અખિલ બ્રહ્માંડમાં એક તું માંદગી – જ્યોતીન્દ્ર દવે 8


{ જ્યોતિન્દ્ર દવે આપણી ભાષાના સીમાસ્તંભ રૂપ હાસ્યકાર છે, તેમની ડંખ કે કટુતા વગરની સરળ અને સુંદર રચનાઓ હાસ્યરસનું નવનીત છે, એમની રચનાઓ ખૂબ વંચાય છે. પ્રસ્તુત રચનામાં તેઓ પોતાની માંદગી અને શરીર વિશે ઠેકડી ઉડાડતા જોવા મળે છે, પોતાના નબળા શરીર અને ઓછા વજન વિશેની તેમની સમજણ અને તે અંગેનું વિચાર અવલોકન ખરેખર દાદ માંગી લે તેવું છે. પોતાની શારીરિક નબળાઈઓને અને માંદગીઓ સાથેના સત્તત સંબંધને તેઓ હાસ્યરસમાં તરબોળ કરીને આપણી સમક્ષ મૂકે છે, નરસિંહ મહેતાના પદની પ્રતિરચના “અખિલ બ્રહ્માંડમાં એક તું માંદગી, જૂજવે રૂપે અનંત ભાસે….” પણ કેટલી સચોટ ઉપયોગ કરી છે ! આખોય લેખ આવી જ સહજતા – સરળતાને લીધે માણવાલાયક છે.

આ લેખ શ્રી જ્યોતિન્દ્ર દવેના આત્મકથાત્મક નિબંધ “વ્યતીતને વાગોળું છું” માંથી સાભાર લેવામાં આવ્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો આ મુજબ છે – પ્રકાશક ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ, પાન : 76. કિંમત રૂ. 40. }

એક વાર મારા માતામહ સંધ્યાપૂજાપાઠ આદિથી પરવારી આસન પર બેઠા હતા ત્યાં મારી માતા જઈ પહોંચી. થોડી વાર મારી માતા સામે જોઈને મારાં માતાને મારા માતામહે પૂછ્યું ‘દીકરી, તારાં બધાં જ બાળકો પૂનમને દહાડે પાછા થયાં એ સાચું ને?’

‘હા, બધાં જ પૂનમને દહાડે ગયાં. બધાં જ ગયાં – કોઈ ના રહ્યું.’ મારી માતાએ આંસુ લૂછતા કહ્યું.

‘આમ જો, આંસુ લૂછી નાખ. હમણાં જ હું ચંડીપાઠ કરી રહ્યો ને એકાએક મારા મનમાં ઊગી આવ્યું કે તને કોઈ પણ રીતે માતાનો કોપ નડે છે. તું અત્યારે જ પ્રતિજ્ઞા લે કે ‘હવે જો બાળક અવતરે ને જીવતું રહે તો ઘરમાં માતાની સ્થાપના કરીશ ને નવરાત્રી કરીશ.’ તું જીવે ત્યાં સુધી ને તે પછી બાળક જીવતું રહે ત્યાં સુધી ઘરનાં કોઈકે પણ નવરાતર કરવાનાં.

મારી માતાએ સંતતિના લોભે એ કઠિન પ્રતિજ્ઞા લીધી. અને બીજે દિવસે હું જન્મ્યો અને તે પણ નવરાત્રીના આઠ દિવસ ઉપવાસ કરીને આસો સુદ નોમે મારી માતાં એ પારણાં કર્યા તે દિવસે.

આમ દિવ્યલોકોની માતાએ કૃપા તો કરી પણ આ પાર્થિવલોકની મારી માતા માંદગીમાં પટકાઈ. એ માંદગી એવી ભયંકર ને એટલી લાંબી નીવડી કે બાળક માટેના જીવનનું એકમાત્ર પ્રાણપદ ત્તત્વ – માતાનું દુઘ મને ન મળવાથી મારું તેમજ મારી માતાનું જીવન ટકી શકશે કે નહિ તે વિષે ઘરનાં બધાં ખૂબ ચિંતાતુર બન્યાં.

મને માતાનું દુઘ મળે અમ હતું નહિ એટલે બીજી કોઈ વ્યવસ્થા કરવાની જરૂર પડી. તે વેળા ડબાનું દૂઘ મળતું નહિ. એટલે કોઈક દૂઘમાની અર્થાત ધાવની ગોઠવણ કરવાની રહી.

બહુ પ્રયત્નને અંતે એવી એક ધાવ, ગોલાની જ્ઞાતિમાંથી મળી. એ કદાચ મારામાં ગોલાનો એક ગુણ આવ્યો છે – ‘ગોલાલડાઈ’ કરવાનો. ગોલાલડાઈ એટલે ખોટાખોટા લડવાનું – લડવાનો દેખાવ કરવાનો. પરંતુ હું એને ને એનું દૂઘ મને માફક આવ્યાં નહિ. એ કાળથી જ, એટલે જન્મના સમયથી જ, દુગ્ધદ્રેષ મને લાગુ પડ્યો. આજે ચુંમોતેરની ઉંમરે પણ દૂઘ મને માફક આવતું નથી. નર્યું દૂઘ, ગળ્યું હોય તો પણ મને ભાવતું પણ નથી અને ફાવતું પણ નથી. પણ ગળ્યા દૂઘનો બીજો પ્રકાર આઈસ્ક્રીમ મને ભાવે પણ છે ને ફાવે પણ છે.

મારા જન્મકાળે કદમાં હું બહુ બહુ જ નાનો હતો. માના ખોળામાં સૂતો હોઉં ને કોઈ આવે તો તેને મારી માતાનો ખોળો માત્ર દેખાય, હું દેખાઉં નહિ. અસ્તિત્વ અચૂક, પણ માનવદ્રષ્ટિને માટે અદ્રશ્ય એવું બાહ્મી સ્વરૂપ મારું હતું.

અને નવજાત શિશુંનું વજન કરવાનો તે સમયે રિવાજ નહોતો. એટલે મારું વજન કેટલું હતું કોઈ જાણતું નહિ. પણ હતું ખરું એ સૌ જાણતાં અને એટલાથી એમને સંતોષ થતો.

આજે મારું કદ અને મારું વજન બંને હોવા જોઈએ તે કરતાં ઘણાં ઓછાં છે. પણ એથી હું દિલગીર થતો નથી. સમગ્ર રીતે જોતાં એ બંને બાબતમાં મેં બહુ ધીમી ને બહુ થોડી પણ પ્રગતિ જ કરી છે.

કેટલાક વેપારીઓ થોડે નફે બહોળો વેપાર, કેટલાક બહોળે નફે થોડો વહેપાર ને કેટલાક બહોળે નફે બહોળો વેપાર ખેડે છે. મેં વજન ને કદના વિષયમાં થોડે નફે થોડો વેપાર ખેડ્યો છે.

હું જન્મ્યો ત્યારે મારાં જે વજન ને કદ હતાં તે કરતાં એ બંને આજે વધારે – ઘણાં વધારે છે. ભલે વચ્ચેના કાળમાં એમાં જે વૃદ્ઘિ થયેલી તે આજે ટકી રહી નહિ હોય. પણ જે વજન ને કદની મૂડીથી મેં જીવનવ્યાપાર શરૂ કર્યો હતો તે મૂડીમાં આજે વઘારો જ થયો છે.

અને વજન વધારવાના પ્રયોગો મેં નથી કર્યાં એમ પણ નહિ. પણ એ વાત કોઈ બીજે પ્રસંગે.

આ કદ,આ વજન, યોગ્ય સમયે યોગ્ય પ્રમાણમાં દૂઘ મળવાની મૂશ્કેલી અને મારા પુરોગામી ભાંડુઓએ જન્મ્યા પછી પાછા ચાલી જવાની પાડેલી પ્રણાલિકા – આ સૌ કારણોને લીધે મારું જીવતર લંબાશે એ વિશે સૌને મનમાં સંદેહ રહેતો અથવા કોઈ સંદેહ રહેતો નહિ. લગભગ સૌ નિશ્વિતપણે માનતાં હતાં કે આ બાળક બહુ બહુ તો વરસ બે વરસ કાઢશે તે પણ દુઃખે પાપે.

અને કદાચ બધાંને બિવડાવવા માટે મારા અજ્ઞાત માનસે નક્કી કર્યું હોય કે આ બધાં છાણપાણી લઈને બેઠા છે તો એ બધાંને જરા જરા ચમકાવતાં રહેવું કે ચાલો તૈયાર થઈ જાઓ તમારાં છાણપાણી બધું લઈને, વખત આવી રહ્યો છે. હવે આ પોયણું થોડા જ વખતનું મહેમાન છે. ચાલો સાબદાં થઈ જાઓ.’

અને એમને આમ ચમકાવવા માટે જાતજાતની માંદગી રૂપે એણે અભિવ્યક્ત થવા માંડ્યું. ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે’ એમ પૂર્વે નરસિંહ મહેતાએ ગાયું હતું. નરસિંહ મહેતાની જ જ્ઞાતિના આ નાગર બ્રાહ્મણ ના શરીર માટૅ પણ એના જેવી જ પ્રભાતિયાની પંક્તિ તૈયાર થઈ ગઈઃ.’અખિલ બ્રહ્માંડમાં એક તું માંદગી, જૂજવે રૂપે અનંત ભાસે.’

નાના પ્રકારનાં રૂપો ધારણ કરી નાના પ્રકારની ચેષ્ટાઓ આદરતી માંદગીએ મારા શરીરનો કબજો લીધો. ‘એક મટે ને બીજી થાય’ એમ કો’કે પોતાના માટે કહ્યું છે પણ મારી બાબતમાં તો, મારા એક મિત્ર એક સિગારેટ પૂરી થાય તે પહેલાં જ બીજી સિગારેટ સળગાવીને મુખમાં મૂકે છે. ને થોડો વખત બબ્બે સિગારેટ ને તેની ધૂમ્રસેરો વડે એમનું મુખ દીપ્ત થઈ રહે છે, તે જ રીતે મારું શરીર પણ એક સાથે બબ્બે માંદગી વડે શબ્દશઃ દીપ્ત- પ્રદીપ્ત થઈ રહેતું.

હવે છેક નાનકડું શરીર, મોટી મોટી માંદગીના એકસામટા હુમલા સામે કેટલો વખત ટકી શકશે?

કેટલો વખત?

– જ્યોતીન્દ્ર દવે

બિલિપત્ર

તમે ક્યાં દેશને દોરી ગયાં? સંસ્કારસ્વામીઓ ?
ઋજુ, ભોળાં શિશુ ખંજરની ભાષા બોલવા લાગ્યાં !
– મુસાફિર પાલનપુરી


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “અખિલ બ્રહ્માંડમાં એક તું માંદગી – જ્યોતીન્દ્ર દવે