જીવનની રમત – ગની દહીંવાલા 5


gani-dahiwalaજીવનના અનેકવિધ સંજોગોને એક રમત્તના રૂપમાં રજૂ કરવા જેટલી હિંમત અને નિખાલસતા તો ગની સાહેબ જેટલા સિધ્ધહસ્ત કલાકાર જ દર્શાવી શકે. ખૂબ સરસ રમતોના રૂપમાં તેમણે જીવનના કેટકેટલાં અઘરા સંજોગોને સરળતાથી, એક રમતની જેમ પસાર કરવાનાં રસ્તાઓ બતાવ્યાં છે. મારી મનપસંદ ગઝલોમાં અગ્રસ્થાને બિરાજતી આ ગઝલનો મત્લા હોય, મક્તા કે આખે આખી ગઝલ, એકે એક શબ્દે વાહ! વાહ! અચૂક નીકળે.

 

સાવ અમસ્તુ નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ,

ચાલ મજાની આંબાવાડી, આવળ બાવળ રમીએ.

બાળ-સહજ હોડી જેવું કાંઈ કાગળ કાગળ રમીએ,

પાછળ વહેતું આવે જીવન, આગળ આગળ રમીએ.

માંદા મનને દઈએ મોટુ માદળિયુ પહેરાવી,

બાધાને પણ બાધન આવે, શ્રીફળ શ્રીફળ રમીએ.

તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં,

છળનાં રણમાં છાનામાના મૃગજળ મૃગજળ રમીએ.

હોય હકીકત હતભાગી તો સંઘરીએ સ્વપ્નાઓ,

પ્રારબ્ધિ પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ.

ફરફર ઉડતું રાખી પવને પાન સરીખું પહેરણ,

મર્મર સરખા પારાવારે ખળખળ ખળખળ રમીએ.

હુંય ‘ગની’ નીકળ્યો છું લઈને આખોમાખો સૂરજ,

અડધીપડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ.

 – ‘ગની’ દહીંવાલા


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “જીવનની રમત – ગની દહીંવાલા