એકવાર ચોમાસુ બેઠુ ને – ધ્રુવ ભટ્ટ 5


આજે અહીં રાજુલા – પીપાવાવ – મહુવા પંથકમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ખેતર ખેડી, વાવણી કરી અને ખૂબ જ આશાભરી નજરોથી આકાશની તરફ જોઈ રહેલા ખેડુત મિત્રો એ પ્રાર્થના પણ કરી રહ્યા છે કે હે પ્રભુ, મહેરબાની કરી પાણી ન વધારે આપ ન ઓછું … બસ જરૂર જેટલુ આપ…. ગ્રામ્ય વિસ્તારમાં રહેવાના લીધે મને ખેડુત મિત્રો અને તેમના વડીલો સાથે વાતચીત કરવાની ખૂબ તકો મળી છે. તેમની લાગણીઓ હજીય અસમંજસમાં છે … ક્યાંક વધારે વરસાદ પડ્યો તો? ક્યાંક ઓછો પડ્યો તો? આવી અનિશ્ચિતતાઓ વચ્ચે તેઓ જીવે છે.

વરસાદને અનુલક્ષીને આજે પ્રસ્તુત છે કાવ્ય એકવાર ચોમાસુ બેઠું ….

એકવાર ચોમાસુ બેઠું તે મોરલાએ ટહુકો દીધો ને અમે સાંભળ્યો

ત્યાર પછી પૂર ક્યાંય ઉતર્યા નથી કે નથી ઉનાળો સપનામાં સાંભળ્યો

 

તે દિ’થી વહેતા થ્યા પૂરમાં આ રોજરોજ ઘટનાઓ ઠેલાતી જાય છે

વહેતાની વાતમાં શા વહેવારો હોય એવું વહેવારે કહેવાતુ જાય છે

અક્ષર ને શબ્દો ને અર્થો પલળાઈ ગયા બોલો હું બોલ્યો કે ભાંભર્યો

એકવાર ચોમાસુ બેઠુ તે મોરલાએ ટહુકો દીધો ને અમે સાંભળ્યો

 

પડતો વરસાદ એમાં મરવાના કોલ અને ધસમસતી નદીઓનું ઘેલું

ઝાઝા જુહાર કહી પડતુ મેલાય એમાં વાંચવા વિચારવાનું કેવું

વાદળાંને કંકુને ચોખાનાં મૂરત શું વાદળાનાં મૂરત તો ગાભરો

એકવાર ચોમાસુ બેઠું તે મોરલાએ ટહુકો દીધો ને અમે સાંભળ્યો


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “એકવાર ચોમાસુ બેઠુ ને – ધ્રુવ ભટ્ટ

  • Heena Parekh

    અહીં અમારા વિસ્તારમાં પણ સારો એવો વરસાદ પડી રહ્યો છે. વરસાદી વાતાવરણમાં વરસાદી કવિતા માણવાની મજા આવી. ધ્રુવ ભટ્ટની નવલકથાઓની હું અત્યંત ચાહક છું. તમે એમની સમુદ્રાંતિકે નવલકથા વાંચી ન હોય તો વાંચવા માટે ખાસ ભલામણ કરું છું. તમે હાલ જે વિસ્તારમાં રહો છો તે જ વિસ્તારનું વર્ણન એમાં છે.

  • Harsukh Thanki

    થોડા સમય પહેલાં અમે “હલચલ” અને “દક્ષિણ દર્શન”ની કવર સ્ટોરી વરસાદી કાવ્યો-ગઝલો-ગીતો પર કરી હતી. એ વખતે આ સુંદર કાવ્ય મળ્યું હોત તો ચોક્કસ સમાવી લેવાયું હોત. “દક્ષિણ દર્શન”ના કવર પેજની લિન્ક મોકલું છું.
    http://farm4.static.flickr.com/3229/2672307021_8ed9e1abd0.jpg