( શ્રી બકુલ ત્રિપાઠીનો હાસ્યકથા સંગ્રહ “શેક્સપિયરનું શ્રાદ્ધ” એ નામે ૧૯૯૪માં પ્રસિદ્ધ થયેલો, કુલ ૨૫ હાસ્યલેખોના આ અનેરા ખડખડાટ સંગ્રહમાં વિષયશિર્ષકો પણ એવા જ અનેરા છે, જેમ કે, વાટકી-એક રહસ્યકથા, પિનાક વિનાના પિનાકપાણી, કવિતાનું શું થયું, ડોક્ટર થર્મોમીટર ગળી ગયા વગેરે. આજે આ હાસ્યસંગ્રહમાંથી માણીએ એક પ્રતિવાર્તા, નવો મગર અને નવો વાંદરો. )
એક તળાવને કિનારે એક જાંબુનું ઝાડ હતું. જાંબુના ઝાડ પર એક વાંદરો રહેતો હતો.
વાંદરો રોજ જાંબુ ખાય અને ઠળિયા તળાવમાં ફેંકે. (વાંદરો આધુનિક એબ્સર્ડ લેખક હોત તો રોજ ઠળિયા ખાત અને જાંબુ તળાવમાં ફેંકત … પણ વાંદરો સમજદાર હતો; કારણકે એ વાંદરો હતો.)
તળાવમાં એક મગર અને મગરી રહે. (વાંદરો પરણેલો ન હતો. હમણાંજ કહ્યું તેમ વાંદરો સમજદાર હતો ને !)
મગર રોજ જાંબુના ઠળિયા મગરી માટે લઈ જાય. બંને ઠળિયા ખાય અને મજા કરે.
મગર સંતોષી હતો.(કારણ એ પરણેલો હતો, અને જાણતો હતો કે જો મહેનત કરીને કંઈક નવું લાવશે તો અડધો અડધ ભાગ તો મગરીને જ આપી દેવો પડશે…)
પણ મગરીને નવી નવી ચીજોનો શોખ ઘણો. (કારણ એ પરણેલી હતી અને જાણતી હતી કે એનું કામ પતિ પાસે નવી નવી માગણીઓ કરવાનું જ છે, મહેનત મજૂરી કરવાનું કામ તો પતિનું છે.)
એકા દિવસે મગરીએ મગરને કહ્યું, “સાંભળો છો કે ?”
સામાન્ય રીતે જ્યારે જ્યારે મગરીઓ “સાંભળો છો કે?” કહે છે ત્યારે સાંભળ્યું નથી એમા કરવાનો શાણા મગરોનો રિવાજ છે. તેમા મગરે ના સાંભળ્યા જેવું કર્યું.
‘કહું છું સાઁભળો છો કે?’ મગરી એ ફરીથી મોટેથી કહ્યું. છેવટે મગરે કહેવું પડ્યું, ‘હે? મને કંઈ કહ્યું?’
‘હાસ્તો, તમને નહીં તો બીજા કોને ?’ મગરીએ કહ્યું. ‘હું એમ કહેતી હતી કે, જોયું! આ ઠળિયા આટલા મીઠા છે તો રોજ જાંબુ ખાનાર વાંદરાનું કાળજું કેટલું મીઠું હશે! મને વાંદરાનું કાળજું લાવી આપો.’
મગર મૂંઝાયો. મગર જાણતો હતો કે વાંદરાનું કાળજું લાવવું સહેલું નથી. જેને જેને નોકરીમાં શેઠ પાસે પગારવધારો માગવાનો અનુભવ છે કે ધંધામાં કમાણી વધારવી કેટલી અઘરી છે તેનો ખ્યાલ છે, એ સમજે છે કે આપણને જે કંઈ મળતું હોય એનાથી વધારે કંઈ પણ મેળવવું કેટલું અધરું છે. મગર આ જાણતો હતો પણ ઘરમાં રહીને મગરીની કચકચ સાંભળવી એના કરતાં બહાર ફર્યા કરવું સારું! એમ વિચારી ‘હા, સારું’ કહી બહાર જવાનું એણે ઠરાવ્યું.
મગર તો તરતો તરતો જાંબુના ઝાડવાળા કિનારે પહોંચી ગયો. રોજની જેમ વાંદરાએ ઠળિયા ફેંક્યા.
મગરને એક જોષી મગરે કહેલું કે આજે તમારો ‘લકી ડે’ છે, નસીબવંતો દિવસ છે એટલે મગરને હિંમત આવેલી. એથી એણે વાંદરાને કહ્યું, “વાંદરાભાઈ, વાંદરાભાઈ, અમને રોજ રોજ જાંબુના ઠળિયા ખવડાવો છો, તો અમારી એવી તીવ્ર ઈચ્છા છે કે તમે પણ એક દિવસ અમારે ઘેર જમવા આવો.”
વાંદરાએ પૂછ્યું; “હું પાણીમાં કેવી રીતે આવી શકું?”
મગરે કહ્યું; “હું તમને મારી પીઠ પર બેસાડીને લઈ જઈશ.”
વાંદરાએ કહ્યું; “ઠીક, હું વિચાર કરીને કાલે કહીશ.” બીજે દિવસે મગર વાંદરા પાસે ફરીથી આવ્યો. ફરીથી કહ્યું કે “મગરીને તમને જમાડવાની ઘણી ઈચ્છા છે અને એ તમને ઘણું ઘણું સંભારે છે, માટે તમે જરૂર જમવા આવો જ આવો. મગરીએ કહ્યું છે કે મારે તમને સાચવીને લઈ જવા.’
આ પછી વાંદરાએ શું કર્યું હશે તે સુજ્ઞ વાચકો સમજી ગયા હશે. વાંદરો તરત જ ઠેકીને ઝાડ પરથી નીચે આવ્યો, અને મગરની પીઠ પર બેસી ગયો. (મનુષ્યમાં ઘણું ખરું અત્યારે ભોજનનું નિયંત્રણ આપતાં નીચે પત્નીનું નામ પણ લખે છે તે શા માટે તે હવે તમને સમજાઈ ગયું હશે.)
વાંદરો તો ભાઈ, પછી છે ને તે, કુદીને મગરની પીઠ પર જઈને બેઠો. મગર એને તળાવની વચ્ચે લઈ ગયો. તળાવની વચ્ચે વાંદરાને લઈ જઈને મગરે કહ્યું, “વાંદરાભાઈ, મગરીને તમારું કાળજું જોઈએ છે, માટે હું તમને અહીં લઈ આવ્યો છું.”
વાંદરો કહે “મને ખબર છે. કારણ મેં મગર અને વાંદરાની જૂની વાર્તા સાંભળી હતી મારા દાદાએ મને એ વાર્તા કહેલી. જૂની વાર્તાના વાંદરાભાઈ તે જ મારા દાદાશ્રી.”
મગરે કહ્યું; “વાંદરાભાઈ તમને આની ખબર હતી તો કેમ ઝાડ પરથી નીચે કેમ આવ્યા ?”
વાંદરો કહે, “હું મારા દાદા કરતાં જુદો છું. મારા વખતમાં ફિલ્મો અને ટ્રાન્ઝિસ્ટર છે. અમે બધાં ફિલ્મોની ગીતો ભરી કહાની સાંભળીએ છીએ, અને ફિલ્મી ગીતો ગાઈએ છીએ. તમારી મગરીને મારું કાળજું જોઈતું હશે એ હું સમજી ગયેલો અને એ વિષે મેં મારા મિત્રો જોડે ચર્ચા કરી. અમને લાગે છે કે કોઈ દિલ માગે કે કાળજું માગે ત્યારે ઘડ દઈને આપી દેવું એ દરેક યુવાનની ફરજ છે.”
“પણ વાંદરાભાઈ, તમારો જીવ જશે એનું શું ?”, મગરે પૂછ્યું.
“મારો પ્રાણ જશે એ વાત ખરી, પણ મગરીને ખાતર જશે ને તમારી રૂપવંતી મગરીની આ માગણી અને એ માટેની મારી અદભુત જાન – ફસાનાની વાત અમર થઈ જશે. મજનૂ અને ફરહાદની જેમ તથા કેટલીક જૂની ફિલ્મોના હીરો દિલીપકુમારની જેમ હું પ્રખ્યાત થઈ જઈશ.”
મગર કહેઃ “તમારી ભાવના હું સમજી શકું છું, કારણ હું તળાવના કિનારે બેઠેલા લોકો પાસેથી ટ્રાન્ઝિટર પરનાં ફિલ્મી ગીતો સાંભળું છું. એટલે મારે તમારા ધ્યાન પર લાવવું જોઈએ કે મજનૂ અને ફરહાદ કોઈની પત્ની પર ખુવાર નહોતા થયા.”
વાંદરાએ ખુમારીથી કહ્યું “એ વાત ખરી પણ એ લોકો જૂના જમાનાના હતા, જ્યારે હું નવા જમાનાનો મજનૂ છું.”
આ આઘુનિક મજનૂથી મગર ચેતી ગયો !
મગરે કહ્યું ” હવે તો તને મારે ઘેર નહીં લઈ જઉં.”
વાંદરો કહે “મગરી તને વઢશે?”
મગર કહે ” તું તારું કાળજું ઝાડ પર મૂકીને આવ્યો હતો એવું બહાનું કાઢીને મગરીને કહીશ કે તું ઝાડ પર પાછો ચાલ્યો ગયો.”
“કાળજું ઝાડ પર મૂક્યાનું કહેવાની વાંદરાની યુક્તિની એ વાત તને ક્યાંથી ખબર ?” વાંદરાએ આશ્વર્યથી કહ્યું.
મગર કહે ” મેં વાંદરા અને મગરની જૂની વાર્તા મારા દાદા પાસેથી સાંભળી છે. મારા દાદાએ મને કહેલી જૂની વાર્તાનો મગર એ મારો દાદો થાય.”
વાંદરો કહે “મગર, તારે મને મગરી પાસે લઈ જવો જ જોઈએ. મારે ઈતિહાસમાં અમર થઈ જવાની આ જ તક છે.”
મગર કહે “હું તને નહીં જ લઈ જઉં. ઝાડ પર કાળજું લટકાવ્યું છે એવું બહાનું કાઢીને તું હૂપ કરીને પાછો ઝાડ પર ચઢી જા.”
વાંદરો કહેઃ “મગરી એ વાત માનવાની નથી, કારણ એણે પણ વાંદરા અને મગરની જૂની વાત સાંભળી હશે.”
મગરે કહે “ના, એણે નથી સાંભળી. મારા દાદાએ કહેલું કે આપણા ખાનદાનની બેવકૂફીની વાતો નવી વહુને કહી નાખવી નહીં, એટલે મેં એ વાત મગરીને કદી નથી કહી. માટે તું હવે હૂપ કરીને ઝાડ પર જતો રહે. હું મગરીને કહીશ કે વાંદરો કાળજું ઝાડ પર છે કહીને જતો રહ્યો.”
વાંદરો કહે “હું બેવફા પ્રેમી બનવા નથી ચાહતો.”
મગર ઘણું ચિડાયો. એને થયું કે હમણાં જ વાંદરાને ડુબાડી દઉં. પણ તરત વિચાર આવ્યો કે તો તો વાંદરાની અને મગરીની વાત બધે ફેલાશે. વાત ખોટી છે, પણ બધા ખરી માનશે. પછી તો એ દંતકથા બની જશે અને ભવિષ્યમાં કદાચ કોઈ પ્રોડ્યુસર એ વાત પરથી ” દિલ દિયા, જાન દિયા” , કે “મરકે ભી હમને મોહબ્બત તો કિયા” કે એવી કોઈ ફિલ્મ પણ ઉતારી નાખશે….”
એટલે મગરે કહ્યું કે “તારે ઝાડ પર પાછા જવું જ પડશે.”
વાંદરો કહે ” ના, નહીં જાઉં. !”
હે વાચકો ! આ અંગે હવે આગળ શું કરવું તે બાબત મગર, વાંદરો અને લેખક પણ મૂંઝાઈ રહ્યા છે. મગરને લાગે છે કે એના કરતાં પ્રાચીન મગરો સુખી હતા. વાંદરાને લાગે છે કે પહેલાંના વાંદરાઓ આજના કરતાં વધારે નસીબદાર હતા. અને લેખકને લાગે છે…. પહેલાંના જમાનાના મગરો અને વાંદરાઓ સારા હતા કે ટ્રાન્ઝિસ્ટર પર ફિલ્મી વાર્તાઓ નહોતા સાંભળી શકતા.
વાંચકો મદદ કરશે ? ક્રાઈસિસ ઉભી થઈ ગઈ છે ! અહીં આ બાજુ વાંદરા અને મગરની ચર્ચાનો નિકાલ આવતો નથી, અને ત્યાં પેલી મગરી રાહ જોઈને બેઠી છે..!
વાર્તાનો સાર – કશુંય કામ કરતાં પહેલાં યાદ રાખવું કે હવે સમય પહેલાં જેવો રહ્યો નથી. હવે સમય ઘણો બદલાઈ ગયો છે !
બિલિપત્ર
એક ચાલાક માણસ જે વાત સાંભળે છે તેની અડધી જ વાતને સાચી માને છે, અને બુધ્ધિશાળી જાણે છે કે કઈ અડધી વાત…..
વાંચીને ખુબ જ મજા પડી..
જરુર વાન્ચ જો ખરેખર મજા ની વાર્તા છે.
બહુજ સુન્દર વાર્તા. આગહ વધો.અમને નવુ પીરસતા રેજો.
BIJI GUJARATI SITES KARTA LEAD KARVU HOY TO AAM J DAREK VAKHTE KAI NE KAI NAVINYA AAPVU PADASE. TO J LOKO NE LAGSE YOU MAKE THE “DIFFRENCE”!!!!!!!!
koi problem nahi vandarabhai pehla tame magri sathhe lagan karjo, aa wat sabhali ne vandara bhai to pal pase awata j kudi gaya ane e natha
ઃ-)