“તત્વમસિ” નવલકથા વિશે મારી વિચારયાત્રા – જીજ્ઞેશ અધ્યારૂ 6


(શ્રી ધૃવ ભટ્ટ સાહેબનું સુંદર સર્જન “તત્વમસિ” વિશે મારી વિચારયાત્રા)

શ્રી ધૃવ ભટ્ટની નવલકથાઓ સામાન્ય વાર્તાપ્રવાહ, ઘરેડના બંધનોમાં જકડાયેલા પાત્રો અને સર્વસામાન્ય પૃષ્ઠભૂમી કે સ્થળોનું વર્ણન ધરાવતી રચનાઓથી સર્વથા મુક્ત હોય છે. તેમની નવલકથા અને તેના પાત્રો જીવનના દરેક આનંદને અવસર બનાવી ઉજવતા, સામાન્ય જીવનમાં અસામાન્ય જીવનારા અને શહેરો કે રૂઢીગત જીવનપ્રણાલીથી દૂર વસતા છતાં એક નિશ્ચિત સમાજને, તેના બંધનો અને રૂઢીઓને અનુસરતા અને સમજવાનો પ્રયત્ન કરતા જણાય છે. સામાન્યપણે તેમની નવલકથાઓ એક ચોક્કસ સ્થળ કે સ્વરૂપવિશેષની આસપાસ, તેના વાતાવરણને સુસંગત, તે વાતાવરણમાં વસતા લોકોની આસપાસ વણાયેલી હોય છે. તેમની ખૂબ સુંદર નવલકથા “સમુદ્રાન્તિકે” જ્યાં અમરેલી તાલુકાના વિક્ટર પોર્ટ, જાફરાબાદ, શિયાળબેટ અને સવાઈપીરની આસપાસ વણાયેલી છે, તે સ્થાનોના લોકોની જીવન જીવવાની રીતભાત, પધ્ધતિ અને સૌથી વિશેષ જીવન વિશેની તેમની ફિલસૂફીને વણીને સુંદર પાત્રો સાથેની નવલકથા સર્જી છે તો તેમનું સર્જન એવી નવલકથા “તત્વમસિ” નર્મદા અને તેની આસપાસના વનો, જીવન અને સૌથી વિશેષ એક પાત્રની “પર” થી “સ્વ” સુધીની યાત્રાની વાત આલેખાઈ છે. ૨૦૦૨ માં ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ મેળવનારી આ કથા સહજીવનની કથા છે, માનવની માનવ સાથે, કુદરત સાથે, લોકમાતા નર્મદા જેવી નદી સાથે અને સમગ્ર સંસ્કૃતિ સાથે.

વાત આમ તો એક નદીની છે, તેની આસપાસના જીવનની, સજીવ સૃષ્ટિ અને એમાં સંકળાયેલા તમામ તત્વોની. એક નદીને તમે કેટલા સ્વરૂપે કલ્પી શકો? તે ફક્ત માનવ જીવનને કે બહોળા અર્થમાં તમામ પ્રકારના જીવનને ટકાવી રાખનારી, વિકસાવનારી શક્તિ નથી, તે એક સંસ્કૃતિના પરિવહનનું, પરિપક્વતાનું અને તેની સતત વધતી વિસ્તરતી જીવનગાથાનું અમરગાન છે. માણસે જે દિવસે પ્રથમ વખત નદીને જોઈ હશે તે દિવસથી લઈને આજ સુધી એક નદીથી વધુ જીવનદાયિની કઈ ભાગીરથી હોઈ શકે એ ચિરંતન પ્રશ્નનો ઉત્તર તેને મળ્યો હશે? એના તત્વમાં જીવનનો સાર છે, અને છતાંય તે નિરાકાર છે.

ઋગ્વેદ કહે છે અયમાત્મા બ્રહ્મ (અર્થ આ આત્મા જ બ્રહ્મ છે), યજુર્વેદ કહે છે, અહં બ્રહ્માસ્મિ (અર્થ હું બ્રહ્મ છું), સામવેદ કહે છે તત્વમસિ (અર્થ તે (બ્રહ્મ) તું જ છે), તો અથર્વવેદ કહે છે પ્રજ્ઞાનં બ્રહ્મ (અર્થ જ્ઞાન જ બ્રહ્મ છે). ઋગ્વેદ અને યજુર્વેદ ક્યાંક જીવ અને ઈશ્વર વચ્ચે તાદમ્ય સધાતું દર્શાવે છે, પરંતુ સામવેદ જીવ અને ઈશ્વર વચ્ચેનો એ ભેદ સ્વીકારવાની વાતને નકારતા કહે છે કે તે બ્રહ્મ, તે જીવ કે તે ઈશ્વર, બધુંય તું જ છે.

જો આપણા શરીરનો, જીવનનો સૌથી નાનો સજીવ એકમ કોઈ એક તત્વ હોય, તો આપણી આસપાસના વાતાવરણના વિવિધ પરિબળો, પર્વત, નદી, સાગર, હવા, વૃક્ષો, પવન, સૂર્યપ્રકાશ, પક્ષીઓ, પ્રાણીઓ વગેરે પણ એક તત્વ કહેવાવા જોઈએ. સજીવ ગણી શકાય તેને પણ બ્રહ્મ ગણી શકાય, આમ માનવશરીરની પ્રકૃતિના અન્ય બધાંય પરીબળો સાથે એકાત્મતા સાધી શકાય, કદાચ આને જ તત્વમસિ કહી શકાવું જોઈએ. એ બધાંય તત્વો પણ તું જ છે એવી ઉચ્ચ ભાવના સધાવી જોઈએ. આવી વ્યાખ્યાની જેમ નવલકથામાં પણ જીવનના મૂળભૂત તત્વ, સંસ્કાર, સંસ્કૃતિ કે પરંપરા જેવા શબ્દોની આળપંપાળ વગર વનવગડામાં જીવતા લોકોની એક સરખી માન્યતાઓ, ધર્માંધતાની રૂઢીઓમાં વણાયેલા વિજ્ઞાન અને તેના પાલનની એકાત્મતા એ બધુંય અંતે એક જ તત્વ છે એમ પ્રતિપાદિત થાય છે.

તત્વમસિ નવલકથાની શરૂઆત મનોમંથન ભરેલી પરિસ્થિતિઓમાં આવી પડતા નાયકની મૂંઝવણથી શરૂ થાય છે. પોતાની સંસ્કૃતિ અને પરંપરા જેવા શબ્દો સમય સાથે સનાતન થઈ ગયા હોવાની વિભાવનામાં અટવાતા એક એવા યુવાનની આ વાત છે, જેને પોતાના સ્વદેશની પરંપરાઓ કે સંસ્કૃતિના અભ્યાસ પ્રત્યે કોઈ ખાસ પ્રેમ નથી, તે પોતાના દેશમાં પાછો આવવા બદલ અણગમો અનુભવે છે. તેમના પ્રોફેસરને એક આદર્શ ગુરૂની જેમ પોતાના શિષ્યની પરિમિતિઓ વિશે સુપેરે જ્ઞાન છે, અને તેથી જ તેના વિરોધ છતાં પ્રોફેસર તેને આદિવાસીઓની સંસ્કૃતિના અભ્યાસ માટે તેને નર્મદાતીરે જવા, રહેવા અને અનુભવવાની સલાહ આપે છે.

તે ખૂબ સાહજીક રીતે સ્વિકારે છે કે, “આ કામ મારું નથી એવું કહેતા વેંત એ કામ પીછો પકડે છે.” પોતાની સંસ્કૃતિને સમયથી ખૂબ પાછળ ગણનારા, પોતાનો દેશ કે તેના લોકો ઉતરતા હોવાની લાગણીથી પીડાતા આવા યુવકને નર્મદાતીરે જઈ, આદિવાસીઓની વચ્ચે રહી, તેમની સંસ્કૃતિ, રહેણીકરણી અને રીતભાતો સાથે જીવવાનું અણગમતું કામ, અનુભવ પછી આહલાદક લાગે તે વાચકને માટે પણ સુખદ આશ્ચર્ય છે. પરંતુ આ આશ્ચર્યની પશ્ચાદભૂમિકા લેખક ખૂબજ સહજ પરંતુ સતત્ત રીતે તૈયાર કરે છે. દેશ તરફના ખેંચાણને સહજ લાગણીવેડા ગણનાર નાયકને પ્રથમ પ્રવાસમાં જ એ સમજાઈ જાય છે કે ભિન્ન ભિન્ન ભાષાઓ, અલગ રીત રિવાજો, સાવ અલગ અવસ્થામાં ઊછેર, જુદા જુદા ધર્મો, આ છતાં કાંઈક એવું તત્વ છે જે આ બધાંય લોકોમાં એક અજબનું સામ્ય આપી જાય છે. તેને અનુભવ થાય છે કે અઢળક સુખ, સગવડ ધરાવતા માનવીઓને પણ આટલી સાહજીક અને નફકરી અવસ્થા નસીબ થતી નથી જેટલી આ જંગલોમાં સંસાધન કે સગવડ વગર જીવતા આદિવાસીઓમાં જોવા મળે છે. સુખ વિશેની તેમની સગવડો અને સંસાધનો આધારિત પશ્ચિમિ વ્યાખ્યા પર ત્યાં પ્રથમ આઘાત થાય છે.

કથા જેમ જેમ આગળ વધતી જાય તેમ તેમ નર્મદાતીરે વસતા આદિવાસીઓના જીવનપ્રવાહમાં, માન્યતાઓના અને રૂઢીઓના વિશ્વમાં નાયકને થતો નવો અનુભવ વાંચવો અને ખરેખર તો અનુભવવો ખૂબ આહલાદક છે. જંગલમાં વસનારા પુરિયા, બિત્તબુંગા કે એ સર્વના ઉત્થાન અને મદદ માટે સહજ રીતે મદદ કરતી સુપ્રિયા, એ બધાંયનું પાત્રાલેખન એવું તે આબેહૂબ છે કે જાણે એ પાત્રો આપણી સાથે, આપણી વચ્ચે જીવતા હોય, વિચારો અભિવ્યક્ત કરતા હોય એમ સહજ લાગ્યા કરે. ગમે તેટલી અગવડો કે ગરીબી વચ્ચે પણ સ્વમાનભેર જીવતી પ્રજાનો એક અનોખો અનુભવ નાયકને થાય છે. મને એક જગ્યાએ નાયકના મનમાં લેખકે મૂકેલું આ વાક્યયુગ્મ ખૂબ જ ગમ્યું, “આ ભલાભોળા આદિવાસીઓએ જે ગીરવે મૂક્યું હોય છે તે ઘર નથી જ હોતું, ઘર તો માત્ર બહાનું છે, આ લોકો ગીરવે મૂકે છે સ્વયં પોતાની જાતને, દેવાદાર ઘર નથી, દેવાદાર છે અસ્તિત્વ અને તેનું નામ, એ અસ્તિત્વને બંધન છે કે તેણે દેવુ અને વ્યાજ ચૂકવવા, પૂનમને દિવસે વનો ખૂંદીને રસ્તાની એક તરફ ચૂકવણું કરવા ઉભા રહી જવાનો આદેશ આ લોકોને અંદરથી જ મળે છે, બહારથી નહીં.” આ વાક્યોમાં ધનથી ગરીબ છતાં સંસ્કારો અને સંસ્કૃતિની બાબતમાં સૌથી આગળ, આપણી પોતીકી એવી એક આખી પ્રજાની ખુમારી અને સ્વમાન સુપેરે વ્યક્ત થાય છે.” આદિવાસી વનવાસીઓની વચ્ચે જીવતા નાયક તેની જાતને સતત એક પ્રશ્ન પૂછ્યાં કરે છે, “હીન કક્ષાના શાસકો, પરદેશી હુમલાખોરો, કનિષ્ટ મહાજનો અને અયોગ્ય ધર્મગુરૂઓ વચ્ચે પણ પોતાના અસ્તિત્વ અને અસ્મિતાને જેવા ને તેવા સ્વરૂપે ટકાવી રાખતી આ પ્રજા પાસે એવો તે કયો જાદુ છે કે જે કાલાંતરોથી આખાયે દેશને અખંડ – અતૂટ રાખે છે?” પરંતુ આ પ્રશ્નનો જવાબ તે પોતાના અનુભવો અને આસપાસના વાતાવરણમાંથી શોધે છે, શોધવાનો સતત્ત પ્રયત્ન કર્યા કરે છે.

નવલકથાના પ્રવાહમાં વહેતા વાચકને સાવ સહજ રીતે લેખકે મૂકેલા કેટલાક વાક્યો, આપણી પરિસ્થિતિની વાસ્તવિકતાઓ આલેખવાની અનોખી રીત સ્પર્શ્યા વગર રહેતી નથી. ઉદાહરણ તરીકે આપણી નવી ટેકનોલોજી સ્વીકારવાની વાત વિશે કહેવાયું છે, “જગતમાં એક પ્રજા એવી છે જે આંખો મીંચીને નવી ટેકનોલોજી નથી સ્વિકારી લેતી, શરૂઆતમાં વિરોધ કરશે, પછી પરખશે, ધ્યાનથી સમજશે અને સ્વીકારવા લાયક થાય ત્યારે પ્રેમથી અપનાવશે” શબ્દો એક વિદેશીના મુખેથી બોલાવીને લેખકે આ સંસ્કૃતિની ચિરંતનતાનું, આટલા બદલાવ છતાં અલ્પ બાહ્ય અસરનું રહસ્ય છતું કર્યું છે. આવી પ્રજા જ આગવી સંસ્કૃતિ કે અસ્તિત્વ ટકાવી શકે તે નિર્વિવાદ વાત એક વિદેશી અભ્યાસુના મુખેથી આગવો પ્રભાવ ઉભો કરી જાય છે.

નવલકથાને શરૂઆતથી અંત સુધી સાંકળતી કડી સ્વરૂપે લોકમાતા નર્મદા અને તેની આસપાસના વિસ્તારોનું મનોહર વર્ણન છે. તેની આસપાસના જંગલો, કુદરતની જાળવણીના ધર્મમાં વણાયેલા નિયમો, પરિક્રમાનું મહત્વ કે અજાણ્યાઓને પણ મદદ માટે સાહજીકતા વગેરે વિશે પાત્રો દ્વારા બોલાયેલા સંવાદો દ્વારા લેખકની સંવેદનશીલતા ખૂબ હ્રદયંગમ પ્રભાવ ઉભો કરે છે. ક્યાંક પ્રસંગોપાત વનના લોકોની સચ્ચાઈ અને પ્રમાણિકતાની સરખામણી નાયક બાહ્ય વિશ્વ સાથે કરવાનો પ્રયત્ન કરે છે. ચર્ચમાં ઘૂંટણે પડીને ખોળો પાથરીને પ્રાર્થના કરતી સુપ્રિયાને જોઈને નાયક વિચારે છે, “ધર્મમાં વ્યાખ્યાઓ નથી હોતી, કોઈ સીમા નથી હોતી, હોય છે ફક્ત એક ઈચ્છા, કોઈ એવી શુભ શક્તિના આશિર્વાદની જે ઘાયલ અને આર્ત માનવીને દુઃખમાં શાંતિ આપે અને તેની સારવાર કરાવનારને હિંમત અને સફળતા આપે. તે શક્તિ પછી ઈશ્વરના આશિર્વાદમાંથી, કોઈ વૃક્ષની છાયામાંથી, કોઈ ડોક્ટરના હાથમાંથી, મિત્રના હાથમાંથી કે નર્મદાના જળમાંથી – ક્યાંયથી પણ મળતી હોય તો તેની ઈચ્છા આપણે કરી શકીએ છીએ.”

નર્મદા નદી ભારતને બે ભાગમાં વહેંચે છે તેવી માન્યતા સામે લેખક માને છે કે નર્મદા ઉતરાખંડ અને દક્ષિણાખંડને જોડીને એક સાથે રાખે છે. એક નદીની સાથે વિકસેલી, નદીકિનારે પાંગરેલી અને તેના જ પુણ્ય પ્રતાપે હજીય વિકસતી આપણી સંસ્કૃતિમાં તેનું મહત્વ અનન્ય છે એમ સમજાવતા તેઓ લખે છે, “અમરકંટકથી નીકળીને સમુદ્રને મળે છે ત્યાં સુધીમાં આ નદી કેટલેટલી શ્રદ્ધા, કેટલેટલી સાંત્વના, કેટકેટલા પ્રેમ, આદર અને પુણ્યો સમાવતી દંતકથાઓનું સર્જન કરે છે. એક ઝરણ સ્વરૂપથી સાગરને મળવાના સમગ્ર પ્રવાસમાં તે પોતે બદલાય છે અને તેના સંસર્ગમાં આવનારનાં જીવન બદલી નાંખે છે.” પાણીના એક સામાન્ય પ્રવાહને કદાચ એટલેજ આપણી સંસ્કૃતિમાં લોકમાતાનુ બિરૂદ અપાયું હશે !

નવલકથાની પરિપક્વ ક્ષણો સમયે નાયકનું માનસ પરિવર્તન ખૂબ સહજ જણાય છે, એમાં કોઈ એક પ્રસંગ કે ઘટનાનો ભાગ નથી, પરંતુ સમગ્ર ઘટનાક્રમ દરમ્યાન તેણે અનુભવેલું એ નિતાંત આહલાદક સૌંદર્ય છે જે ફક્ત માનવજીવનનું નથી, વનરાજીનું છે, પ્રાણીઓનું, માન્યતાઓ અને તેમના અર્થઘટનનું અને સૌથી વધુ લોકમાતા નર્મદાનું છે. દરેક પરિક્રમાવાસીને ક્યારેકને ક્યારેક નર્મદા દર્શન આપે જ છે એવી માન્યતાની તેમની આગવી પુષ્ટિ કોઈ ચમત્કાર નહીં, સાક્ષાત્કાર બની રહે છે.

નવલકથાના અંતમાં નદીની અર્ધપરિક્રમાએ નિકળેલ નાયક કાબાઓ દ્વારા લૂંટાય છે ત્યારે તેનું તેમના મને કરેલું અર્થઘટન સચોટ અને અર્થગર્ભિત છે. તેઓ કહે છે કે આ કાબાઓની માન્યતા છે કે પરિક્રમાવાસી સાધુઓને લુંટવાની, અરે તેમના વસ્ત્રો સુધ્ધાં લઈ લેવાની આજ્ઞા સ્વયં નર્મદા ‘માં’ તેમને આપે છે. કારણ, “ભૂખ્યો તરસ્યો, જીવનનિર્વાહ માટે હવાતિયાં મારતો વસ્ત્રવિહીન પ્રવાસી ઝાડી પાર કરીને નગરમાં પહોંચશે ત્યારે તેના અહમના ચૂરેચૂરા થઈ ગયા હશે. સંન્યાસ શું છે? ત્યાગ શું છે? જીવન શું છે? આવા તમામ પ્રશ્નોના જવાબ તેને સ્વયં મળી ગયા હશે.” આવું સચોટ અને સત્યાર્થ ધરાવતું વર્ણન અને જ્ઞાનના ભાર વગરની ફીલસૂફી જ આ નવલકથાનું હાર્દ બની રહે છે.

નવલકથાના બધાંજ પાત્રો શરૂઆતથી અંત સુધી લાગણીની એક અલગ સફરે લઈ જાય છે, અને છતાં વિશેષતા એ છે કે એ બધાં નવલકથાના પાત્રો જેવા Larger then life characters ન બની રહેતા વાચક સાથે સીધો તંતુ સાધે છે. તેમનામાં એક સામાન્ય માનવ જેવી બધીજ ખૂબીઓ કે દોષો છે, પરંતુ એ બધાંય એક અદના શહેરીથી એ બાબતમાં અલગ પડે છે કે એ બધાંય ના જીવનમાં કુદરત ગાઢ રીતે સંકળાયેલી છે, તેમના માટે એક નદીને ‘લોકમાતા’ ફક્ત કહેવાનું નહીં, અનુભવવાનું અને જીવવાનું સન્માન છે. કુદરત સાથે તેમનો સંબંધ ફક્ત જરૂરતો પૂરતો મર્યાદિત ન રહેતા અસ્તિત્વનો એક ભાગ બની રહે છે, તેના બધાંય સ્વરૂપો તેમના જીવનમાં ભારે અસર કરતા હોવા છતાં પોતાની રહેણીકરણી અને પરંપરાઓની સાથે તેમનો નિર્વાહ બખૂબી વણાયેલો છે. “તત્વમસિ” આમ જીવનના, સંસ્કૃત્ના તાત્વિક અર્થ સુધી પહોંચવાની એક સુંદર સફર છે.

(કુલ પૃષ્ઠ – ૨૪૦, પુસ્તક કિંમત – ૧૦૦ રૂ., પુસ્તક ખરીદવા માટે સંપર્ક કરો – ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધી રોડ, અમદાવાદ.)


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on ““તત્વમસિ” નવલકથા વિશે મારી વિચારયાત્રા – જીજ્ઞેશ અધ્યારૂ

  • Vijay Shah

    અદભુત અને અકલ્પનીય પ્રસ્તુતિ. નાસ્તિકને પણ આસ્તિક બનાવતી આ નવલકથા સૌને વારંવાર તત્વની અનુભુતિ કરાવે.

  • Rajni Agravat

    ધૃવ ભટ્ટ સાહેબના સર્જનોથી પહેલા અજાણ હતો, પણ ક્યાંક આવી જ રીતે કોઇ બ્લોગ પર ‘તત્વમસિ’ અને ‘સમુદ્રાન્તિકે’ વિશે વાંચ્યુ અને એ જ અનુક્રમમાં વાંચવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું.

    બન્ને પુસ્તક અદભુત છે, પણ મને તત્વમસિ સવિશેષ ગમી. આનો એ મતલબ હરગિઝ નથી કે ‘સમુદ્રાન્તિકે’ ન ગમી.

    આમ તો સર્જક કરતા એમના સર્જન પ્રત્યે જ લગાવ રખાય પણ ધૃવ ભટ્ટ સાહેબ વિશે જાણવાની ઉત્કંઠા છે, તો એમના અંગે અને એમના સમગ્ર સર્જન વિશે માહિતી આપતી પોસ્ટની અપેક્ષા રાખી શકુ?
    તેઓ બન્નેમાંથી એક પણ પુસ્તકમાં “સ્વ-પ્રશ્સ્તિ’ કરવામાં અળગા રહી એ શક્યા એ ખરેખર કાબિલેતારીફ કહેવાય.

  • DILIP M BHATT

    મે ” અત રાપિ” વાર્તા વાચિ. ખુબ જ ગમિ. મને આ સબ્દ નો અર્થ કહેશોજિ.
    લિ. આપ્નો વાચ્ક્ — દિલિપ

  • Heena Parekh

    ખૂબ જ ઉત્તમ પોસ્ટ. ધ્રુવ ભટ્ટ મારા પણ પ્રિય લેખક છે. એમની નવલકથા વિશે આપે ખૂબ જ સરસ રીતે આલેખન કર્યું છે જે કાબિલે તારીફ છે.