કલ્ચર મોતી – હરિશ્ચંદ્ર 2
‘કેમ, બહેનને સ્ટેશન પર તેડવા ન ગયાં?’ ‘ના પ્રેસ્ટિજ ને પોઝિશનનો તો ખ્યાલ કરવો પડે ને! નોકર-ડ્રાઈવર સામે એને થર્ડ ક્લાસમાંથી ઊતરતી જોઉં…….મને તો બહુ ઑકવર્ડ લાગે.’ ‘તમારા પપ્પા તો માજી દિવાન હતા ને! તમારી બહેનને સારું ઘર ન મળ્યું ?’ ‘અરે, મોટાં મોટાં રજવાડાંમાંથી માગાં આવ્યાં હતાં. પણ બહેનબાએ પસંદ કર્યો પંતુજીને ! ૫૦૦ રૂપિયા તો પપ્પા પાસેથી હાથ ખરચીના લેતી. હવે એટલામાં આખો સંસાર ચલાવવાનો. તાંબાની તોલડી તેર વાના માંગે. કેમ ચલાવતી હશે બઘું?’ એટલામાં મોટર આવી અને ઇન્દુ દોડતી વસંતને વળગી પડતાં બોલી, ‘જીજાજી ક્યારે આવશે, દીદી?’ ‘એ તો ઘરમાં જ ક્યાં રહે છે? હમણાં એક નવી મિલ ખોલી છે તે મદ્રાસ ગયા છે. પણ હા, તારા માસ્તરજી શું કરે છે?’ વસંતની પૂછવાની રીતભાત એવી હ્તી કે ઇન્દુ ખોટું લગાડી શકે. પણ એને જતું કર્યું. ‘સારા છે. પણ તું આવી ફિક્કી ને દુબળી કાં?’ ‘દૂબળી ? ના રે ના. આખો દિ’ ફળોનો રસ પીઉં છું. ટૉનિક લઉં છું.’ વસંત બોલી. બહેનને ઓરડે ઓરડે ફેરવી હજારો રૂપિયાનું ફર્નિચર, કારપેટ્સ, પડદા વગેરે બતાવી રહી હતી. ‘તું તો મારે ત્યાં પહેલી જ વાર આવી, નહીં? અને જો, ભોજનમાં તને જે પસંદ હોય તે કહી દે.’ ‘મને તો બઘું જ પસંદ છે.’ ઇન્દુની આ લાપરવાહી વસંતને સારી ન લાગી. ‘કેમ, હવે એ બઘાં નખરાં નથી રહ્યાં? પહેલાં તો ખાસ્સો મિજાજ હતો ખાવાની બાબતમાં.’ ‘એ તો બચપણની વાતો. હવે શું?’ વસંત ના મોઢેથી સરી પડ્યું ; ‘હા નખરાં નિભાવવા સાઘન પણ જોઇએ ને!’ કોણ જાણે કેમ એના મનમાં થોડી કડવાશ આવી ગઈ. એ ઇચ્છતી હતી કે ઇન્દુ એનો બંગલો જુએ, બગીચો જુએ, […]