈ ધસમસતા ખાલી ચહેરે કોઈ ભરચક શ્વાસે ઉમટતા
કોઈ અધકચરા, કોઈ અણોસરા જજ્બાત લઈને આવ્યા છે.
સૌ પથ્થર વચ્ચે તરણાનું હિઝરાવું લાવ્યો તું ય રમેશ,
સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે.
– રમેશ પારેખ.
ગુજરાતી ભાષા વાંચતો, લખતો, બોલતો કે સમજતો દરેક વ્યક્તિ; અરે ખુદ ગુજરાતી ભાષા જેના ગુજરાતી સાહિત્યમાં કવિતા ક્ષેત્રના પ્રદાનથી રળિયાત થઈ છે એવા અત્યંત તેજસ્વી, પ્રતિભાવાન કવિશ્રી રમેશ પારેખની ખૂબ જાણીતી આ ગઝલ રચનાને સમગ્ર રીતે સમજવાનો પ્રયાસ કરીશું.
સૌથી પહેલા આપણે આ ગઝલના બાહ્ય માળખાને સમજીશું અને પછી આંતર માળખા વિશે વિગતે વાત કરીશું. ગઝલનું બાહ્ય માળખું એટલે મત્લા, મક્તા, શેર, રદીફ, કાફિયા અને ગઝલનો છંદ. આ ગઝલમાં ગાગાગાગા ચાર વખત પ્રયોજીને ૧૬ ગુરુ લઈ ૩૨ માત્રાનો છંદ પ્રયોજ્યો છે. પરંતુ આમાં લધુ અક્ષરો પણ છે. જેને યોગ્ય આવર્તનમાં શ્રૃતિનો લાભ લઈને વાપરવામાં આવ્યા છે જેથી લય જળવાઈ રહે. છંદ, મત્લા, મક્તા, શેર, રદીફ અને કાફીયાની વાતો વિગતમાં આ શૃંખલા અંતર્ગત આ પહેલાની કડીઓમાં અત્રે થી ચર્ચાઈ ગઈ છે. આ ગઝલના આંતર માળખાને હવે વિગતથી સમજીએ.
કવિની આ ‘મેળો’ ગઝલ એક અવલોકન ગઝલ છે. કવિને આ જગતમાં જીવીત વ્યક્તિઓને જોઈને કેવી અનુભૂતિ થાય છે એની અભિવ્યક્તિ આ ગઝલમાં છે. આપણી આસપાસની સૃષ્ટિ, વ્યક્તિઓ આ બધું તો આપણે પણ જોઈએ છીએ. પણ કવિની દ્રષ્ટી માં ફેર છે. એની અનુભૂતિની અભિવ્યક્તિ એટલી તીવ્ર હોય છે કે એ વાત કવિની એકલાની નહીં રહેતા આપણી થઈ જાય છે. આ કવિતાની સિદ્ધિ છે. તો આપણે નોંઘીએ કે કવિતા લખવા માટે કોઈ પણ ઘટનાની તીવ્ર અનુભૂતિ જરૂરી છે, એને હદયથી આત્મસાત કરવી પડે છે. જેમ અભિનેતા પાત્રને જીવે નહી ત્યાં સુધી તેના અભિનયમાં આપણને મજા નથી આવતી, લતા મંગેશકરે ‘એ મેરે વતન કે લોગો’ ગીત ગાવામાં જે પ્રાણતત્વ ઉમેર્યુ છે તેથી એ સીધુ આપણા હદયને સ્પર્શે છે અને વર્ષો સુધી ગવાય છે. આ વાતને કવિ મનોજ ખંડેરિયા ગઝલનાં શેર દ્રારા કેવી સોંસરી રીતે કરે છે કે “પકડો કલમને કોઈ પળે એમ પણ બને…” આમાં કવિ કવિતા સાથે આત્મલીન થવાની વાત કરે છે. જેમ નરસિંહ રાસ જોતા એવા તલ્લીન થયા કે મશાલથી હાથ સળગવા લાગ્યો તેની ખબર ન રહી. એમ કશુંક નક્કર સત્ય બાહ્ય ભાન ભૂલીને જ મેળવી શકાય છે. કવિની આવી જ કોઈ અવસ્થામાંથી નીપજેલી આ સુંદર ગઝલનાં શેર જોઈએ.
કવિ મત્લાનાં શેરથી જ વાતની કેવી સરસ જમાવટ કરે છે.
આ મન પાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે
કોઈ આવ્યા છે સપનું લઈને કોઈ રાત લઈને આવ્યા છે
આ દુનિયા કવિને મન જાણે કે એક મેળો છે અને એને તેઓ મનપાંચમનો મેળો કહે છે. કારણકે, આ મેળો માણસોનો છે, અહીં દરેક વ્યક્તિ વિવિધ રંગોની માનસિકતા ધરાવે છે. કોઈ સુખી છે તો કોઈ દુઃખી છે કોઈ સામાન્ય છે તો કોઈ વિશિષ્ટ છે, કોઈ ગરીબ તો કોઈ તવંગર, કોઈ આશાવાદી છે તો કોઈ નિરાશાવાદી છે વગેરે વગેરે. આ દુનિયામાં કોઈ વ્યક્તિ જન્મ લઈને ફક્ત પોતાની જાત લઈને આવે છે તો બીજી પંક્તિમાં લખે છે, આ લોકો પોતાના જાત – જાતનાં અને ભાત – ભાતનાં સપનાંઓ પણ લાવ્યા છે અને ઘણા એવા લોકો પણ છે જેમને સપનાં હોતા નથી, એમનાં જીવનમાં ફક્ત રાતનો અંધકાર જ હોય છે.
તો આપણે જોયું ગઝલના મત્લામાં કવિ આપણને એમના ભાવ જગતમાં કેવી રીતે પ્રવેશ કરાવે છે. આમ મત્લાએ ગઝલનું પ્રવેશ દ્રાર છે. જે સુંદર હોય તો ઘરમાં જવાનું ગમે છે.
બીજો શેર છે.
અહીં પયગંબરની જીભ વેચાય છે બબ્બે પૈસામાં
ને લોકો બબ્બે પૈસાની ઔકાત લઈને આવ્યા છે.
આ શેરમાં કવિ આપણને ઈશ્વર સુધી પહોંચાડવાનો કહેવાતો દાવો કરનારા ધર્મગુરૂઓ, પયગંબરો, મઠાધીપતિઓ, આચાર્યો વગેરે પ્રત્યે આપણી આંધળી આસ્તિકતા પર વેધક પ્રહાર કરે છે. આપણે આપણી વ્યવહારુ બુદ્ધિનું દેવાળું કાઢીને એમની વાતોને દિવ્યવાણી સમજી આંધળું અનુસરણ કરીએ છીએ. તેથી કવિ કહે છે લોકો બબ્બે પૈસાની ઔકાત, લાયકાત લઈને આવ્યા છે. હજી આ ૨૧મી સદીના વિજ્ઞાનયુગમાં પણ આપણે બાધા-આખડી, દોરા-ધાગા કે લીંબુ ફાડા માંથી બહાર નથી આવતાં. આ સાથે કવિ ધર્મગુરૂઓનો પણ ઉધડો લઈને આક્રોશ વ્યક્ત કરે છે કે એમની જીભ બબ્બે પૈસામાં વેચાય છે. લોકોને ગમે, મઝા પડે એવું જ એ લોકો બોલે છે. આ શેરમાં કવિનું ભાષા પરનું પ્રભુત્વ અભૂતપૂર્વ રીતે જોવા મળે છે. બે પૈસાની ઔકાત જેવા કહેવત બની ગયેલા શબ્દપ્રયોગને પંક્તિમાં સચોટસ્થાને મૂકે છે. ગઝલને બોલચાલની ભાષા, વ્યવહારની રોજબરોજની ભાષા વધુ અનુકૂળ આવે છે અને શેરની પ્રત્યાયન ક્ષમતા વધી જાય છે. માટે યોગ્ય શબ્દની પસંદગી શેરને ઉન્ન્ત બનાવે છે.
કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા કોઈ દોરાનું તૂટવું લાવ્યા
કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે.
અહીં પ્રથમ પંક્તિમાં કવિ માનવીય જીવનની ક્ષણભંગુરતા અને અનિશ્વતતા તરફ આપણું ધ્યાન દોરવા માટે ફુગ્ગા અને દોરાનો પ્રતિક તરીકે ઉપયોગ કરે છે. ફુગ્ગો ક્યારે ફુટી જાય અને દોરો ક્યારે તૂટી જાય તે કંઈ કહી શકાતું નથી. આ દ્રારા કવિ મનુષ્યના અકાળે થતા અવસાન તરફ આંગળી ચીંધે છે. તો સાથે બીજી પંક્તિમાં એથી બિલકુલ વિરુદ્ધ્ વાત કરે છે. કે ધણા જીવનથી કંટાળી મૃત્યુની રાહ જોતાં બેઠા હોય છે પણ તેમને જલ્દી મૃત્યુ તો નથી મળતું પણ મળે છે પોતાની એકલતા કે જે એક વિકરાળ પશું જેવી હોય છે. માણસને અંદરથી ફાડી ખાતી લાગે છે.
આ શેરમાં આપણે જાણીશું કે ગઝલનાં શેરમાં ઉચિત પ્રતિક કલ્પનાનો વિનિયોગ શેરને કેવો જાનદાર બનાવે છે. આ શેરમાં વાત મનુષ્યના જીવન મૃત્યુની છે, પરંતુ જીવન કે મૃત્યુ શબ્દ શેરમાં વાપર્યા વગર કવિને આપણને જે કહેવું છે તે સમજાવી જાય છે.
કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ કોઈ ઉભડક ઉભડક લાગણીઓ,
કોઈ ફાળ તો કોઈ તંબુની નિરાંત લઈને આવ્યા છે.
આ જગતમાં ઘણાં લોકો નસીબ લઈને જન્મે છે. આ નસીબ કેવું છે? બાળક નો જન્મ ઉદ્યોગપતિ ને ત્યાં થાય છે તો બાળક મુંબઈની ધારાવીની ઝૂંપડપટ્ટીમાં પણ જન્મે છે. એકનાં આલિશાન બંગલાનાં કંપાઉન્ડમાં ઝાડ હોય છે તો બીજો ઝાડ નીચે ઘર કરે છે. તો જે નસીબ લઈને જન્મે છે, એને માટે કવિ ઝરમર ઝરમર છાંયડીઓ અને તંબુની નિરાંત એવો શબ્દ પ્રયોજે છે અને ઘણાંને ભાગ્યમાં સતત સંઘર્ષો, અનિશ્વિતતાઓ સાથે જીવવું પડે છે. તેઓ સમયની વાટ સતત ઉચાટમાં જોતા હોય છે. આને કવિ ઉભડક ઉભડક લાગણીઓ કહે છે, અને સરસ શબ્દ ‘ફાળ’ વાપરે છે. અહીં આપણે જોઈશું તો કવિ ઝરમર ઝરમર, ઉભડક ઉભડક એમ પુનરાવર્તન કરીને શબ્દમાંથી સંગીત પ્રગટાવે છે, અને અર્થને વધુ ઘેરો કરે છે. આ કવિ કર્મ કાબિલે દાદ છે. ગઝલમાં છંદ ઉપરાંત લયની પણ જરૂર હોય છે. આ કવિ છંદના લયને પણ જાણે છે. ગઝલ ગવાવી પણ જોઇએ. માટે ગઝલનું એક મહત્વનું અંગ સંગીત (મૌસકી) પણ છે જે ગઝલને વધુ સુંદર બનાવે છે.
કોઈ લા.ઠા., ચિનુ, આદિલજી બુલેટીન જેવું બોલે છે,
અહીંયા સૌ માણસ હોવાનો આઘાત લઈને આવ્યા છે.
આ દુનિયાના મેળામાં કવિ પોતાની સફરનાં સાથી એવા સંવેદનશીલ મિત્રોને પણ જુએ છે અને એમની વાતો ન્યુઝ બુલેટીન જેવી ગણાવે છે. સામાન્ય રીતે છાપા, અખબાર, કોઈ ચોકાવનારી ઘટના અકસ્માતો જેવી ખબરો આપે છે જ્યારે આ મિત્રો પાસે પોતે માણસ છે અને માણસ હોવાનો એક આઘાત એમને લાગ્યો છે. આ આઘાતને તેઓ તેમની સર્જનાત્મક પ્રવૃતિથી આપણી આગળ પેશ કરે છે અને આપણે ચોકી ઊઠીએ છીએ. દુનિયાને અલગ દ્રષ્ટિથી જોવાવાળા માણસો પણ અહીં છે એમ કહે છે. આ શેરમાં કવિ નવી વાત મૂકે છે. માણસ હોવાનો આઘાત અને બુલેટીન જેવી ભાષા બોલવી એમાં નવીનતા છે, ચમત્કૃતિ છે. ગઝલને મૌલિકતા, નવીનતા અભિપ્રેત છે. જે વાત આ શેરમાં નોંધવી પડે.
પછીનાં શેરમાં અદભૂત વાત આવે છે.
કોઈ ચશ્મા જેવી આંખોથી વાંચે છે છાપા વાચાનાં,
ને કોઈ અભણ હોઠો જેવી વિસાત લઈને આવ્યા છે.
કોઇપણ સાચો ગઝલકાર વાતને સીધી રીતે નથી કહેતો.એ ઘણું છુપાવીને કહે છે અને ભાવકની ક્ષમતાને તાગે છે. ગઝલ છુપાવીને, કશું નહીં કહીને કહેવાની ભાષા છે. અહીં કવિને જગતની અંધ અને મૂંગી વ્યક્તિઓની વાત કરવી છે. આ મેળામાં અંધ વ્યક્તિઓ પણ છે જે જોવાની ક્રિયા આંખથી નહીં કાનથી કરે છે એટલે કે અવાજ સાંભળીને જોવાનું કામ કરી લે છે. એમને માટે કવિ કહે છે વાચાને તેઓ વાંચે છે. છાપાંને જેમ મોટા ચશ્મા પહેરીને કોઈ માણસ ઝીણવટથી વાંચે તેમ નહીં બોલી શકતી વ્યક્તિઓને અભણ – હોઠ લઈને આવેલા કહે છે. કોઈકને આ શેરનો બીજો અર્થ પણ અભિપ્રેત હોઈ શકે અને એ જ શેરની સફળતા છે કે તેના ઘણાં અર્થ નીકળી શકે. સાચી કવિતા કે ગઝલ જ્યાં પૂરી થાય ત્યાંથી જ શરૂ થતી હોય છે. આ કવિ કર્મ નોંધવું પડે.
કોઈ લાવ્યા ખિસ્સુ અજવાળુ કોઈ લાવ્યા મુઠી પતંગિયા,
કોઈ લીલી સૂકી આંખોની મિરાત લઈને આવ્યા છે.
અહીં ફરીથી કવિ બે પ્રકારનાં માણસોની વાત કરે છે. અહીં એવા માણસો છે જે ખિસ્સામાં અજવાળુ એટલે કે જ્ઞાનનો પ્રકાશ લઈને આવ્યા છે, જે જગતને દિશા બતાવી શકે છે, મુઠીમાં પતંગિયું એટલે પ્રેમનો સંદેશ આપનારા પણ છે. બીજા ઘણા એવા છે જે દુન્યવી સુખોથી સુખી અને દુન્યવી દુઃખોથી દુઃખી થઈને જીવન ગુજાર્યા કરે છે. આવા આવી મળેલા જીવનને કવિ મિરાત કહે છે એટલે જે મળે છે, મેળવવાનું નથી હોતું. આ શેરમાં પણ પ્રતિક, કલ્પન આપણું ધ્યાન ખેચે છે.
કોઈ ધસમસતા ખાલી ચહેરે કોઈ ભરચક શ્વાસે ઉમટતા,
કોઈ અધકચરા કોઈ અણોસરા જજ્બાત લઈને આવ્યા છે.
આ શેરમાં કવિ માનવીય સંબધો, લાગણીઓ, જજ્બાતની વાત કરે છે. આપણને ઘણાં માણસો મળે છે પણ બિલકુલ લાગણીશૂન્ય, પથ્થર-દિલ જેવાં એને કવિ ધસમસતો ખાલી ચહેરો કહે છે તો વળી કોઈ આપણને બે ઘડી મળે તો પણ પૂરેપૂરી આત્મિયતાથી મળતા હોય એવાં લાગે. બીજી પંક્તિમાં કવિ કહે છે કોઇ આપણને અધકચરી લાગણી લઈને મળતા લાગે એટલે જ્યાં સુધી સ્વાર્થ હોય ત્યાં સુધી આપણી સાથે રહે અને કામની સાથે સંબધ પણ પૂરો કરે. પછી આગળ કવિ લખે છે કોઈ અણોસરા જ્જબાત લઈને આવ્યા છે એમ કહે છે. આ અણોસરા એટલે ઝાંખા, મંદ ઉત્સાહવાળા ઘણા આપણને મળવા ખાતર મળતા હોય છે. એક સંબધ છે ને એને નિભાવવાનો છે. એ રીતે આ શેરમાં આપણને કવિ માણસનાં એક સ્વભાવ – લાગણીને કેવી અલગ અલગ રીતે પૃથ્થકરણ કરીને આપણી સમક્ષ મૂકી આપે છે, અને સુંદર કાફિયા ‘જજ્બાત” અહી કામમાં લે છે. ગઝલના શેરમાં કાફિયાનું સ્થાન ઘરમાં દિવાનખંડનું જે સ્થાન હોય છે તે હોય છે. કાફિયા ઉપર શેર ઉઠવો જોઈએ જે આખી ગઝલમાં આપણને જોવા મળે છે. અહીં શેરમાં જરૂરી ચમત્કૃતિ લાવવા માટે યોગ્ય કાફિયા પસંદ કરવો જોઈએ એ વાત સમજાય છે.
છેલ્લે મક્તાના શેરમાં કવિ લખે છે,
આ પથ્થર વચ્ચે તરણાનું હિઝરાવું લાવ્યો તું ય રમેશ,
સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે.
આ મેળામાં કવિ પોતે પણ આવ્યા છે એમ કહે છે પણ કેવા સ્વરૂપે… તો જેમ પથ્થર નીચે તરણા દબાઈને જીવે છે. એના નસીબમાં દબાવું, હિજરાવું જ હોય છે. પોતે કદી છોડ કે વૃક્ષ થઈ શકવાનું નથી એને એની ખબર છે. આ શેરમાં કવિ કહે છે. અહીં ભરચક વસ્તી હોવા છતાં માણસ અંદરથી એકલો છે. એની એકલતાની પીડા એણે પોતે જ પોતાને કહેવાની હોય છે અને કેમ? તો અહીં બીજો દરેક પોતાની અંગત વેદનાને લઈને જીવતો હોય છે. દરેકને સંઘર્ષો, દુઃખો, જવાબદારીઓ છે આને કવિ ખભાની અણિયાળી વાત કહે છે. અહીં ગઝલનાં શેરમાં કહેવાની વાત ભલે આપણી અંગત હોય પણ અભિવ્યક્તિ એવી હોવી જોઈએ કે જે બધાની થઈ જાય. પોતાની સંવેદનાનું રૂપાંતર કેવી રીતે કરીને કવિ શેરને શેરિયત આપે છે એ સમજવા જેવું છે.
આમ મારી સમજ પ્રમાણે મે ઉપરોક્ત ગઝલનાં ઉદાહરણ દ્વારા ગઝલના આંતરિક માળખાને જાણવાનો પ્રયાસ કર્યો છે.જે કોઈપણ જીજ્ઞાસુ ભાવકને ઉપયોગી થશે એને ફળશ્રુતિ ગણીશ .
અસ્તુ.
– ગૌરાંગ ઠાકર
સાદા લાગતા શબ્દો આતલા અઘરા પન હોઇ શકે તે ખબર ન હતી.
સુંદર ગઝલનો
સુંદર આસ્વાદ
gujarati kavita na hriday sama kavi
Sri Ramesh Prekh ni dhori nas sami gazal no ‘adbhoot’ rasaaswad karavwa badal kavi sri Gaurang Thaker no khub khub aabhar !!!
સરસ ગઝલ અને સરસ આસ્વાદ ! મજા આવી ગઈ ગૌરાંગભાઈ .
વાહ… જેવી સરસ ગઝલ એવો જ સ-રસ આસ્વાદ…
વાહ..! કવિ રમેશપરેખની મને ગમતી સુંદર ગઝલનો અદભૂત આસ્વાદ ગૌરાંગભાઈએ કરાવ્યો. ગઝલની બારીકાઈને વધુ સારી રીતે સમજી શકાઈ.
આભાર ગૌરાંગભાઈ ગઝલની આંતર રચનાની સમજણ આપવા માટે..આમ જ સમજાવતા રહો એવી પ્રાર્થના.
સપના
કવિ શ્રી રમેશ પારેખની જાજરમાન ગઝલને શ્રી ગૌરાંગભાઈએ
ખૂબ જ બારિકાઈથી,તમામ પાસાને આવરી લઈ ઉઘાડી આપી.
મનપાંચમના મેળાના ખૂણેખૂણાની જાણકારી મેળવી ધન્ય થઈ જવાયું.
સો સો સલામ એ દિગ્ગજ છતાં સાલસ વ્યક્તિત્વના ધની રમેશ પારેખને…..
અને આભાર, કવિમિત્ર શ્રી ગૌરાંગભાઈનો એમની રૂચિપૂર્વકની સમજ આપણી સાથે બાંટવા બદલ.
જય હો…..
ખૂબ સરસ રીતે સમજાવ્યું છે. ગઝલનું આંતરિક કલેવર ગૌરાંગભાઇ
આભાર આપનો અને જિગ્નેશભાઇ નો તો ખરો જ…