મૂંઝવણમાંથી માર્ગ – ઈ. એફ. શૂમાખર, અનુ. જયન્ત પંડ્યા


[ શ્રી શુમાખર આ જમાનાના પ્રાજ્ઞ પુરુષ હતા. પ્રાજ્ઞ એટલે દૂરનું જોઈ શકે એટલું જ નહિં પણ તેમાં રહેલા સારસારને આપણા હાથમાં મૂકી શકે. પોતે જાણીતા અર્થશાસ્ત્રી પણ તેમણે અર્થનો અનર્થ ન થઈ જાય એ માટે વૈજ્ઞાનિક વિચારણાઓ કરી. અમેરિકાના પ્રમુખ કાર્ટર તેમના પુસ્તક ‘નાનું તે રૂડું’ ઉપર ફિદા હતાં. શૂમાખરનું આ પુસ્તક જીવનદર્શનનું, બુધ્ધિપૂર્વકની તત્વચર્ચાનું પુસ્તક છે. આટલા નાના પુસ્તકમાં આટલું બધું અર્થવાહક સત્ય તે વળી કેમ સમાવી શક્યા તેનું આશ્ચર્ય થાય પણ તત્વદર્શી ઋષિઓને શું શક્ય નથી? ભાષા વિચાર તેમની પાસે બાલવત આવીને બેસે છે. તો નિરીક્ષકના પૂર્વ તંત્રી શ્રી જયંત પંડ્યાનો અનુવાદ ખૂબ સુંદર છે. અને એટલે જ આ પુસ્તક એક ગુરૂની ગરજ સુપેરે સારે છે. પ્રસ્તુત લેખ પુસ્તકના નિચોડ રૂપ અંત્યકથન છે અને લેખના અંતે તેની અંગ્રેજી આવૃત્તિ ઓનલાઈન વાંચી શકાય તેની લિંક આપી છે જે ઉપયોગી થશે.]

ડિવાઈન કૉમેડીમાં, ડેન્ટી જ્યારે જાગ્યો અને પોતાની જાતને તેણે, જ્યાં જવા માગતો ન હતો એવા ભયાનક અને નિબિડ અરણ્યમાં જોઈ ત્યારે, પર્વતના શિખરે આરોહણ કરવાની તેની શુભ દાનત કશા કામમાં ન આવી; પાપીપણાની વાસ્તવિકતા પૂરેપૂરી પિછાણવા માટે પહેલાં તો તેને દોખજ – ઈન્ફર્નો – માં ઉતરવું પડ્યું. આજના આધુનિક જગતમાં વસ્તુઓની જે ખરેખરી હાલત છે તેના દોખજનો સ્વીકાર કરનારા લોકોને વિનાશના દ્રષ્ટાઓ, નિરાશાવાદીઓ એવું એવું કહીને ઊતારી પાડ્વામાં આવે છે. ડેન્ટીનાં, તેમ જ વર્તમાન સમાજરચનાનાં, એક સરસ વિવેચક ડોરોથી સેયર્સ જે કહેવાનું છે તે આ પ્રમાણે છેઃ

ઈન્ફર્નો – દોખજ – એ પાતક અને ભ્રષ્ટાચારમાં પડેલા માનવસમાજના ચિત્ર સિવાય, અન્યથા, કંઈ નથી એ વાતમાં બહુ સંમત થશે. અને આજે જ્યારે આપણને લગભગ ખાતરી થઈ ચૂકી છે કે સમાજની સ્થિતિ વરવી છે અને તે પરિપૂર્ણતાની દિશામાં આગળ જઈ રહ્યો નથી ત્યારે, ભ્રષ્ટાચારની ઊંડી ગર્તામાં લઈ જનારો પગથિયાં કયાં છે તે ખોળી કાઢવાનું કામ ધણું સહેલું છે. નિરર્થકતા, વ્યર્થતા, નૈતિક શિથિલતા, અકરાંતિયો ઉપભોગવાદ,આર્થિક – બેજવાબદારી, નિરંકુશ મિજાજ, સ્વકેન્દ્રી અને હઠાગ્રહી, વ્યક્તિવાદ, હિંસા, વંધ્યતા, જીવન તથા સંપતિ પ્રતિ અનાદર, જાતીય વૃતિઓનું શોષણ, પ્રચાર તેમ જ વિજ્ઞાપન દ્રારા ભ્રષ્ટ થતી ભાષા, ધર્મનો વ્યાપાર, વહેમનો ઉછેર, ઉત્તેજના અને જાતજાતનાં ‘વશીકરણો’ થી લોકમાનસને બીબાંઢાળ બનાવવાની કામગીરી, જાહેર જીવનમાં માણસોની ખરીદી અને દોરી સંચારથી નચવવાની પ્રવૂતિ, દંભ, ભૌતિક વસ્તોમાં અપ્રામાણીકતા, બૌદ્ધિક નિષ્ઠાનો અભાવ, પોતાના લાભને માટે ( વર્ગ સામે વર્ગમાં, રાષ્ટ્ર સામે રાષ્ટ્રમાં) દુર્ભાવનું સર્જન, પ્રત્યાયનનાં તમામ સાધનોને બોદાં કરીને તેમનો કરવામાં આવતો વિનાશ, લોકોની હીનતમ અને અણધડ લાગણીઓનો બહેકાટ, સગપણનાં, સ્વદેશની, પસંદ કરેલી મૈત્રીનાં અને પ્રતિજ્ઞાબદ્ધ વફાદારીનાં મૂળભૂત તત્વોનો દ્રોહઃ આ બધાં, સમાજને ઠંડગાર મોત તરફ અને તમામ સભ્ય સંબંધોને ટૂંપો દેવા તરફ માનવજાતને દોરી લઈ જનારાંના બહુ સહેલાઈથી જોઈ શકાય તેવાં પગથિયાં છે.

કેન્દ્રોત્સારી સમસ્યાઓની કેવી તે હારમાળા ! છતાં હજૂ પણ લોકો ‘નિરાકરણો’ માટે બુમરાણ મચાવ્યા કરે છે અને તેમને જ્યારે એમ કહેવામાં આવે કે સમાજની પુનઃપ્રતિષ્ઠા બહારથી આયાત થવાની નથી, બલકે અંદરથી ઉગાડવાની છે ત્યારે તેઓ રોષે ભરાય છે. ઉપરનો ફકરો લખાયાને પા સદી કરતાં વધારે વખત થયો. તે દિવસથી જે પ્રગતિ થઈ રહી છે તે તો ઢોળાવ તરફની છે અને તેથી જ દોખજનું વર્ણન વધારે પરિચિત લાગે છે.

પરંતુ કેટલાક વિધાયક ફેરફારો પણ થયા છેઃ પુનઃપ્રતિષ્ઠા અંદરથી થવી જોઈએ એવું કહીએ ત્યારે કેટલાક લોકો હવે ગુસ્સે નથી થતા; બધું ‘રાજકારણ’ છે અને સભ્યતાને બચાવવા માટે ‘પ્રથા’ની ઉદ્દામ પુનર્વ્યવસ્થા કારગત નીવડશે એવી, પચીસ વર્ષ પહેલાં ઝનૂનથી પકડી રાખવામાં આવતી માન્યતા આજે એ રીતે પકડી રાખવામાં આવતી નથી; આજના જગતમાં સર્વત્ર નવી જીવનશૈલી અને સ્વૈચ્છિક સાદાઈના પ્રયોગો થાય છે. ભૌતિક વિજ્ઞાનવાદનો હુંકાર ઓસરવા માંડ્યો છે અને ઈશ્વર ઉલ્લેખ ભદ્ર સમાજમાં કેટલીક વાર સહી લેવામાં આવે છે. આમાંનું કેટલુંક પરિવર્તન આધ્યાત્મિક આંતરસૂઝમાંથી પ્રગટેલું નથી પરંતુ, પર્યાવરણની કટોકટી, બળતણની કટોકટી, અન્ન કટોકટીનો ભય અને આવનારી સ્વાસ્થ્યની કટોકતીના સંકેતો સમી ભૌતિક ભીતિઓમાંથી પ્રગટેલું છે. આ તથા આવા અનેક પડકારોની સામે, ઘણા લોકો હજુ ‘ટેકનોલોજીની પકડ’ માં શ્રદ્ધા રાખવાનો પ્રયત્ન કરે છે. તેઓ કહે છે કે, આપણે જો મિશ્ર- ઊર્જા વિકસાવી શકીઓ તો બળતણની સમસ્યા ઊકેલી શકાશે. તેલનો ખાદ્ય પ્રોટીનમાં ફેરવવાની પ્રક્રિયા પરિપૂર્ણ કરીએ તો દુનિયાની અન્ન સમસ્યા નિવારી શકાશે અને નવી દવાઓની શોધથી સ્વાસ્થ્યની ગમે તેવી કટોકટી ને અવશ્ય ટાળી શકાશે…વગેરે.

આમ છતાં આઘુનિક માણસ સર્વશક્તિમાન છે એવી શ્રદ્ધા પાતળી પડતી જાય છે. બધી નવી સમસ્યાઓ ટેકનોલોજીની પકડથી ઉકેલવામાં આવે તો પણ નિરર્થકતાની, પરતંત્રતાની અને ભ્રષ્ટાચારની સ્થિતિ જવાની નથી. હાલની કટોકટી ઘેરી બની તે પૂર્વે પણ આ સ્થિતિ હતી, અને આપમેળે એ જવાની નથી. વધારે અને વધારે લોકોને હવે ભાન થતું જાય છે કે, ‘આધુનિક પ્રયોગ’ નિષ્ફળ ગયો છે. શરૂઆતમાં એ પ્રયોગને, દેકાર્તની કહેવાતી, ક્રાંન્તિનું બળ મળ્યું હતું અને જેણે દુર્નિવાર તર્કથી માણસને તેની માનવતા સાચવી રાખે તેવા ઉચ્ચતર સ્તરોથી વિખૂટો પાડ્યો હતો. માણસે પોતે જ પોતાના માટે સ્વર્ગનાં દ્રાર બંધ કરી દીધાં હતાં. અને પોતાની તમામ શક્તિ તથા તળપદીવૂત્તિઓથી પૃથ્વી ઉપર બંધાઈ રહેવાનું પસંદ કર્ય્ં હતું. હવે એને લાગવા માંડ્યું છે કે પૃથ્વી એ તો વચગાળાની સ્થિતિ છે અને સ્વર્ગ જવાના ઈન્કારનો અર્થ અનિચ્છાએ નર્કમાં જવાનો થાય છે.

દેવળો વિના જીવવાનું શક્ય છે એમ કલ્પી શકાય છે પરંતુ ધર્મ વિના – એટલે કે ‘સામાન્ય જીવનનાં ‘ સુખદુઃખ , વાસના અને તૃપ્તિ, સ્વચ્છતા અને કુવડપણું એ જ કાંઇ હોય તેનાં કરતાં, ઉચ્ચતર સ્તરો સાથે અનુબંધ જોડવા – વિકસાવવાના પદ્ધતિસરના કાર્ય વિના – જીવવું શક્ય નથી, ધર્મ વિના જીવવાનો પ્રયોગ નિષ્ફળ ગયો છે એવું એક વાર સમજી લીધા પછી આપણું ઉત્તર આધુનિક કર્તવ્ય શું છે તેની સૂઝ પડવા માંડશે. ધણી મોટી સંખ્યામાં (ભિન્ન ભિન્ન વયના) જુવાનો યોગ્ય દિશામાં મીટ માંડી રહ્યા છે એ બહુ સૂચક છે. કેન્દ્રાભિસારી સમસ્યાઓનાં નિત્યનાં સફળ નિરાકરણો હવે ખપનાં રહ્યાં નથી એવું તેઓ તેમના લોહીમાં અનુભવે છે એટલું જ નહીં પણ જીવનના હાર્દરૂપ કેન્દ્રોત્સારી સમસ્યાઓનો મુકાબલો કેમ કરવો, તેમની સાથે કેમ બાખડવું તે શીખવામાં એ અંતરાયરૂપ છે એમ તેમને લાગે છે.

ખરાબમાંથી સારી વસ્તુ નિપજાવવી એ જ જીવન જીવવાની કલા છે. આપણને જો આટલી ‘જાણ’ હોય કે આપણે ખરેખર એવા નર્કાગારમાં સરી પડ્યા છીએ કે જ્યાં ‘સમાજના ઠંડા મોત સિવાય, બધા સબ્ય સંબંઘોના અંત સિવાય બીજું કશું આપણી રાહ જોઈ રહ્યું નથી’ તો જ ‘ઘૂમ જાઓ’ કરવા માટેનું આવશ્યક બળ અને કલ્પના આપણે ભેગાં કરી કરીશું. જે જગતમાં માણસો વસ્તુઓ વિશે સતત બોલતા રહેતા હોય પણ તેને પ્રાપ્ત કરવામાં નિષ્ફળ જતાં હોય તેવી સ્થિતિમાંથી, ખરેખર સિદ્ધ કરી શકાય એવા નવતર પ્રકાશમાં, ઉક્તસ્થિતિ, જગતને મૂકી આપશે. આ પૃથ્વી આખી માનવજાતને ખવડાવી શકે એટલી ઉદાર છે; પૂથ્વીને નરવી રાખવા જેટલું પર્યાવરણ નું જ્ઞાન આપણી પાસે છે. દરેકને પર્યાપ્ત છાપરું પળી શકે તેટલી જગ્યા અને તેટલાં સાધનો પૃથ્વી ઉપર છે. કોઈને દુઃખમાં રહેવું ન પડે એટલો જરૂરિયાતનો પુરવઠો પેદા કરવાને આપણે પૂરા સમર્થ છીએ. એ બધાંની ઉપર રહેલી આર્થિક સમસ્યા એ કેન્દ્રોત્સારી છે અને તે તો ક્યારનીય ઉકલી ચૂકી છે એવું અંતે આપણે જોઈ શકીશુ; પૂરતી જોગવાઈ કેમ કરવી તેની આપણને ખબર છે. અને તે માટે હિંસક, અમાનુષી, તેમજ આક્રમક ટેકનોલોજીની જરૂર નથી. એક અર્થમાં, આર્થિક સવાલ છે જ નહીં , પહેલાં પણ ન હતો. પરંતુ નૈતિક સમસ્યા અવશ્ય છે જે કેન્દ્રાભિસારી નથી કે જેથી તેનું નિવારણ થઈ શકે અને ભવિષ્યની પેઢીઓ તેને માટેના પુરુષાર્થ વિના જીવી શકે. એ સમસ્યાઓ કેન્દ્રોત્સારી હોઈ તેને સમજવાની અને અતિક્રમી જવાની હોય છે.

આપણે એવી શ્રદ્ધા રાખી શકીએ કે આજના જગતને ઉગારવા પૂરતા લોકો, પૂરતી ત્વરાથી ‘ઘૂમ જાઓ’ કરી શકાશે? ઘણી વાર પૂછાતા આ સવાલનો જે કોઈ જવાબ હશે તે ગેરમાર્ગે દોરનારો હશે. જવાબ ‘હા’ હશે તોતે આત્મવંચનામાં લઈ જશે; જવાબ ‘ના’ હશે તો હતાશા પ્રેરાશે. આ બધી મૂઝવણોને વેગળી મૂકીને કામે લાગી જવું એ જ ઈષ્ટ છે.

(From the translation of A GUIDE FOR THE PERPLEXED by E F SCHUMACHER, આ આખું મૂળ પુસ્તક અહીં ક્લિક કરવાથી તેના અંગ્રેજી સ્વરૂપમાં વાંચી શકાય છે.)

બિલિપત્ર

સુખને નજરમાં રાખ્યા સિવાય ફિલસૂફી
કરવાનું માણસ માટે કોઈ કારણ નથી.
– સંત ઓગસ્ટિન

આપનો પ્રતિભાવ આપો....