ઘાયલ સાહેબની ત્રણ ગઝલો 21


આજે ઘાયલ સાહેબની ત્રણ ગઝલો. તેમના અદ્વિતિય ગઝલ સંગ્રહ “ગઝલનામસુખ” માંથી.. મારી જાણકારી મુજબ 1984માં સપના મુદ્રણાલય, રાજકોટ વડે મુદ્રિત થયેલ આ પુસ્તકની પ્રત ઉપલબ્ધ નથી. આટલી સુંદર અને અદ્વિતિય ગઝલોના રચયિતા પણ આ સંગ્રહ શ્રી પ્રવીણભાઇ પંડ્યાને અર્પણ કરતા લખે છે કે “મેં ક્યારેય ગઝલથી કવિતાથી ખૂટલાઇ કરી નથી છતાં મેં આ સંગ્રહ રુગ્ણ શૈયામાં તૈયાર કર્યો હોવાથી મારા કોઇ અંશ વડે ખૂટલાઇ થઇ ગઇ હોય તો તેઓ મને દરગુજર કરે કારણ તેઓ ક્ષમા કરશે તો જ મારું ગઝલ અર્પણ તર્પણ ધન્ય થશે.” કદાચ આવા નમ્ર,  “સ્વકેન્દ્રિત” કરતા “ગઝલકેન્દ્રિત” અને કાર્ય સમર્પિત વ્યક્તિજ આવા સુંદર સર્જન કરી શક્તી હશે.

1.

મજા ક્યાં છે, ખુશી ક્યાં છે, એ દિલ ક્યાં છે જિગર ક્યાં છે,
જીવનમાં જીવવા જેવુ કંઇ તારા વગર ક્યાં છે ?

ઉભયનો અર્થ એકજ છે, મરણ જીવન અવર ક્યાં છે,
કહે છે લોક જેને પાનખર એ પાનખર ક્યાં છે ?

જે દુશ્મન છે તે દુશ્મન છે, ન સમજો દોસ્તને દુશ્મન
તમોને દોસ્ત દુશ્મનની ખબર ક્યાં છે, કદર ક્યાં છે ?

હવે તો છે બધું સરખું કો માળો હોય કે પીંજર,
હતા બે ચાર ‘પર’ તૂટેલ એ બેચાર ‘પર’ ક્યાં છે ?

અધૂરી આશ છે દિલની અધૂરા કોડ છે દિલના,
મળી છે લાખ પ્યાલી પણ કોઇ મસ્તીસભર ક્યાં છે ?

સમજ પણ એ જ છે  મુજમાં નજર પણ એજ છે કિન્તુ,
સમજ લાંબી સમજ ક્યાં છે, નજર લાંબી નજર ક્યાં છે ?

નયનનાં તીરના ઝખ્મો કરી બેઠાં છે ઘર એમાં,
હવે દિલ મારું દિલ ક્યાં છે, જિગર મારું જિગર ક્યાં છે ?

તને છે રૂપની મસ્તી મને છે પ્રેમની મસ્તી,
તને તારી ખબર ક્યાં છે, મને મારી ખબર ક્યાં છે ?

કવિ જેને કહો એવા કવિ ક્યાં છે કવિ “ઘાયલ”,
યદિ છે તો જગતમાં કોઇને એની કદર ક્યાં છે ?

2.

ક્યાં સાંભળું છું હું પણ દિલની પુકાર આજે,
ભટકું છું લાગણીની દુનિયા બહાર આજે.

પાછો ડૂબી રહ્યો છું કર બેડો પાર આજે,
કાયમ ઉગારનારા આવી ઉગાર આજે.

સ્વતંત્રતા નામે સ્વચ્છંદતા વધી છે,
છૂપો વિકાસમાં છે કેવળ વિકાર આજે.

બોલી અમે બધાને તક આપી બોલવાની,
દુનિયા કરી રહી છે વાતો હજાર આજે.

અફસોસ અંજુમન આ હોવા છતાંય ઘરની,
થાતા નથી ઠરાવો મારા પસાર આજે.

બદનામીમાં છૂપી છે લિજ્જતશી રામ જાણે,
બદનામ થઇ જીવે છે કંઇ નામદાર આજે.

શ્રોતા તો શ્રોતા ‘ઘાયલ’ તારી ગઝલ સુણીને,
તડપી ગયા સભામાં સાહિત્યકાર આજે.

3.

છે સાચી વાત એ કે બધી ગમવી જોઇએ
રમવી પડે તો સર્વ રમત રમવી જોઇએ

કૈ કેટલાય રૂપ છે શરમિન્દગી તણા
એવો નિયમ છે ક્યાં કે નજર નમવી જોઇએ

વશવર્તે લાગણીનો ભલે છૂટથી રહે
વશમા રહે નહીતો પછી દમવી જોઇએ

ઉષ્માજ ક્યાં રહી છે હવે આવકારમાં
આલીંગનોની ભૂખ હવે શમવી જોઇએ

કાંટાળા પથ પર નો પડે ચીરા પણ પડે
પીડા જો થાય છે તો હવે ખમવી જોઇએ

ધાર્યું નિશાન અન્યથા તાકી શકાય ના,
ધાર્યા નિશાનમાંજ નજર ભમવી જોઇએ.

ખીલી ઉઠે ન સીમ તો ‘ઘાયલ’ એ સાંજનું,
પ્રત્યેક સાંજ રંગ સભર નમવી જોઇએ.


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

21 thoughts on “ઘાયલ સાહેબની ત્રણ ગઝલો