પતંગ નું કાવ્ય – બોટાદકર


પતંગ નું કાવ્ય

કંઈક કરતાં તૂટે તૂટો હવે દ્રઢ દોર આ !

હ્રદય સહસા છૂટે છૂટો કુસંગતિથી અહા !

પરશરણ આ છૂટ્યે છોને જગત સુખ ના મળે !

તન ભટકતાં સિંધુ કેરા ભલે હ્રદયે ભળે !

ભડ ભડ થતાં અગ્નિ માંહે ભલે જઈ એ બળે,

ગિરિકુહુરની ઉંડી ઉંડી શિલા પર છો પડે.

મૃદુલ ઉરમાં ચીરા ઉંડા ભલે પળમાં પડે,

જીવન સધળું ને એ રીતે સમાપ્ત ભલે બને,

પણ અધમ આ વૃતિકેરો વિનાશ અહા ! થશે,

પર કર વશી નાચી રેવું અવશ્ય મટી જશે;

રુદન કરવું વ્યોમે પેસી નહીં પછીથી પડે,

ભ્રમણ ભવના બંદી રૂપે નહીં કરવું રહે.

 – શ્રી બોટાદકર ( બુધ્ધિપ્રકાશ માસિક ૧૯૨૨ )

 

( અરધી સદીની વાચનયાત્રા ૧ , સંપાદક મહેન્દ્ર મેઘાણી )

 

ગુજરાતી સાહિત્યમાં ખૂબ ઓછો જોવાયેલ આ પ્રયોગ મને ખૂબ ગમ્યો. આમ તો આ કાવ્ય પતંગને ઉદ્દેશીને લખાયું છે પરંતુ તે આઝાદી પહેલાના ભારત વિષેના એક દેશભક્તના વિચારો તદન સહજ રીતે રજુ કરે છે. કુસંગતિ એટલે ગુલામ મનોદશા, પરશરણ એટલે ગુલામી જેવા સમાનતા દર્શાવતા શબ્દો પતંગના – તે સમયની દેશભક્તિના પ્રદર્શક છે. હિંદ અંગ્રેજોની એડી નીચે ધીમે ધીમે મરે તેના કરતા સ્વતંત્ર થઈને તરત મરી જાય તે વધુ સારૂ તેવા ગાંધીજીના વચનનો અહીં પડઘો પડે છે….


આપનો પ્રતિભાવ આપો....

0 thoughts on “પતંગ નું કાવ્ય – બોટાદકર

  • jugalkishor

    મજાનું કાવ્ય અને મજાનો હરીણી છંદ !!

    ૧૭ અક્ષરો..છઠ્ઠા અને દસમા અક્ષરે એમ બે યતી મુજબ ત્રણ ટુકડા કરો તો મંદાક્રાંતાનો બીજો ટુકડો આમાં પ્રથમ અને એ જ છંદનો પ્રથમ ટુકડો આમાં બીજો મુકવાથી હરીણી છંદ બને છે…!

    બોટાદકરને યાદ કરવા બદલ ધન્યવાદ…કાવ્યોમાં કુટુંબજીવનની સ્નેહ માધુરી પીરસનારા આ આપણા આદરણીય સર્જક છે.

    આભાર.