બંગાળનો બીરબલ – ગોપાલ ભાંડ 7


બંગાળનો બીરબલ – ગોપાલ ભાંડ

આમ જોવા જઈએ તો ગોપાલ ભાંડને ઝાઝો સમય થયો નથી. આ ગોપાલ ભાંડ ૧૭મી સદી માં થઈ ગયો. એનો જન્મ એક ગરીબ કુટુંબમાં થયો હતો.

ગરીબાઈને લીધે જ એ ભણી ગણી શક્યો નહોતો, પણ એનામાં ભારે હૈયા ઊકલત હતી. જ્યાં મોટા મોટા પંડિતો ચકરાવામાં પડી જતા ત્યા ગોપાલ ભાંડ ચપટી વગાડતામાં એનો ઊકેલ શોધી આપતો.

આ ગોપાલ ભાંડ નાદીયા નો વતની હતો અને રાજા કૃષ્ણચંદરાય નો દરબારી હતો.

એક વખત એવું બન્યું કે રાજા કૃષ્ણચંદ્ર ની સભામાં એક પંડિત આવ્યો. એ દેશદેશની ભાષા જાણતો હતો.જ્યારે સંસ્કૃતમાં શ્લોક લલકારે ત્યારે બધાને લાગે કે આ મહાશય કાશીના જ વતની હશે, જ્યારે મરાઠી બોલે ત્યારે મરાઠી લાગે, કન્નડ બોલે તો કન્નડ લાગે, બધી ભાષા પર એવુ પ્રભુત્વ કે એ કયા દેશ માં થી આવે છે એ કહેવુ અધરૂં થઈ જાય.

તેનું બધી ભાષા પર પ્રભુત્વ જોઈને બધા દંગ થઈ ગયા. ખુદ રાજા તેને કહેવા લાગ્યા કે “પંડીતજી, તમારૂં બધી ભાષા પર પ્રભુત્વ જોઈને હું ખરેખર પ્રભાવિત થયો છું, આપ ગુજરાતી બોલો છો તો ગુજરાતી લાગો છો અને તમિલ બોલો છો તો તમિલ લાગો છો, ત્યારે આપની માતૃભાષા કઈ?”

“મહારાજ, આપની વિદ્વાન સભાનું માપ કાઢવાજ હું આવ્યો છું, આપે અનેક મહાન પંડિતો ભેગા કર્યા છે, તો આપની સભા માં થી કોઈ કહે કે હું ક્યાંનો છું, તો હું તેમને ખરા પંડિતો માનું”

મહારાજે બધા પંડિતો ની સામે જોયું, બધા નીચું જોઈ ગયા, કોઈ આનો જવાબ આપવા સમર્થ ન હતા. આખરે મહારાજે ગોપાલ ભાંડ સામે જોયું. તે મહારાજ નો મતલબ પામી ગયો.

“મહારાજ, મેં તો કાળા અક્ષર કુહાડે માર્યા છે, મને તો બંગાંળી સિવાય કોઈ ભાષા આવડતી નથી છતાંય હું કહું તેમ કરો તો આ વાતનો જવાબ ચપટી વગાડતામાં આપું.

“ભલે” મહારાજે તેને છૂટ આપી.

“પંડિતજીને આ વાતનો જવાબ કાલ સુધી માં મળી જશે” ગોપાલે કહ્યું

સભા બરખાસ્ત થઈ, બધા પંડિતો  અને પેલા પરદેશી પંડિત સાથે ગોપાલ પણ સભાખંડના પગથીયા ઉતરી રહ્યો હતો, અચાનક તેણે પંડિતને ધક્કો માર્યો, પંડિત ઉછળીને નીચે પડ્યો, અને “ઓય માં, મરી ગયો” એવી ચીસ એના મોઢા માં થી નીકળી ગઈ.

ગોપાલે બીજા પંડિતો ને પૂછ્યું” આ કઈ ભાષા માં બોલ્યો?”

“ગુજરાતી માં”

“બસ ત્યારે, તેની માતૃભાષા ગુજરાતી છે.”

મહારાજે તેને પૂછ્યું “અરે ગોપાલ તને કેમ ખબર પડી કે આ ગુજરાતી છે?”

“મહારાજ ! પોપટને આપણે રામ રામ બોલતા શીખવીએ છીએ અને કહીએ ત્યારે એ રામ રામ બોલે છે પણ જ્યારે બીલાડી એની બોચી ઝાલે છે ત્યારે એ રામ રામ નથી બોલતો, ત્યારે તો એ ટેં…ટેં… જ કરે છે. માતૃભાષા સિવાયની બીજી બધી ભાષાઓ નવરાશ માં સરસ બોલી શકાય છે. પણ મુસીબતમાં જેમ માણસ માં ને યાદ કરે તેમ માતૃભાષાને ય યાદ કરે છે, એટલે પંડિતજી ગબડતા ગબડતા જે બબડ્યા એ તેમની માતૃભાષા”

મહારાજના દરબારમાં વિદ્વાનોના બે ભાગ હતા. તેઓ સદા વાદ વિવાદમાં રચ્યાપચ્યા જ રહેતા હતા. વરસો સુધી આમ જ તેઓ વાદ વિવાદ કરતા રહેતા. પુરાણોનો તો પાર નહીં, એક વાર એક પંડિતે ગોપાલ ને પૂછ્યું, “આ નો અંત ક્યાં થશે અને ક્યારે થશે? આનો ફેંસલો કેમ આવતો નથી?”

“વખત આવ્યે કહીશ” ગોપાલે કહ્યું

આ જ ગામમાં બે જમીનદાર હતા. બંને અંદરોઅંદર ઝધડ્યા કરે. દર વર્ષે કાલી પૂજા પત્યા પછી જ્યારે રાત્રીનો એક પ્રહર બાકી રહેતો ત્યારે બંને પક્ષ પૂજા પૂરી કરીને નાવડામાં બેસી જતા અને જોર જોર થી હલેસાં મારતા, સવારે મંદિરમાં શંખનાદ વખતે જેની હોડી આગળ હોય તે માતાનો સોનાનો મુગસોનાનો મુગટ લઈ જતો. આ વર્ષે પણ કાલીપૂજાની ભારી ભીડ હતી. અમાસ ની અંધારી રાત હતી. ગોપાલે નાવડા હંકારનાર ને ખૂબ શરાબ પીવડાવ્યો. પૂજા પછી બધા હોડકામાં બેઠા અને જોર જોરથી હલેસા મારવા માંડ્યા.મંદિરમાં શંખનાદ થયો ત્યારે ખબર પડી કે નાવડી તો હજી કિનારે જ હતી.ખલાસીઓએ ખૂબ જોર માર્યુ પણ નાવ એક તસુંય ખસી ન હતી. ગોપાલે નાવ ના દોરડા જ ખોલ્યા ન હતા.જે પંડિતો સદા વાદ વિવાદ માં રચ્યા પચ્યા રહેતા હતા એ બધા ત્યાં હતા. આ જોઈ એ બધા હસવા લાગ્યા.

“આ માં હસવા જેવુ શું છે?, તમે બધા આ જ તો કરો છો…”

ગોપાલે પંડિતોને ઉદેશીને કહ્યું “આ ખલાસીઓ શરાબના નશામાં ચૂર છે, તો તમે શાસ્ત્રોના નશા માં છો, આ લોકો લાકડાના હલેસા મારે છે અને આપ તર્કના હલેસા વાપરો છો, આમની નાવો રસ્સાથી બાંધેલી રહી ગઈ, આપની નાવ મતમતાંતરોના ખૂંટા સાથે બંધાયેલી રહી ગઈ, એ શરાબના નશામાં છે તો આપ મોટાઈના નશામાં છો, માટે હે પંડિતો, જ્યાંસુધી આપ તંગ વિચારો રૂપી રસ્સાને નહીં છોડો, ત્યાં સુધી આપનો ફેંસલો આવવાનો નથી.”

હાસ્ય અને રમતમાં પણ કેવી મર્મભેદી વાત? ગોપાલને આવા કારણો થી જ બંગાળનો બીરબલ કહેવાય છે….તેના વિષે બહુ સાહિત્ય ઉપલબ્ધ નથી.

આ વિષે બીજા પ્રસંગો ફરી ક્યારેક…

 

લેખક : સ્નેહલતા


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “બંગાળનો બીરબલ – ગોપાલ ભાંડ