કન્યા વિદાય – અનિલ જોશી 17


સમી સાંજનો ઢોલ ઢબૂકતો,
જાન ઉઘલતી મ્હાલે,
કેસરીયાળો સાફો ઘરનું,
ફળીયું લઇને ચાલે.

પાદર બેસી ફફડી ઉઠતી,
ઘરચોળાની ભાત.
ડૂસકે ડૂસકે હડસેલાતી,
બાળપણાની વાત.

પૈડું સીંચતા રસ્તો આખો,
કોલાહલમાં ખૂંપે.
શૈશવથી ચીતરેલી શેરી,
સૂનકારમાં ડૂબે.

જાન વળાવી પાછો વળતો,
દીવડો થર થર કંપે.
ખડકી પાસે ઉભો રહીને,
અજવાળાને ઝંખે.

સમી સાંજનો ઢોલ ઢબૂકતો,
જાન ઉઘલતી મ્હાલે.
કેસરીયાળો સાફો ઘરનું
ફળીયું લઇને ચાલે.

– અનિલ જોશી


આપનો પ્રતિભાવ આપો....

17 thoughts on “કન્યા વિદાય – અનિલ જોશી