(સંકલિત શે’ર) તું બરફની મીણબત્તી – વિજય રાજ્યગુરુ 20


{ વિજયભાઈ રવિશંકર રાજ્યગુરુ સિહોરની મુની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે, પરંતુ તેથી સવિશેષ તો તેઓ એક કવિ, લેખક અને સારા રચનાકાર તરીકેનો કાર્યભાર ખૂબ ખંતથી અને નિષ્ઠાથી નિભાવી રહ્યા છે. તેમના પ્રકાશિત સંગ્રહો “ચાલ પલળીએ!” (૨૦૦૦), “તું બરફની મીણબત્તી” (૨૦૦૩), “અવઢવ” (૨૦૦૫) અને “રૂપેરી વાળ” (૨૦૦૫) તેમની સક્ષમતાઓનો પરિચય સુપેરે આપી જાય છે અને ત્રણેય પ્રકાશનો ખૂબ સુંદર રચનાઓનો ભંડાર છે. પુસ્તક પ્રાપ્ત કરવા માટેનું સરનામુ છે રવિ મંગલ પ્રકાશન, ૪૦, ગૌતમેશ્વર નગર, રાજકોટ રોડ, પુલ પાસે, સિહોર, જીલ્લો ભાવનગર, પીન ૩૬૪ ૨૪૦, ફોન ૦૨૪૮૬-૨૩૧૭૭૦.

“તું બરફની મીણબત્તી” એ શ્રી વિજયભાઈ રાજ્યગુરુની ગઝલોનો સુંદર સંગ્રહ છે. ૧૯૭૭ થી ૧૯૯૦ દરમ્યાન લખાયેલી આ ગઝલો અર્થસભર છે, મનહર છે, છંદબધ્ધ છે અને ભાવકો – ચાહકો દ્વારા ખૂબ પ્રશંશાપ્રાપ્ત છે. ૨૦૦૩ માં પ્રકાશિત આ ગઝલસંગ્રહની ગઝલોના કેટલાક સંકલિત શે’ર આજે પ્રસ્તુત છે. અક્ષરનાદને આ ગઝલસંગ્રહ ભેટ આપવા બદલ શ્રી વિજયભાઈ રાજ્યગુરૂનો ખૂબ ખૂબ આભાર. }

અમે કૈંક જન્મો વટાવીને આવ્યા,
તમે એક ઉંબર વટાવી શક્યાં નહિ !

**

ટેકરીની ટોચ માથે જેમ દેરી હોય છે,
એ રીતે મનના મથાળે તું જ બેઠી હોય છે.

**

મારી કથામાં કોઈ શીરી, હીર કે જુલિયટ નથી,
નહીતર અમે ફરહાદ, રાંઝા રોમિયોથી કમ નથી.

**

અમારા નસીબે તરસ તેં લખી છે અને રણ લખ્યાં,
વિધાતા તને ઝાંઝવાં પી જવાની સજા તો લખે.

**

તારા પ્રણયમાં છું એ ખબર ખાનગી ન’તી,
સૌને ખબર હતી તે તને ક્યાં ખબર હતી?

**

ખંડેર ચોતરફ છે ભવ્ય દ્રારિકા નથી,
મારી પ્રણયકથામાં કોઈ રાધિકા નથી.

**

વાદળીની કોર રૂપેરી બનાવે છે સૂરજ,
એ તને ચીંઘી શકું બસ એટલી ઓકાત છે.

**

પ્રથમ મો મરોડી મને અવગણે છે,
પછી ગળગળી થઈ ગઝલ ગણે ગણગણે છે !

**

તરસી થઈ એ આવશે એવા ખયાલથી,
હું વેદનાના બેઉ કાંઠે ખળખળ્યા કરું…

**

અરીસામાં નહિ મારી આંખોમાં જો,
તું છો એના કરતાં યે રૂપાળી છો.

**

આપ-લેની આપણે કેવી અજબ સમજણ કરી !
મેં હદયનો પ્યાર આપ્યો તેં મને નફરત ધરી

**

રાત આખી મેં કથા મારી કહી,
તેં કહ્યું વારતા સારી કહી!

**

કર્યો પ્રેમ તમને તો ગુનો ગણાયો,
તમે દિલ રહેંસીને છુટ્ટા ફરો છો.

**

કદાચિત ભૂલથી આવી જશો એવાં વિચારોમાં,
અમે ક્યારેય ઘરના બારણાં વાસી નથી શકતા.

અને આ આખાય ગઝલસંગ્રહમાં મને ખૂબ ગમી ગયેલા બે શે’ર….

સમંદરને ભીતરમાં રોકી શકાયા,
જરાં નૈન ભીનાં રહ્યાં – માફ કરજો.

**

દરદ આપનારાની યાદી કરું છું,
બધાં ટેરવે તું ગણાતી રહે છે…


આપનો પ્રતિભાવ આપો....

20 thoughts on “(સંકલિત શે’ર) તું બરફની મીણબત્તી – વિજય રાજ્યગુરુ

  • નીતિન ગજ્જર

    સરસ લખ્યું છે એમ શું કામ કવ
    અને કહ્યા વગર શું કામ રવ
    વિજયભાઈ આપ તો પહેલેથીજ સારું લખતા આવ્યા છે,
    પણ રહી રહી ને મને પણ રંગ લાગ્યો છે
    થોડો અંગત અને થોડી તમારી સંગત
    અને અંતે લઇ લીધી તમારી પંગત

  • Vimesh Pandya

    સાહેબ આપની અનુમતિ વગર એક સાહસ કર્યું છે. મેં તમારો બ્લોગ મારા ફેસબુક ના પ્રોફાઈલ પર લીંક કર્યો છે.

    જો ના કહેશો તો દુર કરી દઈશ.

    પ્રતિભાવ ની રાહ જોવું છુ.

    • AksharNaad.com Post author

      પ્રિય વિમેશભાઈ,

      બ્લોગ કે કોઈ પોસ્ટની આપે ફેસબુક પ્રોફાઈલમાં લીંક કરી એમાં કોઈ પરવાનગીની જરૂર નથી…. એનાથી તો ઉલટું વાંચક મિત્રોનો સમુદાય વિસ્તરશે…. ધન્યવાદ

      જીજ્ઞેશ અધ્યારૂ

  • Vimesh Pandya

    અદભુત….

    ૦૧. રાત આખી મેં કથા મારી કહી,
    તેં કહ્યું વારતા સારી કહી!

    અને

    ૦૨. પ્રથમ મો મરોડી મને અવગણે છે,
    પછી ગળગળી થઈ ગઝલ ગણે ગણગણે છે !

    ૦૩ દરદ આપનારાની યાદી કરું છું,
    બધાં ટેરવે તું ગણાતી રહે છે…

    બધે આવું કેમ થતું હશે….

    અદભુત….અદભુત ….. અને અદભુત…..

  • અજય વ્યાસ

    ૧૯/૦૨/૨૦૧૦. વડોદરા

    શ્રી અધ્યારૂ દંપતિ,

    ગુજરાતી સાહિત્યિક પ્રવૃત્તિ બદલ ખૂબ ધન્યવાદ.

    “અક્ષર નાદ”ની માહિતી “એક કવિ એક સાંજ”ના મિત્રોને આપી રહ્યો છું જેથી તેઓ પણ લાભ લઇ શકે.
    એક કવિ એક સાંજની પ્રવૃત્તિ શ્રી માર્કંડ ભટ્ટ, વડોદરામાં કરી રહ્યાં છે, જેમાં એક કવિને દર મહિને તમના કવિતા પઠન માટે નિમંત્રત છે.

    સસ્નેહ,

    અજય વ્યાસ

  • Raj Adhyaru

    ઘ્ ણા લાંબા સમય પછેી તમારા વાચકો ને તમે આપ્યો મેીઠો આચકો…..

  • Hiral Vyas "Vasantiful"

    વાહ વાહ કહેવાનું મન થાય એવું સંકલન

    “તારા પ્રણયમાં છું એ ખબર ખાનગી ન’તી,
    સૌને ખબર હતી તે તને ક્યાં ખબર હતી?”