(યશવંત શુક્લ દ્વારા સંપાદિત અને લોકમિલાપ ટ્રસ્ટ, ભાવનગર દ્વારા પ્રકાશિત આપણો સાહિત્યવારસોના ચોથા સંપુટના પુસ્તક “ ઉમાશંકરની વારતાઓ ” માંથી સાભાર.)
શાલિની શાહ વિમલ ઉપાધ્યાય જોડે લગ્નગ્રંથિથી જોડાઇ તે પછી મહિનો થયે વરને ગામ જવાની હતી ત્યારે મારી પાસે આવી અને કહેવા લાગી : “પૂર્ણા, મને જરીક અડવું અડવું લાગશે. તું સાથે ન આવે? ત્યાં ગામડે સુંદર નદી છે અને પાસેમાં જ કહે છે કે કમળો ભરેલું તળાવ છે. કદાચ તને ગમશે.” મારે પણ કંઇક મોટો ફેરફાર જોઇતો હતો. કાંઇ નહીં તો રોજ ને રોજ અશ્વિનને રીઝવવા ખાતર થઇને આ સિનેમાઘરમાં જઇને બબ્બે ત્રણ ત્રણ કલાકની આસનકેદ પામતી તેમાંથી તો મારે છૂટવું જ હતું. એ ભણી રહે ત્યાં સુધી મારે લગ્નની વાત ન કરવી અને તેમ છતાં સહચાર વગરનો તો એને મારે ન રાખવો એ ક્યાંનો ન્યાય? મારા મનમાં કે ગામડાના મુક્ત વાતાવરણમાં શાલિનીને પૂછી જોઇશ કે એણે કયો કીમિયો અજમાવીને ઉપાધ્યાયને જુનિયર બી. એ. માં જ મીણ જેવો બનાવી દીધો હતો.
ગામડે ગયાં તો આખું ગામ જરીક વક્ર દ્રષ્ટિએ અમારી તરફ જોતું લાગ્યું. શાલિની તો લાડ વાણિયાની દિકરી ને આ ઉપાધ્યાયના સગાંઓ તો મોટા ભૂદેવો ! નવા જમાનાનો પવન થોડો ઘણો તો પહોંચેલો જ એટલે મોઢે તો સૌ મીઠું બોલે, હસે. પણ એમની નજરમાં ચોખ્ખું વંચાય કે ‘શી ખબર આ શાલિની કોણ હશે? ઉજળુ એટલુ દૂધ હોય એવું થોડુંજ છે?’
નદી તળાવતો ત્રણ દિવસમાં બે વાર જઇ આવ્યાં, પણ પછી કંઇ કામધંધા વગરનાં, ઉઘાડા માથાં મેલીને, ફરવા નીકળીએ તો સૌ બારણા પાછળથી જોઇ રહે ને પીઠ પાછળ ખી ખી કરે એથી સંકોચાઇને એય માંડી વાળ્યું. પાંચેક દિવસ પછી બે ગાઉ ઉપર પારેશ્વરનો અગિયારશનો મેળો હતો એની લાલચ ન હોત તો અમે તરત તો ઉચાળા ભર્યા હોત. દરમ્યાન અમારી આ સ્થિતિનો અમને એક અણધાર્યો જ લાભ મળ્યો. ઉપાધ્યાયના મોટા કાકા પાસેના માડઃઅમાં રહે. એકાંત અને શાંતિ ખાતર અમે લોકોએ ત્યાં બેસવાનું પસંદ કર્યું હતું. પણ આખો દિવસ અમને હાહાહીહી કરવા દઇ સાંજ થતાં તો ડોસા અમારી વાતોમાં ભળવા લાગ્યાને જોતજોતામાં મને તો એમણે એમની લાડકી બનાવી મૂકી. રોજ નમતો પહોર થાય ને ભીમા વાળંદ પાસે સંભાળપૂર્વક વટાવેલી લીલાગરી ‘કાંઇ વાંધો નથી !…. પીઓ, પીઓ, આ તો અમારી ગામડાની ઠંડાઇ !’ એમ કરી કરીને અમને પીવા આગ્રહ કરતા જાય અને અમે તો શું પીવાનાં હતાં? ત્રણ જણ વચ્ચે એક પ્યાલો અને તે પણ એમનો ભત્રીજો પીએ એ! પણ ડોસા પોતે તો ‘શંભુને, મારા ભોળાને ઘણી ઘણી વહાલી છે! જરી આચમન કરી લઉં,’ કરીને ખાસ્સો નાનકડા ઘડા જેવડો વિજ્યા ભરેલો મોટો લોટો ગટગટાવી જાય. પછી ચાલે વાતો. એ વાતો જ અમારે માટે તો મોટો નશો હતો. બિચારો અશ્વિન આ વખતે સિનેમાનાં માંદલા ચિત્રો જોતો હશે એની મને, એ સાંભળતા વચ્ચે વચ્ચે ક્યારેક દયા આવી જતી.
“તે પૂરણા બેન, આ મારો નાનુ મોટૉ શો વાઘ મારી આવ્યો છે એમા? આ તો ગામનું લોક સમજ વિનાનું છે! બાકી શાસ્તરમાં તો ચોખ્ખુ લખ્યું છે કે સ્ત્રિરત્ન તો ગમે ત્યાંથી લવાય!” અને પછી શાલિની સામે ઝીણી આંખો કરીને જરીક જોઇ, ખોંખારીને બોલ્યા : “આમાં શું છે? આગળ બીજાઓએ તો આનાથી સવાયું કર્યું છે. નાનુંનો તો સો સામે એકડો જ છે.”
અમને થયું કે ડોસા થયું છે તેનું એક બાજુ નાછૂટકે સમર્થન કરે છે, તેમ છતાં એને બીજી બાજુ ઉતારી પણ પાડે છે. માત્ર એમની રીત ગામલોકની જેમ ટાઢા તિરસ્કારની નહીં પણ પ્રશંસાની છે એટલું જ. ખોંખારો ખાઇ, મૂછનો આંકડો ચઢાવતા બોલ્યા, “તેં પૂરણાબે’ન, માનશો ? મારા કુટુંબમાં આગળ આનાથી સવાયું બન્યું છે. અમારા મૂળ પુરુષ નાગ કન્યાને પરણેલા તેની વાત નથી કરતો, પણ આ હજી તો ગઇ કાલે – લોક ભૂલી પણ ઝટ જાય છે તો! – હજી તો હમણાં પાંચમી પેઢીએ ક્ષત્રિયકન્યા અમારા ઘરમાં આવી છે.”
”હેં?” અમારા ત્રણેથી ઉદગાર થઇ ગયો.
“હા, ક્ષત્રિયકન્યા! અને એ જે તે નહીં, રાજકુંવરી જ સાક્ષાત! બોલો, નાનુંનો એવો મોટો શો ધડાકો છે? વાહ વાણિયાની દિકરી લાવ્યો એમાં તે શી મોટી વાત હતી? ચાર વાત જાણતા હોઇએ એવાને – અમારે ઘૈડિયાને કાને તો આવા સુરસુરિયાંનો અવાજ પહોંચે સરખોય નહીં સમજ્યાં? અમારા કુટુંબમાં અલકમલકની કન્યા એ કાંઇ નવી નવાઇ નથી.”
”ખરેખર કહો છો? રાજકુંવરી….?”
“ખરેખર નહીં ત્યારે? આ મારા ને નાનુના બાપાના બાપા મોરાર ઉપાધ્યાય, તેમના બાપ કાનજી ઉપાધ્યાય, કાનજી ગોપાળ ને ગોપાળ કસનજી, કસનજી તે વાલાજીના ને વાલાજી શિવરાજ. એ શિવરાજ કહો કે સિંહરાજ કહો. એમના ઘરમાં આવીને ક્ષત્રાણી ચૂડો પહેરીને બેઠી. રાજકુંવરી હતી, પણ કહે કે પાણિયારી બનીને પાણી ભરીશ, ગાયોના વાસીદાં કરીશ, જે કહેશો તે કરીશ; પણ મારે તો તમે જ મારા દેવ બીજા સૌ ભાઇબાપ!”
”એવું તે હોય?”
”ન કેમ હોય! માણસ ઉપર છે. શિવરાજ ઉપાધ્યાય બ્રાહ્મણનો દિકરો પણ હતી છાતી સિંહની. એકલે હાથે ઓગણત્રીસાની ધાડ પાછી વાળેલી પણ પછી મહાદેવે સપનું મેલ્યું કે શું, પણ કહે કે બ્રાહ્મણનું ખોળીયું છે તે જનમ સુધારી લઉં. કાશી જઇને વિદ્યા ભણી આવું. ઉપડ્યો એ તો ભાઇ, એને રોકનાર કોણ ને ટોકનાર કોણ? ઉભો વાગડ ચીરીને નીકળી ગયો ને પચાસ ગાઉનો ફેર એ વળી ગણકારવાવાળો ખરો કે? એકલિંગજીના દર્શન વાટમાં કર્યા વગર આગળ વધે તો શિવરાજ શેનો? એ ભાઇ, એકલિંગજીની, મારા નાથની કિરપાનો જ પરચો હશે તે કાશીને મારગે હતો ને વચ્ચે રાતવાસો એક રાજમાં રોકાયેલો ત્યાં એના નસીબનું પાંદડું ફરી ગયું.
ધર્મશાળાએ મુકામ કર્યો છે. ગામમાં જઇ “ભિક્ષામ દેહી” કરી મૂઠી ખીચડી માગી આણી છે, કૂવે સ્નાન કરી આવી હાંડીમાં ખીચડી ચડવા મૂકી છે. સંધ્યા પાઠ કરી કરી લીધાં છે, ગાયત્રી જપ ચાલે છે. ત્યાં આંખ ખોલીને સામે જુએ છે તો કોઇક ઉભું ઉભું પોતાની સામે ટગર ટગર જોઇ રહ્યું છે. આવનારે પૂછ્યું :
”કોણ છો ભાઇ?”
“બ્રહ્મચારી, બ્રાહ્મણ”
”ક્યાંથી આવવું?”
”દૂરથી…”
”ક્યાં જશો?”
”કાશી”
”વિદ્યા માટે જતાં હશો?”
”સાચું છે.”
”એક કામ કરશો ? તો તમને વિદ્યાઅભ્યાસનું ખરચખૂટણ પણ નીકળશે. અમારા રાજાને તમારું જરીક કામ છે … ચાલશો?”
”ભલે.”
એટલું કહી, ભાઇ એ તો ઉઠ્યા. પેલો માણસ આગળ ને આ પાછળ. એની સાથે ઝાઝી વાતમાં ઉતર્યા વગર શિવરાજ પાછળ પાછળ ખેંચાયે ગયો. આ લેવા આવનાર કોઇ જેવો તેવો માણસ ન હતો. રાજાનો પ્રધાન જ હતો. ગામ વટાવ્યુંને પાધરે પહોંચ્યા ત્યાં રાવટીઓ નાખેલી હતી. તેમાંથી એકમાં બંને જણ ગયા ત્યારે જતા શિવરાજને સમજાયું કે કોઇ બહારગામના રાજા લાગે છે. આજુબાજુ પડાવ નાખીને રસાલો પડ્યો હતો. વસ્તી મોટી લાગતી હતી. પણ જાણે વાતાવરણમાં ભાર વર્તાતો હતો. થોડી વારમાં વાજાં વાગવ માંડ્યા. પ્રધાને કાનમાં કહેલી વાત સાંભળી રહીને વાજાંના અવાજ વચ્ચે જ રાજાએ કહ્યું
”પ્રધાનજી, પૂરા સદભાગી છીએ. જાણે આપણો કુંવર જ બીજો જોઇ લો. બેટા શું નામ તારું?”
”શિવરાજ ! નાનપણમાં ગામલોક મને ચીડવવા સિંહરાજ પણ કહેતા”
”વાહ ! સોનાથી પીળું ! તો તારું નામ એક આજના દિવસ માટે અમે રાજસિંહ પાડીએ તો તું ચીડાઇશ નહીં ને? અને પ્રધાનજી કાલ સવારે આ બ્રહ્મચારીને સો સોનામહોરો આપણા તરફથી અપાવી દેજો!”
પછી રાવટીની અંદરના ભાગમાં એને લઇ ગયા. પરદો ખસેડ્યો તો મશરૂની તળાઇમાં રાજકુમાર તાવે તરફડતો બેભાન અવસ્થામાં પડ્યો છે. રૂપેરંગે બીજો શિવરાજ જ જોઇ લો. ભાઇ, એ તો રાજકુંવરના કપડાં કાઢીને માંડ્યા શિવરાજને ચડાવવા શિવરાજને. જાણે એને માટે જ સિવડાવ્યાં ન હોય એમ બરોબર ચપોચપ બેસતાં આવી ગયાં. શણગાર પણ ચઢાવ્યાં. માથે મંડીલ મૂક્યું. કેડે કટારી ખોસી. ગળામાં નવલખો હાર નાખ્યો. મોઢામાં તાંબૂલ દબાવી દીધું ને ભલો જીવ ના ના કરતો રહ્યો ને વરધોડો ચડાવી દીધો તે આજની ઘડી ને કાલનો દહાડો.
કરે પણ શું? રાજકુમારના નખમાંય રોગ નહીં. શિકારે જાય ત્યારે અરાવળના કોતરે કોતરેથી શિલંકા (સિંહ – લંકા) વાઘને ઉભાને ઉભા ચીરી નાખે. બડા ઉમંગથી ઉઘલીને પરણવા અહીં આવી રહ્યો હતો ત્યાં કોણ જાણે કેમ પણ બપોરનો વણજારી વાવ પર નાખેલ પડાવ ઉઠાવ્યો ને કુંવરને ચોટલીના થાનકમાં જરીક ધ્રુજારી શરૂ થઇ ને તાવ ચડ્યો, તે ચડ્યો. સાંજ પડતાં તો સૂધબૂધ ગુમાવી દીધી. અહીં રાજા ને પ્રધાન એકમેકના મોં સામું જોયા કરે. દિકરાની માંદગી તો ક્યાંય વીસરી ગયા. લગનનું શું કરશું, ગોરજટાણું તો ઓ આવ્યું. પીઠી ચોળેલી કન્યા કાંઇ એમને એમ રહેશે?- એમ વિમાસવા લાગ્યા. રાજા કહે “બીજો કાંઇ રસ્તો કાઢો. કુંવર માંયરામાં બેસી શકે એ અસંભવિત છે.”
”તો પછી બીજા કોઇને બેસાડીએ તો?” પ્રધાને બીતાં બીતાં કહ્યું.
”એમાં ‘તો પછી’ શું? એમ જ કરો.” રાજાએ આજ્ઞા કરતા કહ્યું.
પ્રધાન તો નીકળ્યો શોધવા. આખું ગામ શોધી વળ્યો ને નિરાશ થઇને તે પાછો ફરતો હતો ત્યાં ગામછેડે ધર્મશાળા જોઇને ‘લાવ નજર તો કરું!’ કરીને અંદર ડોકીયું કર્યું, ત્યાં તો કામ ફતે થઇ ગયુ, ભાઇ,
શિવરાજની આનાકાની પર કોઇ ધ્યાન આપવાનું હતું? વાજતેગાજતે વરઘોડો નગરના તોરણે પણ આવી પહોંચ્યો. ભારે દબદબાથી સામૈયું થયું. રાજમાર્ગની બંને બાજુના મકાનની મેડીઓ તો માણસોની ઠઠથી તૂટું તૂટું થાય. રાજકુંવરના રૂપ ઉપર આખી નગરી ઓવારી ગઇ. બરોબર ગોરજ સમયે શિવરાજનો – હવે તો રાજસિંહનો – રાજકુંવરી સાથે હસ્તમેળાપ થઇ ગયો.
સ્વપ્ન હોય એમ એ તો હવે આ બધું થવા દેતો ગયો. વાજતેગાજતે લગન પૂરા થયાં. રાજાના છોકરાના લગ્ન એટલે વળી પૂછવું શું? … રાત ઉતરી. પૂનમનાં અજવાળાં નીતરવા લાગ્યાં. વરરાજાને મહેલની ટોચે રાજકુંવરીના આવાસમાં લઇ ગયા. મરકતમાણેકથી જડેલા પગથીયાં, માનવામાં પણ ન આવે એવો વૈભવ, ઓરડામાં રત્નજડિત ઝગમગતો પલંગ ને ઉપર ચાંદની બિચાવી હોય એવી ફૂલની ચાદર. વરરાજાને એકલા મૂકીને બાંદીઓ અને સખીઓનું ટોળું ‘હમણાં કુંવરીબા આવે છે!’ કરતુંકને મરક મરક હસતું તેતરના ટોળાની પેઠે એકદમ ફરરરર કરતું સરકી ગયું.
ઘડી પછી નીચેથી રાજકુંવરી સોળે શણગાર સજાવીને હળવે હાથે સખીઓએ ઉપર જવા ધકેલી ત્યારે પવન પણ ક્ષણ માટે તો મૂર્છા ખાઇ ગયો અને હૈયા પર જમણો હાથ રાખીને રૂમઝૂમ પગથીયાં ચડતી રાજકુમારીને જોવા ચંદ્રમાં બારીમાં જાણેકે પળવાર થંભી ગયો. રાજકુંવરીના પગ આગળથી ઝાંઝરનો ઝણકાર વીણી લઇને પવનની લહેરખીઓ તો આગળ આગળ દોડી જતી હતી. અને રંગમહેલમાં પહોંચી જઇ વધાઇએ ખાઇ રહી હતી. કોડભરી કન્યા દોડતી અંદર ધસવા ગઇ ત્યાં તો ઉંબર પર ઠેસ વાગતા થંભી ગઇ. જોએ છે તો પલંગ પર વરરાજા ઘસઘસાટ ઉંઘી રહ્યા છે!
ઉંબરમાંજ કુંવરી તો ફસડાઇ પડી. ઘડી પછી કળ વડી એટલે કાળજું કઠણ કરીને ઉઠી અને પલંગને છેડે જઇને બેઠી અને વીંઝણો વાવા લાગી. ધીરે ધીરે વીંઝણો વાતી જાય ને એક મટકુંય માર્યા વગર મોઠું નીરખતી જાય. શું રૂપ છે! જોઇને એના હૈયામાં હરખ માતો નથી. તો પછી આમ ગમારની પેઠે ઘોંટી કેમ ગયા હશે? ડબાક કરતું એક આંસુ કુંવરીની આંખમાંથી પેલાના ગાલ ઉપર પડ્યું. આળસ મરડીને એ તો જાગ્યો ને કશું માન્યામાં ન આવતું હોય એમ આંખો મસળવા લાગ્યો. ઉઠીને પલંગને બીજે છેડે જઇને એ બેઠો.
‘નાથ, દાસીને આજ્ઞા કરો!’ રાજકુંવરી સામે આવીને હાથ જોડી ઉભી રહી ને વીનવવા લાગી.
”ખાવાનું મળશે? ફરાળ જેવું?” પેલો બોલ્યો, ત્યાં તો કુંવરીના ઝાંઝર એકસામટાં હસી પડ્યાં. નાચતી કૂદતી કુંવરી નીચે દોડી ને જરીક વારમાં તો સોનાના થાળમાં ભોજન પીરસી લાવી. બાજઠ માંડ્યો ને પતિને જમવા બેસાડ્યા ને પોતે વીંજણો નાખવા લાગી. નિરાંતે ભરપૂર પેલાને ખાતો જોઇ (અને ફરાળી વાનગીઓ મંગાવેલી એથી) કુંવરીને પેટમાં ફાળ પડી કે બ્રાહ્મણનો છોકરો લાગે છે. પણ જે હો તે કહી મન કઠણ કરી આંખોથી જ પેલાને વધુ જમવા આગ્રહ કરી રહી. જમી રહ્યો એટલે એના હાથ ધોવડાવી પોતે થાળી મૂકી આવી. પાંચે આંગળા વડે પાનનું બીડું એના હાથમાં મૂક્યું ને પછી એના પગ આગળ બેસી ગઇ. પોપચાં નીચાં ઢાળીને પાછું વેણ નાખ્યું : ‘નાથ, દાસીને કાંઇ આજ્ઞા?’
‘આજ્ઞા તો તમારે કરવાની છે!’ પેલો દબાતે અવાજે બોલ્યો. રાજકુંવરીનું મોઢું તો જોવા જેવું થઇ ગયું. પતિદેવ રીસાયા નથી, પણ આવો એશિયાળો નરમ અવાજ શા માટે, એ વિચારે એના મોં પરથી લોહી ઉડી ગયું. છાતી વજ્રની કરીને બોલી “ ‘દાસીને એક અરજ ગુજારવાની છે.’
’શી?’ એમ પેલાએ આંખો પહોળી કરીને જ પૂછ્યું. રાજકુંવરીમાં હિંમત આવી અને પતિની આંખોમાં આંખો રાખીને એક વાર તો પૂછી દીધું :
’સાચું કહેજો, તમે આમ ઉંઘી કેમ ગયા? કાંઇ મારામાં અવગુણ જોયો?’
બોલતા તો એની આંખથી શ્રાવણ ભાદરવો છલકાઇ ગયાં. પેલો તો મૂંઝાઇ ગયો. આ હાથે ગોરજ સમયે એનો હાથ ઝાલ્યો છે પણ હવે એના આંસુ લૂછતાં પણ લંબાવાય તેમ નથી. આંખોથી એણે આશ્વાસન આપ્યાં. કુંવરીની નિખાલસતા ને હેત જોઇ એની ફડક ઉડી ગઇ હતી. મોકળા મનથી હસતાં હસતાં એ બોલ્યો : ‘કેમ, એટલું ન સમજ્યાં, બત્રીસલક્ષણા થઇને? ભૂખ્યો બ્રાહ્મણ ઉંઘે બીજુ શું?’
સાંભળીને કુંવરી પણ જરી મલકાઇ અને પછી ધીરતા સાથે અઢળક ભાવપૂર્વક બોલી “ ‘જે હો તે! મા ભુવનેશ્વરીએ બધું જાણી-સમજીનેજ હાથ મેળવ્યો હશે ને? ને રાજકુમારીનું હૈયુ તો એના હાથમાંજ હોય છે.’
’તે હાથમાં જ રાખજો રાજકુમારી, આમ રસ્તાના જનારને હાથ સોંપી ન બેસશો ભૂલભૂલમાં!’ કહીને પેલાએ તો બધી વાતનો ઘટસ્ફોટ કરી દીધો કે આમની વાત આમ છે. સાચો વર તો બિચારો તાવમાં ફફડે છે. ને વખાના માર્યા વેવાઇએ પોતાને પકડી આણી માંહ્યરામાં ધરી દીધેલો, દિવસભર વીસ કોસ ચાલેલો ને થાક્યોપાક્યો ધર્મશાળામાં ખાવા પામતો હતો – ખીચડી સીઝી રહેવા આવી હતી – ત્યાં પોતે ઝડપાયો હતો અને પછીની બધી વિધિઓથી બેહદ થાકી જતાં અહીં પગ મૂકતાની સાથે પોતે નિંદ્રાધીન થઇ ગયેલો એ બધી વાત વિગતે રાજકુમારીને રજેરજ કહી સંભળાવી.
’એ હું કાંઇ ન જાણું મારા દેવ! સાંજના ગોરજ સમયે મારો આ હાથ કોણે ઝાલેલો, એ કહો? હું તો તમને જ ઓળખું. બાકીનું મા ભુવનેશ્વરી જાણે.’
પેલાએ આખી રાત ઘણી રકઝક કરી. પોતે કાશી વિદ્યાભ્યાસ સારુ બાર વરસ માટે જઇ રહ્યો છે તે કહ્યું ને વાત જતી કરવા ઘણી ઘણી સમજાવી, પણ કુંવરી તો એકની બે થાય જ નહીં ને! કહે કે ‘બાર વરસ તમારું રટણ કરતી બેસી રહીશ. માતાજી તમારો વાળ પણ વાંકો નહીં થવા દે. તમે તમારે ભણવાનો સંકલ્પ પાર પાડી વહેલા વહેલા આવી પહોંચો. મટકું મારતામાં બાર વરસ તો પૂરાં થઇ જશે!’
બીજે દિવસે સાંજે કન્યા વળાવવાનો સમય થયો ત્યારે રાજકુમારીને લઇ જઇને જરિયાન માફાવાળા રથમાં બેસાડી. અંદર રાજકુમાર બેઠો હતો. તાવ તો વહેલી સવારે જ ઉતરી ગયેલો, એટલે અત્યારે પ્રફુલ્લિત, દેવ જેવો લાગતો હતો. રાજકુમારી અરધી ક્ષણ જાણે ખેંચાઇ, પણ ત્યાં તો એકાએક હૈયામાં ઉછાળો આવ્યો ને રથ ઉપડવા કરતો હતો, બહાર રાજાઓ એકમેકની વિદાય લઇ રહ્યા હતા, ત્યાં સડપ કરતીકને રથમાંથી તે બહાર કૂદી આવી. બાવરી જેવી બંને રાજાઓને કહેવા લગી કે ‘આ મારો વર નથી.’ રાજાઓ તો આભા બની ગયા. બાપ કહે, ‘કાંઇ ગાંડી થઇ, બેટા?’
રાજકુમારી કહે ‘પૂછો પુરોહિતને !’ પુરોહિતને ક્યાં છેટે શોધવા જવા પડે એમ હતું? ત્યાં જ હતા, રાજકુમારીએ એમને પૂછ્યું, ‘કહો ગુરુજી, વરરાજાના હાથે કેટલા આંગળા હતા?’
પુરોહિત કહે ‘એટલામાં શું હું ભૂલી જવાનો? છ વળી!’
’અને કોટી ઉપાયે હું ભૂલું એ તો ન જ બને?’ અને તરત માફા પાસે જઇ વિનયથી બોલી ‘રાજકુમાર, તમારો જમણો હાથ બહાર ધરશો?’
શું ધરે ભાઇ? આંધળાને દેખાય એવું હતું કે પાંચ આંગળીઓ હતી. રાજકુંવરીને એ ઝગારા મારતો હાથ જોઇ જરીક વાર તો થયું કે જાણે ઝાલી લઉં ને રથ પર ચડી જાઉં, પણ બે ચાર વાર આંખ પટપટાવી જાગ્રત થઇ ગઇ અને પિતાને પૂછ્યું ‘જાઉં ઘેર?’
કુંવર પરણાવવા આવેલ રાજાએ જ, રાજકુંવરીને સુલક્ષણા જોઇને, જવાબ આપ્યો ‘જાઓ બેટા! સુખી થજો !’
પછી તો બધી વાતનો ખુલાસો થયો. શાંતિથી સૌ છૂટા પડ્યા.
પેલો બ્રાહ્મણનો છોકરો તો વહેલી સવારનો જ વિદાય થઇ ગયેલો. રાજકુમારીએ રાજાને એની પાછળ દૂત મોકલતા રોક્યા અને વજ્જરનું કાળજુ કરીને બાર વરસ એની માળા જપતી બેસી રહી.
કાશીથી બાર વરસે શિવરાજ ભણીગણીને વિદ્વાન થઇ પાછો વળ્યો. એના ભણતર પર ગુરુજી પ્રસન્ન હતા, ત્યાં કાશીમાંજ લગ્ન કરી, ત્યાં રહી આચાર્ય બનવાનું એમને કહ્યું. ભાઇ, જેનું નસીબ જ તેજ, પછી શું કહેવું! પણ શિવરાજે બધી વાત ગુરુને કહી અને પોતાના ધર્મસંકટમાં સલાહ પણ માગી. ગુરુએ આશીર્વાદ આપ્યા ‘બંને સુખી થજો.’
રસ્તે રાજકુમારીને ગામ આવ્યો અને રાજાએ અરધું રાજ આપવાનું કહ્યું પણ ‘મારે તો મારું ગામ ભલું’ એ એક વાતને જ એ વળગી રહ્યો. એના મનમાં કે કંટાળીને કાંઇ કરતા રાજકુમારી પોતાને છોડી દે છે. ક્યાં આ સાહેબી છોડીને રઝળતાની પૂંઠેપૂંઠે આવવાની હતી. પણ રાજકુમારીને એ હજી પૂરેપૂરી ઓળખતો ન હતો. એ તો તરત આગળ થઇ. રાજાએ ઘણી ઘણી ભેટો આપીને રસાલા સાથે એ બંનેને વિદાય કર્યાં. કહે છે કે અમારા ગામની હદમાં આવી પહોંચ્યા તે પહેલા તો સમાચાર આવી મળ્યા કે કોઇ પડોશી રાજાએ ઓચિંતા ચડાઇ કરીને રાજકુટુંનનો નાશ કર્યો હતો. રાજકુંવરીને વસમો ઘા વાગ્યો. અહીં ઘેર આવીને પહેલુ કામ એણે એ કર્યું કે ગામની ગોરાણીઓની જેમ પોતાની રહેણી કરી દીધી અને બાપ પાસેથી મળેલી પૂંજીથી, પતિની સંમતિ લઇ, આ કાલે તમે પારેશ્વર જવાના છો ને તેની અપસે ટેકરી પર ભુવનેશ્વરીનું સુંદર મંદિર છે તે બંધાવરાવ્યું. આ એ બેનો વસ્તાર તે અમે!”
ડોસા શાલિની સામે જોઇ ફિક્કું હસતા હસતાં બોલ્યા “કાલે એ મંદિર જરૂરથી જોજો હોં! કહે છે કે બંધાવ્યું ત્યારે ફરતા દસ કોસની વસ્તીને જમાડી હતી. ગયા એ દિવસો! આગળનાઓએ કર્યું છે એ કદી થવાનું છે આપણાથી! એને પહોંચવાનું આપણું ગજું નહીં!”
કોણ જાણે ડોસા તે ભાંગની લહેરે ચડ્યા હતા કે પછી એ ભૂદેવ ગમે તેવી નવીન સામાજિક પરિસ્થિતિ ઉપર પ્રાચીન પરંપરાની મહોર મારવાની બ્રાહ્મણ માનસની જાણીતી તરકીબ અજમાવી રહ્યા હતા?
ત્યાં શાલિનીની નાની નણંદે ‘જમવાનું થયું છે, ચાલો!’ એવી બૂમ પાડી એટલે અમે સૌ ઉઠ્યાં. ડોસા પાછળ બોલતા હતા : “આગળની તો વાત જ જુદી! એને પહોંચાય નહી.”
This type of story can change a man
this is very nice collection