રાષ્ટ્રીય ગાંધી સંગ્રહાલય – જીગ્નેશ અધ્યારૂ 4


National Gandhi Museumદિલ્હીના અનેકો જોવાલાયક સ્થળોમાં અચૂક જોવા અને મૂળેતો અનુભવવા જેવું એટલે રાજઘાટ, એક ત્યાગી અને દેશપ્રેમી, પોતડી, લાકડી અને ચશ્મા પહેરી આખાંય ભારતવર્ષને સત્ય અને અહિંસાના પાઠ ભણાવનાર આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીને આપણે કેવી રીતે લાખો રૂપીયાના પથ્થરો વચ્ચે કેદ રાખ્યા છે, તે જોવા જેવું.

At the enterance of Museumરાજઘાટ સુધી પહોંચ્યા પછી જો મહાત્મા ગાંધી સંગ્રહાલયની મુલાકાત ન કરો તો ઘણું બધું ગુમાવ્યાનો અફસોસ થશે. રાજઘાટથી રોડ ક્રોસ કરી સામેતરફ જવા જેટલા જ અંતર પર આવેલું છે રાષ્ટ્રીય ગાંધી સંગ્રહાલય. ઈન્દ્રપ્રસ્થ મેટ્રો સ્ટેશન ઉતરી ચાલતાં પણ જઈ શકાય છે. સોમવાર સિવાય દરરોજ સવારના ૧૦ થી સાંજના ૬ સુધી એ ખુલ્લું હોય છે. મહાત્મા ગાંધીજી વિશે પુસ્તકો, જર્નલ્સ, અન્ય વિવરણાત્મક સંગ્રહો, તેમના ફોટોગ્રાફ્સ વગેરેનો વિશાળ સંગ્રહ અહીં ઉપલબ્ધ છે. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદનાં પ્રયત્નો થી બનેલ આ સંગ્રહાલયનો ફાઉન્ડેશન સ્ટોન પણ તેમને મૂક્યો હતો અને તેનું ૧૯૬૧માં ઉદઘાટન પણ તેમણે જ કર્યું હતું. ગાંધી વિચારો અને ભારતીય આઝાદીની ચળવળ વિશે અભ્યાસુ વિદ્યાર્થીઓ માટે આ સંગ્રહાલય માહિતિનો અખૂટ ભંડાર છે. પુસ્તકાલય ઘણું વિશાળ છે અને અહીં ગાંધીજી વિશે અને તેમના દ્વારા લખાયેલ લગભગ બધાં પુસ્તકો છે. આ સિવાય અહીં મહાત્મા ગાંધી દ્વારા કે તેમને લખાયેલા ૩૦,૦૦૦ થી વધુ પત્રો, ટેલીગ્રામ્સ અને અન્ય દસ્તાવેજો પણ છે.

Me at Museumઅહીં ગાંધીજી દ્વારા વપરાયેલા વાસણો, તેમના ચશ્મા, પુસ્તકો, રેંટીયો, ચપ્પલ, પાથરણું વગેરે જેવી અનેક વસ્તુઓ સાચવીને રાખવામાં આવી છે. પણ સૌથી સુંદર વસ્તુ એ લાકડી છે જે ગાંધીજીએ દાંડીકૂચ વખતે વાપરી હતી. મહાત્મા ગાંધીની હત્યાને પ્રદર્શિત કરતા પ્રસંગો અને વસ્તુઓને તથા ફોટાઓને દર્શાવતો એક અલગ ઓરડો પણ અહીં છે. ગાંધીજીની પોકેટવોચ, લોહીથી રંગાયેલી ધોતી અને શાલ, તેમને મારવામાં આવેલી ગોળી વગેરેને ખૂબ સરસ રીતે સંગ્રહીને ગાંધીપ્રેમીઓ માટે રાખવામાં આવે છે. ગાંધીજીના જીવન ચરિત્રને દર્શાવવા અહીં દસ ભાગ પાડવામાં આવ્યા છે અને તેને અનુરૂપ ફોટોગ્રાફ્સ સમયક્રમ અનુસાર ખૂબજ સરસ રીતે ગોઠવવામાં આવ્યા છે. ગાંધીજીના ઘણા સુંદર પેઈન્ટીંગ્સ કે પોર્ટ્રેઈટ, વિવિધ દેશોની સરકારે તેમના માનમાં બહાર પાડેલી ટપાલ ટીકીટો, ઓડીયો વિઝ્યુઅલ સેક્શન તથા પુસ્તકો ખરીદવા માટેની વ્યવસ્થા જેવા અત્યંત સુંદર વિભાગો છે. સંગ્રહાલયની બહાર એક જ પથ્થરમાંથી કોતરવામાં આવેલી  દાંડીકૂચના દસ સેનાનીઓની કૃતિ ખૂબજ સુંદર છે. ગાંધી સંગ્રહાલય એક સાચા અર્થમાં એ સમયની યાદો અને તેમની ભારતની આઝાદીની ચળવળ અને સત્ય તથા અહિંસાના સિધ્ધાંતોની એક જીવતી જાગતી પ્રતિકૃતિ છે. મને અહીં મુલાકાત કરી ખૂબ આનંદ આવ્યો.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “રાષ્ટ્રીય ગાંધી સંગ્રહાલય – જીગ્નેશ અધ્યારૂ