વીણેલા મોતી (ગદ્યખંડો) – સંકલિત


વર્તમાનનો આનંદ માણો

માનવીના દુઃખ નું સૌથી મોટું કારણ એની મનોદશા છે. એના મનને જે છે એનો આનંદ નથી; પણ જે નથી તેનો અસંતોષ છે. માનવીનું મન કાં તો ભૂતકાળનાં કારાગૃહમાં કેદ છે અથવા તો ભવિષ્યના દીવાસ્વપ્નોની ભૂલભૂલામણીમાં ભટકતું હોય છે. મનની આવી દશા માનવીને વર્તમાનના આનંદથી વંચિત રાખે છે. માનવીની મનોદશા આશાને સહારે જીવતી રહેવા ટેવાયેલી છે. જે કામનાથી ગઈ કાલે સુખ ન મળ્યું તે આજે મળશે તેમ માનવીનું મૂરખ મન માની લે છે. વર્ષો થિ વલવલતી વાસનાનાં મૃગજળ કદાચ કાલે સાચાં ઠરશે, જે હજીસુધી નથી થયું તે હવે થશે, જે કોઈકને જ મળ્યું છે તે સુખ મને પણ મળશે એવી અટપટી આશાભરી મનોદશાથી માનવી અતૃપ્ત અને અસંતુષ્ટ જીવી રહ્યો છે. યાદ રાખો કે આનંદ માનવા માટેની સાચી ક્ષણ તો વર્તમાન ક્ષણ જ છે. જેઓ ગઈકાલની ભૂલો વિષે અને આવતી કાલની ગૂંચવણો વિષે સતત વિચાર્યા કરે છે તેઓ પોતાની સન્મુખ પડેલા આજના આનંદને માણી શક્તા નથી.

 – સ્વામી ભગવદાચાર્યજી

અધ્યાત્મના અધિકારી યુવાનો

આ દેશનું આધ્યાત્મ વૃધ્ધોની નહીં, જુવાનોની ચીજ રહી છે. શ્રીકૃષ્ણે જીવનના કુરુક્ષેત્રમાં અપૂર્વ આધ્યાત્મનો પાંચજન્ય શંખ ફૂંક્યો ત્યારે તે વૃધ્ધ નહીં, યુવાન હતા. તે હતા ભારતની તરુંણાઈના રથના સારથી. પોતાની પ્રિયાની ગોદમાં નવજાત રાહુલને સૂતેલો છોડીને સિધ્ધાર્થ અદ્વિતિય ક્રાંતિના પથ પર ચાલી નિકળ્યા હતા ત્યારે તે વૃધ્ધ નહીં, યુવાન હતા. અદ્વૈતના અનન્ય શોધક શંકર (શંકરાચાર્ય) જ્યારે દિગ્વિજય યાત્રા કરી ત્યારે તે વૃધ્ધ નહીં, યુવાન હતા. શિકાગોના રંગમંચ પર વિવેકાનંદે વેદાંતના સાર્વભૌમ ધર્મનો ઉદઘોષ કર્યો ત્યારે તેઓ વૃધ્ધ નહીં, યુવાન હતા. દક્ષિણ આફ્રિકાના રંગભેદના દાવાનળમાં કૂદીને અધ્યાત્મનો આગ્નેય પ્રયોગ ગાંધીએ કર્યો ત્યારે તેઓ વૃધ્ધ નહીં, યુવાન હતા. મિત્રો, અધ્યાત્મ બુઢાપાનું લક્ષણ નથી પણ તરૂણાઈની ઉંચેરી છલાંગ છે.

– જયપ્રકાશ નારાયણ

સાંસારિક મુક્તિનો માર્ગ

જે અનુભૂતિમાં કોઈ એક દિવસ તારો આત્મા મગ્ન થઈ ગયો હતો, એણે પરમ આનંદ અનુભવ્યો હતો, તેની સ્મૃતિ પ્રત્યે તારામાં અશ્રધ્ધા જગાડવાની મારી ઈચ્છા નથી. અહંકારના જે બંધનથી આપણે પોતાના નાનાં વાડામાં પૂરાઈ રહીને સંસારની એકેએક તુચ્છ વસ્તુને મોટી માની લઈએ છીએ, માણસની સ્તુતિ નિંદાને બિલકુલ સાચી કલ્પી લઈએ છીએ, તેમાંથી તને જે મુક્તિ આપી શકે તે જ તારે માટે શ્રેયસ્કર છે. ઘણીવાર આપણે સંસારથી દૂર ભાગી જઈને પોતાને ભોળવીએ છીએ કે મુક્તિ મળી ગઈ છે. એવી ભૂલ ન કરીએ એ જ સારું. સાંસારિક મુક્તિ મળ્યાનો પુરાવો સંસારમાં જ હોઈ શકે.

 – રવિન્દ્રનાથ ટાગોર

આપનો પ્રતિભાવ આપો....