આ પહેલા આ શૃંખલામાં આપણે ગઝલની પૃષ્ઠભૂમી, લઘુ ગુરૂ અક્ષરો વિશે, ગઝલના શુદ્ધ તથા મિશ્ર અને વિકારી છંદો, છંદશાસ્ત્ર પ્રમાણેના ગઝલ સિવાયના પ્રકારો, એના અંગો રૂપ રદીફ, કાફીયા, મત્લા અને મક્તા, ફિલ્મી ગઝલો, ગઝલના છંદો પારખવા વગેરે વિશે જાણ્યું. આ વિષયો વિશે વિગતે ચર્ચા કર્યા પછી આજે ગઝલના આસ્વાદની વાત કરીએ. ગઝલનો પૂરેપૂરો આનંદ પામવા તેની સાચી સમજણ અને તેમાં વપરાયેલા વિવિધ પ્રતીકો અને કવિકર્મની સમજ મેળવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રતિભાવંત ગઝલકારોની અનેક પેઢીઓ જોઈ ચૂકેલા સૂરત શહેરના હાલનાં અગ્રણી ગઝલકારોની પંગતમાં બેસે તેવું એક જાણીતું નામ એટલે શ્રી ગૌરાંગ ઠાકર. ગઝલના ચાહકોમાં તેમના બંને ગઝલસંગ્રહો, “મારા હિસ્સાનો સૂરજ ” અને “વહાલ વાવી જોઈએ” પ્રસંશા પામ્યા છે, તેમની રચનાઓમાં પરંપરાનું અનુસરણ છે, તો પ્રયોગશીલતા તેમની ગઝલોની જીવંતતા છે. ભાવ ઉર્મિઓની અનેરી અભિવ્યક્તિ સાથે સાથે અધ્યાત્મિકતાનો રંગ પણ તેમની ગઝલોમાં જોવા મળે છે. અક્ષરનાદની ચાલો ગઝલ શીખીએ શ્રેણી માટે આજનો આ આસ્વાદ લેખ શ્રી ગૌરાંગ ઠાકરે ખૂબ જ સ્નેહપૂર્વક તૈયાર કરી આપ્યો તે માટે તેમનો આભાર માનીએ એટલો ઓછો પડે.