‘કેમ, બહેનને સ્ટેશન પર તેડવા ન ગયાં?’
‘ના પ્રેસ્ટિજ ને પોઝિશનનો તો ખ્યાલ કરવો પડે ને! નોકર-ડ્રાઈવર સામે એને થર્ડ ક્લાસમાંથી ઊતરતી જોઉં…….મને તો બહુ ઑકવર્ડ લાગે.’
‘તમારા પપ્પા તો માજી દિવાન હતા ને! તમારી બહેનને સારું ઘર ન મળ્યું ?’
‘અરે, મોટાં મોટાં રજવાડાંમાંથી માગાં આવ્યાં હતાં. પણ બહેનબાએ પસંદ કર્યો પંતુજીને ! ૫૦૦ રૂપિયા તો પપ્પા પાસેથી હાથ ખરચીના લેતી. હવે એટલામાં આખો સંસાર ચલાવવાનો. તાંબાની તોલડી તેર વાના માંગે. કેમ ચલાવતી હશે બઘું?’
એટલામાં મોટર આવી અને ઇન્દુ દોડતી વસંતને વળગી પડતાં બોલી, ‘જીજાજી ક્યારે આવશે, દીદી?’
‘એ તો ઘરમાં જ ક્યાં રહે છે? હમણાં એક નવી મિલ ખોલી છે તે મદ્રાસ ગયા છે. પણ હા, તારા માસ્તરજી શું કરે છે?’
વસંતની પૂછવાની રીતભાત એવી હ્તી કે ઇન્દુ ખોટું લગાડી શકે. પણ એને જતું કર્યું. ‘સારા છે. પણ તું આવી ફિક્કી ને દુબળી કાં?’
‘દૂબળી ? ના રે ના. આખો દિ’ ફળોનો રસ પીઉં છું. ટૉનિક લઉં છું.’ વસંત બોલી.
બહેનને ઓરડે ઓરડે ફેરવી હજારો રૂપિયાનું ફર્નિચર, કારપેટ્સ, પડદા વગેરે બતાવી રહી હતી. ‘તું તો મારે ત્યાં પહેલી જ વાર આવી, નહીં? અને જો, ભોજનમાં તને જે પસંદ હોય તે કહી દે.’
‘મને તો બઘું જ પસંદ છે.’
ઇન્દુની આ લાપરવાહી વસંતને સારી ન લાગી. ‘કેમ, હવે એ બઘાં નખરાં નથી રહ્યાં? પહેલાં તો ખાસ્સો મિજાજ હતો ખાવાની બાબતમાં.’
‘એ તો બચપણની વાતો. હવે શું?’
વસંત ના મોઢેથી સરી પડ્યું ; ‘હા નખરાં નિભાવવા સાઘન પણ જોઇએ ને!’ કોણ જાણે કેમ એના મનમાં થોડી કડવાશ આવી ગઈ. એ ઇચ્છતી હતી કે ઇન્દુ એનો બંગલો જુએ, બગીચો જુએ, હોજ અને ફુવારો જુએ. પણ ઇન્દુ એ વિષ ઠંડી હતી. જાણે એને કાંઇ પડી જ નહોતી.
ટ્પાલી પત્ર આપી ગયો.’આ શું? હજી આવી ને આજે જ માસ્તરજીનો કાગળ!’ જવાબમાં ઇન્દુએ કેવળ સ્મિત કર્યુ.
રાતે મોડે સુઘી ઇન્દુ પત્ર લખતી હતી. વસંત પથારીમાં પાસાં ફેરવતી રહી. ‘શું લખતી હશે આટલું બધું ? અમે લોકોએ તો ક્યારેય પત્રો નથી લખ્યા.’
બીજે દિવસે બન્ને કલબમાં ગયાં. ઇન્દુને ઘણી વાર એણે પોતાની સાડી ને ઘરેણાં પહેરવા કહ્યું, પણ એ ન જ માની. સાદી હેન્ડલુમની સાડીમાં જ આવી.
કલબમાં તો સારા ઘરની કલ્ચર્ડ બહેનો-શહેર આખાનું ક્રીમ ! વસંતને ઓછું આવ્યું. ખાણી પીણી ચાલી રહી હતી, ત્યાં વીણા વ્યંગમાં બોલી, ‘અનિતા આજે રાતે પ્લેઇનમાં મદ્રાસ જઈ રહી છે. સાહેબને કાંઇ સંદેશો મોકલવો હોય તો! ‘
વસંતે બઘાંના મોં પર ખંઘું હસ્ય ફરી વળતું જોયું. એણે મોટા અવાજે કહ્યું, ‘ખુશખબર માટે ઘન્યવાદ. અમારી ઓફીસમાંથી દર ત્રીજે દિવસે માણસ જાય છે. હજી કાલે જ સાહેબે આ સાડી મોકલી .’
વસંતનું મન જરા ખાટું થઈ ગયું. પાછા ફરતાં એ ઇન્દુને ઝવેરીની દુકાનમાં લઈ ગઈ. ‘ આમાંથી તને મનપસંદ એક સેટ લઈ લે. મારા તરફથી ભેટ. સાવ અડવી અડ્વી ફરે છે તે!’
‘કોણ હું !’ આશ્ર્વર્યથી ઇન્દુએ પૂછ્યું. ‘દીદી, હું તો આવું કાંઇ પહેરતી જ નથી!’
વસંતને અપમાનિત થવા લાગ્યું. પછી એ ઘરેણાંમાં ખોવાઈ ગઈ. સત્તર હજારનો હાર પસંદ કરી દમામથી બોલી, ‘આ પેક કરી આપો. ફાઈનલ જવાબ બે દિવસ પછી આપીશ. બે-ચાર જણને બતાવી જોઉં.’
ઘેર આવ્યા ત્યારે ઇન્દુ પર માસ્તરજીનો બીજો પત્ર આવીને પડ્યો હતો. વસંતની આંખ ચાર થઈ ગઈ. ‘એમને તો કાગળ લખવાનો સમય જ ક્યાં હોય છે? જરૂર પડે તો ટ્રંક કોલ પર વાત કરી લઈએ. ચાલ, આજે મદ્રાસ કોલ બુક કરી દઉં.’
રાતે બાર વાગે ટ્રંકકોલની લાઈન મળી. ‘કોણ, રામ સહાય? હા….સાહેબ કો દો.’
‘સાહેબ અનિતા મેમસાહેબ કે સાથ ડાન્સ પર ગયે હૈં.’
રિસીવર પટકતાં વસંતે કહ્યું, ‘એ તો નથી. જ્યારે જુઓ ત્યારે કામ,કામ ને કામ. ન દિવસે આરામ ન રાતે!’
બીજે દિવસે તાર આવતાં ઇન્દુએ જવાની તૈયારી કરવા માંડી.
‘નહીં જવા દ્ઉં. હજી તો ચાર જ દિવસ થયા.’
‘મારે જવું જ પડશે. મારા વગર એમને….’ ઇન્દુનું મોં લજ્જાથી લાલ લાલ થઈ ગયું.
વસંત એકીટ્શે એને જોઇ રહી. એને સ્ટેશને વળાવી એ ઘરમાં આવી ત્યારે એનું મન બેચેન હતું. પેલા હીરામાં ચમક નથી, આ તો નકલી છે. આટલા ફિક્કા! આટલા રદ્દી! સાવ સાદા કાચના ટુકડા જેવા!
– હરિશ્ચંદ્ર (શ્રી મન્નુ ભંડારીની હિંદી વાર્તાને આઘારે)
**********
ભૂમિપુત્રનું માત્ર એક જ પાનું, ૮૦ થી ૮૨ લીટી, સાતસો સાડા સાતસો શબ્દ, સચોટ મનોભાવ અને પ્રગટ સંવાદો દ્વારા એક સીધી સાદી વાત, ક્યાંય શીખવવાની, ઉપદેશની વાત નહીં, ક્યાંય એકેય શબ્દનો ખોટો ખર્ચ નહીં, ચુસ્ત માધ્યમ, નક્કર કદ રચનાને લીધે સચોટ વક્તવ્ય, ભૂમિપુત્ર માં હરિશ્ચંદ્ર બનેનોની આ વાર્તાઓ પ્રગટ થતી અને તેમને પુસ્તકાકારે વીણેલા ફૂલ તરીકે પ્રકાશિત કરવામાં આવી, જૂન ૧૯૭૨માં પ્રસિધ્ધ થયેલી પ્રથમ આવૃત્તિ. એક ભાગમાં ચાલીસ આવી વાર્તાઓ, અને આવા અનેકો ભાગ, ગુજરાતી સાહિત્યનું એક અણમોલ રત્ન એટલે ” વીણેલા ફૂલ “.
(પુસ્તક પ્રકાશક યજ્ઞ પ્રકાશન, હુજરાતપાગા, વડોદરા, ૩૯૦ ૦૦૧, મૂલ્ય ૩૦ રૂ.)
વીણેલાં મોતી વહેંચવા બદલ હૃદય પૂર્વક આભાર
ઉપર લખ્યુ છે તેમ એક દમ સચોટ નિશાન સાધ્યુ છે લેખકે.