ચાહવાની સજા (ટૂંકી બહેરની ગઝલ) – જીજ્ઞેશ અધ્યારૂ 6


લગાગા નાં બે આવર્તન વાળી ટૂંકી બહેરની ગઝલ રચનામાં આ પ્રથમ પગરવ છે, એક પ્રેમી પ્રેમની સજા રૂપે, એને મળેલી નિષ્ફળતા વિશે શું વિચારી શકે એ આલેખવાનો એક નાનકડો પ્રયત્ન છે. એકમેકના થવાની જે તીવ્રતા હોય છે તેને બદલે અચાનક પ્રેમમાં મળેલી નિષ્ફળતા જે અજબ ઉદાસીનો, હ્રદય તૂટ્યાંનો અને એકલતાનાં લખલખાં જેવો અનુભવ કરાવી જાય છે એનું અછડતું આલેખન મૂકવાનો યત્ન છે.

હતી કો’ રવાની
સનમનાં થવાની
બની શ્વાસ ઉરમાં
સમાઈ જવાની

મજા છે કફન થઇ
છવાઈ જવાની
સજા ચાહનાથી
અળગા થવાની

નમાજે હવે શું
દયા માંગવાની ?
સ્વયંથી અલગ થઇ
ખુદા થઇ જવાની ?

મને તો મળી છે
ઝખમની નિશાની
જમાનો કહે છે
તને મુજ દિવાની

મને ખાતરી છે
તું ભૂલી જવાની
જનમ સાત સાથે
નથી જીવવાની

અધૂરી અધૂરી
કરી બેઇમાની
સુરાની દયા પર
નશાની જવાની

ઇબાદત હવે તો
ફકત એ થવાની
તને પણ મળે આ
સજા ચાહવાની.

(ગણ – લગાગા લગાગા)
– જીજ્ઞેશ અધ્યારૂ

બિલિપત્ર

પ્રણય યજ્ઞ કેરી પણ કસોટી થઈ ગઈ અંતે !
ન પરવાના ખૂટ્યાં – ને જ્યોત ખુદ ધીમી થવા લાગી.

– સાકિન કેશવાણી (૧૯૨૯)


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “ચાહવાની સજા (ટૂંકી બહેરની ગઝલ) – જીજ્ઞેશ અધ્યારૂ