અક્ષરનાદનું ગ્રાઉન્ડવર્ક – “અભિવ્યક્તિ” નિબંધ સ્પર્ધા … 9


અક્ષરનાદ.કોમ વેબસાઈટ પુસ્તક અને પ્રિન્ટના સીમાડાઓથી ક્યાંય આગળ, ઈન્ટરનેટના માધ્યમથી ભાષાના પ્રચાર, પ્રસાર અને અભિવ્યક્તિના પ્રવાહ માટે થતો પ્રયત્ન છે. અક્ષરનાદ એટલે ભીતરની અનુભૂતિનો ધ્વનિ. જીવનને સ્પર્શી ગયેલી વાતોનું ગૂંજન. પ્રસ્થાપિત અને પ્રસિધ્ધ સાહિત્યકારોની રચનાની સાથે નવા લેખકોને પ્રોત્સાહન આપવું અને તેમની કૃતિઓને પ્રસ્તુત કરવા માટે માધ્યમ પૂરું પાડવું એ પણ અક્ષરનાદની નેમ છે.

બાળકોનું માનસ અરીસા જેવું સ્વચ્છ અને સરળ હોય છે, રચનાત્મકતા તેમનામાં ભારોભાર પડેલી હોય છે. બાળકોની આ રચનાત્મકતાને શાળાના સમયથીજ સાચી દિશા મળી રહે, અભ્યાસની સાથે સાથે તેમની અભિવ્યક્તિની આ વિશિષ્ટતાને વ્યક્ત થવા માધ્યમ મળી રહે અને વિદ્યાર્થીઓની લેખનકળા સાચી દિશામાં વિકસે તથા પ્રોત્સાહન પામે તે હેતુથી અક્ષરનાદ.કોમ વેબસાઈટ તરફથી અમે અમારાથી પહોંચી શકાય તેવી આસપાસની કેટલીક શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ ૪ થી ૭ ના સર્વ વિદ્યાર્થી મિત્રોને નિબંધલેખન સ્પર્ધામાં ભાગ લઈ પોતાની કળાને એક વિશાળ વાચકવર્ગ સમક્ષ મૂકવા આમંત્રણ આપવું એવું નક્કી કર્યું છે. આ અંતર્ગત એક સ્પર્ધા મહુવાની શ્રી માનસ પ્રાથમિક શાળામાં યોજાઈ ગઈ. સ્પર્ધાની સાથે આ પ્રમાણેની વિગતો આપેલી,

વિગતો –

 • આ સ્પર્ધાઓમાં જોડાવવા માટે કોઈ પણ પ્રકારની ફી કે નોંધણીની જરૂરિયાત નથી. પ્રથમ, દ્વિતિય તૃતિય વિજેતાઓને ઈનામ આપવામાં આવશે. કોઈ એક ક્રમાંક માટે જો એકથી વધુ કૃતિ વિજેતા નીવડે તો દરેક સ્પર્ધકને ઈનામ સરખે ભાગે વહેંચી આપવામાં આવશે. અક્રમાંકિત પરંતુ પસંદગી પામેલી કૃતિઓને પ્રોત્સાહન ઈનામ પણ આપવામાં આવશે.
 • આ સ્પર્ધા બાળકોની સુષુપ્ત શક્તિઓને, તેમની રચનાત્મકતાને માધ્યમ આપવાનો પ્રયાસ છે. માતા પિતાઓને વિનંતિ કે તેઓ બાળકોને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપે, પરંતુ વાર્તા કે નિબંધ લખી ન આપે, બાળકોને ફક્ત યોગ્ય માર્ગ પર દોરે.
 • સ્પર્ધામાં વિજેતા થયેલી પ્રથમ ત્રણ ક્રમાંકની કૃતિઓ તથા અન્ય પસંદગીની કૃતિઓ સમયાંતરે અક્ષરનાદ.કોમ વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવશે.
 • સ્પર્ધાના પરિણામ માટે નિર્ણાયકોનો નિર્ણય આખરી ગણાશે અને તે સર્વ સ્પર્ધકોને બંધનકર્તા રહેશે. આ માટે અક્ષરનાદ.કોમ વેબસાઈટ કે તેના સંપાદકો જવાબદાર રહેશે નહિ.
 • સ્પર્ધકે નીચેના વિષયોમાંથી કોઈ પણ એક વિષય પર નિબંધ લખવાનો રહેશે.
 • ૧. મને ગમતુ પુસ્તક !
  ૨. પર્યાવરણની જાળવણી
  ૩. મને શું થવું ગમે?
 • નિબંધ મૌલિક અને અપ્રગટ હોવો જોઈએ અને ૧૫૦૦ થી ૩૦૦૦ શબ્દો વચ્ચેનો (આશરે ચાર થી છ ફૂલસ્કેપ પેપર જેટલો) હોવો જોઈએ.
 • નિબંધ ફૂલ-સ્કેપ કાગળની એક બાજુ, સુવાચ્ય અક્ષરે લખેલ હોવો જોઈએ. કૃતિની શરૂઆતમાં પ્રથમ પાને વિદ્યાર્થીનું પૂરું નામ, ધોરણ, વર્ગ, શાળાનું નામ તથા ઘરનું સરનામું અને ફોન નંબર (જો હોય તો) લખવા અત્યંત જરૂરી છે. આ માહિતીના અભાવમાં કૃતિ સ્વીકાર્ય ગણાશે નહિ.
 • વાર્તા / નિબંધ પહોંચાડવાની અંતિમ તારીખ – ૫ ઓગસ્ટ ૨૦૧૦.

અમને આ આમંત્રણના જવાબમાં ખૂબ સરસ પ્રતિભાવો મળ્યા. જો કે વાંચે ગુજરાત અંતર્ગત અનેક પ્રવૃત્તિઓથી શાળાઓ ધમધમે છે જ અને સાથે સાથે આજે લગભગ બધીજ શાળાઓના શિક્ષકોને માથે વિદ્યાર્થીઓને ભણાવવા સિવાયની એટલી બધી જવાબદારીઓ છે કે તેમની પાસેથી કોઈ પણ સહયોગની અપેક્ષા રાખવી તેમને વધારાના કાર્યબોજ તળે દબાવવાનું થાય. પણ અમારા આશ્ચર્ય વચ્ચે શિક્ષકમિત્રોએ ખૂબ સુંદર સહયોગ આપ્યો. મહુવાની શ્રી માનસ પ્રાથમિક શાળાના આચાર્યા શ્રીમતિ ઈલાબેન એચ રાજ્યગુરૂ તથા દાતરડી પે સેન્ટર શાળાના શિક્ષક શ્રી અશ્વિનભાઈ એચ. જોશી એ અંગત રસ દાખવીને આ આખીય પ્રવૃત્તિનું સંચાલન કરવામાં મદદ કરી અને અનેરા ઉત્સાહથી આમાં જોડાયા. વિદ્યાર્થી મિત્રોએ પણ ખૂબ ઉત્સાહભેર સહકાર આપ્યો અને આ આખુંય કાર્ય સુપેરે પાર પાડવામાં મદદ કરી. સ્પર્ધામાં વિજેતા બનેલા ઈનામોની વ્યવસ્થા વાપીના શ્રી ગોપાલભાઈ પારેખે કરી આપી, ઈનામરૂપે તેમને ગાંધીજીની જીવનયાત્રા અને એવા બીજા પ્રેરણાદાયક પુસ્તકો આપવામાં આવ્યાં.

વિદ્યાર્થીઓના વિચાર અને સર્જનો અનોખી વાંચવાલાયક કૃતિઓ હતી. આ આખીય પ્રક્રિયાના પરિણામ સ્વરૂપ અનેક આનંદ પમાડે તેવી વાતો જોવા મળી તો સામે પક્ષે ચિંતા ઉપજાવે એવા પણ અનેક અવલોકનો થયા. તેની વિગતે ફરી ક્યારેક વાત કરીશું. આ સ્પર્ધા અંતર્ગત વિજેતા વિદ્યાર્થીમિત્રોની યાદી નીચે મુજબ છે.

પ્રથમ ઈનામ –

બારૈયા દેવયાની રમેશભાઈ, ધોરણ 6, વિષય – મને શું થવું ગમે (શિક્ષક)

દ્વિતિય ઈનામ –

બારૈયા ઉમા રમેશભાઈ, ધોરણ 7, વિષય – પર્યાવરણની જાળવણી

તૃતિય ઈનામ –

ગેડીયા ચિરાગા મુકેશભાઈ, ધોરણ 7, વિષય – મારું પ્રિય પુસ્તક (મહાભારત) અને

બલદણીયા રાહુલ જયંતિભાઈ, ધોરણ 7, વિષય – પર્યાવરણની જાળવણી

પ્રોત્સાહન ઈનામ –

લાડુમોર માનસી હરિભાઈ, ધોરણ 7, વિષય – મને શું થવું ગમે (ડોક્ટર)

અક્ષરનાદ તરફથી આ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન અને આ સ્પર્ધામાં ભાગ લેવા બદલ આભાર.

કુટુંબનો સંસ્કારોનો વારસો, ઘરના સભ્યોની જીવનપધ્ધતિ તથા કુટુંબની આર્થિક સ્થિતિ વગેરે જેવી વિવિધ પરિસ્થિતિઓ જીવનને દિશા આપે છે. વિદ્યાર્થી મિત્રોના સર્જનો, તેમના વિચારોમાં ઘણું સામ્ય છે, આસપાસના વાતાવરણ અને સમાજજીવનની અસરો તેમના લખાણમાં સ્પષ્ટ દેખાઈ આવે છે, જેમ કે “મારું પ્રિય પુસ્તક” એ વિષયના પ્રતિભાવમાં ત્રણ વિદ્યાર્થી મિત્રોએ “મારું પ્રિય પુસ્તક – મહાભારત” એ વિષય પર ખૂબ સુંદર કૃતિ આપી છે, પાનાંની મર્યાદાઓ  સ્પષ્ટ લખી હોવા છતાં પોતે જે કહેવું છે એ કહેવા એથી ક્યાંય અનેક પાનાંઓ સાથે, એ પુસ્તકમાંથી કયા પ્રસંગમાંથી કયો સાર ગ્રહણ કરી શકાય, એ આખા પ્રસંગ સાથે વર્ણવતા છટ્ટા અને સાતમા ધોરણના વિદ્યાર્થીઓની એ કૃતિઓ વાંચીને ખૂબ આનંદ થયો, ત્રણેયના નિબંધો આગવા છે, રજૂઆતની પધ્ધતિઓ આગવી છે. આનંદ એ વાતનો પણ કે તેમને હજુ સુધી સૂપરમેન અને સ્પાઈડરમેનની કોમિક્સનું ઘેલું લાગ્યું નથી, આશ્ચર્ય પમાડે એવી વાત તો એ કે આ વિદ્યાર્થીઓમાંથી મોટાભાગના ને ઘરે ટીવી નથી. (!)

તો “મને શું થવું ગમે” એ વિષયના પ્રતિભાવમાં બાળકોએ વિવિધ મનોરથો પ્રગટ કર્યા છે, ડોક્ટર, નેતા, શિક્ષક કે વૈજ્ઞાનિક જેવા વિવિધ પદોને શોભાવવાની તેમની ઈચ્છાને જોઈને ખરેખર માન થાય, જો કે તેમની ઈચ્છાઓ માટે તેમના પોતાના કારણો છે, કેટલાક અહોભાવ ઉત્પન્ન કરે તેવાં તો કેટલાક ગળે ન પણ ઉતરે, જેમ કે એક વિદ્યાર્થી મિત્રએ નેતા બનવા માટેની પોતાની ઈચ્છાના સમર્થનમાં લખ્યું છે “કોઈકને વહેલું ઘરે જવું હોય કે રજા જોઈતી હોય તો હું તેને આચાર્યશ્રીની ઓફીસમાં લઈ જાઊં છું અને રજા અપાવી દઊં.” !! એટલે ભવિષ્યમાં તેઓ યુનિવર્સિટી / કોલેજોમાં વિદ્યાર્થી યુનિયનના વાઈસ પ્રેસિડન્ટ કે જનરલ સેક્રેટરી અવશ્ય બની શકે એમ મને થયું, નેતાજીની કારકીર્દી શરૂ કરવા માટેની તે શ્રેષ્ઠ જગ્યા છે જ ને ??

આ સ્પર્ધામાં સૌથી વધુ જે વિષય પર લખાયું છે તે પર્યાવરણનો વિષય લેવાનું એક જ કારણ હતું, કે જે મિત્રો આવું કાંઈક લખતા કે સ્પર્ધામાં ભાગ લેતા અચકાય છે, તેઓ આ વિષય પર તો કાંઈક અવશ્ય લખી જ શકે કારણકે આ વિશેનું એક આખુંય પાઠ્યપુસ્તક તેઓ દર વર્ષે ભણે જ છે. અને થયું પણ એમ જ. મહત્તમ વિદ્યાર્થી મિત્રોએ આ જ વિષય પર લખ્યું છે. સંતોષ એ જ વાતનો છે કે તેમને લખવાની ઈચ્છા તો થઈ.

આ સ્પર્ધામાં વિજેતા કૃતિઓ અને અન્ય પસંદગીની કૃતિઓ અક્ષરનાદ પર સમયાંતરે મૂકવામાં આવશે જ. આ મિત્રો પ્રત્યે આપના પ્રોત્સાહનના બે શબ્દ તેમને ખરેખર અનેરુ જોમ આપી જાય એમ લાગે છે. વડોદરાની લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય, હરણી રોડ શાળામાં હું છઠ્ઠા ધોરણમાં હતો ત્યારે “નશો – નાશને નોતરું” એ વિષય પર વકૃત્વ સ્પર્ધામાં ઈનામ રૂપે મને સ્ટીલની કથરોટ મળેલી (લોટ બાંધવા વપરાય છે તે !) અને તો પણ મેં કેટલાયને એ હોંશે હોંશે બતાવેલી, માઈક અને સ્ટેજનો ડર એ કથરોટમાં ગૂંદી નાંખેલો એ હજુય યાદ છે. એ શાબાશી કોઈ વીસરી શક્શે ? તમે પ્રથમ વખત કાંઈક આમ જ લખેલું ત્યારે સૌથી સરસ પ્રોત્સાહન કોણે આપ્યું હતું ??

બિલિપત્ર

શિક્ષણ વિશેના મારા પ્રિય એવા કેટલાક અવતરણણો

હું કોઈને કાંઈ શીખવી શક્તો નથી, હું ફક્ત તેમને વિચારતા કરી શકું છું.
– સોક્રેટીસ

શિક્ષક જે આપે છે એ કદાચ સાચું શિક્ષણ નથી, શિક્ષણ એ તો એક કુદરતી પ્રક્રિયા છે જે માનવમાત્રમાં આપોઆપ પ્રગટે છે
– મારીયા મોન્ટેસરી

શિક્ષક દરવાજા ખોલી આપે, પણ પ્રવેશ તો આપણે જ કરવાનો છે.
– ચાઈનીઝ કહેવત

This very poor country of mine is ill able to sustain such an expensive British and European method of education. Our state would revive the old village schoolmaster and dot every village with a school both for boys and girls.
– મહાત્મા ગાંધી, ઓક્ટોબર ૧૯૩૧, લંડન


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “અક્ષરનાદનું ગ્રાઉન્ડવર્ક – “અભિવ્યક્તિ” નિબંધ સ્પર્ધા …

 • nilam Doshi

  ખૂબ ખૂબ અભિનંદન,,જિગ્નેશભાઇ…સરસ..અને પ્રેરણદાયી કામ બદલ સલામ…
  પુસ્તક ડાઉનલોડ વિભાગ માટે પણ અભિનંદન..આપને અને શ્રી ગોપાલભાઇને પણ…

 • jjugalkishor

  એક સાથે અનેક દૃષ્ટિકોણથી જોતાં તમારો આ પ્રયાસ બ્લોગજગતને પણ પ્રેરણા આપનારો છે. શાળાઓમાં કંઈ થતું નથી વાળી માન્યતા પણ અહીં ખોટી પડતી દેખાય છે.

  મર્યાદીત વીષયો ન હોત તો બાળકોમાં પડેલી કલ્પનાશક્તિનો પરચો મળી શકેત. એમણે જે લખ્યું તેમાં વાલીઓ–શિક્ષકોનો ‘હાથ’ હોવાની સંભાવના છતાં તમારા આ કાર્યનું મૂલ્ય છે જ.

  એ બાળકોએ શું લખ્યું છે એ તો મહત્ત્વનું છે જ પણ એમના દ્વારા જે એક વાતાવરણ તૈયાર થયું – જે ઘણા સમયથી તમે બ્લોગવાચકો માટે કરી રહ્યા છે – તેનું મહત્ત્વ તો આંકી ન શકાય એવું ને એટલું છે.

  સૌ બાળકો, વાલીઓ, શિક્ષકોને ભાવપૂર્વક અભિનંદન. તમને તો જેટલાં આપીએ એટલાં ઓછાં જ !

 • Sakshar Thakkar

  જીગ્નેશભાઈ,

  બાળકોને પ્રોત્સાહન મળે એવો તમારો આ પ્રયત્ન સારાહનીય છે.

  મારે એ પૂછવું હતું કે,
  આ સ્પર્ધા હજુ ચાલે છે?
  મારા એક ઓળખીતાની અમદાવાદમાં પ્રાથમિક શાળા છે, તો હું વિચારતો તો કે જો આ સ્પર્ધા એ શાળા માટે કરી શકાય?

  જણાવજો.

  – સાક્ષર.

  • AksharNaad.com Post author

   પ્રિય સાક્ષરભાઈ,

   આ સ્પર્ધા માટે કોઈ નિશ્ચિત સમયમર્યાદા નક્કી કરી શક્યા નથી, જ્યારે શાળાઓમાં વ્યવસ્થા કે સગવડ થાય તો સ્પર્ધા આયોજિત કરી શકાય છે, માટે આપ જો અમદાવાદમાં આવું કાંઈ કરી શકાય એમ વિચારતા હોવ તો એ શક્ય થઈ શકે એમ છે, અમે વડોદરામાં પણ હવે આ કાર્ય શરૂ કરવાની વ્યવસ્થા કરવામાં છીએ.

   આભાર,

   જીજ્ઞેશ

 • Raj Adhyaru

  ગાંધિજી ની દુરંદેશી આજે પણ એટલી જ યથાથ્ર્ છે. આપ્ણી અંગ્રેજી માદ્યમ્ ની દોડ આપણાં બાળકો ને વિચારવા નો સમય પણ નથી આપતો….રાજ

 • alhaj said

  બ્ વ જ સર સ્
  Barko mate eik pustak nathi martu.
  Hun jyare nano hato tyare mara mama ye eik pustak apelu. te katha etle warta nu mustak hatun, 50 warsh pahela.
  Jo te pustak martu hoi to janawwa vinati karu chu.
  Ane na martu hoi to fari thi gotine chapawsho.
  Nam che KATHA SARIT SAGAR
  SANGRAH KARNAR ATHWA LEKHAK= ITCHARAM SURYARAM DESAI CHE
  CHAPAWNAR CHE = GUJRATI PRINTING PRESS MUMBAY.ABHAR alhajsaid